Magazines

કરોડો વોલ્બાચિયા મચ્છર પેદા કરી મલેરિયા, ડેન્ગ્યુથી મુકત થવાનો અનોખો જૈવિક પ્રયાસ

By GS TEAM
9 Jun 20266 mins read
કરોડો વોલ્બાચિયા મચ્છર પેદા કરી મલેરિયા, ડેન્ગ્યુથી મુકત થવાનો અનોખો જૈવિક પ્રયાસ

- મીડ વીક- હસમુખ ગજજર

- વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ હેઠળ ફેકટરીમાં તૈયાર થતા મચ્છર કોઇ સામાન્ય મચ્છર નથી પરંતુ વિશિષ્ટ પ્રકારના વોલ્બાચિયા બેકટેરિયા પોઝિટિવ છે. લોઢું જ લોઢાને કાપે એ ન્યાયે મચ્છરથી જ મચ્છરનો નાશ કરવાનો હેતું રહેલો છે.  

દ રેક ઋતુમાં અનૂકૂળ વાતાવરણ મળે ત્યારે મચ્છર  ઉપદ્વવનો સૌએ અનુભવ કર્યો જ હશે. રાત્રીના અંધકારમાં ત્રાટકતી મચ્છર સેના ઉંઘ હરામ કરી નાખે છે. શરીરને મલેરિયા જેવી બીમારીની ભેટ આપી દે છે. પૃથ્વી પર વસતા વાઘ,સિંહ, દિપડા અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓ કરતા આ  સુક્ષ્મ જીવે વધુ લોકોનો ભોગ લીધો છે. મચ્છરોના નાશ માટે કરોડો રુપિયાનું આંધણ મુકવામાં આવે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયાના મેડેલિનમાં એક એવી ફેકટરી ધમધમે છે જયાં એક અઠવાડિયામાં ૪ કરોડ જેટલા મચ્છર પેદા કરવામાં આવી રહયા છે. ૨૪ કલાક ધમધમતી બે માળની મચ્છર ઉત્પાદક બાયો ફેકટરી માનવ નિર્મિત સૌથી મોટું મચ્છર પ્રજનન સ્થળ માનવામાં આવે છે. વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ હેઠળ ફેકટરીમાં તૈયાર થતા મચ્છર કોઇ સામાન્ય મચ્છર નથી પરંતુ વિશિષ્ટ પ્રકારના વોલ્બાચિયા મચ્છર છે. લોઢું જ લોઢાને કાપે એ ન્યાયે મચ્છરથી જ મચ્છરનો નાશ કરવાનો હેતું છે. ડેન્ગ્યુ, મલેરિયા અને ઝીકા જેવી બીમારીઓ માટે એડીસ એજીપ્ટી મચ્છર પ્રજાતિમાં જોવા મળતો વાયરસ જવાબદાર છે. આ વાયરસ સંક્રમિત મચ્છર કરડે ત્યારે માણસોમાં મચ્છરજન્ય બીમારીઓ ફેલાય છે. મચ્છર જન્ય બીમારીઓના ઇલાજ  સામે માનવ જાત હજુ પણ ઝઝુમે છે ત્યારે  જો મચ્છરમાં  રોગજન્ય વાયરસ જ વિકસવા દેવામાં ના આવે તો ફેલાવો અટકી જાય છે. બોલ્બાચિયા નામના બેકટેરિયા (જીવાણુ)ની ખાસિયત છે કે તે મચ્છરમાં રહેલા વાયરસનું જીવન ચક્ર તોડે છે. મચ્છરોને જીવતા રહેવા માટે કોલેસ્ટ્રોલ પ્રકારના રિસોર્સની જરુર પડે છે જેને ઘટાડી દે છે.વોલ્બાચિયાનું કામ મચ્છરની અંદર રોગજન્ય વાયરસની વૃધ્ધિ અટકાવાનું છે આથી જો વોલ્બાચિયા પોઝિટિવ મચ્છર માણસને કરડે તો વાયરસજન્ય બીમારી થવાની શકયતા નહીંવત રહે છે.  

