Get The App

ધર્મ કોને કહેવાય ? ધાર્મિક અસહિષ્ણુતા રોકવા શું કરવું જોઇએ?

ગુફતેગો - ડો. ચંદ્રકાન્ત મહેતા

Updated: Jan 21st, 2020

GS TEAM


Google News
Google News
ધર્મ કોને કહેવાય ? ધાર્મિક અસહિષ્ણુતા રોકવા શું કરવું જોઇએ? 1 - image


''બધા જ ધર્મો ઈશ્વરદત્ત છે, પરંતુ મનુષ્ય કલ્પિત હોવાને કારણે, તેનો પ્રચાર મનુષ્યો દ્વારા થવાને કારણે તે અપૂર્ણ જણાય છે. ધર્મને માણસ પોતાની ભાષામાં પ્રગટ કરે છે અને તેનો અર્થ પણ મનુષ્ય જ કરે છે. ધર્મનું મૂળ એક જ છે, જેમ વૃક્ષનું, પરંતુ તેનાં પાંદડાં અસંખ્ય છે'' - મહાત્મા ગાંધી

* ધર્મ કોને કહેવાય ? ધાર્મિક અસહિષ્ણુતા રોકવા શું કરવું જોઇએ ?

* પ્રશ્નકર્તા: ઉપેન્દ્ર એચ. જોશી, ૮ વનમાળ ફાર્મ, માલપુર રોડ, મોડાસા, જિ. અરવલ્લી.

માણસમાં દિવ્યતા પણ રહેલી છે અને પશુતા પણ. દિવ્યતા જેટલા અંશે બહાર આવે અને પશુતા જેટલા અંશે ન થાય, તેટલા માનવજીવન સાર્થક બને. ચિંતકો માને છે કે એ વાત નિઃસંદેહ છે કે દુનિયાના સર્વ મોટા મોટા ધર્મોએ આ પૃથ્વીના કરોડો મનુષ્યોને સેંકડો તથા હજારો વર્ષો સુધી સાચે રસ્તે વાળ્યા છે.

આજ સુધી કરોડો માનવીઓમાં હૃદય તથા મનને, એમના આત્માને સુખ-શાન્તિ દેનાર ચીજ ધર્મ કરતાં બીજી કોઇ નથી. માણસ આત્મજ્ઞાાન વગર ભવ્ય કે ઉન્નત બની શકતો નથી. તેને ઉમદા બનાવનાર આત્મજ્ઞાાન જ છે અને આ આત્મજ્ઞાાન  પ્રાપ્ત કરવામાં ધર્મ મુખ્ય અને  શ્રેષ્ઠ સાધન છે.

જગતના વૈવિધ્યભર્યા જીવન અને વાતાવરણ વિશે વિચાર કરીએ ત્યારે આપણા મનમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે વહેતી વેગવંતી સરિતા, અહર્નિશ ઘૂઘવતો સાગર, તેજસ્વી સૂર્યોદય અને ઢળતી સંધ્યા, ગરજતાં વાદળ અને વરસતો મેઘ, ખીલતાં પુષ્પો અને જીવન અર્પતો વાયુ આ બધું કોઇક અગમ્ય શક્તિ સંચાલનને કારણે કામ કરી રહ્યું છે.

આ આખું વિશ્વ કોઇક અગમ્ય શક્તિના નિયમ કે શાસન અથવા સિદ્ધાંત પ્રમાણે ટકી રહ્યું છે. આ નિયમ અને તેમાં શ્રદ્ધા તેનું નામ ધર્મ. 'ધુ્ર' એટલે ધારણ કરવું શબ્દ પરથી 'ધર્મ' શબ્દ નિર્મિત થયો છે. 'રિલિજિયન' શબ્દ લેટિનના 'રિલિજર' એટલે કે 'જોડાવું' કે 'અનુસંધાન કરવું' પરથી ઉદ્ભવેલો છે. ફારસી ભાષામાં ધર્મ  માટે 'મજહબ' શબ્દ પ્રયુક્ત થાય છે.

