Get The App

ચોપગામાંથી આપણાં કયા પૂર્વજો બેપગા બન્યા?: BIPEDALISM

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News


ચોપગામાંથી આપણાં કયા પૂર્વજો બેપગા બન્યા?: BIPEDALISM 1 - image

ચોપગામાંથી બેપગા ચાલવાનું જ્યારે પણ માનવકુળમાં શરૂ થયું હશે ત્યારે મોટી ક્રાંતિ થઇ હશે તેમ કહેવાય. છુટા થયેલા બે પગ હાથમાં પરિણમ્યા અને તેણે કલા, વિજ્ઞાાન, ટેકનોલોજીના અનેક સર્જનો કર્યા

માનવકુળની સૌથી મોટી ક્રાંતિ ત્યારે થઇ જ્યારે ચાર પગે ચાલતાં ચાલતાં તેણે બે પગે ચાલવાનું શરૂ કર્યું. બે પગને છુટા કરી હાથ તરીકે અવનવા કામ કરતાં કરી દીધા. આ હાથોએ અનેક કલાકૃતિઓ સર્જી છે. અનેક યંત્રો સર્જ્યા છે. અનેક માનવપયોગી કાર્ય કર્યા છે. અનેક કૌશલ્ય વિકસાવ્યા છે. નૃત્યો, શિલ્પ, યુધ્ધકલા અને વિજ્ઞાાન વિકસાવ્યા છે. 

જો તેણે ચાર પગે ચાલવાનું ચાલુ રાખ્યું હોત તો તે પશુ જ ગણાતો હોત. આપણે એ જાણવું છે કે માનવકુળ એટલે માનવવંશમાં ક્યારે તો ચોપગામાંથી બેપગા બન્યો. કદાચ આપણાં કરતાં પણ કોઇ બુધ્ધિશાળી જીવ કોઇ ખગોળીય પિંડ પર હોય તો સંભવત: તેના પ્રથમ સંદેશમાં તે કહેશે ''હેલ્લો, કાર્બનિક બેપગા !'' પ્રસિધ્ધ સામયિક 'નેચર'ના ૨૯ માર્ચ ૨૦૧૨ના અંકમાં આપણે બે પગે ચાલતા ક્યારે થયા તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

જો બે પગ પર ચાલવાની અને દોડવાની આવડત માનવીને 'એપ'થી જુદા પાડતી હોય તો આ ઝાડ પર ચડવાથી જમીન પર ચાલવાનું સંક્રમણ (ફેરફાર) સરળતાથી થયું હશે ? વૈજ્ઞાાનિકો માનવા તૈયાર નથી. તેના પૂરાવા ઉપરોક્ત 'નેચર'ના અંકમાં પ્રસિધ્ધ થયેલા સંશોધન પત્રમાં આપવામાં આવ્યા છે. તે સમજવા આપણે માનવકુળ એટલે માનવવંશ પર દ્રષ્ટિપાત કરીએ.

આપણે જાણીએ છીએ કે સમગ્ર જીવસૃષ્ટિ ઉત્ક્રાંતિનો પરિપાક છે. પૃથ્વીની ઉત્પત્તિ આજથી ૪.૬ થી ૪.૫ અબજ વર્ષ પૂર્વે થઇ હતી. તે વખતે પૃથ્વી પર લઘુગ્રહોનો ભારે મારો થતો રહ્યો અને તે ૪.૫ અબજથી ૩.૮ અબજ વર્ષ પૂર્વેના ગાળા દરમ્યાન થતો રહ્યો તે ગાળા દરમ્યાન પૃથ્વીનો પોપડો અને મેન્ટલ રચાયા. પૃથ્વી પર સંયોજીત વાયુઓ વછૂટતા વાતાવરણ રચાયું.

