Magazines

ઘણા સહજીવનમાં સાથીઓ એક છત હેઠળ અલાયદું જીવતા હોય છે!

By GS TEAM
16 Jun 20265 mins read
ઘણા સહજીવનમાં સાથીઓ એક છત હેઠળ અલાયદું જીવતા હોય છે!

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- સ્ત્રીઓ જ્યારે પણ કહેવા બેસે ત્યારે તેમની પાસે ઘણું કહેવાનું હોય છે, અને સાથે સાથે એમનામાં એ સઘળું કહેવાની આવડત પણ હોય છે. પુરુષોને બંને બાબતમાં લોચા છે, એમની પાસે ના તો કહેવા જેવું ઘણું હોય છે અને ના તો અસરકારક રીતે કહેવાની આવડત !!

'સ ર એક વાત નક્કી છે કે અમે સંબંધમાંથી હાથ ઊંચા નથી કરી દીધા, જો કરી દીધા હોત તો આજે તમારી સામે ના બેઠા હોત' મારી સામે બેઠેલા યુગલમાંથી પત્નીએ કહ્યું, પતિના હાવભાવ કઈંક અંશે એવા જ હતા. પત્નીના આ એક વાક્યથી મને એટલો તો ખ્યાલ આવી ગયો કે બંને સાથીઓ, છેલ્લા કેટલાક સપ્તાહથી અહીં ચાલી રહેલી, મોટાભાગના યુગલો સહજીવનના પ્રશ્નોનો સહિયારો ઉકેલ શોધવામાં કેમ નિષ્ફળ જાય છે તે અંગેની ચર્ચા બરાબર ફોલો કરતા હશે. મેં કહ્યું હતું કે ઘણા યુગલોમાં સહજીવનના પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી ઈચ્છાશક્તિનો અભાવ હોય છે અને કઈ ના થઇ શકે એવું મનોમન સ્વીકારી, હાથ અધ્ધર કરીને જીવ્યે જતા હોય છે. બેને આ જ સંદર્ભમાં વાત કરી તે નક્કી. 

'મારી સામે બેસવાથી, તમે તમારા પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ હોવ એ જરૂરી નથી! તમને મારી વાત એમ ગળે નહીં ઉતરે તે પણ મને ખબર છે એટલે મારે એ સાબિત કરવી પડશ' મેં કહ્યું. સ્વાભાવિક છે કે દરેકને વિચાર આવે શા માટે યુગલોને પોતાના સહજીવનના પ્રશ્નો ઉકેલવાની ઈચ્છા ના હોય?! પ્રશ્નોને કારણે સાથીઓ છુટા પડી જાય એ પણ સમજી શકાય, પરંતુ શા માટે કોઈ હાથ અધ્ધર કરીને સહજીવન જીવ્યે જાય?! આ બાબતમાં વિસ્તારે વાત કરવાનું કહીને જ મેં ગયા બુધવારે વાત આટોપી હતી. 

'આપણે પહેલા તમારા સહજીવન અને તેના પ્રશ્નો વિષે બંનેનો મત અલગ અલગ જાણવો પડશ' મેં ચર્ચા શરુ કરવા એક સામાન્ય વાત કરી. તરત જ ભાઈએ કહ્યું 'મને એવા કઈ ખાસ પ્રશ્નો નથી, તમે પહેલા એની વાત સાંભળી લો, એને મારા વિષે ઘણી બધી ફરિયાદો છે.' કોઈ કઈ બોલે તે પહેલા ભાઈ ઉઠીને બહાર ચાલ્યા ગયા.

ભાઈનું માનવું સાચું હતું, બેન ત્રણ ડાયરી લઈને આવ્યા હતા અને કલાક જુદા જુદા પાનાઓ વાંચ્યા પછી પણ એમને ઘણું કહેવાનું બાકી હતું, જે ત્રણ સેશન્સમાં માંડ પત્યું! આમે'ય મારો વર્ષોનો અનુભવ છે કે સ્ત્રીઓ જયારે પણ કહેવા બેસે ત્યારે તેમની પાસે ઘણું કહેવાનું હોય છે, અને સાથે સાથે એમનામાં એ સઘળું કહેવાની આવડત પણ હોય છે. પુરુષોને બંને બાબતમાં લોચા છે, એમની પાસે ના તો કહેવા જેવું ઘણું હોય છે અને ના તો અસરકારક રીતે કહેવાની આવડત!! ભાઈની વાત તો પંદર મિનિટમાં પતી ગઈ. સહજ રીતે જ એવું લાગ્યું કે એમને આ કસરતમાં કોઈ ખાસ રસ નહતો. 

ચાર સેશન્સ પુરા થયા પછી હવે કંઈ કહેવાનો વારો મારો હતો. મેં કહ્યું 'તમે ભલે એવું કહેતા કે તમને સહજીવનના પ્રશ્નો ઉકેલવામાં રસ છે પરંતુ કમનસીબે તમારો અભિગમ એવો છે કે બધું જેમ છે તેમ ચાલતું રહે અથવા વકરતું રહે!'

