Magazines

સહજીવનમાં કડવાશ, ઉપેક્ષા કે વફાદારીના પ્રશ્નો

By GS TEAM
26 May 20265 mins read
સહજીવનમાં કડવાશ, ઉપેક્ષા કે વફાદારીના પ્રશ્નો

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- કોઈપણ બાબતમાં સ્ત્રી અને પુરુષનું વૈચારિક પૃથક્કરણ અને વ્યવહાર અલગ હોય છે તેવી પાયાની સમજ ધરાવતી ના હોય તેવી વ્યક્તિઓના સહજીવનમાં એકબીજા સાથેના વ્યવહારો સંઘર્ષપૂર્ણ હોય છે

સં બંધોની મજબૂતાઈ માટે ઘણીવાર એકની એક વાત અવારનવાર કે જુદી જુદી રીતે કરવી પડતી હોય છે. પાંચેક વર્ષ પહેલા મેં તમને એક સ્વરચિત બોધકથા કહી હતી, આજે ફરી કહું. વાત પગપાળા પ્રવાસ કરવો પડતો હતો તે સમયની છે. એક પિતા તેના નાનકડા પુત્રને ખભે બેસાડીને પોતાના ગામથી શહેર તરફ પ્રવાસે હતા. રસ્તામાં બે-ચાર ગામ વટાવ્યા બાદ વિસામો કરવા બાપ-દિકરો એક ગામની સીમમાં આવેલા ચોતરે બેઠા. ચોતરાથી દૂર એક વડનું વૃક્ષ હતું. વડના છાંયડામાં એક બકરી ફરતી હતી, તેનાથી થોડે દૂર એક વાંદરો બેઠો હતો અને બંનેની આગળ-પાછળ એક ખિસકોલી દોડાદોડ કરતી હતી. એટલામાં અચાનક ખિસકોલી ઝાડ ઉપર ચઢીને તેની ડાળીઓમાં ખોવાઈ ગઈ. 

નાનું બાળક આ દ્રશ્ય જોઈને બોલ્યું 'હવે બકરી પણ ઉપર ચઢીને સંતાઈ જશે'. તરત જ તેના પિતા તેને સમજાવતા બોલ્યા 'ના બેટા, બકરી ઈચ્છે તો પણ ઝાડ ઉપર નહીં સંતાઈ શકે'. 

મગજમાં કોઈ વાત સહજ રીતે ના બેસે ત્યારે બાળક પ્રશ્ન કર્યા વગર નથી રહેતું,એણે વળતો પ્રશ્ન કર્યો 'કેમ?! બકરીને ઝાડ ઉપર નથી ચઢવું?' પિતાએ બાળકના માથે હાથ ફેરવીને વ્હાલ કરતા કહ્યું 'એને ચઢવું તો છે પણ કેવી રીતે ચઢાય એ નથી આવડતું'. 

બાળબુદ્ધિ કોઈપણ વાતનું સામાન્ય અનુમાન (જનરલાઈઝ) કરતી હોય છે, નાનકડા બાળકે જમીન પર બેઠેલા વાંદરા તરફ હાથ કરીને જનરલાઈઝ કરતા પૂછયું 'આ વાંદરો પણ નહીં સંતાઈ શકે?! એને પણ ઝાડ પર ચઢતા નથી આવડતું?!'

'ના બેટા, એને તો ઝાડ ઉપર ચઢતા આવડે, પણ એને ચઢવું નહીં હોય એટલે એ નીચે બેસી રહ્યો છે' એમ કહેતા પિતાએ ફરી પુત્રને ખભે બેસાડયો અને શહેર ભણી ચાલવા માંડયું. બાળકના મગજે તો પછી એ બાબતમાં ખાસ લાબું વિચાર્યું નહીં હોય પરંતુ આપણે એ દિશામાં થોડું ચિંતન ચાલુ રાખીએ તો એક પુખ્ત વ્યક્તિ તરીકે ચોક્કસ તારવી શકીએ કે ઝાડ પર ચઢવા માટે માત્ર ઈચ્છા જ કામની નથી, આવડત પણ હોવી જોઈએ અને ના હોય તો તે કેળવવી પડે. ઈચ્છા હોય પણ આવડત ના હોય તો તેને કેળવી શકાય. પરંતુ, આવડત હોય છતાં ઈચ્છા ના હોય તો તેને જગાવવી સરખામણીએ વધુ અઘરી પડે એવી બાબત છે. 

સહજીવનમાં થતી સમસ્યાઓ અને તેના ઉકેલ અંગેની વાતો કરતા હું ઘણીવાર યુગલોને આ વાત કહેતો હોઉં છું. આ પૃથ્વી પરના દરેક યુગલને એકબીજા સાથે જીવતા પ્રેમ-સુખ-શાંતિ-સમૃદ્ધિની અપેક્ષા છે અને સહજીવનનો આ મૂળ ઉદ્દેશ છે. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે મોટાભાગના યુગલોના સંબંધો પ્રેમાળ-સુખી હોવાની જગ્યાએ વત્તે-ઓછે અંશે કડવાશ, ઉચાટ, ઉપેક્ષા, અવિશ્વાસ કે વફાદારીના પ્રશ્નોથી ભરેલા છે. આ દરેક યુગલને સહજ પ્રશ્ન એ સતાવવો જોઈએ કે પ્રેમ-સુખ-શાંતિ-સમૃદ્ધિની અપેક્ષા વચ્ચે સહજીવનમાં કડવાશ, ઉચાટ, ઉપેક્ષા, અવિશ્વાસ કે વફાદારીના પ્રશ્નો કેમ ઘેરી વળે છે. અને, તેથી એક ડગલું આગળ, આ બધું ઉકેલીને સહજીવનનો મૂળ ઉદ્દેશ પાછો મેળવવામાં શું તકલીફ નડે છે?! 

