'હેપ્પીનેસ ઇન્ડસ્ટ્રી' ચલાવવી હોય તો તમે દુ:ખી હોવ તે જરૂરી છે!
તારી અને મારી વાત - હંસલ ભચેચ
ભય-મુક્ત મન કલ્પના માત્ર છે. દરેકના ભય અંગત હોઇ શકે, વત્તા-ઓછા હોઇ શકે પરંતુ ભય-મુક્ત કોઈ નથી. ગામને નીડરતાના પાઠ ભણાવનારા મોમાં પડેલા નાના ચાંદાથી ફફડતા હોય તે શક્ય છે ! ભય-મુક્ત વિચારસરણીની વાત કરવી એટલે ધબકાર વગર જીવતા રહેવાની વાત કરવી !
'નકારાત્મક વિચારો સામાન્ય વિચારસરણીનો જ ભાગ હોય અને તે દરેકને અનિવાર્યપણે આવતા જ હોય તો તમને નથી લાગતું કે આપણે હકારાત્મકતાને કઇંક વધુ પડતું જ મહત્વ આપી રહ્યા છીએ ?! આમ પણ નકારાત્મક વિચારોના મૂળમાં મોટાભાગે તો ભય જ હોય છે, તો પછી ભયમુક્ત વિચારસરણી જ તેનો અસરકારક ઉકેલ ના બની શકે ?!' ગયા સપ્તાહની આ કોલમના સંદર્ભમાં એક વાચક મિત્રએ મને પૂછયું. લગ્ન સમારંભોમાં કે લેકચર્સ સમયે કોઇ આ રીતે ઝડપે તો મને આનંદ થતો હોય છે, આનંદ બે વાતનો, એક તો એ મને વાંચે છે અને બીજો, વાંચ્યા પછી તે અંગે વિચારે છે. બાકી, આજકાલ આંખ તળેથી મગજ સુધી પહોંચ્યા વગર જ એટલું બધું, સાવ એમ જ જતું રહેતું હોય છે.
જીવનમાં કોઇપણ વિરોધી બાબતોને એકસરખું મહત્વ આપવું શક્ય છે ? મારી દ્રષ્ટિએ એટલી સંતુલિત વિચારસરણી બહુ ઓછા લોકો પાસે હશે. અંગત કે સામાન્ય પસંદગીઓને પંપાળવામાં આપણે તેની વિરોધી બાબતોને જાણે-અજાણે નાપસંદ કરતા હોઇએ છીએ કે ધિક્કારતા હોઇએ છીએ ! ફેર-સ્કીન પસંદ હોય તો નાનકડો ડાર્ક-પેચ પણ તીવ્ર અણગમો પેદા કરી શકતો હોય છે ત્યાં ડાર્ક-સ્કીન વ્યક્તિઓ પરત્વે અણગમો ના થાય તે શક્ય નથી.
અલબત્ત, તેને વ્યક્ત કરો કે ના કરો તે અલગ વાત છે. જ્યાં ચારે બાજુ હકારાત્મકતાની બોલબાલા હોય અને નકારાત્મકતાની રચનાત્મક બાજુ આપણી સમજમાં જ ના હોય ત્યાં સ્વાભાવિક રીતે જ હકારાત્મકતાનું મહત્વ વધુ રહેવાનું. પરંતુ, મુદ્દો વધુ-ઓછા મહત્વ કરતા નકારાત્મકતા મુક્ત વિચારસરણીનો છે, આપણી વિચારસરણીમાંથી નકારાત્મક વિચારોનો એકડો કાઢી નાખવાની વાતનો છે. જેમ નકારાત્મકતા-મુકત વિચારસરણી કે નકારાત્મકતા વગરનું મન શક્ય નથી તેમ ભય-મુક્ત વિચારસરણી કે ભય વગરનું મન પણ શક્ય નથી. ભય તો આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી, એમ કહોને કે અસ્તિત્વને આજ સુધી ટકાવી રાખનાર, મૂળભૂત લાગણી છે.
ભય-મુક્ત વિચારસરણીની વાત કરવી એટલે ધબકાર વગર જીવતા રહેવાની વાત કરવી. રાત્રીના અંધકારમાં હાકોટા-પડકારા કરતો માણસ અંદરથી ભયભીત હોય છે અને છતાં'ય પ્રભાવ પોતે નીડર હોય એવો કરતો હોય છે ! મનની આ બધી રમત છે, અહંમને પંપાળવાની વૃત્તિ છે. બાકી, ગામને નીડરતાના પાઠ ભણાવનારા મોમાં પડેલા નાના ચાંદાથી ફફડતા મેં જોયા છે. બે દિવસ પહેલાની જ વાત કરું તો - 'એક અઠવાડિયા પહેલા ભય એટલે શું મને ખબર જ નહતી' મારી સામે બેઠેલા એક ભાઇએ પોતાની વાત શરુ કરતા પહેલા અડધી બોટલ પાણી ગટગટાવ્યું અને બીજા હાથે માથાનો પરસેવો લૂછ્યો ત્યારે જ સમજાઈ ગયું હતું કે તે વધુ પડતા ચિંતામાં હશે 'હું તો બીજાનો ડર કાઢી નાખું એવો છું પણ છેલ્લા અઠવાડિયાથી મને મોઢામાં ચાંદુ પડયું છે, લગભગ રુઝાવા પણ આવ્યું છે પરંતુ કેન્સરનો ભય એવો ઘુસ્યો છે કે જતો જ નથી ! ચાર ડૉક્ટરોને બતાવ્યું છે અને બધાએ પોતપોતાની રીતે સમજાવીને અંતે મનોચિકીત્સકને મળો એમ કહી દીધું. હવે તમે મને ભય-મુક્ત કરો' - વિચારોમાંથી અમુક પ્રકારના ડર-ફોબિયા દૂર કરવા શક્ય છે પરંતુ વિચારસરણી ભય-મુક્ત કરવી એ હાઇપોથેટીકલ પ્રક્રિયા છે. નાના-મોટા ભય મગજમાં રોજેરોજ પેદા થતા રહે છે અને તેને અનુરૂપ આપણા વર્તન-વ્યવહાર થતા રહે છે, બદલાતા રહે છે.