જો કે સૌથી મોટી કઠણાઇ એ છે કે આટલો ઉપયોગી વોલબાચિયા નામનો સુક્ષ્મ જીવાણું ઉષ્ણકટિબંધિય ક્ષેત્રોમાં પતંગિયા,ફૂટ ફલાઇઝ,ડ્રેગન ફલાઇઝ અને મધમાખી જેવા સુક્ષ્મજીવોમાં જોવા મળે છે પરંતુ મચ્છરની એડીસ એજીપ્ટી પ્રજાતિમાં કુદરતી રીતે હોતો નથી. પ્રાકૃતિક રીતે જ વોલબાચિયાથી વંચિત રહી ગયેલા  મચ્છરના શરીરમાં આને દાખલ કરીને મચ્છરજન્ય બીમારીઓને નિયંત્રણમાં લાવવાના જૈવિક પ્રયાસ પર વૈજ્ઞાનિકો ભાર મુકી રહયા છે. વોલ્બાચિયા બેકટેરિયાનું બીજુ સારુ પાસું એ છે કે માણસો કે જાનવરો માટે જરાં પણ નુકસાનકારક  નથી.એડીસ એજીપ્ટીમાં નહી જોવા મળતો વોલ્બાચિયા બેકટેરિયા બીજા કીડાઓમાં પ્રચૂર માત્રામાં મળે છે. ં વોલ્બાચિયા બેકટેરિયા સુક્ષ્મજીવો (કીડાઓ) માંથી મેળવીને માઇક્રોસ્કોપની મદદથી એડીસ એજીપ્ટીના ભુ્રણમાં ઇન્જેકટ કરવામાં આવે છે. આ એક એવી નાજૂક પ્રક્રિયા છે જેમાં ખૂબજ બારીક સોયની જરુર પડે છે. કાળજીપૂર્વકના પરિશ્રમ પછી પણ આ પ્રક્રિયા દરમિયાન મચ્છરના બધા  ભુ્રણ જીવતા રહેતા નથી. હા જે બચી જાય છે તેમાંથી જ વોલ્બાચિયા પોઝિટિવ મચ્છર તરીકે ઉછેરવામાં આવે છે. વોલ્બાચિયાયુકત મચ્છર માદાઓને નર મચ્છરો સાથે મેટિંગ કરાવવામાં આવે છે. બીજા સ્ટેપમાં ધીમે ધીમે વોલ્બાચિયા મચ્છરોની કોલોનીઓ તૈયાર કરવામાં આવે છે. કરોડોની સંખ્યામાં ઉછરેલા વોલ્બાચિયાયુકત મચ્છરોને ખુલ્લામાં છોડવામાં આવે છે. ફેકટરીમાં ઉછેરવામાં આવેલા ખાસ મચ્છરોને કયારેક ડ્રોન, કયારેક મોટર વ્હિકલ તો કયારેક એગ કેપ્સુલ્સના માધ્યમથી  છોડવામાં આવે છે.સામાન્ય રીતે પોતાના જીવનકાળ દરમિયાન મચ્છર  ૧૫૦ મીટરથી વધારે ઉડી શકતા નથી આથી જ તો આ પ્રક્રિયા માટે મોટી સંખ્યામાં વોલેન્ટિયર્સની ટીમોની જરુર પડે છે. થોડાક કિલોમીટર વિસ્તારને કવર  કરવા માટે અનેક સ્થળોએ મચ્છરોને મોટી સંખ્યામાં છોડવા પડે છે. લેબમાં તૈયાર થયેલા આ વોલ્બાચિયા પોઝિટિવ મચ્છર જંગલી મચ્છરો સાથે પ્રજનન કરે ત્યારે વોલ્બાચિયા  મચ્છરની નવી જન્મતી પેઢીમાં ફેલાઇ જાય છે. સામાન્ય રીતે ૩ થી ૬ મહિનાની અંદર સ્થાનિક માહોલમાં મચ્છર વોલ્બાચિયા પોઝિટિવ થઇ જાય છે. વોલ્બાચિયા પોઝિટિવ મચ્છરોની સંખ્યા વધે ત્યાર પછી મચ્છરો તો રહે છે પરંતુ ડેન્ગ્યુના તાવ માટે જવાબદાર વાયરસ ફેલાવી શકતા નથી. એક વાર સ્થાનિય મચ્છરોમાં તેની ભૂમિકા ૬૦ ટકા કરતા પણ વધારે થાય ત્યારે સિસ્ટમ ખુદ ટકવા લાગે છે. બીમારી ફેલાવતા એડીસ એજિપ્ટી મચ્છરોની વસ્તી ઓછી થતી હોવાથી વારંવાર સ્પ્રે કે કેમિકલ નાખવાની જરુરિયાત ઘટી જાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને જીકા જેવી બીમારીઓ ઉત્પાત મચાવી રહી છે ત્યારે આ બાયો કંટ્રોલ રીત પબ્લિક હેલ્થની દુનિયામાં ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે. વોલ્બાચિયા યુકત મચ્છરોના ઉત્પાદનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઇ પણ પ્રકારના જિનેટિક ફેરફાર કરવાની આવશ્યકતા રહેતી નથી.