મહાભારતમાંથી મળતી ધર્મની વ્યાખ્યા મુજબ ''ધારણાત્ ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતિ પ્રજાઃ'' અર્થાત્ તત્વ, નિયમ કે સિદ્ધાંત અથવા શાસન, જે વ્યક્તિને, સમાજને, દેશને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે, તે ધર્મ. મહાત્મા ગાંધીને મન ધર્મ એટલે ઈશ્વર વિશેની જીવંત અને ઉજ્જવળ શ્રદ્ધા. ઈશ્વર એટલે સનાતન સત્ય. ડૉ. રાધાકૃષ્ણ ધર્મને સદ્વર્તનના નિયમ તરીકે ઓળખાવે છે તો સહજાનંદ સ્વામીને મન સત્સંગ એ જ ધર્મ. જેમ્સ ફ્રેઝર નામના વિદેશી ચિંતક માને છે કે ''મારી સમજ પ્રમાણે પ્રકૃતિના ક્રમનું અને મનુષ્યના જીવનનું સંચાલન કરી શકે એવી મનુષ્યથી વધુ શક્તિશાળી અલૌકિક શક્તિ ધરાવે છે, એવી માન્યતાને આધારે થતી શક્તિઓની પૂજા કે આરાધના, એવી દૈવી શક્તિમાં માન્યતા.

અલબત્ત, એ વાત નક્કી છે કે ધર્મની કોઇ સર્વસ્વીકૃત અને સંતોષપ્રદ વ્યાખ્યા આપવાનું મુશ્કેલ છે. તેમ છતાં ધર્મ જ સમાજ અને રાષ્ટ્રને ઘડનારું સમર્થ બળ છે, કારણકે ધર્મની સાચી સમજ જ વ્યક્તિને 'પશુ'માંથી માનવ બનાવી શકે છે. ધર્મનાં સનાતન તત્વોને આધારે તેની વ્યાખ્યા આપવામાં આવે છે.

આ સનાતન તત્વો તે સ્નેહ, સદ્વર્તન, દયા, જાતિ, માનવતા, પવિત્રતા, સત્યનિષ્ઠા, ક્ષમા અને પરોપકાર. ગાંધીજીએ એટલે જ કહ્યું હતું કે ધર્મોએ વસ્તુતઃ એક જ લક્ષ્ય તરફ દોરી જનારા વિવિધ માર્ગો છે. જ્યારે એક જ ધ્યેય તરફ જવા ધારતા હોઇએ ત્યારે કોઇ પણ  માર્ગ દ્વારા  જઇએ, તેથી ફેર શો પડવાનો  હતો ?

ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે પ્રાચીન કાળથી આજ પર્યંત મનુષ્યને ધર્મ વગર ચાલ્યું નથી, કારણ કે વ્યક્તિગત જીવનમાં ધર્મ વ્યક્તિ માટે સંસ્કારપ્રેરક બળ રહ્યું છે. વ્યક્તિના જીવનની હતાશાઓ અને દુઃખદ પરિસ્થિતિમાં ધર્મોપદેશ માણસના મનને શાન્તિ આપે છે અને ધર્મોના નીતિપૂર્ણ ઉપદેશો તથા આદર્શ ધર્માત્માઓનાં ઉદાહરણો - ચરિત્રો મનુષ્યને સદાચારલક્ષી જીવનઘડતરનું માર્ગદર્શન પ્રદાન કરે છે.