આ અંધાધૂંધીના ગાળામાં પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ થઇ. પરંતુ લઘુગ્રહોના મારા તેમનો સફાયો કરતાં રહ્યા. અંદાજે આજથી ૩.૮ અબજ વર્ષ પહેલાં લઘુગ્રહોનો મારો ક્ષીણ થતો ગયો અને જીવન પૃથ્વી પર સ્થાયી થયું. અલબત્ત તે જીવન સુક્ષ્મજીવો રૂપે હતું. પૃથ્વી પર બદલાતી કુદરતી પરિસ્થિતિકી (ઈકોલોજી) અને પર્યાવરણ સાથે અનુકુલન સાધી ટકી રહેવા સજીવોમાં ઉત્ક્રાંતિ થતી રહી. જે સજીવોની જાતિઓ અનુકુલન સાધવા સક્ષમ હતી તે ટકી રહી. બાકીની બધી લુપ્ત થઇ ગઇ.

જે સજીવોના આનુવાંશિક લક્ષણોમાં એવા ઉત્પરિવર્તનો થયા અને તે રીતે નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી શક્યા તે નવી જાતિરૂપે ટકી રહ્યા. આમ સજીવોની ઉત્ક્રાંતિ થતી રહી. સુક્ષ્મજીવોમાંથી માનવી સુધીના અનેક સજીવો પૃથ્વી પર આવ્યા. આજ સુધીમાં જે સજીવો આવ્યા છે તેમાંથી ૯૯.૯ ટકા તો લુપ્ત થયા છે તેમ છતાં અનેક પ્રાણીઓ, અનેક જળચરો, અનેક પક્ષીઓ, અનેક ઉભયચરો, અનેક જીવાતો - જંતુઓ તેમજ સુક્ષ્મજીવોની જાતિઓ પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવે છે. તે પૈકી અનેક લુપ્ત પણ થતી જાય છે. આ તો કુદરતનો ક્રમ છે.

આપણે હોમોસેપિયન્સ સેપિયન્સ નામની ઉપજાતિ છીએ. આ ઉપજાતિ માત્ર ૧,૬૦,૦૦૦ વર્ષોથી ઉત્ક્રાંતિ પામી આવી છે. પરંતુ તેના પહેલા માનવીઓ તો હતા. પરંતુ તેમની જાતિ અલગ હતી. આપણને પ્રશ્ન થાય કે ઉપજાતિ, જાતિ વગેરે કોને કહેવાય ?

પ્રાણીસૃષ્ટિનું વિજ્ઞાાનમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. તેમાં પ્રાણીઓને જુદા જુદા સમુદાયોમાં પ્રથમ માનવામાં આવે છે. સમુદાયોને અંગ્રેજીમાં 'ફાયલા' (એકવચન ફાયલમ) કહે છે. તેમાં એક સમુદાયને 'કોડૉટા' કહે છે. ગુજરાતીમાં તેને 'મેરૂદંડી' કહે છે. કોઇ એક સમુદાયને જુદા જુદા વર્ગોમાં વિભાગવામાં આવે છે તેને 'ક્લાસ' કહે છે. તે પૈકી એક વર્ગ (ક્લાસ) આંચળવાળા પ્રાણીઓ એટલે કે 'પ્રેપલ્સી'નો છે.

હવે વર્ગને શ્રેણી એટલે કે 'ઑર્ડર'માં વિભાગવામાં આવે છે. તે પૈકી એક શ્રેણી 'પ્રિમેટ' એટલે કે 'અંગુષ્ટધારી' છે. દરેક શ્રેણીને કુળ અથવા વંશમાં વિભાગવામાં આવે છે. તેને ફેમિલી કહે છે. તે પૈકી એક કુળ 'હોમિનિડી' છે. તેને માનવકુળ અથવા માનવવંશ કહે છે. આ શ્રેણીમાં બીજું કુળ 'પોન્જીડી' છે. હોમિનીડી અને પોન્જીડીનું સંયુક્ત કુળ સુપર ફેમિલી કહે છે.