ચાલો, એક સેકન્ડ માટે તમે માની પણ લો કે તમારા પ્રયત્નોથી તમે સંપૂર્ણ ભય-મુક્ત થઇ જાવ તો પણ આ ધંધાદારી દુનિયા તમને ભય-મુક્ત રહેવા દે ખરી ?! ક્યારે'ય વિચાર્યું છે કે તમારા ઉપર તો ઘણા ધંધાઓ નભે છે અને તમારામાં ભય ઉત્પન્ન કરવો એ તેમની વ્યવસાયિક જરૂરિયાત છે ! જીવનની અનિશ્ચિતતાનો કે આકસ્મિક મૃત્યુનો ડર પેદા કર્યા વગર જીવન વીમો કેવી રીતે વેચી શકાય ?! બીમારીઓનો ભય પેદા કર્યા વગર હેલ્થ-પોલિસી, જનરલ હેલ્થ ચેક-અપ કે રોગ પ્રતિકારક રસીઓ, હેલ્થ પ્રોડકટ્સ વગેરેનું માર્કેટ કેવી રીતે ઉભું કરી શકાય ?! આખી હેલ્થ ઇન્ડસ્ટ્રી બીમારી કરતા તેના ડરમાંથી વધુ કમાય છે.
આપણી હેલ્થ-કોન્સીયસનેસ સ્વસ્થતાથી ઓછી અને ડરથી વધુ પ્રેરિત છે. કુરૂપતા અને વૃદ્ધાવસ્થાના ડર ઉપર આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી નભે છે. યુવાની ટકાવવાની લાલચ એક રીતે તો વૃદ્ધ થવાનો ભય જ છે ને ?! સોશિયલ મીડિયા 'તમે રહી ગયા'નો ડર ફેલાવે છે, બીજા મઝા કરે છે તમે રહી ગયા, બીજા ખરીદે છે તમે રહી ગયા, બીજા પ્રાપ્ત કરે છે તમે રહી ગયા, બીજા સર્જનાત્મક છે તમે નથી, બીજા સુંદર છે તમે નથી વગેરે - 'રહી ગયાનો ડર', ટેકનોલોજીની ભાષામાં 'ફિઅર ઓફ મિસિંગ આઉટ' - ફોમો ! રાજકારણીઓ પણ તમે અસુરક્ષિત છો, તમને અન્યાય થાય છે એવું ઠસાવીને પોતાની દુકાન ચલાવતા હોય છે.
તમે સંપૂર્ણ ભય-મુક્ત રહો તો આમાંના કોઇને'ય પોષાય એવું નથી. આ તો ખાલી થોડા ઉદાહરણ આપ્યા, જો તમે આ દિશામાં સેન્સીબલી વિચારી શકો તો અનેક ધંધાકીય અને વ્યવસાયિક ચાલાકીઓ તમારી સામે આવશે. મગજ ખુલ્લું હોય તો સાવ સરળતાથી સમજાય એવી વાત છે કે તમને સુખી કરવા માટે કાર્યરત 'હેપ્પીનેસ ઇન્ડસ્ટ્રી' ચલાવવી હોય તો તમે દુ:ખી હોવ તે જરૂરી છે અને તમે ના હોવ તો બનાવવા પડે, મનમાં ઠસાવવું પડે કે તમે દુ:ખી છો અથવા તમે જેને સુખ માનો છો તે વાસ્તવમાં દુ:ખ છે, છળ છે !! પાપનો ડર બતાવીને, મનમાં ગિલ્ટ પેદા કરીને સદીઓથી અનેક લેભાગુઓ પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠા છે.
ટૂંકમાં કહેવું એટલું જ છે, ભય-મુક્ત મન કલ્પના માત્ર છે. દરેકના ભય અંગત હોઇ શકે, વત્તા-ઓછા હોઇ શકે પરંતુ ભય-મુક્ત કોઈ નથી. અન્યને જે સંજોગોમાં ભય ના રાખવાનું સમજાવતા લોકોના જીવનમાં જ્યારે એ જ સંજોગો આવીને ઉભા રહે ત્યારે તેમને પણ ફફડતાં જોયાના અનેક ઉદાહરણો હું આપી શકું એમ છું. અમુક ભય વાસ્તવિક હોય છે અને તેને સમજીને આગોતરું આયોજન કરવું પણ જરૂરી હોય છે. ભયને તેના સાચા અર્થમાં મુલવવો અને તેનું યોગ્ય અર્થઘટન કરવું એ સૌથી મહત્વનું છે. એ સંદર્ભમાં કોની સલાહ માનવી તે પણ સમજદારી માંગી લે તેવી વાત છે.
પૂર્ણવિરામ: વધુ પડતી જાણકારી ભયમુક્ત કરવાને બદલે ભયગ્રસ્ત કરે છે !