Magazines

કટોકટીના સમય માટે જ .

By GS TEAM
30 Sep 20255 mins read
કટોકટીના સમય માટે જ                                          .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- તને મારી કોઈ ઈચ્છા, માંગણી પૂરી કરવી જ નથી, મારા પ્રત્યે હવે પ્રેમ રહ્યો જ નથી

ઓ ફિસના કામથી થાકેલો તપન ઘરે આવીને બેઠો અને તેની રૂપાળી પત્ની રસિલા ચાનો કપ લઈ આવી અને ખુશ થતાં બોલી, ''તપન, બાજુવાળા રસિલાબેન દીકરીના લગ્ન માટે ત્રીસ હજારની સાડી લઈ આવ્યા ખૂબ સરસ છે. મનેય ગમી ગઈ તેની ડિઝાઈન જોઈ મને લેવાનું મન થઈ ગયું છે.''

''જો રસિલા, મારો પગાર ત્રીસ હજાર રૂપિયા  જ છે, તેમાં આપણા ફ્લેટનો હપ્તો, ખાવાપીવાનું, કામવાળીને પગાર વિગેરે ખર્ચતા બાકી શું વધે છે ? એમાં હું તને ત્રીસ હજારની સાડી ક્યાંથી અપાવું ?'' તપને રસીલાને સમજાવતા કહ્યું.

''તપન, તને તો મારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહું, ત્યારે ના જ પાડીદે છે. પરણીને આવી ત્યારથી બસ ના અને ના જ સાંભળતી આવી છું.'' રસીલા ચિડાઇ ગઈ.

''જો રસિલા માણસે પોતાની ચાદર જેટલા જ પગ ફેલાવવા જોઈએ. હું ના ક્યાં પાંડુ છું, જોઈએ તો સાદો ડ્રેસ લઈ લે ને !'' તપને કહ્યું.

''મારે એવો હજાર બે હજારનો ડ્રેસ નથી લેવો.'' ''કહીને રસિલા મોં ફુલાવીને જતી રહી. તેણે તપન સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તપનની બહુ જ સમજાવટ પછી માંડ ગાડી પાડે ચડી.''

બીજા રવિવારે રસિલા તેની મોટી બહેનના ઘરે ગઈ, તેણે સુંદર સોનાંની વીંટી બનાવડાવેલી, તે બતાવતા રસિલાને પણ મન થઈ ગયું. ઘરે આવતા જ તેણે તપનને જમતાં જમતાં કહ્યું, ''તપન, મારી મોટી બહેને સુુંદર સોનાની વીંટી બનાવડાવી છે. તેની ડિઝાઈન અફલાતૂન છે, મારે પણ બનાવવી છે.'' તપન ફરી વિચારમાં પડી ગયો રસિલા, આટલી મોંઘી વીંટી કરાવવા માટે મારી જોડે પૈસા નથી. પગારમાંથી માંડ માંડ મહિનો પૂરો થાય છે.

''તપન તને તો મારી ઉપર પ્રેમ જ નથી, નહીંતર એક વીંટી માટે ના ન પાડે.'' રસીલા ગુસ્સે થઈ બોલી.

''રસિલા, તારા માટે તો હું કાઈપણ કરવા તૈયાર છું, પણ આવા ફાલતું ખર્ચ માટે અત્યારે વધારાના પૈસા નથી.'' તપને સમજાવતા કહ્યું. ''હું જ્યારે કાઈ લેવાની વાત કરું એટલે પૈસા નથી, સાંભળીને હું તંગ આવી ગઈ છું. આપણી પાસે દાદાજીનો વારસામાં આવેલો હીરાનો હાર તો છે. જે ચાલીસ લાખ રૂપિયાનો છે. એ વેચી નાખોને. આમ ઘરમાં કબાટના ચોરખાનામાં સંતાડીને રાખવાનો શું અર્થ છે ?'' રસિલા હવે બગડી હતી. બરાબર એ જ સમયે કામવાળી ચંદા રૂમમાં ઝાડુપોતું કરવા આવી હતી, તેણે આ વાત સાંભળી લીધી. ''શું દરેક વખતે દાદાજીના હીરાના હારની જ વાત કરતી હોય છે, એ મેં ખાસ કોઈ કટોકટીના સમયે કામમાં આવે એટલા માટે જ રાખ્યો છે.'' હવે તપન પણ બગડયો.

તપન અને રસિલાના લગ્નને આઠ વર્ષમાં એક છ વર્ષનો મુન્નો સંતાન રૂપે મળ્યો હતો. તપન એક પ્રાઈવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ કમ ક્લાર્કની નોકરી કરતો હતો, આવક પ્રમાણમાં ઠીકઠીક હતી, ઘર ચાલતું હતું, પણ બચત થતી નહીં. નવો જ ફલેટનો હપ્તો દર મહિને દશ હજારનો ભરવો પણ અઘરો પડી જતો, એમાં વળી આ બધા દાગીના અને કપડાના ખર્ચા ક્યાંથી કાઢવા ? તપને બહુ સમજાવી, પણ રસિલા માને જ નહીં ને ! તને મારી કોઈ ઈચ્છા, માંગણી પૂરી કરવી જ નથી, મારા પ્રત્યે હવે પ્રેમ રહ્યો જ નથી. વાદ વિવાદ વધી ગયો, તેણે અંતે બીજા દિવસે પિયર જવાની જીદ પકડી. તપને બહુ સમજાવી, આવી બાબતે આમ પિયર ના જવાય, પણ રસિલા જિદે  ચડી ગઈ.

