Magazines

સહજીવનના પ્રશ્નોનો ઉકેલ શોધવામાં યુગલો કેમ નિષ્ફળ જાય છે?

By GS TEAM
9 Jun 20264 mins read
સહજીવનના પ્રશ્નોનો ઉકેલ શોધવામાં યુગલો કેમ નિષ્ફળ જાય છે?

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- અંગત જીવનના પ્રશ્નો ઉકેલવાની આવડત ઘણા બધા અંશે વ્યક્તિઓ પોતાના માતાપિતાના કે અન્ય અત્યંત નજીકના લગ્નજીવનોમાંથી જાણે-અજાણે શીખતી હોય છે. પોતાના લગ્નજીવનના પ્રશ્નો માતા-પિતાએ જે રીતે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તે રીતે સંતાનો પોતાના સહજીવનના પ્રશ્નોનો સામનો કરતા હોય છે

'હું તો પ્રસંગોપાત અથવા વીકએન્ડ ઉપર જ પીઉં છું, મને કોઈ નિયમિત આદત નથી અને તો'ય એ આ બધા તાયફાવેડા કરે તે નહીં ચાલે. તમે કહી દો એને' આગલા દિવસની સાંજે દારૂ પીને થયેલો ઝગડો લઈને પતિ-પત્ની સામે બેઠેલા હતા. 

મારે કહેવાની ક્યાં જરૂર છે, તમારી પત્ની પણ આપણી સાથે જ બેઠી છે અને તમે જે કહી રહ્યા છો તે બધું એ સાંભળી જ રહી છે. હું હજી આ વાત કહેવા જતો હતો ત્યાં પત્નીએ મને ઉદ્દેશીને કહ્યું 'સાહેબ એને કહી દો કે મારા ઘરમાં અગિયાર વર્ષની દીકરી છે, તેની સામે હું કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક ચલાવી નહીં જ લઉં. મારી દીકરી ફફડાટમાં રાતભર ઊંઘતી નથી.' ઝગડો થઇ જવાના ડરે કે અન્ય કોઈ કારણોસર, એકબીજાને અંગતમાં ન કહી શકાતી વાતો, ઘણીવાર વ્યક્તિઓ મારા થકી કે મારી પાસે કહેવડાવતા હોય છે! 

એક મિનિટ; એક મિનિટ, એ હેલ્લો તું કોની વાત કરે છે?! કઈ ગેરવર્તણૂક?! કોણ ઊંઘતું નથી?! એવું ક્યારે બન્યું છે?!!' પત્નીની વાત વચ્ચેથી જ કાપતા પતિએ પૂછયું. બંનેની આંખો જાણે એકબીજાને ધમકાવતી હોય તેમ મળી અને પછી એ મારી તરફ ફરતા બોલ્યો 'આને દવા-શોક જે આપવું હોય તે આપો, સાવ વાહિયાત વાતો કરે છે.મારી દીકરી સામે આવું કઈ થયું નથી અને એના કરતા મારી દીકરી મારી સાથે વધારે ક્લોઝ છે.' ફરી પાછી બંનેની નજર મળી, પત્નીની આંખોમાં પાણી હતું અને પતિની આંખો આક્રોશથી શુષ્ક! અડધી મિનિટની ચુપકીદી પછી પતિએ આગળ ચલાવ્યું 'દારૂની આદત તો એના પપ્પાને હતી. રોજ રાત્રે પીને આવે, ઘરમાં ઝગડા-મારામારી બધું થાય અને આખી રાત એ નહતી ઊંઘતી, પૂછો એને હું ખોટું બોલતો હોઉં તો! આ વાતો એણે જ  મને કહી છે, બાકી મને ક્યાંથી ખબર હોય? હવે એ એની આ લાઈફ-સ્ટોરી અહીં ફિટ કરીને શું સાબિત કરવા માંગે છે તે તમે જ શોધી શકો.' 

'સાચી વાત  છે, મારુ  તો બાળપણ, યુવાની બધું પીધેલાઓની પાછળ જ ખર્ચાઈ ગયું' પત્નીએ ઊંડો નિ:સાસો નાખ્યો. 

'દૂધનો દાઝયો છાસ ફૂંકીને પીએ એ કહેવત સાંભળી છે?!' મેં પતિને પૂછયું. એણે હકારમાં માથું ધુણાવ્યું એટલે મેં આગળ ચલાવ્યું 'તમારી પત્નીની હાલત એ જ છે. જે વ્યક્તિનું બાળપણ દારૂ અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોમાં વીત્યું હોય તે આવી પરિસ્થિતિઓનો સામનો સ્વસ્થતાપૂર્વક કેવી રીતે કરી શકે?! તેનામાં એ આવડત કેવી રીતે આવે? તેનો પ્રતિભાવ પોતાના દુ:ખદ ભૂતકાળને અડયા વગર થોડો આવે?! સ્વાભાવિક રીતે જ તે ઓવરરિએક્ટ કરશે.'

