અકસ્માતે ચમત્કાર સર્જ્યો .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- અરમાન સ્તબ્ધ થઈ ગયો. એ વિચારે ચડયો, કિયાને અત્યારે આ વાત કહેવાની ક્યાં જરૂર હતી, પણ શું થાય ?
રા શી, એક ગરીબ બાપ મનસુખભાઈની એકની એક ખુબ જ સૌંદર્યવાન દીકરી હતી. કોલેજની કોરિડોરમાં તે ચાલતી હોય ત્યારે છોકરાઓની ભીડ એની આજુબાજુ મંડરાતી રહેતી. તેના ફેનક્લબના સભ્યોની તો ગણત્રી જ નહોતી. કોઈ ચોકલેટ લઈને ઊભો હોય, કોઈ કેડબરી તો વળી કોઈ બાઈકની લિફ્ટ ઓફર કરે. રોજેરોજ તેને ગુડમોર્નિંગનાં મેસેજનો સવારના પહોરથી મારો થતો. પણ રાશી કોઈને ભાવ જ ન આપે. તે તો તેના પોતાનામાં જ મસ્ત હોય.
બુધવારે તો વેલેન્ટાઈન ડે હતો. બધાં રાશીને પામવા જુદા જુદા આઈડિયા લગાવી રહ્યાં હતા. ગિફ્ટ માટે પરફ્યુમ, ટેડી, ફુલોનો ગુલદસ્તો વિગેરે અનેક ભેટ રાશીને એક પછી એક છોકરાઓ ઓફર કરી રહ્યાં હતા.
અરમાને હિંમત કરીને નવો જ સ્માર્ટફોન રાશીને ઓફર કર્યો.
''હેપ્પી વેલેન્ટાઈન ડે, રાશી.'' કહીને આરવે સ્માર્ટફોન આગળ કર્યો.
''આ, તારા માટે છે, રાશી, મારા તરફથી સપ્રેમ ભેટ.'' આરવે ઝુકીને રાશીને પ્રેમભાવે કહ્યું. રાશી ઊભી રહી ગઈ, એક મિનિટ વિચાર કર્યો, અને પછી સાભાર પરત કર્યો.
''સોરી, મને આ ગિફ્ટ ના જોઈએ, તમે બધાં પૈસાદાર બાપના છોકરાઓ માટે પ્રેમ એક ટાઈમપાસ છે, રમત રમી, ઉપયોગ કરીને છોડી દેતા તમને વાર લાગતી નથી.'' રાશીએ આટલું કહી ચાલતી પકડી. અરમાનનો ચહેરો પડી ગયો. તેણે પ્રેમથી ખરીદેલ ગિફ્ટ જાણે કે તેની સામે હસી રહી હતી.
ચારે તરફ ઉભેલા યુવકો સુન્ન થઈ ગયા. આ ઘટનાની ચર્ચા કોલેજમાં વાઈરલ થઈ ગઈ.
અરમાન સાચા દિલથી રાશીને પ્રેમ કરી રહ્યો હતો. કોઈ ડ્રામા નહીં, કોઈ ગેમ નહીં, ફક્ત શુદ્ધ પ્રેમ.
તે વિચારમાં પડયો, રાશીનું દિલ, જીતવું કઈ રીતે ? મારે કંઈક અલગ જ વિચારવું પડશે અચાનક તેને આઈડિયા સુઝી ગયો.
બીજે દિવસે રાશીના પિતા મનસુખભાઈ સાઈકલ ઉપર ફેક્ટરીએ કામે જઈ રહ્યા હતા. અચાનક. એક કાર આવી, હળવી ટક્કર મારતાં મનસુખભાઈ સાયકલ પરથી ગબડી પડયાં.
લોકો ભેગા થવા લાગ્યા. ત્યાં જ હીરો જેવો દેખાતો અરમાને દોડી આવ્યો. ''અંકલ, કાંઈ વાગ્યું તો નથી ને !''
અંકલ બિચારા આડા પડયા હતા, તેને સહારો આપી બેઠા કર્યા, પાણી અને ચા મંગાવ્યા, ત્યારબાદ રિક્ષામાં તેમને ઘરે મૂકવા ગયો.
રાશીએ દરવાજો ખોલતા જ પોતના પપ્પાને યુવકને સહારે આવતાં જોયા. અરે! આ તો મારી કોલેજનો જ લાગે છે, તેણે વિચાર્યું.
''આ મદદગાર યુવાનને લીધે જ હું બચી ગયો, નહીંતર રોડ પર હું પડી ગયો હતો.'' મનસુખભાઈએ રાશી સામે જોઈ કહ્યું.
રાશી આભારવશ થઈ ગઈ. ''ના, ના, અંકલ એ તો મારી ફરજ હતી,'' કહેતા અરમાન ભાવુક થઈ બોલ્યો, ''અંકલ, સારવાર બરાબર કરાવજો.'' કહેતા ખિસ્સામાંથી પાંચ હજાર કાઢીને મનસુખભાઈના હાથમાં મૂકી દીધા. રાશી જોતી રહી ગઈ, તેના દિલમાં અરમાન માટે નરમ લાગણી જાગી. એ પછી અરમાન રોજ ખબર લેવા આવતો. સાથે દવા લાવે. ફળ લાવે, ક્યારેક વળી અંકલને હોસ્પિટલ લઈ જાય.
