હદ વટાવી ગયેલું જળપ્રદૂષણ
ડિસ્કવરી - ડો. વિહારી છાયા
આપણાં તીર્થ સ્થાનો જેના કાંઠે આવેલા છે તે નદીઓમાંથી કેટલાના પાણી પીવા જેવા છે ?
દિલ્હીમાં યમુના વઝીરાબાદથી ઓખલા સુધીના ૧૩૭૦ કિલોમીટર કાપે છે ત્યારે એટલી મલિન થઈ જાય છે કે તેનું પાણી પીવા લાયક તો નહીં પણ નહાવા-ધોવા લાયક પણ નથી રહેતું
પરાપૂર્વથી નદીઓ લોકોની જીવાદોરી છે. ભારતમાં તેને માતા ગણવામાં આવે છે. આ નદીઓના કાંઠે જ આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતાઓ વસી હતી અને વિકાસ પામી છે. આપણાં દેશના નાના-મોટા શહેરો અને ગામો નાની કે મોટી નદીને કિનારે વસ્યા છે. શ્રીકૃષ્ણ પણ યમુના નદીને કિનારે ગોકુળ ગામમાં વસ્યા હતા અને બાળપણમાં અનેક લીલાઓ યમુના નદીના કિનારે કર્યાનું આપણાં પુરાણમાં વર્ણવેલ છે.
તે એટલે સુધી કે યમુના નદીનું નામ શ્રીકૃષ્ણ સાથે જોડાઈ ગયેલ છે. આજે આપણે યમુના નદીની દુર્દશા જોઈએ ત્યારે આપણને થાય કે આ એ જ નદી જેને કિનારે શ્રીકૃષ્ણ વસ્યા હતા ? યમુના નદીના કિનારે તો ઘણાં ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે. ભારતની રાજધાની દિલ્હી પણ તેના કિનારે જ આવેલ છે, તેના કિનારે ઘણાં પવિત્ર સ્થળો અને મંદિરો આવેલા છે.
એટલું જ નહીં અનેક કારખાનાઓ અને મોટા ઐતિહાસિક શહેરો પણ તેના કિનારે આવેલા છે. આવો આપણો ભવ્ય વારસો ધરાવતી નદી-મૃત્યુ નામની જોઈ શકાય ? નદીમાં ઓગળેલા ઓક્સીઝનની માત્રા અત્યંત ઘટી જાય ત્યારે તે નદીમાં જીવતા માછલાં અને અન્ય જળચરો જીવી શકતા નથી. તે નદીનું પાણી તો પી શકાતું નથી પણ તેનો ઉપયોગ નહાવા અને ધોવામાં પણ કરી શકાતો નથી.
યમુનાનો ઉદ્ભવ ઉત્તરાખંડમાં આવેલ ઉત્તરકાશી જીલ્લામાં યમુનોત્રીથી થાય છે. યમુનોત્રીને હિંદુઓ ચારધામ પૈકીનું એક ગણે છે. તે ત્યાંથી ૧૩૭૦ કિલોમીટર જેટલું અંતર કેટલાય નગરો અને શહેરો વટાવીને કાપે છે અને પ્રયાગમાં ગંગા નદીને મળે છે. તેમનું આ સંગમ ઘણું પવિત્ર ગણાય છે અને તીર્થ સ્થળ ગણાય છે. આજે યમુના નદી આ ૧૩૭૦ કિલોમીટરની ગંદકી પોતાની સાથે તાણતી આવે છે. દિલ્હીથી ઈટાવાહનો યમુનાનો પટ અત્યંત પ્રદુષિત છે.
