માટીની ઉપચાર ક્ષમતા : (2) .

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- શુદ્ધ કર્યા સિવાય સોનાગેરૂનો ઉપયોગ કરવો નહિ
આ પહેલાના લેખમાં સફેદ, કાળી અને મુલતાની માટી થકી થતાં ઉપચારો વિષે માહિતી મેળવી તદ્ઉપરાંત કોઈપણ પ્રકારની માટીને ઔષધીય ઉપયોગમાં લેતાં પહેલાં કેવી રીતે શુદ્ધ કરવી તે વિષે જાણ્યું. હવે અન્ય પ્રકારની માટી વિષે માહિતી મેળવીએ.
(૧) લાલ માટી (સોનાગેરૂ) : ફારસીમાં આને ગીલેસુર્ખ કહે છે. અંગ્રેજીમાં ર્ંભલ્લઇઈ કહેવાય. સ્વર્ણને રંગ આપવા સોની આનો ઉપયોગ કરે છે. તેમાં લોહ (OCHRE ) નો અંશ સારા પ્રમાણમાં રહેલો છે. ઘીમાં શેકી લેવાથી એના દોષ દૂર થાય છે. આ રીતે શુદ્ધ કર્યા સિવાય સોનાગેરૂનો ઉપયોગ કરવો નહિ. જનેન્દ્રિય પર પડતી ચાંદી પર લીંબોળીના તેલ સાથે મેળવી લગાવવું. યોનિમાં આવતી અસહ્ય ખંજવાળ અને બળતરા માટે લીમડાની પત્તીનું ચૂર્ણ અને કેરીની ગોટલીના ચૂર્ણ સાથે સમભાગે મેળવીને કોપરેલના તેલમાં મેળવી લગાવવું. સડતા ઘા કે જખમ પર પીપળાના કૂણા પાન સાથે વાટી લુગદી કરી લગાવવું. ઘણી વખત બાળકોથી ક્ષમતાં કરતાં વધુ દૂધ પીવાઈ જતું હોય છે. ધાવણા બાળકોને આની ખબર રહેતી નથી જેથી પેટમાં ચૂંક, ઝાડા, મૂંઝારો અને સતત રડયા કરવું એવા લક્ષણો દેખાતા હોય છે. આવા વખતે સોનાગેરૂમાં સરખા ભાગે નમક મેળવી દેશી દિવેલમાં ઘૂંટીને દૂંટી પર લેપ કરવો. ગરમીના દિવસોમાં હથેળી અને પગના તળિયે બળતરા થતી હોય, મૂંઝારો રહેતો હોય, શરીર ગરમ રહેતું હોય અને ધગારા જેવું લાગતું હોય તો હાથે-પગે તથા કપાળે ગુલાબજળમાં મેળવી લેપ કરવો. દાઝી ગયા પર ચૂનાના નીતરેલા પાણીમાં સોનાગેરૂ મેળવી લગાવવું. અનાજ સડે નહિ તે માટે ગાયના છાણ (અડાયા)ની રાખ અને સોનાગેરૂ સરખા ભાગે મેળવી, પોટલી કરી અનાજમાં મૂકી રાખવાથી અનાજ સડશે નહિ. ગ્રંથાલયના પુસ્તકોમાં જીવાત પડવાથી લાખો રૂપિયાના પુસ્તકો ખવાઈને નષ્ટ થઈ જાય છે. દુલર્ભ, પ્રાચિન અને મૂલ્યવાન પુસ્તકોની જાળવણી માટે સોનાગેરૂનો પાવડર પુસ્તકો પર છાંટવાથી જીવાત પડશે નહિ અને વર્ષો વરસ જાળવણી થઈ શકશે.
(૨) કાદવ (MUD) : સ્વચ્છ પાણીના તળાવ કે જળાશયમાંથી કાદવની પ્રાપ્તિ થાય. નિસર્ગોપચારમાં MUD-THERAPY થકી ત્વચાગત કેટલાય રોગોની સારવાર કરવામાં આવે છે. જેમકે ત્વચાનો વર્ણ સુધારવો હોય, ત્વચા ફિક્કી, રૂક્ષ અને ખરબચડી થઈ ગઈ હોય, ત્વચાના ચેપી રોગો વારંવાર થતા હોય અને ઝીણો તાવ રહેતો હોય તો આખા શરીરે કાદવનો લેપ કરવાથી સારું પરિણામ મળી શકે. સંસ્કૃતમાં કાદવને પંક્ કહેવાય અને પંક્માંથી ઉત્પન્ન થતું પંકજ એટલે કમળ. કાદવમાં માત્ર કમળ ખીલે છે એવું નથી, કાદવથી ત્વચાનું સૌંદર્ય પણ ખીલી ઊઠે છે.
(૩) રેતી (SAND) : બાયોકેમિક ચિકિત્સા પધ્ધતિમાં રેતીમાંથી સીલીસીઆ (SILICEA) નામની ઔષધિ બનાવવામાં આવે છે, જે ઉપચારની દ્રષ્ટિએ ઘણી નિર્દોષ અને સસ્તી છે. આ ઔષધિના ઉપયોગમાંથી શરીરમાં કોઈપણ જગ્યાએ પરૂ, પાક કે સડો થતો હોય તો સારું પરિણામ મળે છે. ફેફસામાં કફનો ભરાવો હોય અને સરળતાથી ન નીકળતો હોય ત્યારે અને સાંધાના દુ:ખાવામાં ગાંગડાવાળું દેશી નમક (વાટીને ચૂર્ણ બનાવેલું) હળદર અને સમભાગે મેળવેલી રેતીને તાવડી પર શેકી, પોટલી બનાવી શેક લેવો.









