નોર્વે : ક્રુડ અને ગેસનો ભંડાર છતાં રિન્યુએબલ એનર્જીમાં પણ અવ્વલ

- મીડ વીક- હસમુખ ગજજર
- નોર્વે ઘર આંગણે 98 ટકા વીજળી હાઇડ્રો અને વીન્ડ પાવરમાંથી મેળવે છે બીજી બાજુ ક્રુડ ઓઇલ અને ગેસનું વેચાણ કરીને 2 ટ્રીલિયન ડોલરથી વધુ રકમનું પેન્શન ફંડ પણ ઉભું કર્યુ છે
ઇ રાન યુધ્ધ અને ત્યાર પછીની ભૂ રાજકીય પરિસ્થિતિથી દુનિયા ભરમાં ઉર્જા કટોકટીનું જોખમ તોળાયું છે. ક્રુડ ઓઇલ અને ગેસના ઉત્પાદન, પૂરવઠા અને વિતરણની વ્યવસ્થા ખોરવાઇ જવાથી ઇંધણનો ભાવ વધારો ધીમા પગલે મોંઘવારીને આમંત્રણ આપી રહયો છે. વિશ્વના કુલ ક્રુડ વેપારનો ૨૦ ટકા જેટલો હિસ્સો ઇરાન અને ઓમાનની વચ્ચે આવેલી હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય છે. અમેરિકા -ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુધ્ધ થયા પછી હોર્મુઝ જળમાર્ગના નિયંત્રણ માટેના સંઘર્ષનો હજુ અંત આવ્યો નથી. યુધ્ધથી આરબ દેશોના અર્થતંત્ર પર વિપરિત અસર થઇ રહી છે ત્યારે સ્કેન્ડિનેવિયન દેશ નોર્વેએ ક્રુડ અને ગેસમાંથી અબજો ડોલરની કમાણી કરી છે. ગલ્ફ દેશોમાંથી વિશ્વમાં પ્રસરી પહેલી ઉર્જા આફત નોર્વે માટે અવસર બની છે. નોર્વે ૬.૯ બિલિયન ડોલરનો ક્રુડ ઓઇલ ભંડાર ધરાવે છે. દુનિયાના સૌથી મોટા તેલ અને ગેસના નિકાસકારોમાં ગણતરી થાય છે. ઇરાન વિરુધના અમેરિકા અને ઇઝરાયેલના યુધ્ધ પછી મધ્ય પૂર્વમાં તણાવ વધવાથી નોર્વેએ વધારાની ૫ અબજ ડોલરની આવક મેળવી છે. નોર્વેની સ્થાનિક ઉર્જા કંપનીઓનું માર્કેટ પ્રદર્શન રેકોર્ડતોડ રહયું છે. નવાઇની વાત તો એ છે કે નોબેલ શાંતિ પુરસ્કાર આપતો દેશ યુધ્ધની ઉથલ પાથલથી અમીર બની રહયો છે. વિશ્વમાં સર્જાતી અશાંતિમાંથી નોર્વે જેવા શાંત દેશની કમાણી થાય છે આ વિરોધાભાસની નોર્વેના પર્યાવરણવાદીઓ ટીકા કરતા રહે છે.
૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે યુરોપમાં રશિયાની ઉજા નિકાસ ઘટી ત્યારે નોર્વે જ એક માત્ર વિશ્વાસ પાત્ર ઉર્જા સાથીદાર તરીકે બહાર આવ્યો હતો. આજે પણ નોર્વે યુરોપમાં ખપત થતા ગેસનો ૩૦ ટકા અને ક્રુડતેલનો ૧૫ ટકા નિકાસ હિસ્સો ધરાવે છે જે નોર્વેની નિકાસનો ૯૦ ટકા ભાગ છે. નોર્વે પાસેથી બ્રિટન દર વર્ષે ૨૦ અબજ પાઉન્ડનું ક્રુડ તેલ અને ગેસ ખરીદે છે. નોર્વેના ઉત્તરી સાગરમાં આવેલા તેલ ભંડારો કાળા સોના સમાન પૂરવાર થયા છે. ગત વર્ષ નોર્વેના ઉત્તરી સાગરમાં એક દસકામાં સૌથી મોટા તેલ ભંડારની શોધ થઇ હતી જેમાં ૧૩ કરોડ બેરલ જેટલું તેલ મળી શકે તેમ હતું. નોર્વે ક્રુડ તેલ ભંડાર બાબતે ૨૦માં સ્થાન ધરાવે છે. તેની પાસે વૈશ્વિક તેલ ભંડારનો ૦.૩૯ ટકા હિસ્સો છે. દરરોજ બે મિલિયન ક્રુડ તેલનું ઉત્પાદન કરે છે. નોર્વે દુનિયાનો એક એવો દેશ જેના પેટાળમાં ક્રુડ તેલ હોવા છતાં દાયકાઓથી ૯૮ ટકા વીજળી હાઇડ્રોપાવર અને વીન્ડ પાવરમાંથી મેળવે છે.નોર્વેએ પર્વતો,નદીઓ, ઝરણા અને ગ્લેશિયરોની ભૌગોલિક સ્થિતિનો લાભ લઇને ઓછા ખર્ચે જળવિધુત નેટવર્ક ઉભું કર્યુ છે. નોર્વેના લોકોએ વર્ષોથી પર્યાવરણને અનુકૂળ હોય તેવી રિન્યુએબલ એનર્જી અપનાવી છે. પર્યાવરણ અનૂકૂળ નીતિઓ નોર્વેની આગવી ઓળખ રહી છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના આ અગ્રણી સભ્ય દેશે વર્ષ ૧૯૯૧માં ગ્રીન એનર્જીને વધારવા માટે કાર્બન ટેકસ લગાવ્યો હતો. ૨૦૦૫માં ઇલેકિટ્રક કારના ઉત્પાદન અને ઉપયોગમાં વિશ્વમાં ટોચનો દેશ બની ગયો હતો. નોર્વેમાં વેચાતી ૧૦ માંથી ૯ ઇલેકિટ્રક હોય છે. ૨૦૧૭માં નોર્વેની સંસદે વર્ષ ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ૫૦ ટકા ઘટાડવાનો કલાયમેટ ચેંજ એકટ પસાર કર્યો હતો. નોર્વેની સરકાર ઇ-વાહન ખરીદનારને ટેકસમાં રાહત, સસ્તા ટોલ અને પાર્કિગમાં ફાયદા જેવી સુવિધાઓ આપે છે. નોર્વેના નાગરિકો વર્ષોથી પર્યાવરણ પ્રત્યે ખૂબજ જાગૃત જોવા મળે છે. સમગ્ર દેશમાં જાહેર પરિવહન, સાયકલ અને પગપાળા ચાલવા પર ભાર મુકવામાં આવે છે. નોર્વેના અનેક શહેરોની ટકાઉ ડિઝાઇન ધ્યાન ખેંચે છે.
નોર્વેની સરકાર ક્રુડ તેલમાંથી થતી કમાણી તરત જ ખર્ચવાના સ્થાને એક મોટો હિસ્સો ગર્વમેન્ટ પેંશન ફંડ ગ્લોબલમાં જમા કરે છે. આ દુનિયાનો સૌથી મોટો સોવરિન વેલ્થ ફંડ માનવામાં આવે છે. નોર્વેના સરકારી પેંશન ફંડનું મૂલ્ય હવે ૨ ટ્રીલિયન ડોલર (૨ લાખ કરોડ ડોલર)થી વધારે છે. નોર્વે પાસે જે ફંડ છે તે ભારતની જીડીપીના અડધા જેટલું છે. નોર્વના ૫૬ લાખ લોકોને માથાદીઠ વહેંચવામાં આવે તો આ રકમ ૩.૫ કરોડ યુએસ ડોલર થાય છે. આ મશહૂર સૉવેરિન વેલ્થ ફંડને ઓઇલ ફંડ પણ કહેવામાં આવે છે. નોર્વેનું ફંડ કોઇ વ્યકિત કે ખાનગી કંપનીની સંપતિ નથી પરંતુ નોર્વેના નાગરિકોના સામૂહિક સ્વામિત્વ વાળો એક સરકારી સંપ્રભુ ધન કોષ (સોવેરિન વેલ્થ ફંડ) છે. આ ફંડનું વ્યવસ્થાપન નોર્જેસ બેંક ઇન્વેસ્ટમેંટ મેનેજમેન્ટ (એનબીઆઇએમ) દ્વારા થાય છે જે નોર્વેના નાણા મંત્રાલયની દેખરેખમાં કામ કરે છે. આ ફંડ આવનારી પેઢીઓના સુરક્ષિત ભવિષ્ય અને લાંબા સમય સુધી આર્થિક સમાનતા માટે મજબૂત કરવા માટે થાય છે.
