શું રશિયા અને યુએસ પહેલા ઝામ્બિયનો ચંદ્ર-મંગળ પર જવાની તૈયારી કરતા હતા?

- મીડ વીક- હસમુખ ગજજર
- 1964માં ઝામ્બિયાને આઝાદી મળી તેના ઘણા સમય પહેલા ઝામ્બિયાના વિજ્ઞાન શિક્ષક એડવર્ડ મુકુકા નકોલોસોએ ઝામ્બિયન યુવાઓને અંતરિક્ષમાં જવા માટે પ્રશિક્ષણ આપી રહયા હોવાનો દાવો કરતા વિજ્ઞાન અને સમાચાર જગતમાં આશ્ચર્ય સર્જાયું હતું.
ના સાનું ઓરિયન કેપ્સુલ કેલિફોર્નિયાના સેન ડિએગોના કાંઠે લેન્ડ થવાની સાથે જ ૫૦ વર્ષ પછી માનવીએ પ્રથમવાર ચંદ્રની નજીક જવાની સિધ્ધિ મેળવી લીધી છે. આર્ટેમિસ -૨ મિશન અંર્તગત સ્પેસ ક્રાફટે પૃથ્વીથી ૨૫૨૭૫૬ માઇલનું અંતર કાપ્યું (૪૦૬૭૭૧ કિમી) જે અંતરિક્ષમાં માણસ દ્વારા કાપવામાં આવેલું સૌથી લાંબુ અંતર છે. ૧ એપ્રિલના રોજ ફલોરિડાના કેપ કૈનાવેરલ સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી કમાંડર રીડ વાઇઝમેન સહિત ઉડાણ ભરનારા ૪ અવકાશયાત્રીઓ ૧૧ એપ્રિલે સુરક્ષિત પાછા ફર્યા હતા. આ મિશનમાં ચાલકદળે ચંદ્ર પર ઉતરવાના સ્થાને ચંદ્રના ગુરુત્વાકર્ષણની મદદથી સ્વભાવિક રીતે પૃથ્વી તરફ વળી ગયું હતું જેને ફ્રિ રિટર્ન ટ્રેજેકટરી કહેવામાં આવે છે. આર્ટેમિસ-૨ની સફળતા ૨૦૨૨ના માનવ રહિત આર્ટેમિસ-૧ ની સફળતાનો બીજો અધ્યાય છે. વિકટર ગ્લોવર (પાયલોટ) લો અર્થ ઓર્બિટથી ઉપર યાત્રા કરનારા પ્રથમ અશ્વેત વ્યકિત છે. મિશન નિષ્ણાત ક્રિસ્ટિના કોચ જે ચંદ્રની ચારે તરફ ભ્રમણ કરનારા પ્રથમ મહિલા બન્યા છે. કેનેડાની અંતરિક્ષ એજ્ન્સી (સીએસએ)ના અંતરિક્ષયાત્રી જેરમી હેનસેન જે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડનારા પ્રથમ બિન અમેરિકી છે.