તેમાં ફરિદાબાદ, ગુરગાંવ, કર્નાલ, પાણિપત, સોનેપત, યમુનાનગર, ગાઝીયાબાદ, મુઝફરનગર, નોઈડા, સહરાનપુર, મથુરા, વૃંદાવન, આગ્રા અને ઈટાવાહની વોંકળા અને ગંદકી તેમાં ભળે છે. તે પાણીમાં કેન્સરકારકો, ઔદ્યોગિક કચરો, ઘરોમાંથી આવતા મળ, મૂત્ર અને ગંદવાડ, ગટરો, વોંકળા ઠલવાયેલ હોય છે. તેના કારણે તે પાણી પીવાને લાયક નથી રહ્યું પરંતુ ઉપરાંત નહાવા અને ધોવા માટે પણ તે લાયક નથી.
યમુનાના પ્રવાહની સ્થિતિ અને તેમાના પાણીની ગુણવત્તા ખરેખર ચિંતાપ્રેરક છે. યમુનાનું તળ દર વર્ષે ૦.૧૫ મીટર નીચું જઈ રહ્યું છે. ઉનાળામાં તેનો પ્રવાહ ઘટીને સેકન્ડ પાંચ ઘનમીટર થઈ જાય છે. તે જરૂરી પ્રવાહ કરતાં ઘણો નીચો છે. જરૂરી પ્રવાહ ઓછામાં ઓછો એક સેકન્ડના ૫૮ ઘનમીટર હોવો જોઈએ જેથી નદીમાં ખેંચાય આવેલ અપશિષ્ટ (કચરો)નું પ્રમાણ મંદ થશે.
પાટનગર દિલ્હીનો ઈતિહાસ મૂળભૂત રીતે જ યમુના સાથે સંકળાયેલ છે. યમુના નદી દિલ્હીમાં વઝીરાબાદ બાંધમાંથી પ્રવેશે છે ઓખલા બાંધમાંથી પસાર થાય છે. આ રીતે દિલ્હીમાંથી તે ૨૨ કિલોમીટરનો પથ કાપે છે. તે દરમ્યાન ઘણા મોટા પ્રમાણમાં ગંદકી, ગંદવાડ, ઘરોનો કચરો અને ઔદ્યોગિક કચરાના વોંકળા તેમાં ભળે છે. તેના લીધે આ પવિત્ર નદી એક મંદ ગતિએ વહેતા ગંદકીનો ગટર બની જાય છે. તેમાં ગંધાતો ગંદવાડ, પ્લાસ્ટીક અને ઝેરી રસાયણો ભળેલા હોય છે.
અલબત્ત યમુના નદીનો કાંઠાના કુલ વિસ્તારનો માત્ર બે ટકા જ દિલ્હીનો છે પરંતુ તે તેના પ્રદુષણના બોજના ૮૦ ટકા માટે જવાબદાર છે. વઝીરાબાદથી ઓખલા સુધીની યમુના દુનિયાનું સૌથી વધારે ભયગ્રસ્ત નદતટીય પારિતંત્ર (ઈકોસિસ્ટમ) છે. દિલ્હીના ૨૨ કિલોમીટર વિસ્તારને આવરી લેતી આ પવિત્ર નદીની વર્તમાન સ્થિતિ ખરેખર કરૂણાજનક છે. (ક્રમશ:)
યમુનાના પાણીનું પ્રદુષણ કેટલું છે તેના માપ પણ આપણે જોઈએ. પાણીમાં જીવસૃષ્ટિ હોય છે. તેને ઓક્સિજનની જરૂર રહેતી હોય છે. ઓક્સિજન વિના તે ટકી શકે નહીં. દિલ્હીના ૨૨ કિલોમીટરના તેના પથ દરમ્યાન નદીના પાણી તેનો રંગ અને ગુણવત્તા ગૂમાવી દે છે. તે જાળવવા તેને વધુ અને વધુ માત્રામાં ઓક્સીજનની જરૂર પડે છે. તે 'બાયોકેમિકલ ઓક્સીજન ડીમાન્ડ' એટલે કે ટૂંકમાં 'બીઓડી' કહે છે. અત્યારે આ માંગ ઘણી વધી ગઈ છે. અત્યારે આ માંગની માત્રા વધીને એક લીટર દીઠ ૩૫ મિલિગ્રામ થઈ ગઈ છે.
