માણસ આજે નિર્દય અને ક્રૂર કેમ થતો જાય છે?
ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
માણસમાં દેવતા પણ રહેલો છે અને દાનવ પણ. દેવત્વની પ્રાણપ્રતિષ્ઠા અને દાનવતાનું નિર્મૂલન કરવા માટે સંઘર્ષ કરવા પડે એનું નામ જ માનવજીવન
* માણસ આજે નિર્દય અને ક્રૂર કેમ થતો જાય છે?
- પ્રશ્નકર્તા : બચુભાઈ સોની, સ્ટેશન પ્લોટ, રાઠોડ કોલોની, જનસેવા સોસાયટી રોડ, ધોરાજી જિ. રાજકોટ (સૌરાષ્ટ્ર)
મા ણસ કોઈ અમુક જ યુગમાં નિર્દય અને ક્રૂર હોય છે એવું નથી. ત્રેતા યુગમાં રાવણ ક્રૂર અને નિર્દય હતો. દ્વાપર યુગમાં કંસ, દુર્યોધન અને શકુનિ જેવા દુષ્ટ પ્રકૃતિના માણસો અસ્તિત્વ ધરાવતા હતા. આપણે ગણતરી ખાતર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એવા વિભાગો પાડયા. પણ દરેક યુગમાં એક યુગ સાથે બીજા યુગની મનોદશા ધરાવતા માણસો જોવા મળે છે. દુષ્ટતાનો સંબંધ યુગ સાથે નહીં પણ માણસની મનોવૃત્તિ સાથે છે.
ભગવદ્ ગીતા : 'તેના મૂળ સ્વરૂપે'ના ૧૪મા અધ્યાય શ્લોક ૫ થી ૨૫ દરમ્યાન પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન સમાવવામાં આવ્યું છે. તદનુસાર ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણમાં કર્માનુસાર બદ્ધ થઈ જાય છે.
જીવાત્મા આમ તો દિવ્ય છે તેને આ પ્રકૃતિ સાથે કશી નિસબત નથી, તેમ છતાં ભૌતિક જગત દ્વારા બંધાઈ જવાને કારણે તે ત્રણ ભૌતિક પ્રકૃતિના સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ કામ કરે છે. જીવોને વિભિન્ન પ્રકૃતિને લીધે જુદાં-જુદાં પ્રકારનાં શરીરો મળેલાં છે. તેથી તેઓ જે તે પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે. આ જ સંસારના વિવિધ પ્રકારનાં સુખ-દુ:ખનું કારણ છે.
પ્રશ્ન એ થાય કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ધરાવતા માણસોના સ્વભાવની ખાસિયતો કઈ-કઈ?
ભગવદ્ ગીતાના મંતવ્ય પ્રમાણે સત્વ ગુણ અન્ય ગુણો કરતાં અધિક શુધ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને પાપકર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ સાત્વિક ગુણ ધરાવતા હોય છે તેઓ સુખ તથા જ્ઞાાનના ભાવથી પરિબદ્ધ થઈ જાય છે.
રજોગુણની ઉત્પત્તિ માણસની પારાવાર ઈચ્છાઓ તથા તૃષ્ણાને લીધે થાય છે. અને એટલે જ દેહધારી જીવ સકામ એટલે કે ઈચ્છાઓને અધીન કર્મથી બંધાઈ જાય છે.
તમોગુણ ધરાવતો માણસ 'તમસ્' એટલે અંધકાર મતલબ કે અજ્ઞાાનના અંધકારથી બંધાએલો હોય છે. તમોગુણ બધા જ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણને પરિણામે ઉન્માદ, આળસ અને નિદ્રાથી માણસ કોરાએલો અને બંધાએલો જોવા મળે છે.
સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મોથી અને તમોગુણ મનુષ્યના જ્ઞાાનને ઢાંકીને તેને પ્રમાદ થકી બાંધે છે.
૧૪મા અધ્યાયના ૧૦મા શ્લોક મુજબ કોઈવાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાજિત કરીને મુખ્ય બની જાય છે તો કોઈ વાર રજોગુણ સત્વ ગુણ તથા તમોગુણને હરાવીને મુખ્ય બની જાય છે. વળી કોઈ વાર તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા જ કરે છે. સત્વ ગુણ ધરાવતા ઋષિના મનમાં રજોગુણ ઉત્પન્ન થતાં તે અપ્સરાના મોહમાં પણ પડી શકે છે અને તમોગુણ ધરાવતો બહારવટીઓ તમોગુણ ત્યજી ડાકૂપણું ત્યજી સજ્જન બનવાની કોશિશ કરે છે અને તોરલ જેવી સતીના સંપર્કમાં આવી અધ્યાત્મયાત્રી બની જાય છે. રજોગુણમાં વધારો થતાં માણસમાં અત્યંત આસક્તિ, સકામ કર્મની વૃત્તિ, અનિયંત્રિત ઈચ્છાઓ તથા લાલસાનાં લક્ષણો પ્રગટ થાય છે. જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થાય ત્યારે મનુષ્યમાં અંધકાર, જડતા વગેરે જન્મે છે. પુણ્યકર્મોનું ફળ શુધ્ધ હોય છે અને સાત્વિકગુણ પ્રધાન હોય છે પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુ:ખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલું કર્મ બુધ્ધિહીનતામાં પરિણમે છે.
