Get The App

ફાંસી: ભારતમાં ગુનેગારને અપાતા મુત્યુદંડની મેથડ

હસમુખ ગજજર .

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
ફાંસી: ભારતમાં ગુનેગારને અપાતા મુત્યુદંડની મેથડ 1 - image


નેશનલ લો યૂનિવર્સિટીના ડેથ પેનલ્ટી રિસર્ચ પ્રોજેકટમાં જણાવાયું હતું કે ભારતમાં ૧૯૪૭ થી ૨૦૧૫ સુધીમાં કુલ ૧૪૧૪ ગુનેગારોને ફાંસીની સજા થઇ જેમાંથી ૫૭ને ફાંસી આપી શકાઇ છે. છેલ્લા ૧૫ વર્ષમાં ૧૩૦૦ થી વધુને મુત્યુદંડની સજા થઇ જેમાંથી માત્ર ૪ ને ફાંસી થઇ છે

૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ દિલ્હીમાં પેરા મેડિકલની ૨૩ વર્ષની સ્ટુડન્ટ નિર્ભયા પર થયેલા ગેંગરેપની ઘટનાએ દેશમાં ચકચાર જગાવી હતી. ૧૩ દિવસ મોત સામે ઝઝુમ્યા પછી સિંગાપોરની હોસ્પીટલમાં પીડિતાનું મુત્યુ થતા રેપકાંડના ૬ આરોપીઓને ફાંસી આપવા જન આક્રોશ ભભૂકી ઉઠયો હતો. નિર્ભયાકાંડ પછી પણ રેપની ઘટનાઓ અટકી નથી એ જુદી વાત છે પરંતુ એ સમયે મુંબઇ, કોલકતા, અમદાવાદ, જયપુર, બેંગ્લોર સહિતના મોટા શહેરો અને નાના નગરોમાં પીડિતાના સમર્થનમાં રેલી અને પ્રદર્શનો થયા હતા.

૧૯૭૮માં દિલ્હીમાં નેવી ઓફિસર્સના બે બાળકોનું અપહરણ કરનારા રંગા-બિલ્લા કેસ પછી પ્રથમવાર મોટા પાયે રોષનો માહોલ જોવા મળ્યો હતો. ૭ વર્ષની લાંબી ન્યાય પ્રક્રિયાના અંતે નિર્ભયા કેસના ૪ ગુનેગારોને ૨ ફેબુઆરીએ ફાંસીના માંચડે લટકાવવાની ઘડી આવી પહોંચી છે. નિર્ભયાકાંડના ૬ આરોપીમાંથી એકે જેલમાં જ આત્મહત્યા કરી હતી જયારે બીજો પુખ્ત ન હોવાથી છોડી મુકાયો હતો. જો કોઇ ફેરફાર ના થાયતો ૨ ફેબુ્રઆરીએ ગેંગરેપના ગંભીર અપરાધ બદલ ભારતમાં વિનય, અક્ષય, પવન અને મુકેશ એમ ૪ ને એક સાથે ફાંસી આપવાની પ્રથમ ઘટના હશે. 

દુનિયાના કેટલાક દેશોની જેમ ભારતમાં પણ ફાંસીએ મુત્યુદંડની મેથડ છે. દિલ્હીની નેશનલ લો યૂનિવર્સિટીના ડેથ પેનલ્ટી રિસર્ચ પ્રોજેકટમાં જણાવાયું હતું કે ભારતમાં ૧૯૪૭ થી ૨૦૧૫ સુધીમાં કુલ ૧૪૧૪ ગુનેગારોને ફાંસીની સજા થઇ જેમાંથી ૫૭ને ફાંસી આપી શકાઇ છે. છેલ્લા ૧૫ વર્ષમાં ૧૩૦૦ થી વધુને મુત્યુદંડની સજા થઇ જયારે માત્ર ૪ ને ફાંસીએ લટકાવાયા હતા. આ ફાંસીમાં ૨૦૦૪માં બળાત્કાર અને હત્યાનો આરોપી ધનંજય ચેટરજી, ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઇ પરના આતંકી હુમલામાં પાકિસ્તાની નાગરિક અજમલ કસાબ, દેશની સંસદ પરના હુમલાનો કાવતરાખોર અફઝલ ગુરુ અને ૧૯૯૩ના મુંબઇ બોંબ બ્લાસ્ટના સુત્રધાર યાકુબ મેમણનો સમાવેશ થાય છે.