તેનું નામ 'હોમિનાઇડી' છે. તેના ઉપરોક્ત બે ફાંટા છે. એક ફાંટો 'પોન્જીડી' ફાંટો છે. તેમાં ગિબન એટલે લાંબા હાથવાળા વાંદરા જેને 'શાખામૃગ' કહે છે, ઉરાંગઉટાંગ નામના વાનરો, ગોરિલા અને ચિમ્પાન્ઝી તેમજ જીવાશ્મ થઇ ગયેલ બે પ્રજાતિઓ છે. 'પોન્જીડી'ને કપિકુળ કહી શકાય. બીજો ફાંટો હોમિનીડી છે તેને આપણે માનવકુળ કે માનવવંશ કહી શકીએ.

તેમાં અત્યારે અસ્તિત્ત્વ ધરાવતી 'હોમો' પ્રજાતિ છે અને તે માનવપ્રજાતિ છે. ઉપરાંત બે જીવાશ્મ થઇ ગયેલ પ્રજાતિ છે તેના નામ છે. 'ઓસ્ટ્રેલો પિથેક્સ' અને 'પારા-દ્રોપસ' છે. કપિકુળ અને માનવકુળની ઉત્ક્રાંતના શાખા જ્યાં અલગ પડે છે ત્યાં 'આર્દિપિથેક્સ રામદુસ' પ્રજાતિ આવી. તે પ્રજાતિ ૪૪ લાખ વર્ષો પહેલાં ઈથિયોપિયાના અટ્ટાર વિસ્તારમાં હતી એમ તારવવામાં આવે છે. આ પ્રજાતિએ ઝાડ પર ચઢવા સાથે સાથે જમીન પર ચાલવા-દોડવાનું શરૂ કર્યું. અત્રે યાદ રહે કે કુળ અને વેરાના વિભાગો પ્રજાતિ કહેવાય છે. પ્રજાતિના વિભાગો જાતિ કહેવાય છે અને જાતિનાં વિભાગો  ઉપજાતિ કહેવાય છે. આમ પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ થાય છે.

માનવકુળની પહેલામાં પહેલી પ્રજાતિ 'ઓસ્ટ્રેલોપિથેક્સ' છે. તે માનવકુળના સભ્ય હતા પણ 'માનવ' ન હતા. તેને કપિ-માનવ કહી શકાય. તેના જીવાશ્મ (ટ્રોસિલ) ૪૦ લાખથી ૨૩ લાખ વર્ષો પહેલાના મળ્યા છે. આ પ્રજાતિની સૌથી પહેલી જાતિ 'ઓસ્ટ્રેલો પિથેક્સ રામિદસ' હતી. તે ૪૦ લાખ વર્ષો પૂર્વે પૂર્વ આફ્રિકામાં વસી હતી. તે માનવીના કપિ-માનવ સાથે કડી રૂપે જોડતો આદિ પૂર્વજ હતો. તેની વંશજ જાતિ 'ઓસ્ટ્રેલોપિથેક્સ અફારેન્સિસ' હતી. તે ૩૬ લાખ વર્ષોથી ૨૯ લાખ વર્ષો પૂર્વે પૂર્વ આફ્રિકામાં વસી હતી. તે એડવાન્સ્ડ જાતિ હતી. અલબત્ત તે કપિમાનવ પ્રજાતિમાં હતાં.

ત્યાર પછી 'હોમો' પ્રજાતિ એટલે કે માનવ જાતિ અસ્તિત્વમાં આવી. તેની પ્રથમ જાતિ 'હોમોહેબિલિસ' (દક્ષ માનવ) ૨૦ લાખ વર્ષો પહેલા આફ્રિકામાં ઉત્ક્રાંતિથી આવી. તેનું દિમાગ કપિમાનવ કરતાં મોટું હતું ત્યારબાદ દશ લાખ ચોંસઠ લાખ વર્ષો પૂર્વે : 'હોમો ઇરેક્ટસ' જાતિ આવી તેના અવશેષો ચાર લાખ વર્ષો સુધી મળી આવ્યા છે. તે અગ્નિનો ઉપયોગ જાણતા હતા. તે શિકાર કરવા સક્ષમ હતા. તેનું દિમાગ મોટું હતું તેના પછી આજથી અઢી લાખ વર્ષો પૂર્વે હોમોસેપિયન્સ 'પ્રાયેસેપિયન્સ' જાતિ ઉત્ક્રાંતિથી આવી. 

