Magazines

તુંડમિજાજી .

By GS TEAM
24 Jun 20255 mins read
તુંડમિજાજી                                                            .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ઇન્ટરવ્યુંમાં હું સિલેક્ટ થઇ જાઉં તો મારો પગાર એટલો બધો થઇ જશે, પછી મારે કોઈની જરૂર નથી.'

રા તના સાડા અગ્યારે અમદાવાદ રેલ્વે સ્ટેશને દુરંતો એક્સપ્રેસ મુંબઈ જવા તૈયાર હતી. નારણપુરામાં પોતાના ફલેટમાંથી ટેક્ષી કરીને સુમન સ્ટેશન પાસે પહોંચી ત્યારે ટ્રેન ઉપાડવાની તૈયારીમાં જ હતી. પોતાની બર્થ પર પહોંચી ત્યારે સામેની બર્થવાળી મહિલા મેગેઝીન વાંચતા વાંચતા તેની સામે જોઈ રહી હતી. સુમનને પણ લાગતું હતું કે આ સ્ત્રીને ક્યાંક જોયેલી લાગે છે, પણ યાદ આવતું ન હતું. 

ધીમા આંચકા સાથે ટ્રેન સ્ટાર્ટ થતા તે યુવતીએ તેની સામે જોઈ 'હાય' કર્યું. સુમન તેને જોઈ રહી, આ ફાલતું સ્ત્રી કેમ તેને બોલાવે છે ? 'આપણે કોલેજમાં સાથે હતા, યાદ આવ્યું ? હું શાલીની.' તે સ્ત્રી બોલી.

'હા, હા, યાદ આવ્યું, પણ તું તો ફેઈલ થઈને અમારાથી પાછળ થઇ ગઈ હતી ને.' શાલિનીએ ગર્વથી કહ્યું. 

'મેં તો માંડ માંડ બી.એ.પાસ કરીને કોલેજ છોડી દીધી, કારણ કે મારા લગ્ન મુંબઈ થઇ ગયા.' શાલિનીએ કહ્યું. 'તું શું કરે છે ?'  'મેં તો બી.એ. પછી એમ.બી.એ. ડીસ્ટિંકશન સાથે પાસ કરી અને સીધી અમદાવાદની મોટી એક્સપોર્ટ કંપનીમાં આસીસ્ટંટ મેનેજરમાં સિલેક્ટ થઇ ગઈ. આવતી કાલે મેનેજરના ઈન્ટરવ્યું માટે મુંબઈ જાઉં છું. મારી રાતની ફ્લાઈટ કેન્સલ થઇ એટલે ટ્રેઈનમાં આવવું પડયું.' સુમને પોતે પૂછયા વગર પોતે કેમ જાય છે એ પણ કહી દીધું. તેને શાલિનીને તેના વિષે કાંઈ પુછયું જ નહિ. માણસને જ્યારે મનમાં પોતાના સ્ટેટસ વિષે ઘમંડ આવે ત્યારે તે સામાવાળાની પરવા કરતી જ નથી અને તેના વિષે પૂછવાની નાનમ અનુભવે છે.

'ચલ, સારું થયું, સફરમાં વાતો કરવાની મજા પડશે.' શાલીનીએ કહ્યું.  'શું મજા પડશે ? આવી ગમાર સ્ત્રી સાથે શું વાત કરવાની! તેના મુખના હાવભાવ પરથી શાલિનીને તેના મનના વિચારોનો ખ્યાલ આવી ગયો.

સુમને ખાલી ખાલી હં હં કર્યું અને પછી પોતાનું લેપટોપ ખોલીને અંદર કામ કરવાનો ડોળ કરવા લાગી. તેણે વિચાર્યું, આ સાવ બી.એ.પાસને કોમ્પ્યુટરમાં શું ગતાગમ પડવાની છે ! છતાં તેને ટોણો મારતા કહ્યું, 'શાલીની, તને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે.?' શાલીની તેનો ટોન્ટ સમજી ગઈ. તેને કઈ જવાબ ન આપ્યો. કલાક પછી સુમને પોતાના ઘરેથી બનાવેલ કોફી અને બટાકા પૌંઆનો નાસ્તો કાઢીને તેની સામે જ ખાવા લાગી. સામે જ તેની જૂની કોલેજની ફ્રેન્ડ શાલિનીને વિવેક ખાતર પણ પુછયું જ નહિ. 