રાશી અને અરમાન હવે કોલેજમાં પણ સાથે ને સાથે ફરવા લાગ્યા. કેન્ટીન હોય કે લાયબ્રેરી બન્ને સાથે જ હોય. રાશીનું દિલ તેના પ્રત્યે આકર્ષાયુ, અંતે બન્નેના લગ્ન ધામધૂમથી થઈ ગયા.
લગ્નની પહેલી રાતે અરમાન બેડ પર બેઠો બેઠો આનંદથી હસી રહ્યો હતો. રાશીને નવાઈ લાગી, ''કેમ હસવું આવે છે ?'' અરમાન કહે, ''તારા જેવી સુંદર છોકરી મારા નસીબે મળી ગઈ એ ચમત્કાર જ કહેવાય''
રાશી બોલી, ''તમારી સેવા ભાવના અને નિખાલસ સ્વભાવ મને ગમી ગયા હતા.
મને તો એજ ખ્યાલ હતો કે બધાં પૈસાદાર બાપના નબીરાઓ બગડેલા જ હોય છે, અને દારૂ, સીગરેટના રવાડે ચડી પ્રેમના નામે ટાઈમ પાસ જ કરે છે. માર મતે તમારે કોઈ વ્યસન નથી, મદદ કરવાની ભાવના, નિરાભિમાની સ્વભાવ અને સાચો પ્રેમ મને પસંદ પડી ગયા. મારા પપ્પાએ પણ તમારા માટે ખૂબ સારો અભિપ્રાય આપી મેરેજ કરાવી દીધા.''
અરમાન મનમાં વિચારી રહ્યો, આ અકસ્માતે તો મને મારો પ્રેમ અપાવી દીધો.
પ્રેમ અને આનંદમાં મહિનો ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી. રવિવારની સાંજે અરમાનનો ખાસ મિત્ર કિયાન અને તેની પત્ની આન્યા. અરમાનને ઘરે મળવા અને ડિનર માટે આવ્યા.
રાશીએ ખૂબ મહેનત કરી બિરયાની અને નાન તથા પનીર મટર મસાલાનું શાક બનાવ્યા હતા. બધાં ખાઈને લાઈટ મુડમા બેઠા હતા. કિયાનને એમ કે હવે તો મહિનો થઈ ગયો છે તેથી સાચી વાત કહેવામાં વાંધો જ નથી. તેણે હસતાં હસતાં કહ્યું, ''અરમાન, તારે તો મને અલગથી પાર્ટી આપવી પડશે.''
રાશીને નવાઈ લાગી ''કેમ?''
હવે કિયાને રહસ્ય ખોલતા કહ્યું ''અરમાનના કહેવાથી તો મેં મારી ગાડીની ટક્કર અંકલને મારી હતી. હા, હા, હા...''
અરમાન સ્તબ્ધ થઈ ગયો. એ વિચારે ચડયો, કિયાને અત્યારે આ વાત કહેવાની ક્યાં જરૂર હતી, પણ શું થાય ?
રાશી ચમકી, 'હૈ, અરમાને જ આ બધું પ્લાનિંગથી કરાવ્યું હતું'' તે ગુસ્સે થઈ ઉભી થઈને જતી રહી.
અરમાન અને કિયાન તેને જોતા જ રહી ગયા. રાશીને બેડરૂમમાં રડતી જોઈ અરમાન ઢીલો પડી ગયો. તે સમજાવતાં બોલ્યો, ''રાશી, મને માફ કરી દે, મારો ઈરાદો ખરાબ ન હતો. હું ફક્ત તારા મનમાં રહેલો ખોટો ખ્યાલ જ બદલવા માંગતો હતો. તે જોયુંને, મહિનામાં મેં તારી સાથે પ્રેમપૂર્વક વર્તન જ કરેલું છે, અને જીવનભર સાથ નિભાવવાની કસમ ખાધી છે.''
મનસુખભાઈને વાતની ખબર પડતાં, તે પણ દોડી આવ્યા. તેમણે રાશીને સમજાવતાં કહ્યું, રાશી, અરમાનનો ઈરાદો શુધ્ધ હતો, તે કોઈપણ રીતે તને મદદ કરી તારો પ્રેમ મેળવવા માંગતો હતો. આમેય અમારે તારે માટે સારો છોકરો તો શોધવાનો જ હતો, આ તો અનાયાસે જ તને શુધ્ધ પ્રેમ કરતો અરમાન મળી ગયો. એમાં ખોટું શું છે ? હા, તેણે અકરસ્માત કરાવ્યો તે બરાબર નથી પણ કહેવાય છે ને કે લવ અને વોરમાં બધી જ હરકતો માન્ય હોય છે. તેને માફ કરી દે.
અંતે રાશીએ અરમાનને માફ કરી દીધો. બન્ને આનંદપૂર્વક લગ્નજીવન માણવા લાગ્યા.