તેનો અર્થ એ થયો કે એક લીટર પાણીમાં ૩૫ મિલિગ્રામ ઓક્સીજનની જરૂર છે. જ્યારે તેની સામે અત્યારે તેમાં એક લીટર પાણીમાં માત્ર ત્રણ મિલિગ્રામ ઓક્સીજન છે. બીજી બાજુથી પાણીમાં જે ઓકસીજન હોય છે તે તેમાં ઓગળેલો હોય છે તેને 'ડીઝોલ્વ ઓકિસજન' (ડીઓ) કહે છે. તેનો ઉપયોગ જીવસૃષ્ટિ કરે છે. અત્યારે તેની માત્રા શૂન્ય થઈ ગઈ છે. જ્યારે તે માત્રા ઓછામાં ઓછા એક લીટરમાં પાંચ મિલિગ્રામ જોઈએ.
આ ઉપરાંત અમુક પ્રકારના બેકટેરિયાનું પ્રમાણ તેમાં વધી ગયેલ છે. એક બેકટેરિયાના જુથને કોલાઈ-ફોર્મ કહે છે તે આપણી હોજરી અને આંતરડામાં હોય છે. પાણીમાં સામાન્યત: આ બેકટેરિયાનું પ્રમાણ ૧૦૦ મિલિમીટર દીઠ ૫૦૦૦થી વધારે ન હોવું જોઈએ. તેથી સામે દિલ્હીની યમુનાના પાણીમાં તે પ્રમાણ ૨.૪ કરોડ માલૂમ પડયું છે.
નદીના પાણીનું પ્રદુષણ મુખ્યત્વે તેમાં ઠલવાતી ગટરો, ઠલવાતા કચરા, ઉદ્યોગોના રસાયણયુક્ત પાણી, પ્રાણીઓના મૃતદેહો, ઘરનો ગંદવાડ, પૂજાની સામગ્રી, કાંઠાની જમીનમાં પેટાકદમી અને બિનઅધિકૃત વસાહતોના બાંધકામને લીધે છે. કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ પ્રમાણે માત્ર દિલ્હીમાંથી જ યમુનાના ૨૨ કિલોમીટર લાંબા પ્રવાહમાં દરરોજ ૪૩૦ કરોડ લીટર ગટરો ઠલવાય છે. જ્યારે ગટરના પાણીના શુદ્ધિકરણની ક્ષમતા રોજના માત્ર ૨૩૩ કરોડ લીટર છે.
નદીના કાંઠે અને નદીમાં ભળતાં ગંદા પાણીના વોંકળાઓના કાંઠે ૬૦,૦૦૦ ઝૂંપડાઓની ઝૂંપડપટ્ટી છે તેમાં સાડા ત્રણ લાખ લોકો વસી રહ્યા છે. આ ઝૂંપડપટ્ટીનો યમુનાના પ્રદુષણમાં ઘણો ફાળો છે. તેઓ તેમાં સીધેસીધા દરેક પ્રકારના કચરા અને ગંદવાડ ઠાલવે છે. તે સિવાય અનધિકૃત વસાહતો અને ઝૂપડપટ્ટીઓમાં રહેતા તેમના ઘરોનો કચરો ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. તેનાથી ગટરો ભરાય જાય છે અને બંધ થઈ જાય છે, નદીના પટમાં 'ફલાયએશ'નો ઉપયોગ પણ પાણીને પ્રદુષિત કરે છે.