ભારતમાં ફાંસીની સજાના રાજયવાર આંકડા જોઇએ તો ૨૦૧૫ સુધીમાં ઉત્તરપ્રદેશમાં ૩૯૫થી વધુને ફાંસીની સજા થઇ પરંતુ એક પણને માચડે લટકાવાયો નહી. બિહારમાં ૧૪૪,મહારાષ્ટ્રમાં ૧૨૯, તામિલનાડુમાં ૧૦૬ અને કર્ણાટકમાં ૧૦૩ને ફાંસીની સજા થઇ હતી. આતંકી પ્રવૃતિઓનો ભોગ બનેલા જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૭૦ વર્ષમાં ૪૭૦૦૦ થી લોકોના મોત થયા છતાં એક પણ ફાંસી થઇ નથી. સ્વતંત્ર ભારતમાં પ્રથમ ફાંસી ૧૫ નવેમ્બર ૧૯૪૯માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કેસમાં નથુરામ ગોડસેને આપવામાં આવી જયારે  છેલ્લી ફાંસી ૩૦ જુલાઇ ૨૦૧૫માં યાુકબ મેમણને થઇ હતી. 

વિશ્વમાં ભારત સહિત કુલ ૫૩ દેશોમાં મુત્યુદંડની કાયદાકિય જોગવાઇ છે. ભારતમાં રેર ઓફ રેરેસ્ટ એટલે કે અત્યંત ક્રુર અને જધન્ય ગુના જેમ કે રેપ, દેશદ્રોહ, ડ્ગ્સ હેરાફેરી, નરસંહાર, અપહરણ, બાળકોનું અપહરણ અને જાતિય શોષણ જેવા ગુનાઓમાં અપરાધીને મુત્યુદંડ સુધીની સજા થઇ શકે છે. ભારત ઉપરાંત મલેશિયા, બાર્બાડોસ, બોત્સવાના, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તાંઝાનિયા, ઝાંબિયા અને ઝિમ્બાબ્વે સહિતના કુલ ૩૩ દેશોમાં મુત્યુદંડના વિકલ્પ તરીકે ફાંસીની સજા થાય છે.

એમનેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ૧૦૬ દેશોએ (યુધ્ધ સિવાયની સ્થિતિને બાદ કરતા)કાયદો સુધારીને મુત્યુદંડની જોગવાઇ રદ કરી છે. છેલ્લા ૫ વર્ષ દરમિયાન માડાગાસ્કર, ગિનિયા, બુર્કિનાફાસો જેવા દેશોએ મુત્યુદંડની સજા નાબૂદ કરી છે તેમ છતાં વિશ્વની ૬૦ ટકા વસ્તી મુત્યુદંડ હેઠળ આવી જાય છે. અફઘાનિસ્તાન,સુદાનમાં ફાયરિંગ ઉપરાંત સ્ટોનિંગથી પણ મુત્યુદંડ અપાય છે.

માત્ર ફાયરિંગ દ્વારા મુત્યુદંડ આપતા દેશોમાં યમન, ટોંગો, તુર્કમેનિસ્તાન,થાઇલેન્ડ, બહેરિન, ચિલી, ઇન્ડોનેશિયા, ઘાના અને આર્મેનિયાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા સહિતના ૩ દેશોમાં ફાંસી ઉપરાંત શિરચ્છેદ પણ અમલમાં છે. અમેરિકામાં ઇન્જેકશન, ફાયરિંગ અને ઇલેકટ્રોકયૂશનથી મુત્યુદંડ પ્રચલિત છે. ફિલિપાઇન્સ એક એવો દેશ છે જયાં ઝેરી ઇન્જેકશનથી ગુનેગારના જીવનનો અંત લાવવામાં આવે છે. ફાંસી સહિતની વિવિધ રીતથી મુત્યુદંડ આપવામાં ચીન સૌથી આગળ છે પરંતુ વિશ્વ સમુદાય સમક્ષ તેના સાચા આંકડા જાહેર થતા નથી.

