Get The App

અંતરની અગાશીમાં પ્રેમનો પતંગ અને દિલની દોર

- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી

- રામચરિત માનસમાં તુલસીદાસે કહ્યું છે : 'રામ ઇક દિન ચંગ ચડાઈ'. ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજીની સાથે પતંગ ઉડાડી હતી.

Updated: Jan 12th, 2021

GS TEAM


Google News
Google News
અંતરની અગાશીમાં પ્રેમનો પતંગ અને દિલની દોર 1 - image


તમે તેજ તાતા સદા સૂર્ય અવતારના.

અમે હોલવાતું છીએ કોડિયું ક્યારના.

તમે નાદ છો પૂર્ણતમ શબ્દ રણકારના,

અમે કંઠ કેવળ રહ્યા કોઇ ભણકારના.

તમે શિખરિણી જળ હિમાલય તણી ધારના,

અમે છીએ પથ્થર, હવડ વાવ પગથારના.

તમે તો પતંગો થઇ આભમાં ઊડતા,

અમે રાખ થઇ ઊડતા પંડ ક્ષણ વારના.

- જયેશ ભટ્ટ

આ વખતે બજારમાં માસ્કવાળા પતંગ મળશે કે પતંગના મોંએ માસ્ક બાંધવાના ? કે દોરીને સેનિટાઈઝ કરવાની રહેશે ? જનહિત અને જાન હિત માટે જારી. કોરોનાકાળમાં પતંગ કેમ ઉડાડવી એવા ટીવીમાં ટોક શો યોજાશે અને આપણે હોંશે હોંશે જોઇશું પણ ખરા. પતંગ પર 'દો ગજકી દૂરી'ના મેસેજ જોવા મળે છે. બે પતંગો વચ્ચે દો ગજની દૂરી રાખીશું તો પેચ કેમ લગાડીશું ? આ વખતે આ ધંધામાં પણ મંદી છે. 'એક કોડી પતંગ સાથે માસ્ક અને સેનેટાઈઝર ફ્રી' એવી સ્કીમ પણ ગ્રાહકોને આકર્ષવા ઊભી કરાય છે. જો કે કેટલાક વિસ્તારોમાં તો પતંગ ઉડાડવા માટે ઉતરાયણની રાહ જોવાતી નથી. ઈચ્છા થાય ત્યારે અગાસીએ ચડી જવાનું.

મકર સંક્રાંતિમાં મહોબ્બતનો સેન્સેક્સ આસમાને પહોંચે છે. પ્રેમનું નામ પડતા જ કેટલાક સજ્જનો ચોખલિયા ચાલીસા શરૂ કરી દે છે. સોળ વરસના વાસંતી પવન અને અઢાર વરસના પતંગની ગુલાંટને ત્રાંસી નજરે જોવા ગમે છે, પણ જાહેરમાં તો મહોરાનો મલકાટ... આકાશના કોઇ ખૂણે પતંગના પેચ સાથે દિલના દાવપેચ થતા હશે ત્યારે સૂર્યને વધુ ઝળહળવાનું મન થતું હશે. સાચા પ્રેમી તો પડી ગયેલા પવનમાં પણ પતંગને ઉડાડી શકે છે. સામા પ્રવાહે તરવા જેવું આ કામ છે. પ્રેમને સીધો રસ્તો કદી ક્યાં ફાવ્યો છે ! હેમિલ્ટન રાઈડે કહ્યું છે કે u ‘don't be afraid of opposition, Remember, a kite rises against, not with the wind. માત્ર રાજકારણમાં જ એકબીજાના પતંગ કાપવામાં આવે છે એવું નથી, પ્રેમમાં પણ એવું જ છે. સ્નેહના શાસક પક્ષ સામે દુનિયા વિરોધ પક્ષ તરીકે હંમેશા ઊભી હોય છે.

દુનિયામાં પતંગપ્રેમ જાણીતો છે, પણ પ્રેમનો પતંગ ચગાવતા પેચ લાગી જાય અને ધડકનો ઢીલ દેવા લાગે ત્યારે અગાસીમાં આકાશ ઉતરી આવતું હોય એવું લાગે. પંદરમી સદીમાં લિયોનાર્ડો દ વિન્ચીએ દોરી આપી ત્યારે એને ખબર ન હતી કે વર્ષો પછી આનો ઉપયોગ 'ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા...'માં થશે અને અનેક સહૃદયમી સલ્લુભૈયા અને આત્મીય ઐશ્વર્યાકુમારીનો મિલન મેળાપ સર્જાશે. તંગ માગણી અને પતંગની લાગણીનો પ્રાસ સર્જાશે. દિલ ફાડીને પ્રેમ કરતા પ્રેમીઓને આજુબાજુ ધાબાવાળા આંખો ફાડીને જોયા કરે છે. ઓન એર થતા આ ઈશ્કના એપિસોડની TRP નંબર વન હોય છે.

