ઇગોનો ટકરાવ .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'જો બન્નેને તેમની ભૂલનો એહસાસ થઇ ગયો હોય, અને પસ્તાવો કરતાં હોય તો હું ગેમના દાણા પાછા ખેચી લઉં છું.'
'મા નસી, મારુ જમવાનું ગરમ કર. ઓફિસે મોડું થાય છે.' મલયે ઉતાવળમાં કહ્યું.
'તું તારું કરી લે ને, મને શું કામ કહે છે. મારી નોકરીનો ટાઈમ પણ થઈ ગયો છે.'- માનસીએ ગરમ થતાં કહ્યું.
મલયને ગુસ્સો ચડયો, પણ શું થાય? માનસી પણ ઓફિસમાં જોબ કરતી હતી. તે ગુસ્સે થઈ જમીને નીકળી ગયો. બીજા દિવસે માનસીનો બર્થ ડે આવતો હતો.
'મલય, મને ગિફ્ટમાં હીરાની વીંટી લઈ આપીશ ?' માનસીએ પ્રેમથી પૂછયું.
'તું તારા પૈસાથી લઈ લે, તું પણ કમાય છે ને !' મલયે મોં ફુલાવતા કહ્યું. માનસી ગુસ્સે થઈ ગઈ. તુંતું મેંમે અને વાદ વિવાદ વધતાં ગયા. બન્નેને નાની નાની બાબતે વિવાદ અને ઝગડા થવા લાગ્યા.
હજુ તો લગ્નને વરસ જ થયું હતું. ત્યાં તો વિવાદ એટલો વકરી ગયો કે અંતે બન્નેએ પરસ્પરની મંજૂરીથી છૂટા પડવાનું નક્કી કર્યું. છૂટાછેડાનો કેસ મુકાઈ ગયો. બન્નેના પપ્પા મનુભાઈ અને હરેન્દ્રભાઈ ચિંતામાં પડી ગયા. બન્ને પાકા દોસ્ત હતા, અને દોસ્તી હોવાથી જ બન્નેના લગ્ન ગોઠવાયાં હતા. કારણો જાણીને બન્નેને નવાઈ લાગી, આટલા નાના અમથા કારણો માટે ઝગડા અને છૂટાછેડા ??
બન્નેની મંજૂરીથી છ મહિનામાં તો છૂટાછેડા મંજુર થઇ ગયા. એલ્યુમની પેટે જજસાહેબે, મલયને પંદર લાખ માનસીને આપવા હુકમ કર્યો.
માનસી ખુશ થતી ફેમીલી કોર્ટમાંથી બહાર નીકળતી હતી, ત્યાં દુર ઝાડ નીચે તેણે મલયને સાવ નિરાશામાં બેઠેલો જોયો, ને ઉત્સુકતાવશ ઝાડ નીચે પહોંચી પૂછયું, 'કેમ નિરાશ છે મલય, તારે મને પંદર લાખ આપવા પડશે એટલે ?'
મલયે નિરાશ ચહેરે જવાબ આપ્યો. 'હવે મારે રૂપિયાને શું કરવા છે ? મારી ગાડી અને ફ્લેટ પણ મારે શું કામના ? હું બધુ તારે નામે કરી દઇશ.' મલય રડમસ ચહેરે બોલ્યો.
'કેમ શું થયું છે, એ તો કહે.' હવે માનસીને રસ પડયો.
'કઈ નહીં' કહેતા મલયની આંખો ભરાઈ આવી.
'કહે તો ખરો, તને મારા સમ છે.' - માનસીને હવે ઉત્સુકતા વધી ગઈ.
'હું ગઈ કાલે ડોક્ટરને ચેકઅપ કરાવવા ગયો, ત્યારે મારા બ્લડ ટેસ્ટ કરાવતા મને બ્લડ કેન્સર આવેલ છે. છેલ્લા સ્ટેજનું હોવાથી ડોક્ટર દેસાઇએ કહ્યું, હવે કાઇ દવા અસર નહીં કરે, છેલ્લા બે ત્રણ મહિના જ રહી ગયા છે.' કહેતા મલય રડી પડયો.
'હોય નહીં ! માનસી દુ:ખી થતાં બોલી ચાલ ઘેર, મારે હમણાં છૂટાછેડા નથી જોઈતા.'- તે મલયનો હાથ પકડી ઘેર લાવી.
માનસી મલયની નાની નાની બાબતોનું ધ્યાન રાખવા લાગી. તેને પોતાના હાથે જમવાનું ગરમ કરી આપી, ઓફિસ સુધી મૂકી આવે, સાંજે લેવા જાય. તેના તમામ કામમાં મદદ કરવા લાગી. બાથરૂમમાં કપડાં અને ટુવાલ મૂકી આપે, રાત્રે સુવામાં પગ દબાવી આપે, તેને દરરોજ પ્રેમથી આલિંગન અને ચુંબન કરે. જાણે કે તેના ઇગોનો વાદ, વિવાદનો, અહમનો, ટકરાવ ભૂલીને મલયના છેલ્લા દિવસોમાં સેવા કરવા લાગી.
મલય પણ સાવ ઢીલો પડી ગયો. તેણે વિચાર્યું, હવે મારે રૂપિયા, ગાડી, ફ્લેટની શું જરૂર છે, મારા મમ્મી પપ્પા લઈ જાય, તેને બદલે માનસીને જ મળે તો શું ખોટું ? તે બીજે જ દિવસે માનસી માટે રિયલ ડાયમન્ડની દોઢ લાખની વીંટી લઈ આવ્યો.
'માનસી, બી લેટેડ હેપી બર્થ ડે ! તારે બર્થડે પર ડાયમન્ડ રિંગ જોઈતી હતી ને !' માનસી આ સુંદર કિંમતી રિંગ જોઈ ખુશ થઈ ગઈ.
