લોકોમાં હવાઈ મુસાફરીનો ભય સૌથી વધારે હોય છે!

- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- કાર, બસ કે ટ્રેનમાં ભગવાનનું નામ લેતા લેતા મુસાફરી કરતા હોય તેવા લોકો ભાગ્યે જ મળશે પરંતુ પ્લેનમાં તમને એવા લોકો અનેક મળશે, અલબત્ત એ પોતાનો ડર શક્ય તેટલો છૂપો રાખશે અને મનોમન અનુભવતા રહેશે. ભલે એનાઉન્સમેન્ટ થતું હોય કે આપકી યાત્રા સુખદ રહે પરંતુ આ વ્યક્તિઓ સુખદ તો ઠીક, યાત્રા જલ્દી પુરી થાય એટલી જ પ્રાર્થના કરતા રહે છે.
લ ગભગ સાડત્રીસ વર્ષે અમદાવાદના આકાશમાં દુ:ખદ દુર્ઘટના ઘટી. અનેક અધૂરા સપનાઓ અને અણધાર્યા અંતની વાતો-દ્રશ્યો મીડિયામાં વહેતા થયા. આ વાતો-દ્રશ્યોએ દરેકના મનને વત્તે-ઓછે અંશે વિષાદગ્રસ્ત કર્યું અને સાથે ભયગ્રસ્ત પણ કર્યું. આ વિષાદ અને ભયની વચ્ચે ઘણાંના મનમાં ફિલસૂફી પણ આંટો મારી ગઈ હશે કે કાળનો અને કાલનો ભરોસો રખાય એવો નથી ! શાંતિથી વિચારીએ તો એવું સમજાય છે કે દરેક અસરગ્રસ્ત વ્યક્તિઓ પાસે આપણને જુદી જુદી રીતે સ્પર્શી શકે એવી એક સ્ટોરી હતી અને આપણી પાસે તે દરેકનું પોતીકું અર્થઘટન. વાસ્તવમાં, આ અર્થઘટન જ આપણને તે ઘટના અને કેટલી તીવ્રતાથી જોડી રાખશે તેનો આધાર પણ આ અર્થઘટન પર જ રહે છે. એક મનોચિકિત્સક તરીકે હું આવી અનેક, અંગત કહી શકાય એવી, જીવતી વાર્તાઓનો સાક્ષી રહ્યો છું. ધણીવાર આ વાતો આશ્ચર્ય પમાડે એવી હોય છે, હમણાં તાજેતરના પ્લેન ક્રેશ પછી રાઘવ મહેતા સાથેની મુલાકાત આવા જ એક અનુભવને જીવંત કરે તેવી હતી.
'સર હું રાઘવ મહેતા, ૧૯૮૮માં જ્યારે મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટ IC 113 ઉતરાણ કરતી વખતે તુટી પડી હતી ત્યારે હું એરપોર્ટ પર હતો અને એ જ ફ્લાઈટમાં મુંબઈ જવાનો હતો. હું આ ઘટનાથી એટલો બધો ડરી ગયો હતો કે મારે તમારી સારવાર લેવી પડી હતી. તમને યાદ હોય તો, અમારા ફેમિલી બિઝનેસ માટે જમીન કરતા વધુ આસમાની મુસાફરી કરતો હું એટલો ડરી ગયો હતો કે લગભગ છ-સાત મહિના તો હું એર-ટ્રાવેલના નામથી ફફડતો હતો. કેટલીય વાર ટિકિટ બુક કરાવી હશે પરંતુ બુકિંગ થતા જ મારા પગ ઢીલા પડવા માંડતા, એક પ્રકારનો ગભરાટ થતો અને ઊંઘ ઉડી જતી. ટિકિટ કેન્સલ કરાવ્યે જ છૂટકો અને જેવી ટિકિટ કેન્સલ થાય કે જાણે બધું ગાયબ. બસ એ સંજોગોમાં હું તમને મળ્યો હતો અને લગભગ એકા'દ વર્ષની સારવાર બાદ મારી ગાડી પાટે ચઢી હતી. એ પછી તો મેં કોઈપણ ડર વગર અનેક લાંબી-ટૂંકી હવાઈ મુસાફરીઓ કરી, અલબત્ત દુનિયામાં ક્યાંય પ્લેન ક્રેશના સમાચારથી કે ફિલ્મ-સીરિયલમાં એ વિષયથી હળવી બેચેની હું હંમેશા અનુભવતો. હવે તમે યોગાનુયોગ જુઓ સર, ૧૩મી જૂનના મારી ન્યૂયોર્કની ફ્લાઈટ હતી અને એક દિવસ અગાઉ ટેક-ઓફ કરતા AI 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. સમાચાર સાંભળતા જ મારા પગ ધુ્રજવા માંડયા, પરસેવો વળવા માંડયો, મોઢું સુકાઈ ગયું, ધબકારા વધવા માંડયા અને એક અજબ પ્રકારનો ગભરાટ થવા માંડયો. મારા મનમાં જાણે ૧૯૮૮ની બેચેની-ગભરાટ રિવાઈન્ડ થવા માંડી. એ સમયે તો હું યુવાનીમાં હતો પણ આજે તો જીવનની ઘણી લાંબી મજલ કાપી લીધી છે, ઘણો પરિપક્વ થઈ ગયો છું તેમ છતાં એવો જ ડર, એવો જ ગભરાટ!! એમની વાત સાંભળતા સાંભળતા હું મારી યાદશક્તિ સ્કેન કરી રહ્યો હતો અને મને તેમનો કેસ બરાબર યાદ આવી ગયો. એ સમયે પ્લેન બોર્ડ કર્યા પછી બે વાર તે ઉતરી ગયેલો અને તેને કારણે ફ્લાઈટ મોડી થઈ હતી. એ સંજોગોમાં અનિચ્છાએ પણ તેમણે મારી પાસે આવવું પડયું હતું અને નિયતિ એ આજે તેમને ફરી મારી સામે બેસાડી દીધા !