દશેરા, દુર્ગાપૂજા અને દિવાળી જેવા તહેવારો દરમ્યાન પૂજાની સામગ્રી અને મૂર્તિઓ નદીમાં ડૂબાડવાના કારણે જે પ્રદુષણ થાય છે તે અંગે પણ છેલ્લાં કેટલાક વર્ષોથી લોકોનું ધ્યાન ખેંચવામાં
આવી રહેલ છે. એક અંદાજ પ્રમાણે તેમાં લગભગ ૩૬ ટન રંગો હોય છે, ૧૮ ટન જેટલા તેલ અને પોલિશ હોય છે અને તેટલા પ્રમાણમાં ફુલો, પાંદડાઓ, નાળિયેરના કાચલા અને છોળાઓ, ઘાસ અને મલોખાં તથા વાંસ હોય છે.
નદીના કાંઠે મોટા પ્રમાણમાં થતી બાંધકામ પ્રવૃત્તિનાં કારણે પ્રદુષણની સમસ્યા વધી છે અને નદીના અપૂરતા પ્રવાહની સમસ્યા પણ વધી છે. નદીની પહોળાઇ સાડા ત્રણ કિલોમીટરથી ઘટીને અડધો કિલોમીટર થઇ ગઇ છે. બાંધકામના લીધે અને નદીમાં કચરો ફેંકવાથી નદીના પ્રવાહને હાનિ પહોંચી છે. ગટરોના પાણીની શુધ્ધિકરણની સુવિધાની ખેંચ, શૌચાલયની અપૂરતી સુવિધાઓ, લોકજાગૃતિનો અભાવ અને સ્વચ્છતા પ્રત્યે બેદરકારીના કારણે આ સમસ્યા વકરી છે.
એનો અર્થ એ નથી કે યમુનાના પાણીનું પ્રદુષણ કરવા કોઇ પગલા લેવાયા નથી, પરંતુ વિવિધ કારણોસર તે નિષ્ફળતામાં પરિણમ્યા છે. જુદી જુદી સંસ્થાઓએ ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ્યા છે પરંતુ તેના કોઇ ઠોસ પરિણામ આવ્યા નથી. તેના બદલે ખરેખર તો યમુના આ વર્ષોમાં વધુ પ્રદુષિત થઇ છે.
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટીએ યમુના શુધ્ધિકરણ માટે ત્રણ તબક્કાની યોજના ત્રણ દાયકા પહેલા ઘડી હતી. તેમાં એક તો એ બાબતનો સમાવેશ થાય છે જે મુજબ યમુના નદીમાં ઠલવાતા દરેક ગંદકીના વોંકળા પર મળ શુધ્ધિકરણ પ્લાન્ટ તેના પાણી નદીમાં પડે તે પહેલાં સ્થાપવા, બીજું નદીને સમાંતર એક નહેર બાંધવી જે બધા વોંકળાઓને જોડે અને તેમાંના પાણીને શુધ્ધિકરણ કર્યા બાબત ને સિંચાઇ માટે હરિયાણા તરફ વાળવા અને ત્રીજું યમુના નદીનો જળમાર્ગ ઠીક કરવો અને નદીના કાંઠાને નદીની પહોળાઇ સમાન કરીને અને તેમાંથી કાંપ દૂર કરીને વરસાદમાં પાણીને દિલ્હીમાં રહેવા દેવા ક્રોક્રીટથી બાંધવી.
પરંતુ આ યોજના અમલમાં જ ન આવી. યમુના એકશન પ્લાન કેજે દિલ્હીના ૨૨ કિલોમીટરનો પટ, તેને અડીને આવેલા હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પાણીની ગુણવત્તા સુધારવા માટે હતો તેના લીધે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચાવા છતાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નહીં. ત્રીસ જેટલા વોંકળાના પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ પૈકી ભાગ્યે જ દશ પૂરેપૂરા કાર્યરત થયા, ૩૩૦૦ કરોડ લીટર પાણીના રોજ શુધ્ધિકરણની યોજનામાં માત્ર તેના ૧૫ ટકાનું શુધ્ધિકરણ થઇ શકે છે. બાકીનું ૯૫ ટકા નદીમાં વહી જાય છે.
