ઇઝરાયેલ અને આરબોની મૈત્રી કરાવતું એબ્રાહમ એકૉડર્સ શું છે?

- મીડ વીક- હસમુખ ગજજર
- એબ્રાહમ એકૉડર્સનો મુખ્ય ઉદ્દેશ ઇઝરાયેલ અને આરબો વચ્ચે મધ્ય પૂર્વમાં કુટનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો સ્થાપીને ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિને લાવવાનો છે
ઇ ઝરાયેલ અને આરબો વચ્ચે સદીઓથી કટ્ટર દુશ્મનાવટ રહી છે પરંતુ હવે બંને પક્ષે પરસ્પર રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી સંબંધો સ્થપાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે એબ્રાહમ એકૉર્ડસ
(એબ્રાહમ કરાર)માં જોડવા આરબ દેશોને હાકલ છે. ૨૦૨૦માં ટ્રમ્પના પ્રથમ શાસન દરમિયાન એબ્રાહમ એકૉડર્સ અંગે વિચારવામાં આવ્યું હતું. ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે સંબંધો સામાન્ય બને તે માટેની ખાસ સમજૂતીનું નામ એબ્રાહમ એકૉડર્સ પેગમ્બરના ઇબ્રાહિમ (અબ્રાહમ) નામ પરથી રાખવામાં આવ્યું હતું. આમ એબ્રાહમ નામ મૂળ (બાઇબલનું અબ્રાહમ કે ઇબ્રાહિમ) ભાઇચારાની અભિવ્યકિતના સંદર્ભમાં છે. ટ્રમ્પે સપ્ટેમ્બર ૨૦૨૦માં એબ્રાહમ એકોર્ડસ દ્વારા મધ્યસ્થતા કરીને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) બહેરીન,મોરક્કો અને સુદાન પાસે ઇઝરાયેલને દેશ તરીકે માન્યતા અપાવી હતી.એ સમયે યુએઇ પહેલો આરબ દેશ હતો જેણે ઔપચારિક રીતે એબાહમ એકૉર્ડસ હેઠળ ઇઝરાયેલ સાથે સંબંધોને સામાન્ય બનાવવાની જાહેરાત કરી હતી. અગાઉ ૧૯૯૪માં જોર્ડન અને ૧૯૭૯માં ઇજિપ્ત પછી કોઇ પણ અરબ દેશે ઇઝરાયેલને માન્યતા આપી ન હતી. યુએઇની પહેલમાં ઇઝરાયેલ સાથે પૂર્ણ રાજકીય સંબંધો, આર્થિક પ્રાધોગિકી અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનો સમાવેશ થતો હતો. જૂન ૨૦૨૧માં અબુધાબી ખાતે ઇઝરાયેલે અને તેલ અવીવમાં યુએઇએ પોતાનું દૂતાવાસ ખોલ્યું હતું. પ્રવાસન માટે ઇઝરાયેલ અને યુએઇ વચ્ચે સીધી વિમાન સેવાઓની શરુઆત થઇ હતી. આ સમજૂતી હેઠળ માત્ર ૩ વર્ષમાં જ યુએઇએ ૬૭૦૦૦થી વધુ ઇઝરાયેલી પ્રવાસીઓની મેજબાની કરી હતી. પોતાના દેશમાં આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા ઇઝરાયેલી યુવાઓ માટે યુએઇ રોજગાર મેળવવાના એક નવા સ્થાન તરીકે ઉભરવાની શરુઆત થવા માંડી હતી.એબ્રાહમ એકૉડર્સ ૩ વર્ષ પછી યુએઇ અને ઇઝરાયેલ વચ્ચેનો વેપાર ૯૦૦ મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો હતો.ઇઝરાયેલ, યુએઇ અને જોર્ડન વચ્ચે ત્રિપક્ષીય વ્યાપાર જળ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. બહેરીને પણ યુએઇનું અનુસરણ કરીને ઇઝરાયેલ સાથે આ પ્રકારની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા જેમાં રાજકીય સંબંધો અને વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. વર્ગવિગ્રહથી ઘેરાયેલા સુદાને ઇઝરાયેલ સાથે સારા સારીના સંબંધો બાંધવાનો હકાર ભણીને વિદેશનીતિમાં મોટું પરિવર્તન આણ્યું હતું. મોરક્કોએ પણ ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો બાંધવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.ડોનાલ્ડ ટ્રમ્પ એબ્રાહમ એકૉડર્સમાં વધુ આગળ વધે તે પહેલા તો તેમની સરકાર બદલાઇ ગઇ હતી.
