Get The App

કંટાળો કે એકલતા સહન કરવી અઘરી હોય છે!

તારી અને મારી વાત - હંસલ ભચેચ

સતત ઉત્તેજના અનુભવવા અને નવું નવું કરવા થનગનતી રહેતી ઉંમરમાં

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
કંટાળો કે એકલતા સહન કરવી અઘરી હોય છે! 1 - image


જનરેશન માત્ર ઝડપી અને ચબરાક જ નથી થયું, અકાળે પીઢ પણ થઈ ગયું છે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાની, જે ચિંતા-મુક્ત મઝાની અવસ્થાઓ હતી એ આજે ના જોઈતા તણાવો અને ચિંતાઓથી ઘેરાઈ ગઈ છે! નાની ઉંમરે બાળકો-કિશોરો-યુવાનો ભારેખમ થઈ ગયા છે.

થોડા દિવસ પહેલા હું અને મારી પત્ની, અમારી યોગ ટીચર સાથે વાતે વળગ્યા હતા. હાથમાં કોફીના મગ સાથે અલક-મલકની વાતો ચાલતી હતી ત્યાં તેના ફોનમાં લાઈટ થઈ, સાયલન્ટ પર રાખેલા ફોનમાં મેસેજ આવ્યો. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓના ફોન સાયલન્ટ પર વધારે હોય છે, કારણ 'પ્રાઈવસી'થી શરુ કરીને 'સિક્રસી' વચ્ચેનું કંઈપણ હોઈ શકે છે.

મતલબ એવો નથી કે પુરુષોને સાયલન્ટ પર રાખવાની જરૂર નથી પડતી, પરંતુ પુરુષની સંવેદન-શક્તિ સ્ત્રી જેટલી તીવ્ર નથી પરિણામે બધા સાયલન્ટ એલર્ટસ તો નોંધમાં આવ્યા વગર એમ જ જતા રહે! સરવાળે, લગભગ ફરજીયાત હોય તેવા સંજોગો સિવાય પુરુષ ફોન સાયલન્ટ પર રાખતો નથી. અપવાદરૂપ વિરલાઓને સલામ!

'એક્સક્યુઝ મી' કહીને તેણે મેસેજ વાંચવા માંડયો અને ક્ષણભર પહેલાનો તેનો હળવો ચહેરો સહેજ તંગ થયો 'સોરી, કોફી પતાવીને મારે જવું પડશે' અને કોફી-મગ ઓલમોસ્ટ 'બૉટમ્સ-અપ'!

તેની ઝડપ કે હાવભાવ મારી નોંધમાં આવે તે પહેલા જ મારી પત્નીએ પૂછી કાઢ્યું 'બધું ઠીક છે ને?!' સ્ત્રીઓની એકબીજાના હાવભાવ કળવાની સ્પીડ ૫ય્ ગણીએ તો પુરુષને બિચારાને ૨ય્ પર પહોંચતા'ય હાંફ ચઢી જાય એમ હોય છે અને કેટલાકને તો નેટવર્કના જ ફાંફા હોય છે!!

'ના ના મારા વૃતાંતનો મેસેજ છે - મમ્મા ક્યારે આવો છો?! ફીલિંગ લોન્લી' તેણે સ્માઈલ આપતા કહ્યું 'એનું તો આવું જ હોય છે, હું બહાર હોઉં એટલે ગેટીંગ બોર્ડ અથવા ફીલિંગ લોન્લીના મેસેજ ચાલુ થઈ જાય. ચાલો પછી મળ્યા' એમ કહેતા તે ઉભી થઈ. મારે તેને આ વિષયમાં ઘણું કહેવું હતું પરંતુ કદાચ તેની પાસે કંઈપણ સાંભળવાનો સમય કે ધીરજ, બેમાંથી એકે'ય નહતું.

જનરેશન માત્ર ઝડપી અને ચબરાક જ નથી થયું, અકાળે પીઢ પણ થઈ ગયું છે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાની, જે ચિંતા-મુક્ત મઝાની અવસ્થાઓ હતી એ આજે ના જોઈતા તણાવો અને ચિંતાઓથી ઘેરાઈ ગઈ છે! નાની ઉંમરે બાળકો-કિશોરો-યુવાનો ભારેખમ થઈ ગયા છે.

જે શબ્દો કે લાગણીઓનો અર્થ ત્રીસી વટાવ્યા પછી સમજાતો હતો તે આજે કિશોરાવસ્થામાં પહોંચતા પહોંચતા તો અનુભવાવા માંડે છે. 'કંટાળો' અને 'એકલતા' આ પૈકીની ખુબ સામાન્ય અને મહત્વની કહી શકાય તેવી લાગણીઓ છે! સાધનો અને પ્રવૃત્તિઓના ઢગલા વચ્ચે 'કંટાળા'નો તથા કોમ્યુનિકેશન ક્રાંતિ અને જાણ્યા-અજાણ્યા માણસોના એકચ્યુઅલ-વર્ચ્યુઅલ મેળા વચ્ચે 'એકલતા'નો હિસાબ કરવો કે ઉપાય કરવો, બંને અઘરું હોય છે! આધુનિકતાની સાથે આ કંટાળો અને એકલતાનું પેકેજ ફ્રીમાં આવ્યું છે.

