લોભને પાપનું મૂળ કેમ કહે છે? .

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- લોભીયો એટલે સદા અસંતુષ્ટ રહેનારો સ્વાર્થભૂખ્યો જીવ ! લોભ માણસની આંખે સ્વાર્થના પાટા બાંધીને તેની દ્રષ્ટિની પવિત્રતા છીનવી લે છે અને લોભના ઈશારે મોહ દોડાદોડ કરાવે છે
પ્રશ્ન : લોભને પાપનું મૂળ કેમ કહેવામાં આવે છે ?
પ્રશ્નકર્તા : માધવી પટેલ, ભૂલાભાઈ રોડ, મુંબઈ
'લોભે લક્ષણ જાય', 'લોભ પાપનું મૂળ છે', 'લોભને કોઈ થોભ નથી હોતો', - જેવી ઉક્તિઓ લોભીને વિવેકશૂન્ય બનાવીને લોભ પતનની ખીણમાં કેવી રીતે હડસેલી દે છે, એનાં ચેતવણી સૂચક પાટિયાં છે.
લોભ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેની વિવેકહીન આસક્તિ છે. એટલે લોભગ્રસ્ત વ્યક્તિ પોતાના સ્વાર્થને જ જુએ છે. જ્યાં લાભ છે ત્યાં લોભ છે. જેમ કામને પગલે ક્રોધ જન્મે છે, તેમ લોભના ઈશારે મોહ દોડાદોડ કરાવે છે. લોભ માણસની આંખે સ્વાર્થના પાટા બાંધીને તેની દ્રષ્ટિની પવિત્રતા છીનવી લે છે. માણસ લોભનો ગુલામ બને એટલે સારા-નરસાનો ભેદ વીસરી જાય અને 'લાભ'ની અંધભક્તિ સિવાય એને કશામાં રસ રહેતો નથી.
લોભી માણસ કોઈપણ પ્રકારે પોતાનું કાર્ય સિધ્ધ થવું જ જોઈએ એવા દુરાગ્રહની કદમબોસી કરે છે, પરિણામે લાભ કે સ્વાર્થની પરિપૂર્તિ માટે ગમે તેટલી નીચ કક્ષાએ જતાં કે ગમે તેવાં હલકટ અને ભયાનક સાધનો કે માર્ગો અપનાવતાં માણસ અચકાતો-ખચકાતો નથી. અશુદ્ધ માર્ગો કે સાધનો અનેકવિધ પાપો તરફ તેને લઈ જાય છે. એટલે લોભને પાપનું મૂળ કહેવામાં આવે છે. લોભ માણસને લાલચું બનાવે છે.
માણસનો લોભ એને મોહગ્રસ્ત પણ બનાવે છે, ક્રોધી પણ બનાવે છે અને અહંકારગ્રસ્ત પણ. લોભ સામાન્ય માણસને પતિત કરે છે એવું નથી, પણ ગમે તેવા મોટા કે વૈરાગ્ય ધારણ કરનારને પણ પોતાનો શિકાર બનાવે છે.
દેવી ભાગવત પુરાણમાં લોભના દુષ્પ્રભાવની ભયાનકતા વર્ણવતા કહેવામાં આવ્યું છે : ''લોભમાં બેશુમાર પાપો સમાયેલાં છે. આ દુષ્ટ લોભે કોને પોતાનો ગુલામ નથી બનાવ્યો ? લોભથી ઘેરાયેલા શ્રેષ્ઠ રાજા પણ ક્યું કુકર્મ કરતાં અચકાતાં નથી ? લોભી માણસ પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેન અને બંધુ-બાંધવાનો મારી નાખતાં અચકાતો નથી. આ બાબતમાં માણસ બીજો કશો જ વિચાર કરવા થોભતો નથી. લોભને કારણે માણસ ધર્મ ચૂકે છે અને તમામ નૈતિક મૂલ્યોને નેવે મૂકી શરમ-સંકોચને ઠેબે ચઢાવે છે. એટલે લોભને આ સંસારમાં 'મહા ઠગારો' કહેવામાં આવે છે. લોભમાં માણસ બહેકતો રહે છે, કારણ કે જેમ જેમ લોભ થકી 'લાભ' સાંપડતો જાય છે, તેમ તેમ માણસના સ્વાર્થની દાઢ વધુને વધુ વકરતી જાય છે.''
'લોભે લક્ષણ જાય' શીર્ષકની એક દ્રષ્ટાંત કથા લોભ કેવી રીતે પાપનું મૂળ બને છે, તેની રસિક રજુઆત કરે છે. એક શેઠ પાસે ધન હતું, છતાં તે લોભી હતો. એના લોભની કોઈ સીમા નહોતી. એ મનોમન સદાય એવું વિચારતો રહેતો કે મારી પાસે એટલું બધું ધન અને સંપત્તિ હોવા જોઈએ કે મારી તોલે આવે એવો દુનિયામાં એકપણ અમીર ન હોય !
જોગાનુજોગ એક યોગી આવી ચઢ્યા. શેઠે એ યોગીને પોતાની સેવાથી પ્રસન્ન કરી દીધા. યોગીએ ખુશ થઈને કહ્યું : ''શેઠ, આપ જે વરદાન માગશો તે હું આપીશ અને તમારા મનોરથ પૂરા થશે.''