રાષ્ટ્રપ્રમુખ તરીકેના બીજા કાર્યકાળના દોઢેક વર્ષ પછી ટ્રમ્પ હવે અબ્રાહમ એકૉર્ડસનો વિસ્તાર કરવા ઇચ્છતા હોવાના સંકેત આપ્યા છે. ઇઝરાયલ અને આરબ દેશોની કટ્ટર દુશ્મનીનો ઇતિહાસ જોતા જો એકૉડર્સ સફળ થાયતો હજારો વર્ષ પછી મધ્ય પૂર્વમાં સૌથી મોટા પરિવર્તન માનું એક ગણાશે. જો કે એ પણ સમજવું પડશે કે ૨૦૨૦માં અબ્રાહમ એકૉર્ડસ અંર્તગત યુએઇ અને બહેરીને ઇઝરાયેલ સાથેના સંબંધો સામાન્ય કર્યા ત્યારથી માંડીને ૨૦૨૬ સુધીમાં દુનિયા ઘણી બદલાઇ ગઇ છે. ૭ ઓકટોબર ૨૦૨૩માં ઇરાન પ્રેરિત હમાસ સંગઠનના હુમલાના પ્રતિ જવાબમાં ઇઝરાયેલ ગાજાપટ્ટી પર જે સૈન્ય કાર્યવાહી કરી જેમાં નિદોર્ષ મહિલાઓ અને બાળકો સહિત ૭૦ હજારથી વધુના મોત થયા હતા. ઇઝરાયેલ હજુ પણ આરબ મુસ્લિમ દેશોમાં ઉછરી રહેલા આતંકવાદ વિરોધી યુધ્ધમાં જોતરાયેલું છે. ઇરાન યુધ્ધ શાંત થયું પરંતુ લેબનોન પરના હુમલા હજુ ચાલું છે. ઇઝરાયેલ-અમેરિકા વિરુધ ઇરાનના યુધ્ધમાં ગલ્ફ દેશોએ અમેરિકાને ભલે સાથ આપ્યો પરંતુ કેટલાક ઇઝરાયેલ બાબતે અલગ જ વલણ ધરાવે છે. ઇઝરાયેલ-આરબો વચ્ચેના સંબંધોમાં પેલેસ્ટાઇનનું સમિકરણ ખૂબજ પેચિંદું છે. તુર્કી નાટો દેશોનું સદસ્ય હોવા છતાં ઇઝરાયેલનું હાડોહાડ વિરોધી રહયું છે. ઇરાન ઝાયોનિસ્ટ શાસનને એક ધારુ એકલું પડકારતું રહયું છે. ઇરાને અમેરિકાને સાથ આપનારા યુએઇ,ઇરાક, સાઉદી અરબ, કુવૈત, કતાર અને બહેરીન જેવા દેશોમાં આવેલા યુએસ આર્મી બેઝ અને રડાર સિસ્ટમ ઉપર ડ્રોન અને મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. ઇરાન દ્વારા યુએઇને સૌથી વધારે ટાર્ગેટ કરવા માટે ઇઝરાયેલ સાથેની નિકટતા જવાબદાર હતી.ઇરાને જાહેર સ્થળો અને વસતી વસવાટના સ્થળોએ હુમલા કરવાનું ટાળીને તેની લડાઇ માત્ર અમેરિકા પુરતી હોવાનો લોકોને સંદેશો આપ્યો હતો.એબ્રાહમ એકોર્ડસમાં જોડાવા માંગતા દેશોના શાસકો અને લોકો એક મત ધરાવે છે કે જૂદો જૂદો તે હજુ બહાર આવતું નથી.
વર્ષો સુધી જેમનો ઇઝરાયેલ વિરુધ ધર્મ ઝુનુનનું પાણી પીવડાવીને ઉછેર કરાયો તેમના માટે હવે યુ ટર્ન લેવો સહેલો નથી. ખાસ તો અલવાગવાદીઓ, ઉગ્ર આંદોલનકારીઓ અને કટ્ટરવાદી સમૂહો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર મોટો આધાર રહેલો છે.એબ્રાહમ એકોડર્સ દ્વારા ઇઝરાયેલને આરબ દેશોમાં સ્વીકૃતિ અપાવીને અમેરિકા ઇરાનને એકલું પાડી દેવાની ગણતરી ધરાવે છે. એબ્રાહમ એકોડર્સ થકી મધ્ય પૂર્વમાં ઇઝરાયેલનો મનથી સ્વિકાર થાય તેના માટેના પડકારો પણ ઓછા નથી.