તેના એક લાખ પચીસ હજાર વર્ષો પૂર્વે બે ફાંટા પડયા. એક 'હોમો સેપયન્સ નીયન્ડરપાલેન્સિસ' અને બીજા હોમોસેપિયન્સ સેપિઅન્સ છે. 'હોમો સેપિયન્સ સેપિયન્સ' ને આદિ અર્વાચીન માનવી કહે છે. તે હોમો તેની ઉપજાતિ હોમોસેપિયન્સ છે તેને મેઘાવી માનવી કે અર્વાચીન માનવી કહે છે. આમ માનવકુળનો અને તેમાં પણ હોમો પ્રજાતિનો ઉદવિકાસ થતો રહ્યો છે.

માનવકુળ એક વૃક્ષ જેવું છે તેમાં ઘણી પ્રજાતિઓ, જાતિઓ અને ઉપજાતિઓ પેદા થઇ છે. તે પૈકી ચોપગામાંથી બે પગા તો 'હોમો' પ્રજાતિ પહેલા બની હતી.

ઇથિયોપિયાના મધ્ય અફાર વિસ્તારમાં વોર્સાન્સો - મિલ્લે સાઇટમાંથી એક પગનું કંકાલ મળી આવ્યું છે તે આપણાં પૂર્વજોની ઝાડ પર ચઢવાની ક્ષમતા જાળવીને જમીન પર ચાલવાની ક્ષમતાનો અગત્યનો પૂરાવો છે. અલબત્ત, પ્રાણીસૃષ્ટિના વર્ગીકરણમાં આ નવા નમૂનાનું સ્થાન સંપૂર્ણ નિશ્ચિત નથી.

કંકાલના અવશેષો ૩૪ લાખ વર્ષો અગાઉના છે પરંતુ તે 'ઓસ્ટ્રિલોપિથેક્સ અફારેન્સિસ' પ્રજાતિ સાથે મેળ ખાતો નથી. તે માનવકુળના આરંભિક પ્રજાતિ છે. તેમનો સમયનો ગાળો ૩૬ લાખ વર્ષોથી ૨૯ લાખ વર્ષો વચ્ચેનો છે. ખરેખર ૪૪ લાખ વર્ષો પહેલાં થઇ ગયેલ 'આર્દિપિથેક્સ રામિદુસ'ના જીવાશ્મ (ફોસિલ) મળતાપણું બતાવે છે. અલબત્ત તેમાં 'એપ'ને હોય છે તેવી પાદાંગુલિ (ટૉ)થી જુદા પડે છે અને પ્રમાણમાં ટૂંકા છે.

તેના કાર્યશીલ આકાર અને અગાઉના માનવકુળના પગના ભાગોની સરખામણી કરીને સંશોધકોએ આરંભિક માનવોમાં બે પગાપણાંનાં જુદા પણાંની કસોટી કરવા મજબૂત કેસ ઉભો કર્યો છે. પૃથ્વીના ઇતિહાસમાં એક સમયનો ગાળો અતિનૂતન યુગનો (પ્લિઓસીન એપોક) કહેવાય છે તેનો સમય આજથી બાવન લાખ પૂર્વેથી ૧૬.૪ લાખ પૂર્વે વચ્ચે હતો. તે યુગના આરંભમાં માનવીએ ચાલવાની રીતો એકથી વધારે સાથે અનુકૂલન સાધ્યું હતું.