આમ તો હવાઈ મુસાફરી સૌથી સલામત ગણાય છે પરંતુ લોકોમાં સૌથી વધારે ભય એનો જ હોય છે. કાર, બસ કે ટ્રેનમાં ભગવાનનું નામ લેતા લેતા મુસાફરી કરતા હોય તેવા લોકો ભાગ્યે જ મળશે પરંતુ પ્લેનમાં તમને એવા લોકો અનેક મળશે, અલબત્ત એ પોતાનો ડર શક્ય તેટલો છૂપો રાખશે અને મનોમન અનુભવતા રહેશે. ભલે એનાઉન્સમેન્ટ થતું હોય કે આપકી યાત્રા સુખદ રહે પરંતુ આ વ્યક્તિઓ સુખદ તો ઠીક, યાત્રા જલ્દી પુરી થાય એટલી જ પ્રાર્થના કરતા રહે છે. વિમાનનું બંધિયાર વાતાવરણ, હવામાં ઉથલપાથલ-એર ટર્બ્યુલન્સ, કશું ય પોતાના નિયંત્રણમાં ના હોવું અને અકસ્માત સમયે બચવાની પાંખી શક્યતા વગેરે પરિબળો આ ડરમાં વધારો કરે છે. હાલ તો હવાઈ મુસાફરી કરતા ડર લાગે તે સમજી શકાય પરંતુ ઘણા માટે આ ડર કાયમી છે. આ લોકો પૈકી ઘણા એવા હશે કે જે લાંબા અંતરની ડોમેસ્ટિક મુસાફરીઓ ટ્રેન કે બાય રોડ કરતા હશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ વિવિધ કારણો આગળ ધરીને ટાળતા હશે. હવાઈ મુસાફરીના ડરનું ટેકનિકલ નામ 'એવિઓફોબિયા' છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં દર ત્રીજી વ્યક્તિ હવાઈ સફરથી હળવી બેચેની કે અજંપાથી માંડીને ગંભીર પેનિક એટેક્સ અનુભવે છે અને તે પૈકી લગભગ દસ ટકા લોકો તો ડરના માર્યા હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ટાળે છે. તાજેતરમાં જ થયેલા એક અમેરિકન સર્વેક્ષણ પ્રમાણે લગભગ પાંત્રીસ ટકા અમેરિકન એર-ટ્રાવેલર ઉડાન દરમ્યાન પોતાની નર્વસનેસને કાબૂમાં રાખવા દવાઓ કે આલ્કોહોલનો સહારો લે છે.
વાસ્તવમાં કોઈપણ ભય એક સંકેત છે, ભાગવા માટેનો નહીં પરંતુ ઈન્કવાયરી માટે - જાણવા અને સમજવા માટે. કોઈપણ સંજોગ જ્યારે તમને યાદ અપાવે કે જીવન અણધાર્યું અને ક્ષણભંગુર છે ત્યારે તે સંજોગથી આપણે તીવ્ર ડર અનુભવતા હોઈએ છીએ, બસ એ જ હાલ આ 'એવીઓફોબિયા'નો છે.
ભયને તેના સાચા સ્વરૂપમાં સ્વીકારવો એ ભયનો સામનો કરવાની મજબૂત શરૂઆત છે. ભય મૌનમાં વિસ્તરે છે માટે તેના વિશે વાત કરો, યોગ્ય વ્યક્તિ પાસે તેની રજૂઆત કરો. યોગ્ય વૈજ્ઞાનિક માહિતી મેળવો. તમારા મનને તાલીમ આપો, હળવાશ પેદા કરવાની, શાંત-સરળ શ્વાસ લેવાની, જે આપણા કાબૂમાં નથી તેને સ્વીકારવાની અને પ્રકૃત્તિમાં વિશ્વાસ રાખવાની. વાસ્તવમાં આ વાત માત્ર ઉડાનનો ડર દૂર કરવા વિશે નથી, જીવનની અનિશ્ચિતતાઓને સ્વીકારીને ખુલ્લાપણા અને હિંમત સાથે જીવવાનું શીખવા વિશે છે.
પૂર્ણવિરામ :
તાજેતરના પ્લેન ક્રેશ પછી ઈમરજન્સી એક્ઝિટ પાસેની સીટ્સ ડિમાન્ડમાં છે એવું ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે ! લો, લોકોની આટલી બધી સ્ટોરીઓ પરથી એટલું પણ ના સમજ્યા કે જેને જવાનું હતું તે ક્યાં-ક્યાંથી ખેંચાઈ આવ્યા અને જેને બચવાનું હતું કે આશ્ચર્યજનક રીતે બચી ગયા. નિયતિ પર નિયંત્રણ ધરાવવાની ઉત્ક્રાંતિથી ચાલી આવતી આ આપણી ઘેલછા છે.









