Magazines

અનેક સમસ્યાઓના સર્જક : પેટના કૃમિ .

By GS TEAM
1 Jul 20253 mins read
અનેક સમસ્યાઓના સર્જક : પેટના કૃમિ                        .

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- ક્યારેક સગર્ભાઓના ગર્ભપાત અને બાળકોના અટકી ગયેલા વિકાસ પાછળ આવા કૃમિ જવાબદાર કારણ હોય છે 

સૃ ષ્ટિમાં રહેલાં નાના-મોટાં અસંખ્ય જીવો એકબીજા સાથે પોતાનું અનુકૂલન સાધી તેમનો ક્રમિક વિકાસ કરે છે. એકકોષિય જીવથી લઈ કંઈક કેટલાય જટીલ રચના ધરાવતાં સજીવોના જીવન અન્ય જીવો પર પ્રભાવી રહેતાં હોય છે. જેમકે, માણસના આંતરડામાં રહેલાં પચાસથી વધુ જાતના અલગ-અલગ બેક્ટેરિયા (કે જે એક પ્રકારના સૂક્ષ્મ જીવો છે) શરીરમાં થતી પચનક્રિયામાં કેટલો મોટો સકારાત્મક ફાળો આપે છે ? જો આવા બેક્ટેરિયા આંતરડામાં ન હોય તો આખી પચનક્રિયા ખોરવાઈ જાય. અરે ! પોષણ સંબંધી કેટલાક વિટામિન્સ તો આવા બેક્ટેરિયાની ઉપ:સ્થિતિમાં જ બની શકે. આ થઈ એક જીવના બીજા જીવ સાથેના પરસ્પરના સકારાત્મક સહજીવનની વાત.

ઉપર જણાવેલી બાબતથી તદ્દન વિપરિત - એક જીવ પોતાનું અસ્તિત્વ જાળવવા અન્ય જીવનો નાશ કરી નાખે એમ પણ સંભવ છે. એરિઝોનાના જંગલોમાં ઊગતાં એક પ્રકારના બેરીના વૃક્ષ પોતાના થડની છાલમાંથી એવા રસાયણો છોડે છે જેનાથી એની આજુબાજુ પોતાની પ્રજાતિ સિવાયની અન્ય કોઈ વનસ્પતિ વિકસિત ન થઈ શકે. આજે સૃષ્ટિમાં રહેલાં અન્ય જીવો થકી માણસને થતાં રોગો સંદર્ભે પેટના કૃમિમાંના હુકવર્મ વિષે વાત કરવી છે.

આરોગ્યવિદ્ નોર્મન સ્ટોલના અનુમાને ભારત અને પાકિસ્તાનમાં મળીને કેટલાય લાખ લોકો પેટના કૃમિથી ચેપગ્રસ્ત છે. હુકવર્મ એ એક પ્રકારના કૃમિ છે - જે રંગે આછા ગુલાબી અને ઘંટ જેવા આકારના મોઢામાં વાંકા અંકોડા (હુક આકારના) તીક્ષ્ણ દાંત ધરાવતા હોઈ એમનું નામ હુકવર્મ પડયું છે. ત્વચા થકી એ માણસના શરીરમાં દાખલ થાય છે અને આંતરડાની આંતરત્વચા પર હુક જેવા દાંતથી ભીસ જમાવી, વળગી રહી, લોહી ચૂસી પોતાનું પોષણ કર્યા કરે છે. માદા હજારોની સંખ્યામાં ઈંડા મૂકે છે અને જીવનવિકાસ ટકાવી રાખે છે.

શરૂઆતમાં માણસને આ કૃમિના ચેપની ખબર પડતી નથી પણ કૃમિ શરીરમાં દાખલ થઈ ગયાના વીસ અઠવાડિયા પછી નીચે જણાવેલા લક્ષણો દેખાવા લાગે છે. જેમાં - ગુદામાર્ગે ખંજવાળ, નિંદ્રા દરમ્યાન મોંમાંથી લાળનું ટપકવું, ભૂખ ઓછી થઈ જવી, ચહેરાની ફિકાશ, હોઠ પાસે ગાલ પર સફેદ ઝામા તથા છાતીનો કફ. પચીશથી ત્રીસ અઠવાડિયા પછી કૃમિને કારણે આંતરડામાં થતાં ચાંદામાંથી લોહી ટપકવું ચાલુ થાય છે જેના કારણે રક્તની અલ્પતા-હિમોગ્લોબીન ઘટવા માંડે છે. ચહેરા પર સોજા, સ્વભાવનું ચિડિયાપણાં સાથે વજન ઘટવાની શરૂઆત થાય છે. વિશેષ કરીને બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે. રોગની જૂની અને ગંભીર અવસ્થામાં ગુદામાર્ગે રક્તસ્ત્રાવ વધી જાય છે. સાથે કબજિયાત, તાવ, શરીરની દુર્બળતા અને જાત-જાતના ચેપી રોગ લાગુ પડતાં જોવા મળે છે. ક્યારેક સગર્ભાઓના ગર્ભપાત અને બાળકોના અટકી ગયેલા વિકાસ પાછળ આવા કૃમિ જવાબદાર કારણ હોય છે માટે આવા લક્ષણો જણાતા યોગ્ય તબીબી સલાહ લેવી.

 આ સાથે હુકવર્મના ચેપથી બચવા માટેના કેટલાક ઉપાયો જોઈએ.

જે બાળકો ધૂળ-માટીમાં રમવા ટેવાયેલા હોય છે, ખેડૂતો અને શ્રમજીવીઓ જે સીધા જ ધૂળ કે માટીના સંપર્કમાં આવતાં હોય છે તેઓએ બૂટ કે પગરખાં પહેરવાની તકેદારી લેવી. કારણ આ પ્રકારના કૃમિ ધૂળ-માટીમાં બહોળી માત્રામાં રહેલાં હોય છે.

 મળ દ્વારા આવા કૃમિનો ફેલાવો થતો હોઈ ખુલ્લામાં હાજત જવાની પદ્ધતિ યોગ્ય નથી.

 શાક-ભાજી તથા ફળો હંમેશા નમકવાળા હુંફાળા પાણીથી ધોઈ ઉપયોગમાં લેવા.

 લાંબા સમય સુધી પડી રહેલો વાસી ખોરાક ત્યાગવો.

 હુકવર્મથી ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં અને ચાદર અલાયદા રાખવા.

 ચેપગ્રસ્ત ન હોય એવી વ્યક્તિઓએ પણ ભોજન પૂર્વે અને મળશુદ્ધિ પછી જંતુઘ્ન સાબુથી હાથ ધોવાની ટેવ રાખવી.

 ઉપરાંત ગંદકીભર્યા વસવાટો, જાહેર શૌચાલયોની સ્વચ્છતા અને એકઠા થતાં કચરાના નિકાલની વ્યવસ્થા રોગનિવારણનું પ્રધાન કર્મ બની શકે.

હુકવર્મ માટેની શ્રેષ્ઠ ઔષધીઓમાં વાવડીંગ, કપીલો અને કડુ-કરિયાતુ પાંચ-પાંચ ગ્રામ લઈ એમાં બે ગ્રામ દેશી નમક મેળવી હુંફાળા પાણી સાથે સવારે હાજત જઈ આવ્યા પછી ફાકવું. (નોંધ:- કડુ દેશી દિવેલમાં શેકી ઉપયોગમાં લેવું.)