થોડું જુઠાણું .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- પટારો ખોલી રીયા અંદર સંતાઈ ગઈ, પણ અનાયાસે તેનું ઢાંકણ બંધ કરતાં ઉપરનો નકૂચો બંધ થઇ ગયો
''અ યાન બેટા ચિરાગને કહી દે કે હું ઘરે આવ્યો જ નથી બહાર છું.'' અંશે રવિવારની સવારે આરામથી છાપું વાંચતાં તેના દીકરા અયાનને કહ્યું.
''પણ પપ્પા તમે તો ઘરે જ છો, પછી જુઠ્ઠું કેમ કહેવાનું ? અયાનને નવાઈ લાગી.''
''એ મારો મિત્ર ચિરાગ ચોંટણિયો છે, આવીને બે કલાક આપણું માથું ખાશે. એની કરતાં મળવું જ નહીં એ બહેતર રહેશે.'' અંશે ફોડ પડતાં કહ્યું.
આ વાતચીત બાજુના સોફા પર બેઠેલા તેના પિતા હરિશભાઈ સાંભળતા હતા. તેણે કહ્યું 'બેટા, અત્યારથી જ દીકરાને જૂઠું બોલતા શીખવાડીશ, તો ભવિષ્યમાં તે સાવ જૂઠાબોલો જ થશે.'
'પપ્પા, ચિરાગ મારો જૂનો મિત્ર છે, એટલે તેને મળવાની તો ના કહેવાય તેમ નથી. વળી તે બેઠો હોય તો, હવે ઘરે જા એમ પણ કહેવાય નહીં એના કરતાં આમ કહેવું સારું, જેથી તેને ખરાબ પણ ના લાગે.' અંશે તેના પપ્પા હરિશભાઈને સમજાવતા કહ્યું.
પણ અયાન તેની સામે જોતો ઊભો રહ્યો,એટલે અંશ ચિડાયો,'જા તને કહ્યું ને, ચિરાગ અંકલને જૂઠું બોલીને સમજાવી દે. આમેય થોડા જૂઠાથી આપણને ફાયદો થતો હોય તો વાંધો શું છે ?'
અંતે અયાને ચિરાગને પાછો મોકલી દીધો.
હરીશભાઈને એક જ દીકરો હતો અંશ. તેમણે જીવનભર સરકારી રેવન્યુ ખાતામાં ઇમાનદારીપૂર્વક નોકરી કરી હતી. તેમને બેઇમાની, ધોખેબાજી, જુઠ્ઠું બોલવું વિગેરે જરાપણ ગમતાં નહીં. એટલે જ તેમણે માંડ બે બેડરૂમનો ફ્લેટ સોલામાં લીધો હતો. તેમની સાથેના સહકર્મચારીઓ લાંચ બેઇમાની કરીને મોટા બંગલા અને ગાડી વસાવી અમીરીપૂર્વક રહેતા હતા. તેમના પત્ની પુષ્પાબેન અને એકનો એક પુત્ર અંશ તેમનાથી બિલકુલ નારાજ હતા. ઇમાનદારી અને સચ્ચાઇથી કોનું ભલું થયું છે, એમ કહીને હરીશભાઈને સંભળાવ્યા કરતા. પણ હરીશભાઈને તેની કોઈ અસર જ નહીં ને ! એ તો એવું જ કહેતા કે દિવસે એવા કામ કરો કે રાત્રે ચેનથી ઊંઘ આવે, તેમ તેમના પૌત્ર અયાન અને પૌત્રી રીયામાં સારા સંસ્કાર આવે તેમ ઇચ્છતા હતા.
ત્રીજી તારીખે અંશ ખુશ થતો ઘરે આવ્યો, તેણે દરેક માટે કીંમતી ડ્રેસ ખરીદ્યા હતા. તેની પત્ની પૂજા અને પુત્ર અયાન તથા પુત્રી રિયા પોતાના નવા સુંદર ડ્રેસ જોઈ ખુશ થઇ ગયા. તેણે પપ્પાને પણ નવો જ ડ્રેસ આપ્યો. અચાનક હરીશભાઈને યાદ આવતાં કહ્યું 'અયાન, તારો પગાર તો પાંચમી તારીખે થાય છે. તો આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી?'
''પપ્પા, વાત એમ છે કે આજે કંપનીમાં એકાઉન્ટન્ટ રજા ઉપર હતા, તેથી કેશનો કારોબાર મને સોંપવામાં આવ્યો હતો.'' થોડું સેટિંગ કરતાં આટલા રૂપિયા મળી ગયા. અંશે ખચકાતાં ફોડ પાડયો.
'બેટા, આ તો કંપની સાથે બેઇમાની કહેવાય. મારે હરામના પૈસાથી ખરીદેલ ડ્રેસ ના ખપે.' આમ કહી તેમણે તેમનો નવો ડ્રેસ બાજુ પર મૂકી દીધો.
પપ્પા, તમારા જૂના કપડાં ફાટવા લાગ્યા એટલે જ અંશ તમારા માટે નવો ડ્રેસ લાવ્યો છે. અંશની પત્ની રિયાએ, પોતાના સિધ્ધાંતવાદી સસરાને સમજાવતાં કહ્યું.
'ના, એટલે ના' હરીશભાઈએ દ્રઢતાપૂર્વક ના પાડી, બધા જોઈ રહ્યા.
'આવા સિધ્ધાંતવાદી પપ્પાને લીધે જ આપણે આવાને આવા સામાન્ય મધ્યમવર્ગના રહ્યા છીએ.' આવો બબડાટ તેણે પત્ની રીયા સામે જોઈ કર્યો.