વળી પુરાતત્વનો અભ્યાસ એ પણ નોંધે છે કે ત્યારે પૂર્વ આફ્રિકામાં ૩૪ લાખ વર્ષ પહેલા એક કરતા વધારે માનવીની જાતિઓ અસ્તિત્વમાં હતી. શરીર ક્રિયા વિજ્ઞાાનની દ્રષ્ટિએ અર્વાચીન માનવી અને ગોરીલા વચ્ચે પાદ પડે છે. કેટલાક લક્ષણો ઓસ્ટ્રેલોપિથેક્સ અફારેન્સિસ ને મળતાં આવે છે જ્યારે કેટલાક ચિમ્પાન્ઝી જુદા પડે છે અને આફ્રિકન એપથી પણ જુદા પડે છે.

કોઈ જાતિ સાથે તેના મળતાપણાને બાદ કરીએ તો પણ પાદના જીવાશ્મમાં કેટલીક ઝાડ પર ચઢવાની લાક્ષણિકતા જાળવીને, તેમાં જમીન પર ચાલવાની ક્ષમતા બતાવતા લક્ષણો જોવા મળ્યા. (પાદ એટલે પગની ઘૂંટીએથી તળિયા સુધીનો ભાગ). પાદનું જે કંકાલ વોર્સાન્સો મિલ્લેની સાઇટ પર ઇથિયોપિયામાં મળી આવ્યું છે તે માનવીનું છે. તેને ઝાડ પર ચઢવાની, પકડવાની ક્ષમતા જળવાઇ રહી હોવા છતાં તેમ તારવી શકાય છે.

જ્યારે જમીન પર હોય તો ત્યારે તે ઓછામાં ઓછા ઐચ્છિક રીતે બે પગા હતા. તેનો અર્થ એ થાય કે જમીન પર ચાર પગે પણ ચાલતા અને બે પગે પણ ચાલતા. જો કે તેઓ બેપગાપણાંનો નવી જ રીતે અમલ કરતા હતા. નેચર સામયિકના તે જ અંકમાં જણાવેલ છે. આર્દિપિથેક્સ રામિદુસ સાથે જીવાશ્મનું નજીકનું મળતાપણું તે ઝાડ પર ચઢતા બે પગા હતા તેવું મજબૂતાઈથી સાબિત કરે છે. તેઓ આરંભિક માનવો હતા જે પૂર્વ આફ્રિકામાં ૩૪ લાખ વર્ષોથી ૪૪ લાખ વર્ષોના ગાળા વચ્ચે રખડતા હતા. એ જ વખતે ઓસ્ટ્રેલોપિથેક્સ અફારેન્સિસ જમીન પર મજબૂતાઇથી ચાલતા હતા.

જો કે માનવકુળના અન્ય સભ્યો ઓસ્ટ્રેલોપિથેક્સ સેડિબા અને હોમોહેબિલસમાં ઘણા લક્ષણો હતા જે અર્વાચીન માનવી પાદ ને મળતા આવતા હતાં.

પરંતુ જ્યાં સુધી હોમોઇરેક્ટસ ઉત્ક્રાંતિથી આવ્યા ત્યારે ખરેખરા માનવી જેવા પાદ ઉત્ક્રાંતિ પામ્યા. હોમોઇરેક્ટસ ઠેરતા-ઠેરતા ચાલતા હતા. તેમને અગ્નિ ઉપયોગ કરતા હતા. તેઓ શિકાર પણ કરતા હતા.

આમ તારવી શકાય કે કપિકુળ અને માનવકુળ ભેગા મળે છે ત્યાં આર્દિપિથેક્સ રામિદુસ પ્રજાતિ આવી તેઓ જમીન પર ચાલતા અને દોડતા હતા સાથે સાથે ઝાડ પર પણ ચઢતા હતા.

પરંતુ અર્વાચીન માનવી જેવા પાદ હોમોઇરેક્ટસ ઉત્ક્રાંતિથી આવ્યા ત્યારે પાદ પણ ઉત્ક્રાંતિથી આવ્યા.

Tags :