Magazines

સહજીવનનો ઉદ્દેશ ઉચાટ, ઉત્પાત કે અશાંતિ હોઈ શકે?!

By GS TEAM
2 Jun 20264 mins read
સહજીવનનો ઉદ્દેશ ઉચાટ, ઉત્પાત કે અશાંતિ હોઈ શકે?!

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- મોટાભાગના કિસ્સાઓમાં સાથીઓ પરસ્પર ક્લોઝ માઇન્ડેડ અભિપ્રાયો ધરાવતા હોય છે. ક્યાંક બંને આક્રમક હોય, તો ક્યાંક એક આક્રમક અને બીજું બચાવ કરવામાં લાગેલું હોય! સરવાળે  પ્રશ્નો ઉકેલવા જરૂરી વૈચારિક વાતાવરણ ઊભું કરવામાં બંને નિષ્ફળ જાય છે.

એ વું કોણ છે કે જે જીવનમાં ઉચાટ, અશાંતિ, દુ:ખ વગેરે જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરવા સંબંધો બાંધતું કે રાખતું હોય?! કોણ એવું વિચારે કે ચાલો કો'કના પ્રેમમાં પારાવાર દુ:ખ ઉઠાવીએ, કે પછી, એકલા છીએ તો મઝામાં છીએ હવે અશાંતિ-ઉત્પાત ઉભો કરવા કો'કની સાથે સહજીવન શરુ કરીએ?! તમને થશે કે હું આવા વિચિત્ર લાગે તેવા પ્રશ્નો કેમ પૂછી રહ્યો છું, કોઈ સ્વ-પીડનની વિકૃતિ ધરાવતી એકલદોકલ અપવાદોની વાત હોય તો ભલે, બાકી આવું તે કોઈ હોતું હશે?! 

એક્ઝેટલી! મારે પણ એ જ કહેવું છે કે કોઈપણ વ્યક્તિ પીડાવા માટે કે દુ:ખી થવા માટે સંબંધો નથી બાંધતી. કોઈપણ યુગલના સહજીવનનો ઉદ્દેશ ઉચાટ, ઉત્પાત કે અશાંતિ ના હોઈ શકે. હા, ઘણા સહજીવનમાં સાથીઓ લાગણીઓની પીડાથી એટલા નિસહાય થઇ ગયા હોય છે કે એ પીડામાંથી પણ આનંદ મેળવવા માંડે, 'લર્નડ્ હેલ્પલેસનેસ'!! સ્વીકારવી ના ગમે તેવી વાસ્તવિકતા તો એ છે કે અમુક અપવાદ બાદ કરતા, સંબંધ કે સહજીવનનો ઉદ્દેશ મોડો-વહેલો, નાના-મોટા પ્રશ્નોની ભરમાર વચ્ચે વિલોપાઈ જાય છે. આ સમસ્યાનો ઉપાય એ નથી કે પ્રશ્નો જ ના સર્જાવા જોઈએ. મેં અવારનવાર કહ્યું છે કે જોડે હોઈએ તો પ્રશ્નો સર્જાવાના જ છે અને સહિયારો ઉકેલ શોધવો એ તેનો ઉપાય છે. 

મોટાભાગના યુગલો સહજીવનના પ્રશ્નોનો સહિયારો ઉકેલ શોધવામાં નિષ્ફળ જાય છે તેના બે પ્રમુખ કારણોની વાત આપણે ગતસપ્તાહે ઉખેળી હતી, ક્યાંક અંગત પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી વિવિધ બાબતોની આવડત નથી, અને ક્યાંક તો ઈચ્છા જ નથી બચી! કોમ્યુનિકેશન સ્કીલ્સ અને સ્ત્રી-પુરુષની લાક્ષણિકતાઓ સમજવાની અણઆવડતની આપણે વાત કરી, હવે આગળ વધીએ. યુગલોની પોતાના પ્રશ્નો સમજવાની કે ઉકેલવાની આવડતમાં તેમની વિચારવાની કે મનન કરવાની પદ્ધતિ અગત્યનો ભાગ ભજવે છે. કોઈપણ વ્યક્તિ સાથેના આપણા સંબંધોમાં, બંનેની એકમેક પરત્વેની લાગણીઓ અને વર્તન-વ્યવહાર પાયાની અગત્યતા ધરાવે છે. આ બંને ઘટકો સરવાળે તો આપણા જે તે વ્યક્તિ કે તેની સાથેના સંબંધો અંગેની આપણી વિચારધારા ઉપર આધારિત છે. 