મૂન મિશનોની વાત કરીએ તો ૧૯૬૬માં સોવિયત સંઘનું લુનાર -૯ પ્રથમ અંતરિક્ષયાન જેને ચંદ્ર પર સુરક્ષિત સોફટ લેન્ડિંગ કર્યુ હતું. ત્યાર પછી અમેરિકાનું સર્વેયર ૧, ૧૯૬૬માં પહેલું રોબોટિક લેન્ડિંગ મિશન જેને ૧૧૦૦૦થી વધુ તસ્વીરો લીધી હતી. ૧૯૬૯નું વિખ્યાત એપોલો- ૧૧ પ્રથમ માનવયુકત ચંદ્રાવરોહણ મિશન જેમાં નિલ આર્મસ્ટ્રોંગ અને બજ આલ્ડ્રીને ચંદ્રની સપાટી પર ઉતરીને નમુના લીધા હતા.૧૯૭૦માં સોવિયત સંઘનું લુના ૧૬ એક રોબોટિક મિશન જેને પ્રથમવાર ચંદ્રની સપાટી પર ઉતરીને ડ્રિલિંગ કરીને ચંદ્રની માટી પૃથ્વી પર લાવવા માટે એક કેપ્સુલ પ્રક્ષેપિત કર્યુ હતું. ૧૯૭૨માં અમેરિકાનું એપોલો ૧૭ જે એપોલો કાર્યક્રમનું અંતિમ મિશન હતું જેને ચંંદ્રની લાંબી સફર ખેડી હતી.૧૯૭૬માં સોવિયત સંઘનું લૂના -૨૪ અંતિમ ચંદ્ર મિશન હતું જેને લગભગ ૨ મીટર સુધી ડ્રિલિંગ કરીને માટીના નમૂના પૃથ્વી પર મોકલ્યા હતા.આધુનિક યુગના સોફટ લેન્ડિંગની વાત કરીએ તો ભારત ચીન સહિત અનેક દેશોએ મૂન મિશનમાં ઝંપલાવેલું છે. ૨૦૨૩માં ભારત ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધુ્રવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો.
સૌ જાણે છે કે શરુઆતના અવકાશ સંશોધનો અને ખાસ કરીને મૂન મિશન માટે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચેની ગળાકાપ વિજ્ઞાન હરિફાઇનો ફાળો હતો પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે સોવિયત સંઘ અને અમેરિકા પહેલા દક્ષિણ આફ્રિકાખંડના ઝામ્બિયા દેશમાં ચંદ્ર -મંગળ પર જવાની કલ્પના અને તૈયારીઓ થઇ હતી. આ એક એવી રસપ્રદ બાબત છે જેની શરુઆત ૨૪ ઓકટોબર ૧૯૬૪ના રોજ ઝામ્બિયાને આઝાદી મળવાની સાથે થઇ હતી. ઉત્તરી રહોડેશિયાના પૂર્વ બ્રિટિશ સંરક્ષિત ક્ષેત્ર જેને ઝામ્બેજી નદીના નામ પરથી ઝામ્બિયાના નામથી ઓળખાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આઝાદીના એક સપ્તાહ પછી ૨૯ ઓકટોબરના રોજ પ્રતિષ્ઠિત 'ટાઇમ' પત્રિકામાં એક લેખ પ્રકાશિત થયો હતો જે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કેનેથ ડેવિડ કૌડા પર આધારિત હતો. આ લેખના છેલ્લા ફકરામાં ઝામ્બિયાનાની એક પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક અને રાષ્ટ્રીય વિજ્ઞાન અંતરિક્ષ સંશોધનના નિર્દેશક એડવર્ડ મુકુકા નકોલોસો નામના માણસનો ઉલ્લેખ હતો. નકોલોસોનો દાવો હતો કે તેઓ ઘણા સમયથી ઝામ્બિયન યુવાઓને અંતરિક્ષમાં જવા માટે પ્રશિક્ષણ આપી રહયા છે. માથા મ્વાંબ નામની ૧૬ વર્ષની સુડોળ છોકરી અને એકવીસ વર્ષના ગૉડફે મવાંગોે નામના યુવકને તેઓ ચંદ્ર પર મોકલવા ઇચ્છતા હતા. યુવતીને તેલના એક ડ્રમમાં બેસાડીને વૃક્ષોની