- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
(લેખ-૧)
વિ શ્વ આખું વિભિન્ન પદાર્થોથી બનેલું છે. વનસ્પતિ, અનાજ, ચાંદી, તાંબા જેવી ધાતુઓ, વળી ગંધક, નમક અને કેલ્શિયમ જેવાં ખનીજ તત્વોથી લઈને રંગરસાયણો, એટલું જ નહિ બે અલગ-અલગ તત્વોના સંયોજનથી બનતા પ્લાસ્ટીક જેવાં કૃત્રિમ પદાર્થો. જગતમાં રહેલાં આવા જાત-જાતના પદાર્થોના સંપર્કમાં માણસ આવતો હોય છે. ક્યારેક શ્વાસોચ્છવાસ થકી તો ક્યારેક આહારરૂપે આ પદાર્થો શરીરની અંદર દાખલ થતાં હોય છે.
આવા પદાર્થો દરેક વ્યક્તિને અનુકૂળ આવે એમ જરૂરી નથી. કેટલીક વ્યક્તિઓ ચોક્કસ પદાર્થના સંપર્કમાં આવવાથી એક પ્રકારની ઉત્તેજના અનુભવે છે. અથવા તો એમ કહીએ કે એમનું મન-શરીર એક પ્રકારની પ્રતિક્રિયા (REACTION) કરે છે. આવી પ્રતિક્રિયાના ભાગરૂપે શરીર પર ખંજવાળ, બળતરા, ઢીમચા ઉપસી આવવા, ત્વચા કાળી અને બરછટ થઈ જવી, સતત છીંકો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, છાતી અને માથામાં કફનો ભરાવો, આંખો, હોઠ કે ગળું સૂજી આવવું તથા વારંવારના ઝાડા અને ચૂંકમાંથી કોઈને કોઈ લક્ષણ જણાઈ આવે છે. આવા લક્ષણો મોટેભાગે દમ (ASTHAMA), ખરજવું (ECZEMA), શીળસ (URTICARIA) જેવાં રોગોના નામથી ઓળખાય છે. આ ત્રણે રોગના લક્ષણો ઉપર જણાવેલા લક્ષણ-સમુદાયમાંથી જ પણ ભિન્ન-ભિન્ન હોય છે.
સ્વસ્થ-તંદુરસ્ત માણસમાં એકાએક આવા વિચિત્ર લક્ષણો દેખાય એને એલર્જી કહેવાય. ગ્રીક ભાષામાં એલર્જીનો અર્થ થાય વિચિત્ર રોગ. એલર્જી પેદા કરે એવા તત્વોને એલર્જીન અથવા તો એન્ટિજન કહેવાય. પૃથ્વી પર એલર્જી પેદા કરી શકવા સક્ષમ લાખો કરોડો તત્વો છે. યાદી ઘણી લાંબી છે પણ એલર્જી પેદા કરી શકવાની ક્ષમતા (પોટેન્શીયલ) ધરાવતા તત્વો મોટેભાગે પ્રોટીનના સંયોજનથી બનેલા અથવા કૃત્રિમ રંગ-રસાયણથી બનેલા હોય છે. આવા તત્વોની સૂચિ પર નજર ફેરવી જુઓ તો તમને જણાશે કે સામાન્ય લાગતા પદાર્થો પણ કેવા ભયંકર એલર્જન હોઈ શકે છે ?
(૧) ખાદ્ય પદાર્થો : ચોળા, વાલ, મઠ, દૂધ, મિલ્ક પાવડર, દહીંના પ્રોટીન, ઇંડા, શેલ-ફીશ, દરિયાઈ શેવાળ, માંસાહાર, રીંગણ, ટામેટા, મેથીની ભાજી, ભીંડા જેવા શાકભાજી, ફણસ, કૌંચાબીજ, જરદાલુ, આમલી જેવાં ફળો વગેરે.
(૨) કૃત્રિમ રંગ રસાયણયુક્ત પદાર્થો : સુગંધિત અત્તરો, બોડી સ્પ્રે, અગરબત્તીનો ધૂમાડો, ડીટર્જન્ટ પાવડર, સાબુ, કોસ્મેટીક પદાર્થો જેવા કે નેઈલ-પોલીશ, લીપ-સ્ટીક વગેરે.