શાલિનીએ વાત બદલાતા કહ્યું, 'આપણે કોલેજમાં હતા ત્યારે વાત થઇ હતી, યાદ છે ને છોકરીઓને તો તેના પતિ અને સાસરાની મિલકત અને આવક પ્રમાણે સ્ટેટસ બદલાઈ જાય.' તેને એમ હતું કે સુમન તેને આગળ શું કરે છે, તેમ પૂછશે, પણ સુમન તો તેના ઘમંડમાં કઈ જવાબ આપ્યા વગર ખાતી જ રહી. નાસ્તો પૂરો થતા તે ઘમંડથી બોલી. 'હશે, પણ મેં તો મારી ડીગ્રી અને તાકાત ઉપર જ મારું સ્ટેટસ બનાવી લીધું છે. મારી પોસ્ટ અને પગાર કંપનીમાં સરસ છે, પછી મારે પતિના કે સસરાના પૈસાની શી જરૂર ?' 

મારી સાથે લગ્ન કરવા અનેક મુરતિયા આંટા મારે છે, પણ મેં તો હજી લગ્ન જ નથી કર્યાં. હવે જો આ ઇન્ટરવ્યુંમાં હું સિલેક્ટ થઇ જાઉં તો મારો પગાર એટલો બધો થઇ જશે, પછી મારે કોઈની જરૂર નથી.' તેણે ગર્વથી કહ્યું. 'આટલો બધો ઘમંડ સારો નહિ.' શાલીનીએ કહ્યું. તેણે મનમાં વિચાર્યું, આ સુમન પહેલા તો આટલી અભિમાની ન હતી, અત્યારે બહુ ઘમંડી થઇ ગઈ છે.

વહેલી સવારે બોમ્બે સેન્ટ્રલ આવતા તેણે કેબ કરવાનું વિચાર્યું. તેણે શાલીનીને કહ્યું, 'મારે ફાઈવ સ્ટાર હોટેલમાં પહોંચતા મોડું થઇ જશે. બપોરે બાર વાગે તો ઈન્ટરવ્યું છે.' તેણે સામેથી હોટલનો રૂઆબ જમાવતા વિચાર્યુંં.  શાલીની ભૂલેશ્વરની કોઈ ચાલમાં રહેતી હશે, જવા દે ને ! પૂછવું જ નથી. ઉતરતા તેને જૂની મિત્રને બાય પણ ના કર્યું.

નરીમાન પોઈન્ટ પર દસમાં માળે આવેલી અમીરચંદ એક્સપોર્ટની ઓફિસમાં પહોંચતા જ સુમન ઝંખવાઈ ગઈ. આહા ! શું ઝાકમઝોળ છે. ઈન્ટરવ્યું કમિટીના મેમ્બરોએ 

મેનેજરની પોસ્ટ માટે સુમન અને સુનયનાને સિલેક્ટ કર્યાં હતા. સુમન મનમાં પ્રાર્થના કરતી હતી બેમાંથી હું જ સિલેક્ટ થઇ તો માતાજીને ચુંદડી ચઢાવીશ. હવે બધો મદાર કંપનીના ચેરપર્સનનાં ઈન્ટરવ્યું પર હતો. ત્યાં તો ઓફિસમાં એ જ સાદા પણ જાજરમાન વસ્ત્રોમાં આવતી શાલિની અને તેની સાથે આવતી સેક્રેટરીને જોઈ સુમન ચોંકી ગઈ. 'આ કોણ છે ?' તેને આશ્ચર્યથી રીસેપ્સનીસ્ટને પુછયું. 'ધીમે બોલો, આ આપણી કંપનીના ચેરપર્સન શાલીની અમીરચંદ દામાણી છે, રાત્રે ફ્લાઈટમાં અમદાવાદથી આવવાના હતા, પણ ફ્લાઈટ કેન્સલ થતા ટ્રેનમાં આવેલ છે.' રીસેપ્સનીસ્ટે ધીમેથી કહ્યું. 'આ મેડમ કેટલા વખતથી ચેરપર્સન છે ?' હજુ સુમનના મનમાં ઘુસતું ન હતું. 