૨૦૦૭માં દિલ્હી જલ બોર્ડે લંડનની થેમ્સ નદીનું શુધ્ધિકરણ કરવામાં આવેલ તે રીતે યમુના શુધ્ધિકરણની મહત્વાકાંક્ષી યોજના ૨૦૦૦ રૂપિયાના ખર્ચવાળી તૈયાર કરી. તેમાં યમુનામાં ભળતી વોંકળા કહી શકાય તેવી મોટી ત્રણ ગટરોને એવી રીતે આંતરવી કે શુધ્ધિકરણ નહીં થયેલી ગટરના પાણી નદીમાં ન જાય. તે મુજબ ૨૦૧૦ સુધીમાં દિલ્હીને યમુનાનું શુધ્ધ પાણી મળતું થઇ ગયું હોત પરંતુ આ યોજના પણ નિષ્ફળ ગઇ.
તાજેતરમાં નોઇડા ઓથોરીટી ગંદા પાણીના શુધ્ધિકરણ માટે ચાર પ્લાન્ટ્સ યમુના અને હિન્દોવ કાંઠા પર બાંધી ૨૦૧૫ સુધીમાં નોઇડાના ગંદા પાણીને યમુનામાં ઠાલવવાથી મુક્તિ મળે તેવી યોજના છે. તે યોજના મુજબ પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ્સનો ઉપયોગ તેમાંથી મળતાં પાણીને સિંચાઇ માટે અને બાંધકામ માટે વાળવા ને કાંપને સુકવીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવાની યોજના છે.
અત્યાર સુધી જે નિષ્ફળતાઓ મળી છે તેની પાછળ કારણો પણ છે. એક તો વોંકળા જેવી ગટરોના પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા ઘણી ખર્ચાળ છે. એક દિવસમાં દસ લાખ લીટર પાણીનાં શુધ્ધિકરણ ૫૦ લાખ રૂપિયા થવા જાય છે. ગટરના પાણીના શુધ્ધિકરણ માટેના પ્લાન્ટ્સ ઓછા છે અને કેટલાક તો કાર્યરત નથી. વળી યમુના કાંઠે ૬૦૦૦૦થી વધારે ઝૂંપડાઓ છે તેને અન્યત્ર ખસેડવા મુશ્કેલ કામ છે કારણ કે તે માટે જમીન ઉપલબ્ધ નથી.
સૌથી મહત્વની વાત એ છે કે યમુના શુધ્ધિકરણના કામમાં ઘણી બધી સંસ્થાને જોતરવામાં આવે છે. 'ઝાઝી સુયાણી વેતર વંઠે' એ કહેવત પ્રમાણે આ કામ સફળતાપૂર્વક આગળ વધતું નથી. દાખલા તરીકે પર્યાવરણ વિભાગ યમુનાના પથ પર એક કિલોમીટર પહોળાઇનું વનીકરણ કરવાને પ્રાથમિકતા આપે છે જ્યારે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી ત્યાં ઉદ્યાનો અને આનંદપ્રમોદના વિસ્તારો રચવા માંગે છે જેમાં ક્રોંક્રીટના બાંધકામની જરૂર પડે છે.
વઝીરાબાદથી આગળની યમુના નદી તો કોવાઇ ગઇ છે અને લગભગ મૃત્યુ પામી છે. ફરીથી તેની મૂળસ્થિતિએ લઇ જવી તે ઘણું મુશ્કેલ કામ છે. પરંતુ દુનિયામાં બીજા ઉદાહરણો છે જેમાં સ્થિતિ સુધારી શકાય હોય. અમેરિકામાં ન્યુયોર્કની હડસન નદી આજથી ૫૦ વર્ષો પહેલા યમુના જેવી જ હતી પરંતુ સતત અટક્યા વિના પ્રયત્નોથી અને લોકોની ભાગીદારીથી તે પોતાની મૂળસ્થિતિમાં આવી ગઇ છે. શા માટે યમુના નદીના શુધ્ધિકરણમાં તે પ્રયત્નો અને પુન: કરવામાં ન આવે ? આ જરૂર છે સર્વગ્રાહી અને સમયબધ્ધ કાર્યક્રમની જેથી યમુના ફરીથી પોતાની કીર્તિ સ્થાપી શકે.