પતંગની શોધ ચીને કરી વિશ્વને આનંદ આપ્યો અને એમની જ ચાઇનીઝ દોરી પીડા આપનારી બની છે. ચીને જ આપેલી કોરોનાકાઈટ હવે કપાય તો સારું. હે વેક્સીનદેવી, હવે તમે અવતરો. જો કે ચીન પહેલા ઇન્ડોનેશિયામાં પતંગના આકારો જોવા મળેલા એવું ઈતિહાસવિદો કહે છે. પતંગ પર પ્રેમપત્ર લખી પ્રેયસીને મોકલવાની પ્રથા પહેલાના સમયમાં હતી. 'બહુ ચગ્યો છે' રૂઢીપ્રયોગ પતંગ પછી પ્રેમી માટે વધુ પ્રયોજાય છે. 'આજે અમે ઘરમાં હોમથિયેટર લાવ્યા' કહીને બાજુવાળાનો પતંગ કાપીએ છીએ. સફળતામાં બહુ ઊંચે ન ઊડવું નહીંતર જ્યારે જમીન પર પડીએ ત્યારે લૂંટણિયાઓ ઝંડા લઇને આપણી રાહ જ જોતા હોય છે, જેમ ફૂલ સ્પીડે જતી કાર આપણને આગળના સિગ્નલ પર મળી જતી હોય છે.

પતંગ જેમ પ્રેમી પણ કર્મયોગી હોય છે. ઊંચે જવા સતત પરિશ્રમ કરે છે. કિન્નાખોરી સામે એની કિન્ના તૂટે નહીં એ જોવું રહ્યું. પરિસ્થિતિના પવન પ્રમાણે ગુલાંટ મારવાની હોય છે અને પ્રતિપર્ધી પતંગને મ્હાત કરવાનો હોય છે. આ મ્હાત કરવામાં થોડા સમયમાં થાકી ગયા તો ગયે કામ સે... સતત સાતત્યનું બહુ મૂલ્ય છે. થોમસ આલ્વા એડીસન કહે છે કે 'હું મારી પ્રયોગશાળામાં કદી ઘડિયાળ રાખતો ન હતો, એ જ મારી સફળતાનું રહસ્ય છે.'

નભના ખખડધજ ખાલીપામાં પતંગના પ્રવેશથી મહેફિલના મંડાણ થાય છે. તુક્કલના તોરણથી આકાશના આંગણે જાણે ઉત્સવ આવ્યો. જેમ અમદાવાદી પતંગ લૂચ્ચાઈ નથી કરતો, સુરતી પતંગ ગાળો નથી બોલતો કે કાઠીયાવાડી પતંગ મહેમાનગતિ માટે નથી કહેતો એમ પ્રેમીઓ પણ દરેક સ્થળે સરખું સંવેદન અનુભવે છે.

પતંગનું આરોહણ ખૂબ ઊંચાઈ પર ભલે થાય પણ સંચાલન તો પૃથ્વી પરથી જ થાય છે. પ્રેમીઓ શરૂઆતમાં ચાંદ તારાના સપનાંના વરખ ભલે આંખમાં ચોંટાડી રાખે પણ અંતે તો વાસ્તવિકતાના 2BHK થી સંતોષ માનવો પડે છે. પ્રેમનો પતંગ ચગાવવો મમરાના લાડુ ખાવા જેવું સહેલું કામ નથી. કનકવો કપાય ત્યારે 'કટી પતંગ'નું સેડ સોંગ મનના સીડી પ્લેયરમાં વાગે છે. દિવસની નિરાશા ખંખેરીને આશાવાદી યુવાનો રાત્રે ફાનસ, ગુબ્બારાના સહારે 'એક નયી દુનિયા બસા લેતે હૈ...'

રામચરિત માનસમાં તુલસીદાસે કહ્યું છે : 'રામ ઇક દિન ચંગ ચડાઈ'. ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજીની સાથે પતંગ ઉડાડી હતી. તુલસીદાસે શબ્દ પ્રયોગ કર્યો છે 'ચંગ ચડાઈ' મતલબ કે પતંગ ઉડાઈ ! પતંગ 'ઉડાડવા'માં અને 'ચગાવવા'માં ઘણો ફરક છે. આકાશમાં પતંગો ઊડે છે, પણ ધરતી પર મોટાભાગના અને મોટાભાગની પતંગો ચગે છે. મકરસંક્રાંતિજંગના શસ્ત્રમાં ફીરકી અને શાસ્ત્રમાં દિલ હોય છે. જ્યારે ફીરકી પકડનાર કોઇ મનગમતું મળી જાય ત્યારે પતંગ ચગાવવાનો આનંદ બેવડાઈ જાય છે. ઉત્તરાયણે દિલ દાન દઈએ તો અનેકગણું પૂણ્ય મળે છે.

આપનો મનગમતો મારગ રંગબેરંગી બને એવી પતંગ પ્રાર્થના. રમેશ પારેખ કહે છે કે 'આભ, તને આ પતંગ રૂપે છે નિમંત્રણ- નીચે આવી ચાખ ઉમળકો, ચાખ જુવાની, ચાખ લાગણી ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ આભ, તું જરાક નીચે આવ...' પતંગનો અર્થ કુદરત સાથે દોસ્તી કરવી. ડીજેના બૂમ બરાડામાં આ વાત ક્યાં સંભળાય છે ? ભૂતકાળમાં શ્વાસની બીમારી હોય તો વૈદ્યો ખુલ્લા આકાશમાં પતંગ ચગાવવાનું કહેતા. કમૂરતાનો કાંટમાળ હડસેલાય અને શુભનું સ્વાગત અને મંગલની મહેરબાની થાય એ ખરી ઉત્તરાયણ.

આવજો...

ઊંઘ એ ટૂંકું મરણ છે તો મોત એ લાંબી ઊંઘ છે. 

- ફિનિયસ ફ્લેચર

Tags :