બિલકુલ નવરાશ ના મળે એ હદે સાધનો અને પ્રવૃત્તિઓ વધી છે પરંતુ બધી જ વિવિધતાઓ વચ્ચે મનનો રોમાંચ ઘટતો ગયો છે. રોજ નવી નવી ઉત્તેજનાઓ પાછળ મન ભટકે છે, જીવનની એકધારી ઘરેડ - મોનોટોની એને ખટકે છે અને સરવાળે કંટાળો સતત વળગેલો રહે છે! એજ રીતે આજે સંપર્કો અત્યંત સરળ બન્યા છે, જાણ્યા-અજાણ્યા લોકોનું ટોળું વિવિધ રીતે આપણી આજુબાજુ મંડરાતું રહે છે, તેમ છતાં'ય લાગણીઓના અભાવને કારણે ભરી ભીડમાં'ય એકલતા વર્તાય એવો માહોલ છે.

સતત ઉત્તેજના અનુભવવા અને નવું નવું કરવા થનગનતી રહેતી ઉંમરમાં કંટાળો કે એકલતા સહન કરવી અઘરી હોય છે, તેમાં વળી માતા-પિતા તરીકે આપણે સંતાનને આ લાગણીઓ સહન ના કરવી પડે એ માટે કંઈપણ કરવા તત્પર રહીએ છીએ. સરવાળે અજાણતાંજ આપણે સંતાનને પરવશ બનાવીએ છીએ અને એ સંતાન આગળ જતા કંટાળો કે એકલતા જેવી પરિસ્થિતિઓનો સ્વસ્થતાપૂર્વક સામનો કરવામાં નિષ્ફળ જાય છે! આ સંજોગોમાં ઘણીવાર ટીનેજર્સ કે યુવાનો પોતાની એકલતા કે કંટાળાનો ઈલાજ કરવાના ચક્કરમાં વ્યસનો કે ગમે તેની સંગતના રવાડે ચઢી જતા હોય છે.

કેટલાક તો વળી કુમળીવયે કુપાત્ર સાથે પ્રેમમાં પડી જઈને પોતાની એકલતાનો ઈલાજ કરતા હોય છે. ઘરથી દૂર એકસાથે ભણતા કે રહેતા યુવાનો વચ્ચેના ઈલુ ઈલુમાં ઘણીવાર એકલતા કે કંટાળો મોટોભાગ ભજવતી હોય છે! વ્યસનીઓના જીવનમાં ડોકિયું કરતા પણ ઘણીવાર એ જાણવા મળતું હોય છે! કે તેમના વ્યસનની શરૂઆત પાછળ કંટાળો કે એકલતા જવાબદાર હોય છે. તેમના માટે વ્યસન એક મોટામાં મોટી કંપની હોય છે. આપણે તો કિશોરો અને યુવાનોના સંદર્ભમાં ઉદાહરણ આપ્યા પરંતુ આમ તો વાત ઉંમરના દરેક તબક્કે લાગુ પડે છે.

ટૂંકમાં, મારે એ ભારપૂર્વક કહેવું છે કે કંટાળો અને એકલતા, બંને એવી અવસ્થા છે કે જો વ્યક્તિ એને યોગ્ય રીતે સંભાળી ના શકે તો એમના અને લાગતા-વળગતાના જીવનમાં ગંભીર પ્રશ્નો ઉભા થવાના. પોતાના કંટાળા કે એકલતાને ના સંભાળી શકનાર વ્યક્તિઓ હંમેશા દુ:ખી થાય છે પરંતુ એને સંભાળવાની આવડત નાનપણથી કેળવવી પડે છે! તમારું સંતાન કંટાળો કે એકલતા અનુભવતું હોય તો તરત એના ઉપાયો કરવા મચી નહીં પડવાનું, સંતાન એ પરિસ્થિતિને સહન કરતા શીખે અને એના રચનાત્મક ઉપાયો શોધતા શીખે તે માટે ધીરજ રાખવાની, અને સાથે સાથે તે દિશામાં તેેને પ્રોત્સાહિત પણ કરતા રહેવાનું.

તે પોતાની જાતને આનંદ આપી શકે તેવી પ્રવૃત્તિઓમાં તેનો રસ પેદા થાય તેવું વાતાવરણ સર્જવાની જવાબદારી પણ આપણા માથે લેવાની. જો બાળક નાનપણથી જ પોતાને ખુશ રાખતા શીખી જશે તો જીવનમાં ઘણી કુટેવો અને કુસંગથી બચી જશે તે નક્કી!

પૂર્ણવિરામ: હંમેશા પ્રસન્ન રહેતી વ્યક્તિઓની પ્રસન્નતાનું રહસ્ય, પોતાની જાત સાથે સંગ કરવાની તેમની આવડતમાં છુપાયેલું હોય છે!

Tags :