નદી માત્ર પાણીનો પ્રવાહ નથી. તેમાં નદીના પટનો, સ્થાનિક પરિસ્થિતિકી (ઇકોલોજી) અને નદીના કાંઠાનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં વઝીરાબાદથી ઓખલા સુધીનો નદીના પટનો વિસ્તાર ૯૭ ચોરસ કિલોમીટર છે. આખા નદીના પટમાં ખરબચડી દાણાદાર રેતી ૪૦ મીટર ઉંડાઇ સુધી છે. તે નદીના પટને રીચાર્જ કરવાની ચાવી છે. મોટા પ્રમાણમાં કોંક્રીટના કામોને લીધે નદીના પટનો મોટો ભાગ તો લુપ્ત થઇ ગયો છે. બાંધકામના લીધે અને કેટલાક પુલોના લીધે પૂરનું મેદાન (ફ્લડ પ્લેઇન) ૂટૂંકો થઇ ગયો છે અને ભારે પ્રમાણમાં કાંપ વધી જવાથી નદીની પાણીની ખેંચી જવાની ક્ષમતા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે.
યમુના નદીની અત્યારની પહોળાઇ ગમે તે ભોગે જાળવી રાખવી જોઇએ. વધારે બાંધકામ અને પેશકદમીની છૂટ ન આપવી જોઇએ. નદીના પટ પર જે અનધિકૃત વસવાટો છે તેને દૂર કરવા જોઇએ અને અન્યત્ર વસાવવા જોઇએ.
વઝીરાબાદ પહેલા ઉપરવાસમાં મોટાપાયે નદીના પાણી પીવા માટે અને સિંચાઇ માટે ખેંચી લેવાથી વઝીરાબાદ પછી નદીનો પ્રવાહ નહિવત્ થઇ જાય છે. નદીનો પ્રવાહ વધે તેવા પગલાં લેવા જોઇએ. નદીમાં ગટરોના પાણી ઠાલવવાનું બંધ થવું જોઇએ. નિયમિત રીતે નદીના તળિયે થયેલા કાદવ અને કાંપને દૂર કરતાં નદીમાં વધારે પાણી વહે છે અને પ્રવાહ સુધરે છે.
દિલ્હીમાં જ ૫૦ ટકા પાણીનો વ્યય લીકેજના કારણે થાય છે. તે બંધ થવો જોઇએ. નદીની બન્ને બાજુ દિવાલો કરવી જોઇએ જેથી નદીના પટની પહોળાઇમાં ઘટાડો ન થાય.
યમુનાની સફાઇ અને જાળવણી માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ ઉપર એક મધ્યવર્તી સંસ્થા હોવી જોઇએ જે બધી સંસ્થાના કામ પર દેખરેખ રાખે. મધ્યવર્તી સંસ્થા એવી હોવી જોઇએ જે કાર્યક્ષમ હોય, લાંચ-રૂશ્વતને દૂર રાખે અને સારી રીતે અન્ય સંસ્થાની કામગીરીનું સંકલન કરે.
સુપ્રીમ કોર્ટે ઈ.સ. ૨૦૦૦માં યમુના શુધ્ધિકરણ ૨૦૦૫ સુધીમાં કરવા 'ડેડલાઇન' આપી હતી. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે સત્તાવાળાઓની ઉદાસીનતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકાર,ઉત્તરપ્રદેશ, દિલ્હી અને હરિયાણાની સરકારો આવતા છ મહિનામાં નદીને બચાવવા કોઇ પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે કે નહીં તેની જાણ કરવા આદેશ આપેલ છે.