જ્ઞાાનમાર્ગી કવિતાનું ઉચ્ચ શિખર અખો
અખા જેટલી તત્ત્વચિંતકતા અન્ય કોઈ મધ્યકાલીન કવિએ દાખવી નથી. સમગ્ર ગુજરાતી કવિતામાં અખાની કટાક્ષ કવિતા અનોખી છે. તળપદી ને ખરબચડી ગુજરાતીની અર્થ સચોટતાને ધારદાર રીતે વાપરનાર અખા જેવો બીજો કોઈ કવિ નથી
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અખો એ જ્ઞાાનમાર્ગી કવિતાનું ઉત્તુંગ શિખર મનાય છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિનું પ્રચંડ મોજું આવ્યું અને તે ભક્તિસાહિત્યમાં સગુણ અને નિર્ગુણ ભક્તિની બે ધારાઓ હતી. અખાના જ્યેષ્ઠ સમકાલિન કવિ નરહરિમાં જ્ઞાાનમાર્ગી કવિતાની સંગીન ભૂમિકા રચાય છે તો અખામાં એ કવિતાનું ઉત્તુંગ શિખર દેખાય છે.
વેદાંતી કવિઓમાં અખા જેટલી તત્ત્વચિંતકતા અન્ય કોઈ મધ્યકાલીન કવિએ દાખવી નથી. સમગ્ર ગુજરાતી કવિતામાં અખાની કટાક્ષ કવિતા અનોખી છે. તળપદી ને ખરબચડી ગુજરાતીની અર્થ સચોટતાને ધારદાર રીતે વાપરનાર અખા જેવો બીજો કોઈ કવિ નથી, જોકે, અખાને એની વિશિષ્ટ છપ્પા જેવી રચનાઓથી એક વિશેષ ઓળખ મળી છે. પરન્તુ એ કવિ જ નહીં પણ અનુભવી અને જ્ઞાાની પણ છે. અખાની રચનાઓમાં અખેગીતા, અનુભવબિંદુ, કેવલ્યગીતા, ચિત્તવિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવસંવાદ, ગુરૂશિષ્યસંવાદ, જેવી ગુજરાતી રચનાઓ ઉપરાંત સંતપ્રિયા અને બ્રહ્મલીલા જેવી હિન્દી રચનાઓ પણ છે. જોકે, એનાં બધાં જ સર્જનોમાં એની અખેગીતા એ શ્રેષ્ઠ છે. અખેગીતા - અક્ષયગીતા, અક્ષય એટલે જેનો ક્ષય કે નાશ નથી તે પરબ્રહ્મ - પરમાત્માને વર્ણનાર, તેનું જ્ઞાાન આપનાર ગ્રંથ તે અક્ષયગીતા.
અખેગીતા - ચાલીસ કડવા અને દસ પદોમાં લખાઈ છે. દરેક ચાર કડવા પછી એક પદ આવે છે. શાંકરવેદાંત ઉપર આધારિત બ્રહ્મવિદ્યા એનો મુખ્ય વિષય છે. અવિદ્યાવશ જીવની દુર્દશા, માયાની લીલા, જીવન્મુક્ત જ્ઞાાનીનાં લક્ષણો, બ્રહ્મવસ્તુનિરૂપણ, માયાનું સ્વરૂપ અને એનાથી બ્રહ્માંડની ઉત્પત્તિ, સત્સંગ અને સદ્ગુરૂની મહત્તા, પરમતત્ત્વનું અદ્વૈતસ્વરૂપ, અનુભવીનો બ્રહ્માનુભૂતિનો આનંદ, શૂન્યતા અને અન્ય દર્શનની મર્યાદાઓનું અખેગીતામાં નિરૂપણ થયું છે.
અનુભવબિંદુ નામની ચાલીસ છપ્પાની અન્ય એક રચનામાં અખાનું ઘૂંટાયેલું તત્વજ્ઞાાન વિશિષ્ટતાથી અને સંક્ષિપ્ત રીતે રજૂ થઈ છે. પરબ્રહ્મનું સ્વરૂપ અને વિસ્તાર-વિલાસ, કાળ અને માયાને વશ જીવની ભવભ્રાંતિ અને તે ટાળવાના ઉપાય, માયાનું પ્રાબલ્ય, કૈવલ્ય્ ઈશ્વર અને જીવનો અંતિમ અભેદ, એ મહાપદના, અનુભવના સાધનો, લિંગભેગ વિના અન્ય સર્વ સાધનોની વ્યર્થતા એ અનુભવબિંદુના વિષયો છે.