વિશ્વમાં મુત્યુદંડની સૌથી પ્રચલિત મેથડ ફાંસી હંમેશા સવારમાં જ અપાય છે. ભારતમાં પણ જેલ મેન્યુઅલ મુજબ ફાંસીની સજાનો અમલ સવારમાં જ થાય છે.  આ સમય પસંદ કરવા માટે સામાજિક અને વ્યહવારુ અભિગમ કારણભૂત મનાય છે. ફાંસી પછી મેડિકલ તપાસ, કાગળો તૈયાર કરવાની કામગીરીમાં સમય લાગે છે.વહેલી સવારે ફાંસી આપવાથી જે તે જેલ પ્રશાસનને આ માટે પુરતો સમય મળી રહે છે અને મૃતકના સગાને એ જ દિવસે લાશની અંતિમક્રિયામાં પણ સુગમતા રહે છે.

બીજુ કે ફાંસીની સજા પામનારા ગુનેગારને સવારમાં શારીરિક અને માનસિક દબાણ ઓછું રહે છે. ફાંસીએ છેવટની સજા હોવાથી સમય મોડો હોય તો બહારના લોકોનું ધ્યાન ખેંચાય કે હોબાળો ના થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય એવું પણ બની શકે છે.  ફાંસીના ૧૫ દિવસ પહેલા  એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે જે જમીનથી ૪ ફૂટ જેટલું ઉંચું હોય છે. આ પ્લેટફોર્મ પર ફાંસીની સજા પામનારાને લાકડાના ગોળાકાર પર ઉભો રાખવામાં આવે છે.

જે ટી આકારના થાભલા પર ફાંસીનું દોરડુ લટકાવવામાં આવે છે  તે ૧૦ ફૂટ જેટલો ઉંચો હોય છે. ફાંસી માટેની રસ્સી ૬ મીટર લાંબી હોય છે. જલ્લાદ લિવર ખેંચે કે તરત જ ગુનેગાર દોરડા પર લટકતો રહી જાય છે. શરીરનું સમગ્ર વજન ગરદન પર આવી જાય છે. ગરદનની માંસપેશીઓ તુટવા લાગતા ગરદન લાંબી થવા લાગે છે અને મસ્તિષ્કનો શરીર સાથેનો સંપર્ક કપાતો જાય છે.

શ્વાસ ઘુંટાવાથી હ્વદય તરફ જતો લોહીનો પ્રવાહ અટકે છે. ફાંસી આપ્યા પછી ૫ મીનિટથી માંડીને ૨૦ થી ૨૫ મીનિટમાં મોત થાય છે. જો કે છેવટે ડૉકટર જ શરીર તપાસીને ગુનેગારને મૃત જાહેર કરે છે. ફિલિપાઇન્સમાં અબાકા નામનું એક વૃક્ષ થાય છે તેના મજબૂત રેસામાંથી અંગ્રેજો ફાંસીનું દોરડું તૈયાર કરાવતા હતા. હવે અબાકા નહી પરંતુ જે -૩૪ ટાઇપના ખાસ કોટનનો ઉપયોગ થાય છે તેમ છતાં ફાંસીના પ્રચલિત દોરડાને ભારતમાં આજે પણ મનિલા રોપ કહેવામાં આવે છે.

૯૦ વર્ષથી ફાંસીના ગાળિયા તૈયાર કરતી બકસર જેલ
ઇન્ડિયન ફેકટરી લો મુજબ બિહારની બકસર જેલ સિવાય ફાંસીનો ગાળિયો બનાવવા પર પ્રતિબંધ છે. ભારતમાં આ એક માત્ર જેલમાં ફાંસીની રસ્સી તૈયાર કરવાનું મશીન લગાવાયું છે.બકસર જેલના કેદીઓ અંગ્રેજોના સમયથી ફાંસીના ગાળિયા તૈયાર કરે છે. જે તે સમયે મજબૂત અને નરમ રસ્સી તૈયાર કરવા માટે ભેજની જરુર પડતી હતી.

બકસર જેલ ગંગા નદી પાસે હોવાથી ૯૦ વર્ષ પહેલા અંગ્રેજોએ આ સ્થળ પસંદ કર્યુ હતું. જો કે હવે ફાંસી માટેનું સુતર રેડિમેડ લાવવામાં આવતું હોવાથી ભેજની જરુર પડતી નથી અને મશીનનો ઉપયોગ માત્ર સુતર લપેટવા માટે જ થાય છે. સુતરના ૧૫૩ તાંતણાની એક લટ તૈયાર કરવામાં આવે છે આ તમામ તાંતણાઓને જોડીને ૧૬ ફૂટ જેટલી લાંબી રસ્સી તૈયાર થાય છે.

Tags :