વોલબાચિયા પોઝિટિવ મચ્છરોને એક વાર ખુલ્લામાં છોડવામાં આવે ત્યારે પછી ફરી કશીજ જરુર પડતી નથી.  થિએરીમાં જે ચીજ કામ કરે છે તે હકીકતમાં કેટલી કારગત છે તે જાણવું પણ જરુરી છે. વોલ્બાચિયા પોઝિટિવ  મચ્છર છોડવાના કેટલાક નોંધપાત્ર પ્રયાસો પણ થયા છે જેનું પરિણામ આશાસ્પદ મળ્યું છે. આમાં વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ હેઠળ ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા શહેરનું નામ પહેલા લેવામાં આવે છે. ડેન્ગ્યુ જેવી ટ્રોપિકલ બીમારીથી અસરગ્રસ્ત શહેરમાં ૩.૧૦ લાખ લોકોને સ્ટડી અંર્તગત આવરી લઇને ૨૪ ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા. દરેકની સાઇઝ લગભગ એક વર્ગ કિલોમીટર જેટલી હતી. જયાં વોલ્બાચિયા સંક્રમિત મચ્છરો છોડવામાં આવ્યા હતા ત્યાં ડેન્ગ્યુની બીમારીમાં ૭૭ ટકા જેટલો ઘટાડો અને હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યામાં ૮૬ ટકા જેટલી ઘટી હતી.૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાના ઉત્તરી કવીન્સલેન્ડમાં વોલ્બાચિયા પોઝિટિવ મચ્છર છોડાયા હતા. છેલ્લા ૧૪ વર્ષના મોનિટરિંગ પરથી જાણવા મળ્યું છે કે વોલ્બાચિયા પોઝિટિવ મચ્છર ખુદ પોતાની વસ્તી જાળવી રાખે છે. જે વિસ્તારોમાં સૌથી આણ જોવા મળતી હોય ત્યાં ડેન્ગ્યુ ફેલાવાનો કોઇ જ સંકેત મળ્યા નથી. સિંગાપુરની વાત કરીએ તો સંક્રમિત નર મચ્છરો છોડયા પછી એડીસ એજીપ્તીની વસ્તીમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. જે ક્ષેત્રોમાં વોલ્બાચિયા છોડવામાં આવ્યા ત્યાં ડેન્ગ્યુના કેસમાં ૮૦  ટકા ઓછા થયા હતા. બ્રાઝિલમાં આ પધ્ધતિથી ઝિકા વાયરસ અને ચિકનગુનિયામાં રાહત મળી છે. 

બીમારી ફેલાવતા મચ્છરોના ખાતમા માટે અમેરિકામાં એક ટેક કંપનીએ ફલોરિડા અને કેલિફોર્નિયા સ્ટેટમાં વોલ્બાચિયા મચ્છર છોડવાની પરવાનગી માગી છે. આ બંને સ્ટેટના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાથી મચ્છરોનો ઉત્પાત વધી જાય છે. પરંપરાગત કીટનાશકો અને રસાયણોની ગંધથી મચ્છરો ટેવાઇ જાય છે. પર્યાવરણ પ્રમાણે વિપરિત સ્થિતિમાં અનૂકૂલન સાધવાની ક્ષમતા મચ્છરોમાં જોવા મળે છે. આવા સંજોગોમાં વોલબાચિયા પોઝિટિવ  મચ્છર છોડવાના પ્રયોગ પર મીટ માંડી છે. વિશ્વમાં દર વર્ષે મલેરિયાના ૨૫ કરોડ કેસ બને છે અને ૬ લાખ લોકોનો જીવ જાય છે. ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ વિસ્તારોમાં ડેંન્ગ્યુ ,ઝીકા, ચિકન ગુનિયા અને યલો ફીવર વ્યાપક જોવા મળતી બીમારી છે.વિશ્વમાં  દર વર્ષે ૨૫૦૦૦થી વધુ લોકોના ડેન્ગ્યુથી મુત્યુ થાય છે  જેમાંના મોટા ભાગના એશિયા ખંડના હોય છે. ભારતમાં મચ્છરજન્ય બીમારીઓ સાર્વજનિક સ્વાસ્થ્ય માટે પડકારજનક છે. ગરીબ લોકોએ આર્થિક અને શારીરિક નુકસાન સહન કરવું પડે છે.ભારતમાં ડેન્ગ્યુ જેવી બીમારીથી વર્ષે ૨૮૩૦૦ કરોડ રુપિયાનું આર્થિક નુકસાન થાય છે.  મચ્છરજન્ય બીમારીથી બચવા માટે  વેકસિન, સ્પ્રે અને મચ્છરદાની જેવા પરંપરાગત ઉપાયોના સ્થાને આ પ્રકારના જૈવિક ઉપાયો મોટા પાયે હાથ ધરવાની આવશ્યકતા છે. ભારતમાં પણ વોલેબેચિયા મચ્છરના પ્રજનન માટે વ્યાપક કાર્યક્રમ ચલાવી શકાય છે. વોલ્બાચિયા ટ્રીટમેન્ટથી મલેરિયા અને ડેન્ગ્યુ સંક્રમણ ભલે શૂન્ય સુધી ના થાય તેમ છતાં આ જૈવિક નિયંત્રણ એક નવી આશા જગાડે છે એમાં શંકાને સ્થાન નથી.