મારામારી જેમના રોજિંદા જીવનનો ભાગ હોય તેવું એક યુગલ એકબીજા વિષે ફરિયાદ કરે છે, પતિ કહે છે કે પત્નીને દરેક બાબતમાં શંકા કરવાની આદત છે તેથી નાની નાની બાબતો પણ એનાથી છુપાવવી પડે છે, નહીંતર ઉલટ-તપાસ કરીને દમ કાઢી નાખે. પત્ની કહે છે કે પતિને છાનું-છપનું કરવાની આદત છે, વારંવાર ફેરવી ફેરવીને પૂછીએ નહીં ત્યાં સુધી કઈં કહે જ નહીં અને પૂછીએ તો કહે શંકા કરે છે! બંને જણા એકબીજા માટે આવી ફરિયાદ કરીને મારી સામે મૂક પડકાર ફેંકે 'લો આપો જજમેન્ટ, કોણ સાચું અને કોણ ખોટું?! કોણે સુધરવાનું?!' સહજીવનના એક લીટીમાં પુછાતા પ્રશ્નોની પાછળ મહા-નિબંધ જેટલી પૂર્વભૂમિકા ખડકાયેલી હોય છે અને તેને ફંફોસ્યા વગર કંઈ પણ કહેવું તમને મૂરખ સાબિત કરી શકે છે. આવા કિસ્સાઓમાં દોષ સાથીઓની એકબીજા માટે બળવત્તર બનતી જતી માન્યતાઓ અને વિચારોનો હોય છે. એક પોતાની માન્યતા પ્રમાણે વ્યવહાર કરે અને બીજું પોતાની માન્યતા પ્રમાણે તારણ કાઢે, બંને એ પ્રમાણે વર્તન કરે-પ્રતિભાવ આપે, સરવાળે પોતપોતાની માન્યતાઓ દ્રઢ કરે અને સંબંધ ગૂંચવાતો જાય, પ્રશ્નો વિકટ બનતા જાય, ઝગડા વધતા જાય! વાત સમજાય તો સમજાશે કે મૂળ ખોડ એકબીજા માટેના વિચારોમાં કે વિચારવાની પદ્ધતિમાં છે. વિચારોમાં ઇચ્છનીય બદલાવ આવશે તો વ્યવહારમાં બદલાવ આવશે અને તો જ પ્રશ્નોના ઉકેલનો વારો આવશે.બાકી પોતપોતાની થિયરી અને પોતપોતાના તારણો વચ્ચે સંબંધ પીસાતો રહેશે! 

મોટાભાગના કિસ્સાઓમાં સાથીઓ એકબીજા વિષે ક્લોઝ માઇન્ડેડ અભિપ્રાયો ધરાવતા હોય છે અને તેના આધારે દલીલો, દોષારોપણ(બ્લેમ) કે આક્ષેપો કરતા રહેતા હોય છે. ક્યાંક બંને આક્રમક હોય, તો ક્યાંક એક આક્રમક અને બીજું બચાવ કરવામાં લાગેલું હોય. સરવાળે પરિણામ એ આવે છે કે પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી એવું વૈચારિક વાતાવરણ ઉભું કરવામાં બંને નિષ્ફળ જતા હોય છે. મહત્વની વાત તો એ છે કે જયારે આપણે સાથી વિષે આપણી માન્યતાઓ અનુસાર અભિપ્રાય બાંધતા જઈએ છીએ ત્યારે એનામાં બદલાવ આવશે તેવી શક્યતાઓ વિષે મનમાં પૂર્ણવિરામ મુકતા જઈએ છીએ અને અધૂરામાં પૂરું, એને'ય કહેતા જઈએ છીએ કે તારામાં બદલાવ આવવાની કોઈ શક્યતા નથી. સહજીવનના પ્રશ્નો નહીં ઉકેલી શકવા પાછળ યુગલોની આ વિચારધારા ખુબ અગત્યનો ભાગ ભજવતી હોય છે. 

સહજીવનના પ્રશ્નો ઉકેલવા બંને સાથીએ એકબીજા માટે ખુલ્લા મનથી વિચારવું પડશે, નહીંતર રોજ-બરોજના સંઘર્ષથી થાકી જવાશે અને કઈં થઇ શકે એમ નથી એવું વિચારીને હાથ અધ્ધર કરીને જીવ્યે જવું પડશે! જયારે સાથીઓ સહજીવનમાં હાથ અધ્ધર કરી દેતા હોય છે ત્યારે આવડતની વાત પુરી થઇ જાય છે અને ઈચ્છાના પ્રશ્નો શરુ થાય છે, આ સંદર્ભે વાત ચાલુ રાખીશું આવતા સપ્તાહે... 

પૂર્ણવિરામ 

લાગણીઓથી વિખૂટા પડી ગયેલા સાથીઓને એક છત હેઠળ રહેવા છતાં સહજીવનના પ્રશ્નો નથી સતાવતા !