માનવતાપૂર્ણ દ્રષ્ટિકોણ જ વિશ્વને શાન્તિનો સંદેશો પ્રદાન કરી વિનાશથી ઉગારી શકે છે. ધૈર્ય, ક્ષમા ઈન્દ્રિયો પરનું નિયંત્રણ, અસ્તેય, બુધ્ધિ, વિદ્યા, સત્ય, અક્રોધ વગેરેનો એટલે જ ધર્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મનુષ્યમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન - આ ચાર તત્વો તો પશુઓ સમાન છે પણ મનુષ્યમાં ધર્મ એ જ તેની આગવી વિશેષતા છે એટલે ધર્મવિહીન મનુષ્યને પશુ  સમાન  માનવામાં આવ્યો છે.

ધર્મનો પાયો છે ઉદારતા અને સમદ્રષ્ટિ. ધર્મમાં જ્યારે સંકીર્ણતા પ્રવેશે ત્યારે 'મમત્વ' ભળે છે અને આવું આંધળું 'મમત્વ' ધર્મના સમત્વની ભાવનાને નુકસાન પહોંચાડે છે. 'મારો ધર્મ કે મારો સંપ્રદાય' જ શ્રેષ્ઠ એવા એકાંગી દ્રષ્ટિકોણની ધર્મ છૂટ નથી આપતો. બીજા ધર્મના અનુયાયીઓ પ્રત્યે નફરત, વિદ્વેષ, હિંસાવૃત્તિ અને પ્રતિશોધની ઈચ્છા ધર્મના દાયરાની બહારની વસ્તુ છે.

એ વાત સાચી છે કે 'મજહબ નહીં સિખાતા, આપસમેં બૈર રખના' - પણ આવી પાંડિત્યપૂર્ણ વાતોનો અમલ ઝનૂની વૃત્તિ વખતે ભાગ્યે જ અમલ થતો હોય છે. જે ધર્મમાં માનવતાને બદલે દાનવતાને સ્થાન મળે એ ધર્મ ન રહેતાં અધર્મ બની જાય છે પરિણામે ધાર્મિક અસહિષ્ણુતા પ્રગટે છે. 

ધાર્મિકતા કટ્ટરતા એ કોઇ પણ ધર્મનું ભૂષણ નથી પણ દૂષણ છે. સાચી ધર્મભાવના એ જ શીખવે છે કે મારો ધર્મ જેટલો સાચો છે તેટલો જ અન્ય ધર્મ પણ સાચો છે. ડૉ. રાધાકૃષ્ણને પાયાની વાત કરી છે કે આપણને એવા ધર્મની આવશ્યકતા છે કે જે માનવ આત્માને મુક્ત રાખતો હોય, જે મનુષ્યના મનમાં ભયને નહીં આસ્થાને, ઔપચારિકતાને નહીં સ્વાભાવિકતાને, યાંત્રિક જીવનની નીરસતાને નહીં, નૈસર્ગિક જીવનની રસાત્મકતાની અભિવૃધ્ધિ કરતો હોય.

આપણને નથી ખપતો એવો ધર્મ જે મનુષ્યના મનનું યંત્રીકરણ કરતો હોય, જેનું ફળ ધાર્મિક કટ્ટરતાના રૂપે સામે આવતું હોય. આપણને એવા ધર્મની જરૂર નથી, જે ધર્મના ઉદ્દેશોનું યંત્રીકરણ કરીને પોતાના અનુયાયીઓને બિલકુલ એક જેવું આચરણ કરવાની માગણી કરતો હોય.

લડાઇ, દંગા, વાદ-વિવાદ અને બિતંદુરસ્ત સ્પર્ધા દ્વારા ભલે બીજું બધું હાથમાં આવે પણ ધર્મ નામનું તત્વ દૂર સરી જશે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ચર્ચ, મંદિર, મતમતાંતર, જુદાં-જુદાં અનુષ્ઠાનો વગેરે ધર્મભાવના રૂપી છોડની રક્ષા માટે લગાવવામાં આવેલાં પાંજરાં છે. જો આપણે ધર્મને વિકસાવવા ઈચ્છતા હોઇએ તો આવા ઘેરા હટાવવા જ પડશે. સંકુચિત સાંપ્રદાયિકતાનો પાલવ છોડવો પડશે.