'ગયા મહીને જ તેમના પતિ અમીરચંદજીનું અકસ્માતે મૃત્યુ થતા તેને જ ચેરપર્સન બનાવેલ છે' રીસેપ્સનીસ્ટે કહ્યું.

'આટલી મોટી હસ્તીના લગ્ન અમદાવાદની છોકરી સાથે કઈ રીતે થયા ?' હજુ સુમનને મનમાં પ્રશ્નો ખૂટતાં ન હતા.  'મેડમ તો સાવ સામાન્ય કુટુંબના હતા. શેઠને સાદી, સંસ્કારી ગુણિયલ અને સાવ ઘરરખ્ખું પત્ની જોઈતી હતી. અમદાવાદમાં શેઠ તેમના મહેમાનને ઘરે ગયા હતા, ત્યાં સામેના જ ફ્લેટમાં શાલીની મેડમ રહેતા હતા. બન્નેની આંખ મળી અને શેઠ તેમના દીવાના બની ગયા. રીસેપ્શનીસ્ટે ફોડ પાડયો. 

અંદર જતાં જ સુમન ગળગળી થઇ ગઈ. 'શાલીની, મને માફ કરી દે, મને તારી પોઝીશનની ખબર જ નહિ. મેં તો તને સાવ સાદી ગમાર જ સમજી હતી, હવે આવી ભૂલ નહિ કરું.'

'જો તું તારા સ્ટેટસના અભિમાનમાં તારી જૂની કોલેજ ફ્રેન્ડને ધુત્કારી કાઢે તો આપણી કંપનીનાં મેનેજરે તો બધા કર્મચારી જોડે શાલીનતા અને માનવતાથી વર્તન કરવું પડે, તો જ કંપનીનો વિકાસ થઇ સમૃદ્ધિ આવે. અમે સુનયનાને જનરલ મેનેજર તરીકે સિલેક્ટ કરેલ છે.' શાલિનીએ સ્પષ્ટ વાત કરી. 

'પણ કેમ ?' સુમન ગળગળી થઇ ગઈ.

'અહીં આવતા જ મેં સુનયનાને એક વૃદ્ધ દંપતિને હાથ પકડીને રોડ ક્રોસ કરાવતા જોઈ છે. તેના ઈન્ટરવ્યુંમાં પણ અમને ઘમંડને બદલે નમ્રતા અને શાલીનતાની ઝલક જોવા મળી છે.' મેડમે ફોડ પાડયો.

'મેડમ, મને કાઢી તો નહિ મુકો ને.' સુમનની આંખો ભીની થઇ ગઈ. તેને પોતાના ઘમંડ પર પસ્તાવો થયો.

'ના, જો તું હજી તારો ઘમંડ છોડી દે તો, તને અભિમાન કઈ વાતનું છે ? અને સાંભળ, લગ્ન પછીનું માતૃત્વ એ સ્ત્રીનું આભુષણ અને ગર્વની વાત છે. મારે પણ એક પુત્ર છે. ભવિષ્યમાં એ જ ચેરમેન થશે. ઘમંડમાં તું અત્યારે લગ્ન નહિ કરે તો પચાસ પછી પસ્તાવો થશે.' શાલિનીએ સમજાવતા કહ્યું. 

સુમન ઉભી થઇ અને ચેરપર્સન શાલીની મેડમને પગે લાગતા રડી પડી. 

લાસ્ટ સ્ટ્રોક :

પોતાની જાતને મહાન માનીને ઘમંડ કરવાની જરૂર નથી. જુના મિત્રો, સગાઓ સાથે તેમના બાહ્ય દેખાવને અવગણીને શાલીનતાથી વર્તન કરવું જોઈએ.