જો કે રાગ અને લયના વૈવિધ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાતા આ પદોમાં ભાવ-ઉર્મિનો ઉભરાટ અને ઉત્તમ કવિત્વનો વૈભવવિલાસ તો અખાના પદોમાં દેખાય છે. અખો વાસ્તવમાં અભેદમાર્ગ કે અદ્વૈતમાર્ગનો યાત્રી છે. એટલે તે જ્ઞાાનને જ સર્વશ્રેષ્ઠ ગણાવે છે. કેમકે જ્ઞાાન જ આત્મસ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવી જીવ અને બ્રહ્મની એકતા - અનન્યતા તરફ દોરી જાય છે, આથી અખો આ પદમાં જ્ઞાાનીનું લક્ષ્ય બતાવે છે કે, ''જ્ઞાાની લક્ષ પરપંચ-પાર, જેમ નાવ ચાલે ધુ્રને આધાર
વણ વાળી જેમ વહે છે નદી, આવી મેલાણ કરે ઉદધિ
જેમ દીપક કેરી ગત્યગમન, એમ પરબ્રહ્મમાં અખા તું ગણ.''
એની ચોટ જ્ઞાાનમૂલક ભક્તિ ઉપર છે જ અને તેથી ભક્તિને એ માત્ર જ્ઞાાનનું જ એક અંગ માત્ર આ રચનામાં ગણાવે છે જેમ કે,
''ભક્તિ એકાસી પૂરી થઈ, બ્યાસીમે બુદ્ધ આવી રહી
તેવો ભક્ત જ્ઞાાનીને ભજે, નવની સકલ્ય નહીં રહે રજ
પંચ કરે તે સૌ કો કરે, અખા એવું પિરલા મન ધરે.''
આમ એ ભક્તિની આવશ્યકતા જુએ છે, એ સાથે નિર્ગુણ સ્વરૂપનો એ દ્દઢાગ્રહી હોવાને લઈને સગુણ ભક્તિને પણ મોહક જ માની ત્યજવાની વાત અહીં અખો કરે છે જેમ કે,
''સગુણ ભક્તિ મોતી ઘૂઘરી, મનમોહન દીસે તે ખરી,
અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથ પેરે દમે
અખા સમજ એ દેહ-વહેવાર, જન્મમરણ ન ટળે સંસાર.''
અખો ઉત્તમ ભજનિક પણ છે, કેમકે એનાં કેટલાંક સખીભાવનાં પદો પણ મળે છે. તેમાં આત્મલક્ષી દ્રષ્ટિએ અખાનો ભક્તિભાવ પ્રગટ થયા વિના રહેતો નથી. જેમ કે,
''જી રે આ આનંદ મારે અતિ ઘણો, મળ્યો સંત-સગાંનો સાથ
મને દીન જાણીને દયા કરી, મારે મુસ્તક મૂક્યો છે હાથ,
આપ્યું નિરગુણ નામ નારાયણનું, જે છે વેદમાં પ્રસિદ્ધ વિખ્યાત,
હું તો ભૂલી પડી'તી રે ભાનમાં મુને ઓળખાવી જીવની જાત.''
આમ, ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં અખો એક સિધ્ધહસ્ત કવિ રૂપે જ પ્રચલિત છે, એની વિશિષ્ટતા તત્ત્વજ્ઞાાન જેવા શુષ્ક વિષયને પણ આલંકારિક વૈવિધ્યતાથી હૃદયસ્પર્શી બનાવવામાં રહેલી છે, આમ છતાં આવા કેટલાંક પદો અખામાં રહેલા મૂળ વૈષ્ણવ સંસ્કારને એના કૈવલ્યાદ્વૈતે દબાવી દીધા નહીં હોય એ સ્પષ્ટ દર્શાવે છે.
- ડૉ. ઋષિકેશ રાવલ