ધાર્મિક અસહિષ્ણુતા રોકવા માણસના મનને કેળવવું પડશે. તેના આત્માને ઉદારતા ભણી વિચારતો કરવો પડશે. સર્વધર્મ સમભાવ અપનાવવો પડશે. રાજકારણીઓ અને નેતાઓની બેલગામ વાણીને નિયંત્રિત કરવી પડશે. ધાર્મિક કથા - વાર્તાઓમાં વિશ્વના તમામ ધર્મોના ઉદાત્ત સિદ્ધાંતોને વણી લઇ ઉદાર ધાર્મિક દ્રષ્ટિનું મહત્વ લોકોને સમજાવવાં પડશે. ધર્મમાં કેવળ ક્રિયા-કાંડ કે ભક્તિની વાતોનો પ્રચાર કરવાને બદલે નૈતિકતા, મૂલ્યનિષ્ઠા, સહિષ્ણુતા, સદાચાર અને માનવતાને મહત્વ આપવું પડશે.

બાળકો અને યુવાનોમાં ધર્મ વિશેની સાચી સમજ પ્રગટે, પોતાના ધર્મ ઉપરાંત બીજાના ધર્મને પણ ઉદારતાપૂર્વક ચાહે, ધાર્મિક રજાઓને દિવસે અન્ય ધર્મોનાં દેવાલયો કે ઉપાસના સ્થળોની મુલાકાત ધાર્મિક સહિષ્ણુતાનો દાખલો બેસાડે એવી વૃત્તિ તેમનામાં કેળવાય તેવા પ્રયત્નો થવા જોઇએ. નાનપણથી જ બાળકના મનમાં અમુક ધર્મ પાળવા માટેના સંસ્કારો લાદવાને બદલે ધર્મ વિશે એની સ્વતંત્ર વિચારશક્તિ વિકસે ત્યાં સુધીની પ્રતીક્ષા કરવી હિતાવહ છે.

ધર્મ પ્રચારકોએ પણ ધાર્મિક કટ્ટરતાની વાતોને મહત્વ આપવાને બદલે દૈનિક જીવનમાં સદાચાર, સદ્વર્તન, પવિત્રતા અને ધાર્મિક સહિષ્ણુતાની વાતોનું મહત્વ પ્રતિપાદિત કરવું જોઇએ. ધર્મનો પાયો ત્યાગ અને વિવેક છે. કટ્ટરતા દરેક ધર્મ માટે સ્મશાનભૂમિ બની શકે છે,  એ વાત કાકા કાલેલકરે  ભારપૂર્વક સમજાવી છે.

માણસ કોઇએ લાદેલા બાહ્ય વિચારોથી ધાર્મિક સહિષ્ણુતા કેળવી શકતો નથી. એ માટે એણે પોતે જ ધર્મના મૂળ તત્વને સમજીને જીવનમાં તેને ઉતારવુ જોઇએ. ગૌતમ બુધ્ધે સાચું જ કહ્યું છે કે ધર્મના માત્ર એક જ અંગને જોનારાઓ  પરસ્પર ઝઘડયા કરે છે, વિવાદ કરે છે.

મહાત્મા ગાંધીએ ધર્મ વિશે એક ઉદારતાપૂર્ણ અને સત્ય સમર્થિત વાત કરી છે કે ''બધા જ ધર્મો ઈશ્વરદત્ત છે, પરંતુ મનુષ્ય કલ્પિત હોવાને કારણે, તેનો પ્રચાર મનુષ્યો દ્વારા થવાને કારણે તે અપૂર્ણ જણાય છે. ધર્મને માણસ પોતાની ભાષામાં પ્રગટ કરે છે તેનો અર્થ પણ મનુષ્ય જ કરે છે. ધર્મનું મૂળ એક જ છે. જેમ વૃક્ષનું, પરંતુ તેનાં પાંદડાં અસંખ્ય છે.''

Tags :