બે પ્રકારની તકલીફ નડી શકે. એક, આવડત અને બીજી, ઈચ્છા!! મોટાભાગના યુગલો પાસે સહજીવનને સુખમય કેવી રીતે બનાવવું તેની આવડત નથી. સંબંધોમાં પ્રેમ, સંભાળ અને સ્પાર્ક ટકી રહે કે વધુ ગાઢ બને તે માટે જરૂરી એવી બાબતોની કુશળતા નથી. સ્વાભાવિક છે, આ કુશળતા આવે પણ ક્યાંથી?! અભ્યાસક્રમમાં તો શીખવવામાં નથી આવતી અને એક જમાનામાં વડીલોના અનુભવો-સલાહોમાંથી થોડી ઘણી પણ શીખવા મળતી, હવે મોટાભાગના કિસ્સાઓમાં તો ઉપલબ્ધ જ નથી અને છે ત્યાં સાંભળવાની કે અનુસરવાની વૃત્તિ નથી! હા, પોતાના અનુભવોમાંથી શીખવા મળે, ત્યાં સુધી કેટલીકવાર સહજીવન ખર્ચાઈ જાય એમ પણ બને! 

યુગલોમાં સૌથી મોટી અણઆવડત તો કોમ્યુનિકેશન સ્કીલ્સ(સંવાદ)માં હોય છે. સહજીવનના કોઈપણ પ્રશ્નના ઉકેલ માટે એકબીજા સાથે સંવાદ સાધવાની કળા તો મૂળભૂત જરૂરિયાત ગણવી પડે. જે વ્યક્તિઓમાં સંવાદની આવડત નથી હોતી તે વ્યક્તિઓ એકબીજા સાથેના વ્યવહારમાં હંમેશા પોતાના બચાવમાં જ વ્યસ્ત હોય છે એટલે કે તે હંમેશા કોઈપણ બાબતે ડિફેન્સિવ થઇ જતા હોય છે. તેમને બીજાની વાત સાંભળવામાં કે લાગણીઓ સમજવા કરતા પોતાના વર્તન-વ્યવહારના બચાવમાં જ રસ હોય છે. આ ડિફેન્સિવ અભિગમને કારણે વ્યક્તિ પ્રશ્નના ઉકેલની દિશામાં વિચારવાને બદલે દલીલબાજી ઉપર ઉતરી આવતા હોય છે અને પોતાનો દ્રષ્ટિકોણ જસ્ટિફાય કરવામાં શક્તિ ખર્ચી નાખતા હોય છે. એકબીજાને સમજવાને બદલે આ સાથીઓ ટોણાબાજી, આક્ષેપબાજી કે દલીલબાજીમાં વ્યસ્ત રહેતા હોય છે અને એકબીજા માટે જજમેન્ટ પાસ કરતા રહેતા હોય છે! હવે મને કહો કે જ્યાં એક છત હેઠળ સહવાસ કરતી વ્યક્તિઓ જયારે એકબીજા સાથે તંદુરસ્ત સંવાદ જ ના સાધી શકતી હોય ત્યાં સુખી સહજીવનની અપેક્ષા વધારે પડતી ના કહેવાય?! બંને સુમેળભર્યું સહજીવન ઇચ્છતા હોય તો પણ 

જ્યાં સુધી પોતાની આ મર્યાદા દૂર ના કરી શકે ત્યાં સુધી બધું ડહાપણ વ્યર્થ છે. 

એવી જ રીતે, કોઈપણ બાબતમાં સ્ત્રી અને પુરુષનું વૈચારિક પૃથક્કરણ અને વ્યવહાર અલગ હોય છે તેવી પાયાની સમજ ધરાવતી ના હોય તેવી વ્યક્તિઓના સહજીવનમાં એકબીજા સાથેના વ્યવહારો સંઘર્ષપૂર્ણ હોય છે. આ વ્યક્તિઓ તેમના સાથીનો દ્રષ્ટિકોણ સમજવામાં અને એકબીજાના અભિપ્રાયો કે નિર્ણયોને સન્માનપૂર્વક મૂલવવામાં હંમેશા નિષ્ફળ જાય છે. સરવાળે, બંને એમ વિચારીને નાસીપાસ થાય છે કે સાથી મને સમજી શકતો નથી. ચાલો નાનકડું ઉદાહરણ આપું. પત્નીના મોબાઇલમાંથી કોઈ કારણવશ ફોટા ઉડી જાય અને પત્ની ફોટા ગુમાવ્યાનું દુ:ખ શેર કરવા પતિને વાત કરે, તો પતિ તેનું દુ:ખ સમજવાને બદલે બેકઅપ લેવા વિષે સલાહો આપવા માંડે! આ કિસ્સામાં પત્નીને સલાહની નહીં પણ સહાનુભૂતિની જરૂર છે એવું સમજવા સ્ત્રી-પુરુષના મગજ અલગ રીતે વિચારે છે અને અલગ રીતે અનુભવે છે તેવી સમજ અને સ્વીકૃતિ હોવી અનિવાર્ય છે! 

આવડત અને ઈચ્છા વિશેની બાકી વાતો આવતા સપ્તાહે...

પૂર્ણવિરામ 

સંગાથમાં સુખની ઈચ્છા સહિયારી હોય છે અને એ ત્યારે જ પૂર્ણ થાય છે જયારે બંને સાથીઓ પોતાના કરતા પહેલા સાથીના સુખનો વિચાર કરે!