મોટાભાગના યુગલો સહજીવનના પ્રશ્નોનો સહિયારો ઉકેલ શોધવામાં નિષ્ફળ જાય છે તેના બે પ્રમુખ કારણોની વાત આપણે કરતા હતા, ક્યાંક અંગત પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી વિવિધ બાબતોની આવડત નથી, અને ક્યાંક તો ઈચ્છા જ નથી બચી! અંગત જીવનના પ્રશ્નો ઉકેલવાની આવડત ઘણા બધા અંશે વ્યક્તિઓ પોતાના માતાપિતાના કે અન્ય અત્યંત નજીકના લગ્નજીવનોમાંથી જાણે-અજાણે શીખતી હોય છે. પોતાના લગ્નજીવનના પ્રશ્નો માતા-પિતાએ જે રીતે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તે રીતે સંતાનો પોતાના સહજીવનના પ્રશ્નોનો સામનો કરતા હોય છે. ઘણીવાર તો એના એ જ પ્રશ્નો તેમના જીવનમાં સર્જાતા હોય છે! આશ્ચર્યની વાત તો એ લાગશે કે માતા કે પિતાનો જે અભિગમ બાળક તરીકે મનોમન ધિક્કારતા હોય એ જ અભિગમ વ્યક્તિઓ પુખ્તવયે પોતાના જીવનમાં અપનાવતી હોય છે. બોલીવુડના એક જાણીતા ગીતકારનું ઉદાહરણ આ બાબતને સ્પષ્ટતાથી સમજવામાં મદદે આવે તેમ છે. આ ગીતકારે પોતાની માતાને તરછોડીને અન્ય સ્ત્રી સાથે પરણી ગયેલા ગીતકાર પિતા સાથે જીવનભર સંબંધ ના રાખ્યો. પરંતુ, પાછળથી જીવનમાં પોતે પણ પહેલી પત્નીને તરછોડી બીજી સ્ત્રી સાથે પરણી ગયા! અને પછી એમની પહેલી પત્નીના પુત્ર પણ આજે પત્નીથી અલગ થઇ ગયા છે અને તેમના પણ બીજી સ્ત્રી સાથેના સંબંધો ચર્ચામાં છે. આ જ રીતે પિતાના હાથે માર ખાતી માતાને જોઈને બાપને ધિક્કારતો પુત્ર, પોતાના સહજીવનમાં પત્નીને એ જ રીતે મારતો હોય તેમ બનવું ખુબ સામાન્ય છે. વિશ્વાસ અને વફાદારીના પ્રશ્ને લડતા માતા-પિતાના સંતાનો એ જ મુદ્દે પોતાના સહજીવનમાં લડતા હોય તે જોવા મળવું મારા માટે કોઈ નવી બાબત નથી. ટૂંકમાં કહું તો, સંબંધોના પ્રશ્નો ઉકેલવાની અણઆવડત ઘણીવાર માતા-પિતા પાસેથી વારસામાં મળી હોય અથવા ઉછેરમાં રહેલી ખામીઓને કારણે આવી હોય તે શક્ય છે. 

ઘણા સાથીઓ વિશ્વાસના અભાવે કે આંતરિક નબળાઈના કારણે પોતાની દુભાયેલી લાગણીઓને એકબીજા સામે વ્યક્ત નથી કરી શકતા અને મનોમન 

સતત પીડાતા રહે છે. આવી મનોદશામાં તેમની પાસે પોતાના સહજીવનના પ્રશ્નો ઉકેલવાની આવડતની અપેક્ષાઓ રાખવી વધારે પડતી હોય છે. 

આ તો થઇ સહજીવનના પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી બાબતોની અણઆવડતની વાત, પરંતુ વાત આટલેથી અટકતી નથી, અણઆવડત કરતા વધુ ગંભીર અને જટિલ બાબત છે પ્રશ્નોના સંદર્ભમાં કંઈ પણ વિચારવાની કે કરવાની અનિચ્છા. શા માટે યુગલોને પોતાના સહજીવનના પ્રશ્નો ઉકેલવાની ઈચ્છા ના હોય?! વિસ્તારે વાત કરીશું, સ્ટે કનેક્ટેડ... 

પૂર્ણવિરામ

સંતાનની બાયોલોજી માતા - પિતાની કેમેસ્ટ્રી પર આધારિત હોય છે!