- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- દુ:ખને સુખથી અલગ કરીને જોવાનું એટલા માટે યોગ્ય નથી કે સુખની અભિલાષા પોતે જ દુ:ખનો એક મહત્વનો અંશ છે
પ્રશ્ન : કેટલાક લોકો કેમ દુ:ખી જ રહે છે ?
અલકા મુકેશ ચંદારાણા ટાઉન-૨૮ મીઠાપુર
સુ ખનું કારણ મન છે. જે સ્થિતિમાં મન સુખદ અનુભૂતિ કરે તે સુખ, અને બાકી બધું દુ:ખ પણ મનની ફરમાઇશો તો બદલાતી રહે છે. સ્થળ, સમય, સંજોગો મુજબ મન પોતાની આવશ્યકતાઓની યાદી બહાર પાડતું જ જાય છે અને ઈચ્છે છે કે દેહધારી મનુષ્ય મનનો ચાકર બની એ દોડાવે તેમ દોડતો રહે. મનની ફરમાઇશો સંતાપને નોતરે છે. ચિંતાઓને આમંત્રે છે અને અશાંતિની આગમાં સદાય ઈંધણ પૂરતી રહે છે. મન પર અપેક્ષાઓનું નિયંત્રણ હોય છે એટલે જ્યારે અપેક્ષાઓ સંતોષાતી નથી ત્યારે માણસ દુ:ખી થઈ જાય છે.
કેટલાક માણસો એવા હોય છે જેમને જીવનમાં બધું મળવા છતાં સંતોષ હોતો નથી. મનની ફરમાઇશોના ગુલામ બની જતા હોય છે. પરિણામે તેમના હાથમાં દુ:ખ જ આવે છે અને સદાય અસંતુષ્ટ અને દુ:ખી રહેતા હોય છે. આજનો જમાનો ભૌતિક પ્રગતિનો છે. ભોગ-વિલાસ-એશ-આરામનાં અનેકવિધ સાધનો અને સુવિધાઓ આજે ઉપલબ્ધ છે. એટલે આજના જીવનમાં સાદગીની નહીં, પરંતુ ઠાઠ-માઠ, ભપકા અને કૃત્રિમતાની બોલબોલા છે. દેખાદેખીના યુગમાં માણસ ન પોસાય તેવા ખર્ચા કરીને પણ સમાજમાં મોભાદાર ગણાવાની ઘેલછામાં રાચે છે. અને અંતે દુ:ખી થાય છે.
જેમની પાસે વધુ પૈસો છે, સુખસગવડો છે, તેમની વધુ ને વધુ પૈસો એકઠો કરવાની અને પૈસાને જોરે અતિ વૈભવશાળી અને વિલાસયુક્ત જીવન જીવી લેવાની અતૃપ્તિ હોય છે. પરિણામે ધંધો-વ્યવસાય-પેઢી- પ્રતિષ્ઠાનોનો એ વિસ્તાર કર્યે જ રાખે છે. પોતે જ નહીં પોતાનાં વારસદારોને પણ પૈસો કે સુખ સુવિધાની કશી ખોટ ભવિષ્યમાં ના રહે એવાં અરમાનોમાં રાચતો માણસ સંપત્તિ વૃદ્ધિનાં જાતજાતના પેંતરા રચે છે અને એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ તેની ઉંઘ હરામ કરી નાખે છે. ભોગ લાલસા માણસના જીવનના સંતુલનને હણી નાખે છે. પરિણામે માણસ વ્યસનો, કુટેવો અને આહાર-વિહાર પ્રત્યેની બેદરકારીથી ઉદ્ભવતા રોગોનો શિકાર બને છે. માણસે પોતે ઊભી કરેલી જાળ જંજાળમાં સપડાઈને પરેશાન થઈ જાય છે. આમ દુ:ખને એ સામેથી નોંતરે છે.