અયાનની શાળામાં પરિણામને દિવસે ટીચર તેમના વાલીને મળી શકે, એટલે દરેકના વાલીને પરિણામ લેવા આવવું જ પડશે, એવો નિયમ અયાને તેના પપ્પાને કહ્યો.
'બેટા, મંગળવારે ચાલુ દિવસે મને ઓફિસમાં રજા નહીં મળે, મારાથી નહીં અવાય.'
અંશે સમજાવતાં કહ્યું.
'તો મને મારું પરિણામ નહીં મળે.' અયાને ચિંતા જતાવી. તારા ટીચરને કહેજે કે, 'મારા પપ્પા ઓફિસના કામે બહારગામ ગયા છે.' અંશે સમજાવતાં કહ્યું.
આ સાંભળી હરીશભાઈ ચોકી ગયા. 'અંશ, દીકરાને ખોટું બોલતા ના શીખવાડ, એ લાંબાગાળે નુકશાનકારક છે.'
'જો પપ્પા, કંઇક સારું થતું હોય તો જૂઠું બોલવામાં વાંધો નહીં. યુધિષ્ઠિર પણ યુધ્ધમાં નરોવાં કુંજરોવા કહીને ખોટું જ બોલ્યા હતા ને !' અંશે તેના પપ્પાને સમજાવતાં કહ્યું.
અયાને ખોટું બોલીને શાળામાંથી પરિણામ મળી ગયું. હરીશભાઈ દીકરામાં આવા ખોટા સંસ્કાર પડતાં જાણી નારાજ થયા.
વેકેશનની રજાઓમાં બાજુવાળાનો દીકરો કર્મ તેમને ઘરે રમવા આવ્યો. તેની ઉંમર પણ અયાન અને રીયા જેટલી જ હતી. બહાર તડકો હોવાથી ઘરમાં જ સંતાઈ જવાની રમત થપ્પો રમવા લાગ્યા.
કર્મનો દાવ આવતાં તે આંખ બંધ કરીને સો સુધી ગણતો હતો, ત્યાં અયાન અને રીયા સંતાવા સ્ટોરરૂમમાં દોડયા. મોટો પટારો ખોલી રીયા અંદર સંતાઈ ગઈ, પણ અનાયાસે તેનું ઢાંકણ બંધ કરતાં ઉપરનો નકૂચો બંધ થઇ ગયો. અયાન દરવાજા પાછળ છુપાયો ત્યાં જ કર્મના પપ્પા તેને લેવા આવ્યા, એટલે અયાન બહાર નીકળી તેને આવજો કહેવા દરવાજે આવ્યો. પણ કર્મ તેને આગ્રહ કરીને પોતાને જ ઘરે લઇ ગયો. એ વખતે અયાનના મનમાંથી રીયા પટારામાં છુપાઈ છે, એ વાત જ નીકળી ગઈ.
અડધા કલાકે તે ઘરે આવ્યો, ત્યારે ચારે તરફ રીયા ક્યાં ગઈ, કેમ દેખાતી નથી, ની રાડારાડ ચાલતી હતી. પૂજા અને પુષ્પાબેન એકદમ ચિંતામાં અને ગુસ્સામાં આમતેમ દોડાદોડી કરી રહ્યા હતા.
અયાન સહેમી ગયો. પૂજાએ ગરમ થઇ પૂછ્યું, 'રીયા ક્યાં છે ?'
સહેમી ગયેલા અયાને કહ્યું 'ખબર નહીં'
ચારે તરફ રોકકળ મચી ગઈ. પૂજાએ તરત ઓફિસેથી અંશને બોલાવી લીધો.
અંશે આવતાવેત પૂછ્યું 'રીયા, મળી કે નહીં ?' છેલ્લે તે કોની સાથે હતી ? પૂજાએ કહ્યું અયાન સાથે રમતી હતી.
લાલચોળ અંશને જોઈ અયાન ગભરાઈ ગયો. તે કઇ બોલ્યો જ નહીં. અંશે ગુસ્સે થઇને પૂછ્યું, 'રીયા ક્યાં છે ?'
અયાને ગભરાતાં કહ્યું, 'ખબર નહીં.'
હરીશભાઈ અને અંશ પોલીસ ફરિયાદ કરવાનું વિચારતા હતા, ત્યાં પૂજાએ આખું ઘર તપાસતાં અંતે સ્ટોરરૂમ પહોંચી. પટારો ખોલતા બેભાન રીયા મળી તત્કાલ ડૉક્ટર બોલાવતાં તેમણે તપાસી જાહેર કર્યું 'જો દશ મિનિટ પહેલા જ ખબર પડી હોત તો રીયાનો જીવ બચી જાત' પહેલા જ ઓક્સીજન ખલાસ થતાં તેનું મોત થયું છે.
દાદા હરીશભાઈએ કહ્યું 'અયાન, તને તો ખબર હશે ને !'
અયાને ડરતાં ડરતાં હા પાડી. તેના પપ્પા મમ્મી ઉકળી ગયા, 'તો પહેલા કહ્યું કેમ નહીં.'
ડરતાં અયાને કહ્યું 'હું બહુ જ ગભરાઈ ગયો હતો. પપ્પા તમે જ શિખવાડયું છે કે ડરી ગયા હોવ તો થોડું જૂઠ્ઠું બોલવામાં વાંધો નહીં.'
'અરેરે ! મેં આવું ક્યાં શિખવાડયું !' કહેતા અંશ માથે હાથ દઇ બેસી ગયો. પૂજાબેન રડવા જેવા થઇ ગયા.
લાસ્ટ સ્ટ્રોક
થોડું જૂઠાણું પણ ક્યારેક મોટો અનર્થ કરી દે છે અને હંમેશા સત્ય બોલવાનો જ આગ્રહ રાખો.