'થેંક્યું, મલય' કહી તે મલયને વળગી પડી. બન્નેએ રાત્રે વરસમાં નહોતું માણ્યું એટલું દામ્પત્ય સુખ માણ્યું.
સવારે ફ્રેશ થઇ ઉઠયા, ત્યારે બન્નેને રીયલાઈઝ થયું, આપણે ખોટા ખોટા નાના નાના ઝગડા, પોતાના ઇગોને પોષવા કરતા હતા. ખરું સુખ તો સાથે પ્રેમથી રહી લગ્નસુખ માણવામાં જ રહેલું છે. બન્ને એક બીજા માટે જતું કરવા તૈયાર થઇ ગયા.
મહિનો થઇ ગયો. મલય ચિંતામાં સાવ દુબળો પડી ગયો, તેને હવે ખાવાનું પણ ભાવતું નહી. હવે જવાનો સમયની ચિંતા તેને કોરી ખાતી હતી.
માનસીએ ઓફિસમાંથી મહિનાની રજા લઇ લીધી. તે મલયને ભાવતી વસ્તુઓ મહેનત કરી બનાવી, પોતાના હાથે ખવડાવવા લાગી. મલય વિચારમાં પડી ગયો, 'અમે ખોટા નાની બાબતે ઝગડતાં હતા. માનસી મારું કેટલું બધું ધ્યાન રાખે છે. છૂટાછેડા થઇ ગયા, છતાં પણ મારે માટે કેટલું બધું કરે છે. મેં છુટા થવા ખોટી ઉતાવળ કરી નાખી.
તેણે માનસીને પોતાની ગાડીની ચાવી આપી દીધી. 'લે માનસી, તું સ્કુટરને બદલે હવે મારી ગાડી જ લઈ જા. મારે હવે આ ગાડીને શું કરવી છે ?' માનસી વિચારમાં પડી. 'આહાહા ! મલય કેટલો બધો સુધરી ગયો છે. તે મને બર્થડે ગીફ્ટ પણ નહોતો આપતો, એ અત્યારે પોતાની ગાડી મને આપી દીધી. હું ખોટી તેની સાથે નાની બાબતે ઝગડતી હતી. મેં છુટા થવામાં ઉતાવળતો નથી કરી?
બન્ને અંદર અંદર પસ્તાવો કરી રહ્યા હતા. તેના પપ્પા મનુભાઈ અને મલયના પપ્પા હરેન્દ્રભાઈ પહોચી ગયા ડો. દેસાઈ પાસે, ત્યાં તો માનસીનો ફોન આવ્યો. 'પપ્પા મારે મલય સાથે છૂટાછેડા નથી જોઈતા. વકીલને કહી કેન્સલ કરાવો !!'
તેમણે હરેન્દ્રભાઈ સામે જોયું, બન્નેએ ડો. દેસાઈને કહયું 'આપણી ગેઈમ સફળ થઇ ગઈ છે, કારણ કે કાલે મલય પણ છૂટાછેડામાં ઉતાવળ કરી, એવો પસ્તાવો તેના પપ્પાને ફોનમાં કરી રહયો હતો. તેમણે બન્નેએ પુછયું 'હવે શું કરવાનું છે ડોક્ટર ?'
'જો બન્નેને તેમની ભૂલનો એહસાસ થઇ ગયો હોય, અને પસ્તાવો કરતાં હોય તો હું ગેમના દાણા પાછા ખેચી લઉં છું.' ડો. દેસાઈએ કહ્યું.
'કેવી રીતે ?ધ બન્નેને નવાઈ લાગી. ડો. દેસાઈએ મલયને ફોન જોડયો, 'બેટા મલય, લેબોરેટરીમાંથી ફોન આવ્યો હતો. તેમને ત્યાં બે રીપોર્ટ એમ. એચ. પટેલનાં નામના બનાવવા આવ્યા હતા, તેમાં ભૂલથી તેમણે મને મયંક હરિભાઈ પટેલનો રીપોર્ટ મોકલી આપ્યો હતો. તે આજે જ ખબર પડી, અને અત્યારે મયંક આઈસીયુમાં છેલ્લા શ્વાસ લઇ રહ્યો છે. તારો રીપોર્ટ એકદમ નોર્મલ છે.'
'શું વાત કરો છો, ડોક્ટર અંકલ.' કહેતા મલય નાચવા માંડયો. માનસી પણ આ સાંભળી મલયને ભેટીને રડવા લાગી. બન્નેના પપ્પા ડોક્ટર દેસાઈની યુક્તિ સાંભળી ફિદા થઇ ગયા.
ત્યાંતો એક પછી એક બન્નેના પપ્પા ઉપર ફોન આવ્યા, 'પપ્પા, અમે હવે છુટા થવાનું કેન્સલ કરેલ છે. હવે અમે સાથે જ રહીશું.
આજ સુધી બન્ને સુખી લગ્નજીવન માણી રહયા છે.
લાસ્ટ સ્ટ્રોક :
જ્યારે અંદરના બે માણસો, જાતિઓ, પ્રદેશો નાની નાની બાબતે ઈગો ક્લેશથી ઝગડતા હોય ત્યારે બાહ્ય મોટી સમસ્યા આવતા એક થઇ તેનો સામનો કરે છે. નર્મદાના પાણી બાબતે લડતા ગુજરાત, એમ.પી, અને મહારાષ્ટ્ર જ્યારે પાકિસ્તાન હુમલો કરે ત્યારે બધું જ ભુલી એક થઇ તેનો પ્રતિકાર કરે જ છે ને !