જેઓ અલ્પસાધન કે ગરીબ છે તેઓ પણ અભરખા તો રાખે જ છે કે રાતોરાત પૈસાદાર થઈ જવાય અને સુખ-સુવિધાઓવાળા આરામદાયક જીવનની પોતાને તક મળે. પરિણામે એમના જીવનમાં પણ સંતોષ નથી. ગરીબ માણસો જાતજાતના અભાવો અને ગરીબજન્ય સમસ્યાઓથી પીડાતાં હોય છે. 'એક સાંધે ત્યાં તેર તૂટે'ની સ્થિતિમાં એટલાં બધાં ત્રસ્ત રહે છે કે જીવન એમને માટે સુખનો નહીં પણ ભાર અને જવાબદારીઓ વીંઢારીને જીવતર પરાણે પૂરું પાડવાનો ત્રાસ બની રહે છે. સુખી કે અમીર લોકોના જીવન સાથે પોતાના અભાવગ્રસ્ત જીવનની મનોમન સરખામણી કરી તેઓ નિસાસા નાખતા રહે છે, અને દુ:ખી થાય છે.
ટોલ્સટોયે એટલે જ જીવન વિષે એવું વિધાન કર્યું હતું કે જીવન માત્ર તમારી ઈચ્છા અનુસાર નહીં પણ ઈશ્વરની ઈચ્છા મુજબ જીવો. મતલબ કે જે મળે તેમાં સંતોષ માની કચવાટ, ફરિયાદ અને અસંતોષથી મુક્ત રહો. જીવન છે એટલે દુ:ખો તો આવવાનાં જ. એ દુ:ખો પ્રત્યે માણસનો દ્રષ્ટિકોણ કેવો છે એ વાત પર એની મનોદશાનો આધાર રહેવાનો. માણસ દુ:ખો વચ્ચે અવિચળ રહી શકતો હશે તો તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાચાર નહીં બને. માણસ પાસે પૈસા હશે પણ આંધી કે આફત સહેવાની શક્તિ કે આત્મબળ નહીં હોય તો જીવનમાં નાનકડી તકલીફ આવશે તો પણ તેના હાંજા ગગડી જશે. એટલે મૂળ વાત છે ખુમારી અને ખમીરની.
જૂના જમાનાનાં લોકોમાં ખમીર હતું, ખુમારી હતી, સહિષ્ણુતા હતી, ક્ષમાભાવ હતો, ધૈર્ય હતું, સંતોષ હતો, કરકસરની વૃત્તિ હતી, જાત મહેનત ઝિંદાબાદની મહેનત હતી, એ બધાથી ઉપર સંતોષની ભાવના ! 'રામ રાખે તેમ રહીએ' એ સૂત્ર તેમની સંતોષવૃત્તિ અને આત્મબળ ટકાવી રાખવાનું અમોઘ શસ્ત્ર હતું. ભોગોનું પ્રમાણમાં નિયંત્રણ હતું, શ્રમનો મહિમા હતો એટલે આહાર-વિહાર જન્ય રોગોનો અતિરેક નહોતો. મળે તેમાં સંતોષ અને જીવન પ્રત્યેની ઉદાત્તદ્રષ્ટિને કારણે જીવનમાં એક પ્રકારની શાંતિ હતી. આવી શાંતિ જીવનનો અવિભાજ્ય હિસ્સો હતી. અને સાદગીને જીવનનું સૌંદર્ય માનવાની ઉદારતા હતી પરિણામે ટાંચા સાધનો હોવા છતાં માણસ પ્રસન્ન રહી શકતો હતો. પોતાની પાસે અમુક સુખ સગવડો નથી એનો માણસનો બળાપો નહોતો. સાદુ ભોજન, શાંતિ અને માનસિક પ્રસન્નતા માણસનાં પ્રાકૃત્તિક ચિકિત્સકો હતાં.
આજના જીવનમાં ભોગનું મહત્વ છે, જૂના જમાનાનાં લોકો ત્યાગને વધુ મહત્વ આપતાં. આવો ત્યાગ મનને મોટું રાખવાની ભાવના શીખવતો હોય છે. પરિણામે માણસ સુખી થવામાં જ નહીં અન્યને સુખી રાખવામાં ને સુખી જોવામાં વધુ રસ દાખવતો, પરિણામે પરિવારમાં પણ પ્રમાણમાં એકતા અને સહયોગની ભાવના હતી.