(૩) પેનિસીલીન અને સલ્ફા ડ્રગ (ઔષધિઓ), એન્ટિબાયોટીક દવાઓ, વિટામીન્સ, વેક્સીન (રોગ-પ્રતિકારક રસી), રેઝીન, ફિનાઈલ, મચ્છર મારવાની દવાઓ, ખેતીકામ અને બાગ-બગીચામાં વપરાતી જંતુનાશક દવાઓ વગેરે.
(૪) કાર્બન ડસ્ટ, કોટન ડસ્ટ, ઇન્ડસ્ટ્રીઅલ ડસ્ટ, ધૂળના રજકણો, પુસ્તક પરની સેપટ, ધૂમાડો, શણ અને ઉનના સૂક્ષ્મ તંતુઓ, પુષ્પોમાં રહેલી પરાગરજ (POLLEN), પ્રાણીઓની ત્વચા પરના સૂક્ષ્મ વાળ, પીંછાના અંશો વગેરે...
શ્વાસ દ્વારા શરીરમાં દાખલ થયેલા આવા પદાર્થોથી દમ અથવા અસ્થમાનો હુમલો આવવાની શક્યતા રહેલી છે. આહાર દ્વારા શરીરમાં દાખલ થયેલા આવા પદાર્થોથી શીળસ જેવા ત્વચાને લગતા ઉપદ્રવો થઈ આવે છે તો ક્યારેક સ્પર્શમાત્રથી પણ એલર્જીજન્ય લક્ષણો દેખાવા લાગે છે. જગતમાં એલર્જી પેદા કરતાં તત્વો અસંખ્ય છે અને પ્રત્યેક વ્યક્તિ ઓછાવત્તા અંશે આ તત્વોના સંપર્કમાં આવે છે તો પછી બધાને એલર્જી કેમ થતી નથી ? એનું કારણ - કેટલીક વ્યક્તિઓ જન્મથી જ આવા એલર્જન પ્રત્યે સંવેદનશીલ (સેન્સીટીવ) હોય છે.
આવી વ્યક્તિઓને એલર્જી વારસામાં મળે છે. વંશપરંપરાગત માણસને મળતા શરીરનું બંધારણ જ એવું હોય છે કે એ ચોક્કસ પદાર્થને સહન કરી શકતા નથી. સામાન્ય રીતે જેમની રોગ પ્રતિકારક શક્તિ બળવત્તર હોય તેવી વ્યક્તિઓને આવા પદાર્થો નડતા નથી પણ જેમને વારસામાં નબળી પ્રતિકારકશક્તિ મળી હોય તેઓ એલર્જી જેવા વિચિત્ર લક્ષણ ભોગ બનતા હોય છે. આ ઉપરાંત આબોહવાના ફેરફાર, લાંબી માંદગી પછી અને વૃદ્ધાવસ્થામાં નબળી પડેલી પ્રતિકારકશક્તિને કારણે પણ આવા લક્ષણ દેખાઈ આવે છે.
ડૉક્ટર પોડોસ્કીનું કથન છે કે, દબાવી રાખેલો ગુસ્સો-ક્રોધ, દમ-અસ્થમા જેવા એલર્જીજન્ય લક્ષણરૂપે પ્રગટ થાય છે. ક્યારેક લાગણીઓ, ઇચ્છાઓ અને ઉર્મિઓ દબાવી દેવાથી તો ક્યારેક વધુ પડતા સ્ટ્રેસ અને તનાવયુક્ત સ્થિતિમાં રહેવાથી પણ એલર્જીના ચિન્હો દેખાય છે. એલર્જીની આવી સમસ્યામાં શરીર સાથે મનની સંવેદનશીલતા ઘણો મહત્વનો ભાગ ભગવે છે. હવે, એલર્જીના ઉપચારો વિશેની વિસ્તૃત માહિતી આવતા લેખમાં. (ક્રમશ:)


