મૂલ્યવાન રત્નો આંખો અને એનું જતન

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- ઋષિઓએ આમળાને ચક્ષુષ્ય એટલે આંખને માટે હિતકર કહ્યાં છે તથા આંખને પોષણ આપતી નાડીનું સ્થાન પગના તળિયામાં માન્યું છે.
સૃ ષ્ટિમાં સૌથી મૂલ્યવાન રત્નો માણસની બે આંખો છે. એને થતાં રોગોનો તાત્કાલિક ઉપચાર અને એનું જતન કરવું જરૂરી છે.
(૧) આંજણી (External sty) : આંખની પાંપણોના મૂળમાં રહેલી ગ્રંથી પર સ્ટેફીલોકોકસ નામના રોગજીવાણુનો ચેપ (ઈન્ફેક્શન) લાગવાથી પોપચાની બહાર બાજુએ ફોડલી થાય છે. પરૂ ભરાયેલી ફોડલીથી લાલ રહેતી આંખોમાં દુ:ખદ સાથે સતત કંઈક ખૂંચ્યા કરતું હોય એવું સંવેદન થયા કરે છે. નાક અને કાનના જૂના ઈન્ફેક્શનથી પણ આંજણી થઈ શકે છે.
ઉપચાર : લવિંગને પથ્થર પર બારીક વાટવું એમાં બે-ત્રણ ટીપાં શુધ્ધ જળ ઉમેરી એનો જાડો લેપ આંજણી પર કરવો. લેપ આંખની અંદર ન જાય એનું ધ્યાન રાખવું. લેપ સૂકાય ત્યાં સુધી લગાવી રાખવો. આ સિવાય બીજો ઉપચાર ગંઠાઈને કઠણ થઈ ગયેલી આંજણી માટે છે. જેમાં લસણની કળીને વચ્ચેથી કાપી, એમાંથી ઝરતો રસ આંજણી પર ચોપડવો. રસ આંખોમાં ન જાય એનું ધ્યાન રાખવું. એમ કરવાથી એ પાકીને ફૂટી જશે. કોઈપણ પ્રકારની આંજણીને દિવસમાં બે વખત ફટકડીના ગરમ પાણીથી સાફ કરવી. તીખાં-ખાટાં પદાર્થો, ઊજાગરા અને કમ્પ્યુટર-ટેલિવિઝનનો વધુ પડતો ઉપયોગ ત્યાગવો. ધીરજપૂર્વક લાબા સમય સુધી આ ઉપચાર કરવાથી આંજણી મટી જાય છે.
(૨) આંખોના ચેપડાં અને પાંપણોનું ખરી જવું : એક પ્રકારની ફૂગ (Fungus) ના ચેપથી, તો ક્યારેક પાંપણોમાં પડેલી જૂના ચેપથી પાંપણોનાં મૂળમાં નાની-નાની ફોડલીઓ થાય છે. એમાંથી પીળા રંગનું ચીકણું પ્રવાહી ઝરે છે. જેનાથી આંખે ચેપડાં કે પીયાં થાય છે. જેથી આંખો ચોંટી જાય છે અને ખૂલી શકતી નથી. લાંબા સમય સુધી આ સ્થિતી રહે, તો પાંપણો ખરી જાય છે.
ઉપચાર - બોરિક પાઉડર એક ચમચી એક કપ ગરમ પાણીમાં મિશ્રણ કરી, રૂના પૂમડાથી દિવસમાં બે થી ત્રણ વખત આંખો સાફ કરવી. જો આંખો આવી હોય (કંજકટીવાઈટીસ) તો પણ આ ઉપચાર સફળ નીવડે છે. આ રોગ ચેપી હોઈ પ્રાથમિક સ્વચ્છતા (Hygienre) રાખવી અન્યને ચેપ ન લાગે તે માટે આંખે ચશ્મા પહેરી રાખવા.
(૩) નાઈટ બ્લાઈન્ડનેસ (અંધારામાં જોવાની અશક્તિ કે સાંધળાપણું), ઝેરોપ્યેલ્મિયા (આંખના ડોળા સૂકા થઈ કઠણ થઈ જાય એવી સ્થિતિ) અને કિરેટોમેલેશિયા (કીકીનું અપારદર્શક થઈ જવું) આ ત્રણે રોગોના સંદર્ભે આંખોના સ્વાસ્થ્ય માટે વિટામીન છ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાજર, કોળુ, મકાઈ, શક્કરિયા, બધા જ પ્રકારની ભાજીઓ જેમકે પાલખ, તાંદળજો, કોથમીર, મેથી વગેરે, બ્રોકલી, કોબી, વટાણાં, ટામેટાં, કેરી, ટેટી, તડબૂચ, પીચ, દૂધ તથા માખણ - આ બધામાંથી વિટામીન છ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે, જેનો ઉપયોગ રોજીંદા આહારમાં કરવાથી ઉપર જણાવેલાં રોગો તથાં અટકાવી શકાય છે. રોજનું સરેરાશ ૫૦૦૦ I.U વિટામીન છ શરીર માટે આવશ્યક છે.
(૪) આંખોની બળતરા, લાલ રહેતી આંખો, નબળી દ્રષ્ટિ અને ચશ્માના નંબર ન વધે એ માટે રોજ વીસથી પચ્ચીસ મિનિટ પગના તળિયે ગાયના ઘીની માલિશ કરવી,
ગાયના ઘીના બે-બે ટીપાં સવારે નાકમાં પાડવા તથા એક ચમચી આમળાનું ચૂર્ણ રોજ સવારે નરણાં કોઠે ઠંડા પાણી સાથે લેવું. ઋષિઓએ આમળાને ચક્ષુષ્ય એટલે આંખને માટે હિતકર કહ્યાં છે તથા આંખને પોષણ આપતી નાડીનું સ્થાન પગના તળિયામાં માન્યું છે. ઉપરના પ્રયોગોથી ચશ્માના નંબર સંપૂર્ણપણે ઓછાં થઈ જાય એવું નથી, પણ એને વધતા જરૂર અટકાવી શકાય.
(૫) આંખોની નીચે કાળા કુંડાળા ને દૂર કરવા હળદર, અર્જુનની છાલ, આમળા, દેશી ગુલાબની પત્તી અને મીંઢળના બારીક ચૂર્ણોને ગાયના દૂધમાં લસોટી જાડો લેપ કરવો. લેપ આંખમાં ન જાય એનું ધ્યાન રાખવું. આ લેપ સૂકાય નહિ ત્યાં સુધી રાખવો. આ ઉપરાંત નીચેની બાબતો ધ્યાનમાં રાખવી દિવસમાં બે વખત ઠંડા પાણીથી આંખો ધોવી. ઉજાગરા, ઉપવાસ, ચિંતા ત્યાગવા રક્તઅલ્પતાં દૂર કરવા દેશી ગોળ, ખજૂર, ઘઉંના ફાડા, ભાજી અને ડુંગળીનો ખોરાકમાં ઉપયોગ કરવો. જેનાથી લોહતત્ત્વની ઉણપ પૂરા થાય છે અને લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણે વધે છે જે આંખો નીચેના કાળ કુંડાળા દૂર કરવામાં સહાયક બને છે.