ભૌતિક સુખો માટે જે કર્મો કરવામાં આવે છે તે અવશ્ય સંતોષજનક રહે છે. આ વાત ઉદાહરણ દ્વારા ઉપરોક્ત ભગવદ્ગીતામાં સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મનુષ્ય ગગનચૂંબી ઈમારત બનાવવા માગતો હોય તો તે બની તો જાય છે પણ તે બનતાં પહેલાં અત્યંત કષ્ટ સહેવાં પડે છે. તેના માલિકે ધનસંચયનું કષ્ટ વેઠવું પડે છે. ઈમારત બાંધનારે પણ જાતજાતનાં કષ્ટો સહેવાં પડે છે. આ રીતે કષ્ટો તો હોય છે જ તેથી ગીતાનું કથન છે કે રજોગુણના પ્રભાવ હેઠળ કરેલાં કર્મોનું ફળ નિશ્ચિત પ્રમાણે કષ્ટદાયક હોય છે.
તમોગુણના કર્તામાં વિવેક અને જ્ઞાન હોતાં નથી તેથી તેનાં તમામ કાર્યો દુ:ખદાયક હોય છે.
'પ્રસન્નિકા કોશ' અનુસાર પ્રાચીન કાલગણન અનુસાર અત્યારે જે યુગ ચાલે છે, તેનું નામ કળિયુગ છે. ચાર યુગોમાં કળિયુગ ચોથો અને છેલ્લો યુગ છે. યુગોના વર્ષોની ગણતરી આ પ્રમાણે છે :
* સત્યયુગ : ૧૭, ૨૮૦૦૦ વર્ષ
* ત્રેતા યુગ : ૧૨,૯૬,૦૦૦ વર્ષ
* દ્વાપર યુગ : ૮,૬૪,૦૦૦ વર્ષ
* કલિયુગ : ૪,૩૨,૦૦૦ વર્ષ
કળિયુગ સમાપ્ત થતાં નવા મહાયુગનો પ્રથમ યુગ એટલે કે સત્યયુગ શરૂ થાય છે. કળિયુગ મહાયુગનો દસમો ભાગ છે. મહાભારત અને મનુસ્મૃતિ પ્રમાણે કળિયુગ ૧૦૦૦થી ૧૨૦૦ વર્ષનો ગણાય છે. પરંતુ પૌરાણિક કાલ ગણનાનુસાર કળિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે એમ મનાય છે. ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર આ યુગના મનુષ્યની ઊંચાઈ સાડા ત્રણ હાથ અને આયુષ્ય ૧૦૦ વર્ષનું મનાય છે.
આ યુગમાં પ્રજા વિનાશને રસ્તે ઘસડાશે અને લુચ્ચાઓની પૂજા થશે. કળિયુગના પ્રભાવથી ભક્તિ ઘટશે અને તપસ્વીઓ કપટવેશધારી બનશે. મનુષ્ય જુઠ્ઠાબોલા અને વિશ્વાસઘાતી હશે. વરસાદ અનિયમિત હશે અને નીચ વૃત્તિવાળાં લોકો મજા કરતા હશે અને સજ્જનો દુ:ખી હશે. મનુષ્યનું ચારિત્ર્ય શુધ્ધ નહીં રહે.
પણ મહત્ત્વની એક વાત યાદ રાખવી જોઈએ કે આજના માણસનું પતનનું કારણ એનો અસંયમ, ભોગવૃત્તિ અને તૃષ્ણાઓ છે. માણસનો રૂપ મોહ અને રૂપીઆનો મોહ વકર્યાં છે. માણસ માનસિક રીતે બેબાકળો છે. સંયમને અભાવે તે માનસિક રીતે અસ્વસ્થ થતો જાય છે. પરિણામે એનામાં ક્રોધ, અને વેરવૃત્તિ પોતાનો અડ્ડો જમાવે છે. સંવેદનશીલતા અને કરુણાનો ઝરો સૂકાતો જાય છે. માણસમાં સહિષ્ણુતા સાવ ઘટી ગઈ છે એટલે માણસ કલહપ્રિય બન્યો છે. ભૂખ, ગરીબી, બેરોજગારી, આર્થિક લાચારી જેવાં કારણોસર તે વિવેક ગુમાવી બેસે છે. સારા-નરસાની ભેદદ્રષ્ટિ વિસરાઈ જવાને કારણે એની બુદ્ધિ શુદ્ધ રહી નથી. પરિણામે એનામાં તમોગુણની વૃત્તિ વધી છે. માણસ સંતોષી નહીં, પણ સુખ ભૂખ્યો બન્યો છે. અને સુખેષણા સંતોષવા માટે દુષ્ટતા અને નીચતા આચરવામાં એ પાછો પડયો નથી. શાસ્ત્રો કહે છે કે કળિયુગમાં કલિ નામના અસુરની સત્તા રહેવાથી અધર્મની ચડતી થાય છે.
માણસે ઓછા પ્રયત્ને બમણો લાભ મેળવવો છે. એટલે પૈસો કમાવા માટે અશુદ્ધ સાધનો એ અપનાવે છે. 'રામચરિત માનસ'માં તુલસીદાસે કળિયુગના દુષ્પ્રભાવની માઠી અસરો વિગતે વર્ણવી છે.
ભોગવૃત્તિ માણસના મનને બગાડે છે. અને મન વિકૃત થાય ત્યારે માણસ ધર્મશૂન્ય અને નીતિશૂન્ય બની જાય છે. મનુષ્યોમાંથી સત્સંગ અને સદાચાર અદ્રશ્ય થાય ત્યારે તે ક્રૂર પશુ કરતાં પણ જુદો રહેતો નથી. મનુષ્યનું સ્વાર્થીપણું તેનો મહારોગ છે. શ્રી 'પ્રભાકર'ના શબ્દોમાં માણસમાં દેવતા પણ રહેલો છે અને દાનવ પણ. દેવત્વની પ્રાણપ્રતિષ્ઠા અને દાનવતાનું નિર્મૂલન કરવા માટે સંઘર્ષ કરવો એનું નામ જ માનવજીવન.