ચારે તરફ ગોળ ગોળ ફેરવતા હતા. પહેલી નજરે હાસ્યાસ્પદ લાગતી આ નોંધથી વિર્ન અને સમાચાર જગતામાં હલચલ મચી ગઇ હતી. પ્રચારાત્મક લાગતી વાતને કેટલી ગંભીરતાથી લેવી સૌથી મોટી મુંઝવણ હતી. ત્યાર પછી તો ઝામ્બિયાના નકોલોસોના સાક્ષાત્કારનો દોર શરુ થયો હતો. ખાખી રંગની સૈન્ય વર્દી અને માથે હેલમેટ પહેરીને તેઓ આત્મવિશ્વાસથી વાત કરતા કે કેટલાક એવું લોકો સમજે છે કે હું પાગલ છું પરંતુ ચંદ્ર પર જામ્બિયાનો ઝંડો જરુર ફરકાવીશ. નકોલોસોએ ઇઝરાયેલ, રશિયા, અમેરિકા, અરબ ગણ રાજય અને યુનેસ્કો પાસે ૨૦ મિલિયનથી લઇને બે અબજ ડોલર સુધી મોટી રકમની સહાયતા માંગી હતી. અખબારોમાં નોંધ લેવામાં આવી હતી કે વિદેશી શુભચિંતકોના પત્રોનો ઢગલો થયો હતો જેમાં ખૂબ સરસ શુભકામનાઓ પ્રગટ થતી હતી પરંતુ અંતરિક્ષમાં રસ ધરાવતા એક ભારતીય સ્કૂલી વિધાર્થી દ્વારા મોકલાયેલી ૧૦ રુપિયાની નોટ સિવાય કોઇ જ પૈસા ન હતા. શીતયુધ્ધના કયા પક્ષ પાસેથી મદદ મળશે એનાથી નકોલોસોને કોઇ જ મતલબ ન હતો. આ પરિયોજના માટે કોઇ ઉપર ભરોસો નહી હોવાથી સમગ્ર માહિતી અને વિવરણ ગૂપ્ત રાખ્યું હતું. નકોલોસોનું માનવું હતું કે રોકેટની ટેકનિક અને પોતાના કેટલાક વિચારો તો અમેરિકનો અને રશિયનો કરતા પણ આગળ છે.
તેમનું મુખ્ય કાર્યાલય દૈનિક કાર્યની જરુરિયાત પ્રમાણે બદલાતું રહેતું હતું. તેમની આલમારીઓ અમેરિકી દુતાવાસ દ્વારા દાનમાં આપવામાં આવેલા અંતરિક્ષ સંબંધી પુસ્તકોથી ભરેલું હતું. ઝામ્બિયાઇ અંતરિક્ષ કાર્યક્રમની જાહેરાત માટેના કેલેન્ડરમાં ટાંકયું હતું કે તેમનું અંતરિક્ષયાન સાઇકલોપ્સ આકાશના સાત પડ ભેદીને અંતરિક્ષમાં ઉડાણ ભરશે. નકોલોસોની અંતરિક્ષ દોડની વાતો કેટલાક અંશે રંગભેદવાળી પણ હતી. તેઓ માનતા કે આવનારી પેઢીઓના અશ્વેત વૈજ્ઞાનિકો અનંત અંતરિક્ષનું સંશોધન ચાલુ જ રાખશે. પોતાની પાસે સ્વયં નિર્મિત અંતરિક્ષ પ્રાધોગિકી અને પ્રશિક્ષણ હોવાનો દાવો કરતા હતા. પોતાની ટીમને ચંદ્ર પરની ભારહીનતાનો અનુભવ કરાવવા ૪૦ ગેલનના ડ્રમમાં બેસાડીને પહાડ પરથી ગબડાવતા હતા. ઉંંચા વૃક્ષો પર રસ્સીઓ બાંધીને પોતાના અંતરિક્ષયાત્રીઓને ધીરે ધીરે ઝુલાવતા હતા. એક મીડિયાકર્મી પાસે વર્ણન કરેલું કે એક લાંબી રસ્સીના છેડેથી હું ઝુલીને તેના
ઉચ્ચતમ બિંદુ પર પહોંચીને રસ્સી કાપી નાખું છું. આ ઝુલવાવાળી પ્રણાલી સ્વયં અંતરિક્ષયાત્રાનું સંભવિત સાધન બની શકે છે. વિજ્ઞાનના નિયમની સાવ પ્રાથમિક બાબતો છતાં અકારણ ગોપનિયતા અને અતિ આત્મવિશ્વાસમાં પાગલપણુ વધારે જણાતું હતું તેમ છતાં મોટું આશ્વાસન એ હતું કે સોવિયત સંઘ અને અમેરિકા પહેલા ઝામ્બિયા જેવા દેશમાં કોઇ ચંદ્ર પરની અંતરિક્ષ સફર અંગે વિચારી રહયું હતું.