કામવાળી ચંદાનો વર બબન દારૂડિયો અને જુગારી હતો. તેને ચંદાએ વાત કરતાં, બબને તેના લબાડ સાથીદાર ચીમનને તૈયાર કર્યો, અને સાંજે મુન્નો સ્કૂલબસમાંથી ઘરે આવતો હતો ને તેનું અપહરણ કર્યું.

સાંજના સાત વાગી ગયા, પણ મુન્નો ઘરે ન આવતા, બન્ને ચિંતામાં પડયા. પોલીસ પાસે જવું ના જવું વિચારતા હતા, ત્યાં રસિલાનો મોબાઈલ રણક્યો ''રસિલાબેન, મુન્નાને જીવતો જોવો છે ને!'' એકદમ બન્ને ચમકી ગયા.

''હા, હા, તમે કોણ?'' રસિલાએ ચિંતામાં પૂછ્યું. ''હું જે હોઊ તે, રાત્રે અગીયાર વાગે મહાકાળીના મંદિર પાછળ તમારે ઘરે રહેલો હીરાનો હાર લઈને પહોંચાડી દો. જો પોલીસને જાણી કરી તો મુન્નાની લાશ જોવા મળશે.'' ભેદી અવાજે ઓર્ડર કર્યો. બન્ને થથરી ગયા. હવે પોલીસ આગળ તો જવાય તેમ જ નહોતું. 

પણ આને હારની ખબર કઈ રીતે પડી ? પછી તપનને યાદ આવ્યું કામવાળી ચંદા તેમની વાત સાંભળી ગઈ હતી. રસિલાને પણ કામવાળની હાજરીમાં આ વાત કરવા બદલ પસ્તાવો થયો. ''મને માફ કરી દો તપન,  મારાથી ભૂલમાં ચંદાની હાજરીમાં બોલાઈ ગયું.''

હવે કરવું શું ? રસિલા વિચારે ચડી, તપન તો બહુ જ ચીકણો અને કંજૂસ છે. એ કાઈ હીરાનો હાર કાઢશે નહીં મુન્નાની જીંદગીનું શું ? તે તપન સામે જોઈ રહી.

તપન પણ ચિંતામાં પડી ગયો. તરત તેણે કબાટનું ચોરખાનું ખોલ્યું અને હીરાનો હાર કાઢ્યો.

''હમણાં તો તે હીરાનો હાર આપવાની ના પાડી હતી, અને હવે કેમ કાઢયો ?'' રસિલા નવાઈથી જોતી રહી ગઈ.

''પ્રિયે, મે કહ્યું જ હતું, ખરેખર આફતના સમય માટે જ મેં આ દાગીનો રાખ્યો છે. અત્યારે મુન્નાની જીંદગી કરતાં વધારે કિંમતી શું છે ? આજ ખરેખર કટોકટીનો સમય છે.'' કહેતા તપન તેને થેલીમાં લપેટી મહાકાળીના મંદિર જવા નીકળ્યો, રસિલા પણ સ્કૂટરમાં સાથે જ બેસી ગઈ.

રસ્તામાં વિચારતી હતી, ''અરેરે! મેં જ ખોટી જીદ કરી. તપનની વાત ખરેખર સાચી જ છે.'' મહાકાળી મંદિરની પાછળ બે બુકાની ધારી ગુંડાઓ, નાના મુન્નાને દબાવી ઊભા હતા. તપને થેલીમાંથી હાર કાઢી બતાવ્યો અને નીચે મૂકી દીધો. મુન્નો ગુંડાના હાથમાંથી છૂટી મમ્મી કરતો રસિલાને વળગી પડયો. રસિલાની આંખમાંથી હર્ષ અને પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા.

ઘરે પહોંચીને તેણે પિયર જવા ભરેલી બેગના કપડાં પાછા મૂકતાં બોલી, ''તપન, તારી વાત સાચી હતી. મેં જ ખોટી જીદ કરીને ખોટી માંગણી કરી, પણ તારી વાત ખરેખર કટોકટી માટે જ સાચી પડી.''

બે જ દિવસમાં ચંદાના ઘરે પોલીસે રેડ પાડી બબનને પકડી, હીરાનો હાર તપનને પરત કર્યો. 

પછીથી ક્યારેય રસિલાએ બીજાના વાદ લઈ મોંઘી વસ્તુ લેવાની કે વારસાઈ હીરાનો હાર વેચવાની વાત ઉચ્ચારી જ નથી.

લાસ્ટ સ્ટ્રોક

 બીજાના વાદ કરવાને બદલે પોતાની ચાદર જેટલા જ પગ પ્રસારો. અજાણ્યા માણસની હાજરીમાં ઘરની ગુપ્ત વાતો ક્યારેય કરવી નહીં.