સુન્ની સાઉદી અરબ અને શિયા ઇરાન વચ્ચે દુશ્મનાવટનો એક લાંબો ઇતિહાસ રહયો છે. મધ્ય પૂર્વમાં શિયા-સુન્નીઓની તિરાડ વ્યાપક અને હિંસક પણ બની શકે છે. યુએઇ ઇઝરાયેલ સાથેના સંબંધોમાં ઘણું આગળ નિકળી ગયું છે પરંતુ ઓમાન,કતાર અને સાઉદી અરબ માટે ઇઝરાયેલને સ્વીકૃતિ આપવી અઘરું જણાય છે. સાઉદી અરબના શાસનની જૂની જનરેશન એબ્રાહમ એકોડસ એટલે કે ઇઝરાયેલ સાથેના મજબૂત રાજકીય આર્થિક સંબંધોના પક્ષમાં નથી.યમન, સીરિયા અને લીબિયા જેવા દેશોમાં ચાલતા આંતરિક અને ક્ષેત્રીય સંઘર્ષ ને ટાળવા કોઇ સ્થાઇ રાજકીય સમાધાન લાવવા માટે પ્રોત્સાહિત કરવાની જરુરિયાત જણાય છે.અબ્રાહમ એકૉડર્સના માધ્યમથી ટ્રમ્પ મધ્યપૂર્વમાં રાજકીય,આર્થિક અને સુરક્ષા એકીકરણ કરીને અમેરિકાને મહત્વનું પાવર કેન્દ્ર બનાવવા ઇચ્છૂક છે પરંતુ રશિયાનો પ્રભાવ પણ ઓછો નથી. ચીને પણ કેટલાક સમયથી આ ભૂભાગમાં ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યકત કરેલી છે. ચીન સંયુકત આરબ અમીરાત અને ઇઝરાયેલ બંને સાથે નિકટતા ધરાવે છે. જો આવું લાંબા સમય સુધી ચાલે તો મઘ્યપૂર્વમાં બહુપક્ષીય વર્ચસ્વ સંઘર્ષ પણ ઉભો થઇ શકે છે. એબ્રાહમ એકોર્ડસનો ભારતને સૌથી મોટો ફાયદોએ છે કે ભારત આરબ દેશોની સાથે ઇઝરાયેલ સાથે પણ એકસમાન સ્તરના મજબૂત સંબંધો રાખી શકે છે. ઇઝરાયેલ સાથે સંબંધો રાખીશું તો આરબ દેશો
નારાજ થઇ જશે એવી દ્વીધાભરી પરિસ્થિતિ રહેશે નથી. તાજેતરમાં ટ્રમ્પે સાઉદી અરબ અને કતારની સાથે પાકિસ્તાનને પણ એબ્રાહમ એકૉડર્સમાં જોડાવાનું અનિવાર્ય ગણતા પાકિસ્તાન માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ છે. પાકિસ્તાન ઇઝરાયેલનું ઘોર વિરોધી અને સ્વાયત પેલેસ્ટાઇની સ્ટેટનું સમર્થક રહયું છે. પાકિસ્તાનની ૮૦ વર્ષ જૂની ઇઝરાયલ નીતિ કઠોર અને લગભગ સ્થાઇ રહી છે. દરેક પાકિસ્તાની પાસપોર્ટ પર લખ્યું હોય છે કે ઇઝરાયેલને છોડીને તમામ દેશોમાં માન્ય છે. મુસ્લિમ દુનિયામાં ઇઝરાયેલ માટે અસહમતિ સામાન્ય બાબત છે પરંતુ પાકિસ્તાને પહેલેથી જ કટ્ટર ઇસ્લામવાદને પાળ્યો પોષ્યો હોવાથી ઘણી વાર ઇઝરાયેલ વિરોધ ઉગ્ર અને અસામાન્ય સ્વરુપ લઇ લે છે. નિષ્ણાતોનું માનવું છે કે એક સમયે સાઉદી અરબ કે અન્ય મુસ્લિમ દેશ ઇઝરાયેલને માન્યતા આપવા માટેના અબ્રાહમ એકૉર્ડસમાં જોડાઇ જાય પરંતુ આવું પાકિસ્તાન માટે અધરુકામ છે. જો કે બદલાતી જતી મધ્યપૂર્વની રાજનીતિમાં પાકિસ્તાન ઇઝરાયેલ સાથે દુશ્મની રાખીને અમેરિકાનો લાંબા સમય સુધી ભરોસો મેળવી શકે તેમ નથી એ પણ હકીકત છે. ઇરાન સાથેની શાંતિ વાર્તામાં પાકિસ્તાનને યુએસ તરફથી મળેલી કેન્દ્રીય ભૂમિકા જોતા ટ્રમ્પની ગુડબુકમાં રહેવા માટે પાકિસ્તાની સરકાર જો આ સમજુતી હેઠળ ઇઝરાયેલને એક સંપ્રભુ રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે તો ઘર આંગણે રાજકીય આત્મહત્યા કરવા જેવું સાબીત થશે. આવનારા સમયમાં મધ્યપૂર્વ, પશ્ચિમી જગત અને અમેરિકા સાથેના બેવડા ધોરણો અને મોકા પરસ્તીનો પાકિસ્તાની ફૂગ્ગો ફૂટશે એમાં શંકાને સ્થાન નથી.