શેઠ આનંદથી નાચી ઊઠયા. એમણે કહ્યું : ''મહારાજ, મને વરદાન આપો કે હું જે કોઈ વસ્તુ કે વ્યક્તિને અડું એ બધું સોનામાં પલટાઈ જાય અને મારી પાસે અઢળક સંપત્તિ એકઠી થવા માંડે.'' યોગી વિચક્ષણ હતા. એમણે કહ્યું : ''ભલે, તારી ઈચ્છા પૂર્ણ થાઓ અને તારા માગ્યા પ્રમાણે થાઓ.''
બીજે દિવસે પ્રાત:કાળે શેઠ ફરવા નીકળ્યા દાતણવાળી પાસે દાતણ માગ્યું. દાતણ મળતાં શેઠે જેવો એ દાતણને હાથ અડાડયો, દાતણ સોનાનું થઈ ગયું. એટલે દાતણ કરવાનો મોકો મળ્યો નહીં. નદી જોઈને શેઠને નહાવાનું મન થયું. શેઠે નદીમાં જેવું ઝંપલાવ્યું, નદીનું જળ સુકાઈને સોનું બની ગયું. શેઠ નાહયા વગર ઘરે પાછા ફર્યા.
શેઠાણીએ શેઠને ભોજન માટે બોલાવી પાટલે બેસાડયા. પાટલો પણ સોનાનો થઈ ગયો. એટલામાં રસોઈઓ ભોજનની થાળી પીરસીને લાવ્યો. શેઠે ભોજનની થાળીને જેવો સ્પર્શ કર્યો, થાળી સહિત તમામ વાનગીઓ સોનેરી બની ગઈ. શેઠે ભૂખ્યા રહેવું પડયું. આરામ માટે શેઠે પલંગ પર પડતું મૂક્યું એટલે પલંગ પણ સોનાનો થઈ ગયો.
સામે પડેલા ઘોડિયામાં સૂતેલું છોકરું રડતું હતું એટલે રમાડી છાનું રાખવા શેઠે બાળકને સ્પર્શ કર્યો એટલે છોકરું અને ઘોડિયું સોનાનું બની ગયા. શેઠ કંટાળ્યા અને નાના બાળકની જેમ મોટે મોટેથી રડવા લાગ્યા એટલે પેલા મહાત્મા તરત જ ત્યાં હાજર થયા અને પૂછ્યું : ''શેઠ, રડો છો કેમ ? તમે ધાર્યું એવું સઘળું થઈ રહ્યું છે. જ્યાં અડો ત્યાં સોનું જ સોનું !''
શેઠે કહ્યું : ''ગુરુદેવ, આપે મને આપેલું વરદાન કૃપા કરી પાછું લઈ લો. હું સોનાના લોભમાં પડયો અને વિવેક ગુમાવી બેઠો.''
આમ લોભ અનેક અનર્થો સર્જે છે. એટલે જ લોભને પાપનું મૂળ કહેવામાં આવ્યું છે. લોભગ્રસ્ત માણસની મદદે દોડવા તેનું મન, તેની વાણી અને કર્મ સદાય તત્પર હોય છે. એટલે લોભનું મારણ સંયમ કે મનોનિગ્રહ છે.
માણસ પૈસાનો લોભી બને ત્યારે એને પ્રમાણિકતા, નીતિ કે ધર્મમાં લેશમાત્ર રસ નથી રહેતો. કારણ કે 'પ્રાપ્તિ' એ જ તેનો એક માત્ર ઉદ્દેશ હોય છે. એટલે તે રૂપિયાના મૂળ કે કુળ અંગે કશું જ વિચારવા તૈયાર હોતો નથી.
લોભીઓ એટલે સદા અસંતુષ્ટ રહેનારો સ્વાર્થ ભૂખ્યો જીવ, લોભી વ્યક્તિની મનોદશાનું વર્ણન કરતાં ચાણક્યે નોંધ્યું છે કે ''જે જન્મથી જ અંધ છે, તેને દેખાતું નથી જે નશામાં ચકચૂર હોય છે તેને પણ કશું દેખાતું નથી, જે કામાંધ કે વિષયાંધ છે તે પણ સ્પષ્ટ જોઈ શકતો નથી. અને જે કોઈક સ્વાર્થના લોભથી આંધળો બની જાય છે, એને કોઈપણ નીચ કાર્ય કરવામાં કશો જ દોષ દેખાતો નથી.''
લોભના દુષ્પરિણામો સ્વામી વિવેકાનંદે શબ્દોમાં ઉલ્લેખ્યા છે : લોભને કારણે બુદ્ધિ નષ્ટ થાય છે. બુદ્ધિ નષ્ટ થાય એટલે લજ્જા નષ્ટ થાય છે. લજ્જા નષ્ટ થાય એટલે ધર્મ નષ્ટ થાય છે અને ધર્મ નષ્ટ થતાં સુખો નષ્ટ થાય છે, મતલબ કે લોભ તમામ રીતે નુકસાનકર્તા છે.
આમ લોભ મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ અને સૌથી મોટો શત્રુ છે. દુનિયામાં કોઈપણ સર્વથા લોભમુક્ત તો નથી જ. વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે માણસ આકર્ષાય ત્યારે એવી આસક્તિ એને લોભી બનાવે છે પણ માણસ વિવેકને હેમખેમ રાખી 'અતિ લોભ'થી બચે તો લોભ નુકસાનકારક પ્રવૃત્તિથી બચી જાય છે. એટલે મનને સંતુષ્ટ રાખી એવું આશ્વાસન આપવું જોઈએ કે સંતોષી નર સદા સુખી.