તમને આશ્ચર્ય થશે કે મેં આવું તારણ કેમ કાઢયું હશે?! ચાલો સમજાવું. યુગલ પાસે ત્રણ વ્યવહારિક વિકલ્પ છે. એક, બંને છુટા પડી જાય, ટેમ્પરરી કે પરમેનન્ટ! પણ આ વિકલ્પ યુગલ અપનાવશે નહીં કારણ કે બેન બાળકો તેમના પિતાથી અળગા થાય એવું બિલકુલ નથી ઇચ્છતા અને એમને પોતાને પણ પિયરમાં બોજ બનવાનું પસંદ નથી. ભાઈને તો પત્નીના ઉછેર ઉપર વિશ્વાસ જ નથી! તેમને તો પાક્કી ખાતરી છે કે પોતાની ગેરહાજરીમાં પત્ની સંતાનોને યોગ્ય રીતે નહીં ઉછેરી શકે અને સંતાનોના વ્યક્તિવનું ઘડતર જોખમાશે, એટલે એમને પણ અલગ તો નથી જ થવું. બીજો વિકલ્પ, બંને કપલ કાઉન્સેલિંગના સેશન્સ લે અને સંબંધને કેન્દ્રમાં રાખી પોતપોતાના અભિગમ-વ્યવહારમાં બદલાવ લાવે, સહજીવનને એક નવી દિશા આપે. આ વિકલ્પમાં સૌથી મોટો દુશ્મન છે 'બદલાવ'! ત્રણ ડાયરી ભરીને પતિની ફરિયાદો કરતા બેનની અપેક્ષા છે કે પતિને સમજણ આપો, વ્યવહારિક જ્ઞાન આપો અને સુધારો. પત્નીને કેવી રીતે ખુશ રાખવી તે શીખવાડો. બીજી બાજુ, પતિને તો આ આખો ઉપાડો જ વ્યર્થ લાગે છે! એના મુજબ તો કઈ પ્રશ્ન જ નથી, પત્નીનો સ્વભાવ જ વિચિત્ર છે, છોકરાઓ પણ એનાથી ત્રાસ્યાં છે. એ સ્વભાવ બદલી કાઢે તો અમારા જેવું સુખી કોઈ નથી એવું તેનું દ્રઢપણે માનવું છે. હવે વિચારો, જ્યાં બંને પોતાની જાતને પરફેક્ટ સમજતા હોય અને બીજાએ બદલાવું-સુધરવું જોઈએ તેવું મક્કમતાપૂર્વક માનતા હોય ત્યાં આ બીજો વિકલ્પ કામ કરે ?! રહ્યો ત્રીજો અને અંતિમ વિકલ્પ, જે છે તેમ ચાલવા દો ! લડતા જાવ, ઝગડતા જાવ, એકબીજાને દોષ આપતા જાવ અને પ્રસંગોપાત બધું લવી-ડવી છે એવો દેખાડો કરતા જાવ !

બસ, આ વાત છે ઇચ્છાશક્તિની ! ઈચ્છા હોવા છતાં વાસ્તવમાં ઈચ્છા ના હોવાની !! સુધારો કરવા સામેવાળાને સુધારવાની !!! મોટાભાગના યુગલોના સહજીવનના પ્રશ્નો જીવનભર પડછાયાની જેમ આગળ-પાછળ વળગેલા રહે છે તેનું આ કારણ છે. 

વિવિધ કારણોસર છુટા પડાય એવું નથી અને 'બદલાવવાની મારે ક્યાં જરૂર છે' અથવા 'મારે શું કામ બદલાવાનું' તેવી માનસિકતાની વચ્ચે જાણ્યે-અજાણ્યે પસંદગી જેમ છે તેમ ચાલવા દેવું, પ્રસંગોપાત ઝગડતા રહેવું, એકબીજાને દોષ આપતા રહેવું અને એકબીજાની ઉપેક્ષા કરીને એક છત હેઠળ અલાયદું જીવવું પૂરતી સીમિત રહી જતી હોય છે. આનો અર્થ એવો કાઢવાની જરૂર નથી કે યુગલોને સહજીવન સુખી બનાવવાની ઈચ્છા નથી, વાસ્તવમાં સુખની ભરપૂર ઈચ્છાઓની વચ્ચે પણ ક્યાંક તેને કેવી રીતે પામવું એની આવડત નથી, તો ક્યાંક તેના માટે જરૂરી બદલાવ લાવવાની વિશાળ દિલથી અને ખુલ્લા મનથી ઈચ્છા નથી !

પૂર્ણવિરામ

સહજીવનમાં જ્યારે સંબંધ કેન્દ્રમાં હોય અને સ્વ પરિઘની બહાર હોય ત્યારે સુખનું વર્તુળ રચાય છે !