૧૯૬૯માં એપોલો ૧૧ મૂન મિશન આધારિત અફ્રોનૉટસ નામની એક ફિલ્મમાં જાંબિયાના રણ જેવા લાગતા વિસ્તારમાં નિર્વાસિતોનો એક સમૂહ પોતાના રોકેટ સૌથી પહેલા લોંચ કરવાની હોડમાં દર્શાવ્યો હતો. ૨૦૧૨માં ક્રિસ્ટીના ડી મિડલ દ્વારા નકોલોસના અંતરિક્ષ કાર્યક્રમની અતિ યથાર્થવાદી ફોટોગ્રાફિક પુનર્નિર્માણની એક શ્રેણી તૈયાર કરી હતી. તસ્વીરોમાં રાફિયા સ્કર્ટ અને આફ્રિકા પેટર્ન વાળા સ્પેસ સૂટ પહેરેલા મોડેલ કાટ ખાઇ ગયેલા મશીનો સાથે રણમાં ફરતા દેખાડયા હતા. આ પ્રકારની પરિ કલ્પના નકોલોસોને એક વિલક્ષણ દુરદર્શી તરીકે પ્રસ્તુત કરે છે. ચંદ્ર અભિયાન માટેનો ઝામ્બિયાનો અંતરિક્ષ કાર્યક્રમ કયારેય શરુ થઇ શકયો ન હતો. જો કે આ અંગે ઓગસ્ટ ૧૯૬૫માં નકોલોસોએ સાવ વાહિયાત લાગે તેવી સ્પષ્ટતા કરી હતી કે મારા અંતરિક્ષયાત્રીઓ ખુદને ફિલ્મસ્ટાર સમજતા હતા. કેટલાક શરાબપાર્ટીમાં ગયા પછી પાછા આવ્યા જ નહી.એક ઇન્ડિજિનિયસ સમુદાયનો અવકાશયાત્રી નૃત્ય-સંગીત ગુ્રપમાં જોડાઇ ગયો. ચંદ્ર પર જનારી માથા મ્વાબે યુવકના પ્રેમમાં પડી અને પ્રેગનન્ટ થતા અંતરિક્ષ કાર્યક્રમ છોડી દીધો હતો. નકોલસોએ અંતરિક્ષ કાર્યક્રમની નિષ્ફળતા માટે સામ્રાજયવાદી અને નવ ઉપનિવેશવાદીઓને દોષી ગણાવ્યા હતા. તેમનો સૌથી ચોંકાવનારો દાવો એ હતો કે મહાસત્તાઓ ઝાંબિયાના અંતરિક્ષયાન કાર્યક્રમથી ડરેલી હતી. ૧૯૬૫માં પ્રકાશિત એક પુસ્તક 'ધ ન્યૂ અનહેપ્રી લોર્ડસ'માં બ્રિટિશ રુઢિવાદી લેખક એ.કે ચેસ્ટરટને આફ્રિકી દેશોને સ્વતંત્રતા આપવાની મુર્ખતા સાબીત કરવા માટે નકોલોસો સનકી હોવાનું ટાંકયું હતું. ઘણા માને છે કે માત્ર સોવિયત સંઘ અને અમેરિકાએ જ નહી મુન મિશનની સૌ પ્રથમ કલ્પના ઝામ્બિયનોએ કરી હતી. મહાસત્તાના મુન મિશનો કદાંચ ઝામ્બિયનોના વલણને પ્રતિબિંબિત કરતા હતા એ કહીએ તો પણ ખોટું નથી.