આજની એકલા સુખી થવાની રહેવાની વૃત્તિએ માણસને આત્મકેન્દ્રી બનાવ્યો છે. જીવનમાં પૈસો એ તમામ સુખોના દરવાજા ખોલવાની માસ્ટર-કી ગણાય છે. પરિણામે નીતિ, અનીતિ - ભ્રષ્ટાચાર વગેરેનો છોછ રાખ્યા સિવાય માણસ પૈસાના પરિગ્રહમાં અટવાય છે. એટલે પણ એનું જીવન બેચેન છે, પરેશાન છે અને એ પોતે દુ:ખી છે.
આજનો માણસ અંદરથી સાવ એકલો છે. એટલે સહિષ્ણુતામાં પણ આત્મબળને અભાવે ઘટાડો થયો છે. મનોસ્થિતિ બગડે તો સુખદાયક પદાર્થો પણ માણસને સુખાનુભૂતિ કરાવી શકતા નથી.
આજના માણસો ઈચ્છાઓ પણ નિયંત્રણ રાખવામાં નહીં પણ તેમને પરિતૃપ્ત કરવાની કોશિશોમાં ગળાડૂબ વ્યસ્ત રહે છે. પરિણામે અશાંત, બેચેન, પરેશાન રહે છે અને પોતાની જાતને દુ:ખી માને છે.
આવાં દુ:ખો આજે છે અને પૂર્વે નહોતાં એવું નથી. માનવીના જીવનની ઘટમાળ જ એવી છે કે એના જીવનમાં ધૂપ-છાંવ આવતાં જ રહે છે.
કેટલાક માણસો હંમેશા દુ:ખી જ રહે છે એનું કારણ છે એમની જીવનદ્રષ્ટિ. તેઓ સુંવાળપના ઉપાસક હોય છે. કાંટા નહીં, ગુલાબના આશિક હોય છે. એમનું મન આંધી અને પીડાઓની વણઝારથી એટલું ત્રસ્ત અને સંતપ્ત બની ગયું હોય છે કે એમને એ વાતની ચિંતા રહે છે કે આવતીકાલનો સૂરજ સુખનું કીરણ લાવશે ખરો ?
જેમની દુ:ખો જીરવવાની શક્તિ ઘટી છે. એમના જીવનમાં આવતાં દુ:ખો પૈકી મોટા ભાગનાં દુ:ખો એમણે જાતે નોંતરેલા હોય છે. ''પોતાનાં જેવા દુ:ખો સહેવાની તાકાત અન્યમાં ભાગ્યે જ હશે.'' એવું માનીને ચાલતાં લોકો, એક પ્રકારની ગર્વની લાગણી અનુભવતા હોય છે.
ખરું પૂછો તો આપણે દુ:ખને વધારે પડતું મહત્વ આપી જીવનની સહજગતિનું અપમાન કરીએ છીએ. દુ:ખને સુખથી અલગ કરીને જોવાનું એટલા માટે યોગ્ય નથી કે સુખની અભિલાષા પોતેજ દુ:ખનો એક મહત્વનો અંશ છે. એટલે જ સંતોએ કહ્યું છે કે તમારું હૃદય કબરસ્તાન બને નહીં એવી ઈચ્છા હોય તો 'આશા સાથે લગ્ન ન કરશો.'
દુ:ખની ચિંતા ન કરવી અને સુખમાં છકી ન જવું એ જ જીવન પ્રત્યેનો સાચો અભિગમ કહેવાય.
સુખ અને દુ:ખની વ્યાખ્યા દરેક માણસની પોતાની હોય છે. જગતમાં કોણ સદાય સુખી હતું ? જેમને આપણે આપણા આરાધ્યો, અવતારી મહાપુરુષો, દેવો, પેંગબરો, મુક્તિદાતાઓ સંતો માનીએ છીએ એમનું જીવન પણ જાત જાતની આપદાઓથી મુક્ત નહોતું.
આજે કેટલાક માણસો હંમેશા દુ:ખી રહે છે એની પાછળ છે તેમની એષણાઓ, અસંતોષ, અસહિષ્ણુતા, ધૈર્યનો અભાવ, ભૌતિક સુખોની ભૂખ... 'બાકી તો રામ રાખે તેમ રહીએ' એમાં જ મજા છે.