ફંડનો હેતું ભવિષ્યમાં ક્રુડની માંગ માંગ ઓછી થઇ જાય તેમ છતાં દેશની આર્થિક સ્થિતિ મજબૂત જળવાઇ રહે તેવો છે. આ ઉદાર પેન્શન પ્રણાલી કલ્યાણકારી રાજય અને આર્થિક સ્થિરતાની ગેરંટી આપે છે. સરકાર કાનુુન હેઠળ આ ફંડના માત્ર ૩ ટકા રિટર્નનો જ ઉપયોગ કરી શકે છે. આ રીતે નોર્વેએ ક્રુડની સમૃધ્ધિ ધરાવતા દેશો કરતા એક અલગ જ રણનીતિ અપનાવી છે. નોર્વેમાં ૯૦ થી વધુ ક્રુડ ઓઇલ ઉત્પાદન ક્ષેત્રો છે જેમાંના મોટા ભાગના ઉત્તરી સાગરમાં છે. ઘર આંગણે ગ્રીન એનર્જીને વરેલી નોર્વે સરકાર હજુ પણ કુવાઓ ખોદવાનું અને પ્રોસેસિંગ પ્લેટફોર્મ તૈયાર કરવાનું આયોજન ધરાવે છે. નોર્વેએ ખાસ કરીને બારેંટ્સ સાગરમાં નવા તેલ ક્ષેત્રોમાં ઉત્પાદન વધાર્યુ છે. નોર્વેની સરકાર તેલ ઉધોગને વધુ વિકસિત કરવા ઇચ્છે છે તેના ભાગરુપે જ તેલ ક્ષેત્રો શોધવા માટે નવા ૫૭ લાયસન્સને મંજુરી આપી છે. નોર્વેની ગ્રીન રાજનીતિક પાર્ટીઓ અને વિચારકો પણ વૈશ્વિક અશાંતિના લીધે વધી રહેલા ક્રુડ અને ગેસના કારોબારથી થતી આવક હાલ પુરતી સ્વીકારવા મજબૂર બન્યા છે. ઘરેલું સ્તર પર કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો અને વૈશ્વિક સ્તરે જીવાશ્મ ઇંધણના મોટા નિકાસકારની ભૂમિકાના વિરોધાભાસને નોર્વેજીયન પેરાડોકસ નામ આપવામાં આવ્યું છે. નોર્વેના પર્યાવરણ સમૂહો યુવા એકટિવિસ્ટો ક્રુડ ઓઇલ કારોબાર ઓછો કરવાનું દબાણ કરી રહયા હોવા છતાં સરકાર અર્થ વ્યવસ્થામાં યોગદાન જોતા ખનીજ તેલ ઉધોગના અનિવાર્ય અનિષ્ઠને સ્વીકારે છે. આ સેકટરમાંથી હજારોને રોજગારી પણ મળી રહી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે નોર્વેમાં ફોસિલ ફયૂઅલની આવક અંગે વર્ષોથી રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા થતી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં નોર્વે સરકાર માટે ક્રુડ ઓઇલ અને ગેસ વેચીને કમાણી કરવાની અનુકૂળ પરિસ્થિતિ છે પરંતુ ભવિષ્યમાં ગ્રીન એનર્જીના ચાહક દેશમાં આ નીતિ લાંબા ગાળે રાજકીય ગુંચવાડો ઉભો કરી શકે છે.









