Magazines

ખરાબ અનુકરણ તરત થાય છે, સારું નથી થતું. કેમ?

By GS TEAM
16 Jun 20265 mins read
ખરાબ અનુકરણ તરત થાય છે, સારું નથી થતું. કેમ?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- અનુકરણ એ આપણા પોતાના વ્યક્તિત્વનું અપમાન છે પણ કોઈનામાં રહેલા સદ્દગુણ કે ઉચ્ચ આદર્શો સમજણપૂર્વક અપનાવવામાં કશો જ વાંધો નથી

પ્રશ્ન : ખરાબ અનુકરણ કેમ તરત જ થાય છે ? સારું અનુકરણ કેમ તરત થતું નથી ?

પ્રશ્નકર્તા : ડી.કે.માંડવીયા. સ્ટેશનરોડ પોરબંદર.

અનુકરણને પોતાની મૌલિકતાના મરણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બીજાનું અનુકરણ કરવું એ પોતાના વ્યક્તિત્વનું અપમાન છે. શા માટે આપણે બીજા જેવા બનવાની કોશિશ કરવી જોઈએ ? એક માણસ માટે જે વસ્તુ અમૃત સમાન હોઈ શકે એ જ વસ્તુ બીજા માટે ઝેર સમાન પણ હોઈ શકે. કોઈને યાંત્રિક રીતે અનુસરવાને બદલે નીર-ક્ષીર-વિવેક દ્વારા જેમ હંસ દૂધ ગ્રહણ કરી લે છે અને પાણી પડતું મૂકે છે, તેમ કોઈનામાં રહેલા સદ્દગુણ કે ઉચ્ચ આદર્શો સમજણપૂર્વક અપનાવવામાં કશો જ વાંધો નથી.

દરેક માણસનું દિમાગ સ્વતંત્ર છે.

દેખાદેખી કે અનુસરણ કરવાને કારણે સામાજિક જીવનમાં પણ આજે લગ્ન વગેરે પ્રસંગોએ ખોટા ખર્ચા અને પ્રદર્શનવૃત્તિ વધી ગઈ છે. બીજાનું અનુકરણ કરવાથી આપણી સ્વતંત્ર બુધ્ધિ રુંધાય છે અને વિવેકનો ઉપયોગ નહીં કરવાને કારણે બીજાની સુટેવોનું નહીં પણ કુટેવોનું માણસ અનુકરણ કરે છે. અનુકરણ કરવાથી કોઈ મહાન બનતું નથી. કારણ કે અસલી અને નકલીનો ભેદ લોકો પારખી જતાં હોય છે.

માણસને ગેરમાર્ગે દોરનારા પરિબળોમાં જેટલા અંશે અંધ અનુકરણ જવાબદાર હોઈ શકે, તેટલા જ અંશે ગેરમાર્ગે દોરાનાર વ્યક્તિની વિવેકશૂન્યતા પણ જવાબદાર હોય છે.

વિકૃતિઓ હોય એટલે એના ભોગ બનવાનું કોઈપણ વ્યક્તિ માટે ફરજિયાત નથી. સમાજનું વાતાવરણ દૂષિત છે, શિક્ષણ જીવનલક્ષી નથી, સિનેમાઓમાં વાસના, અપરાધ અને મુક્તપ્રેમનાં બેલગામ દ્રશ્યો છે, જે યુવાનોને ગેરમાર્ગે દોરે છે. ખોટાનું કે ખરાબનું અનુકરણ માણસ જલ્દીથી કરવા પ્રેરાય છે, કારણ કે ખોટા આચરણમાં તાત્કાલિક કશું ગુમાવવાનું હોતું નથી અને મહેનત પણ કરવી પડતી નથી. એટલે ખોટા કે ખરાબનું અનુકરણ કરવા માણસ લલચાય છે. સારી વસ્તુ કે સારા આચરણમાં શ્રમ, સમર્પણ અને ત્યાગનું પ્રાધાન્ય હોય છે. જેનાથી લોકો દૂર ભાગે છે. સહેલાઈથી આનંદ, કે વસ્તુ પ્રાપ્ત થતી હોય ત્યાં કોઈને શ્રમ, સમર્પણ કે ત્યાગ કરવાની પ્રવૃત્તિ પસંદ નથી, કારણ કે એમાં મહેનત પડે છે.

એવું નથી કે આજના યુગમાં જ લોકો ખરાબ અનુસરણ કરવાનો માર્ગ પસંદ કરે છે. રામના યુગમાં મંથરા કે નિંદક ધોબી નહોતો ?કૃષ્ણના યુગમાં કંસ નહોતો ? ગુરુ દક્ષિણામાં અંગૂઠો કાપી આપવાની ફરજ પાડનાર દ્રોણાચાર્ય ત્યારે શું નહોતા ? ગાંધીજી, વિવેકાનંદ કે રવિશંકર મહારાજની આસપાસનો સમાજ શું નરવો-ગરવો હતો ?

વ્યક્તિની પોતાની જીવન તરફની નિષ્ક્રયતા, તેના ઉછેરમાં ખામી, ઘરમાંથી તેને મળતી હૂંફનો અભાવ, તેની ખરાબ સાબિત વગેરેને કારણે પણ વ્યક્તિ ખરાબનું અનુકરણ કરવા ગેરમાર્ગે દોરાય છે, કારણ કે તે સહેલાઈથી થઈ શકે છે.

કવિ રહીમે કહ્યું છે કે જેનો સ્વભાવ ઉત્તમ હોય એને કુસંગની શી અસર થાય ? ચંદનના વૃક્ષને સર્પ વીંટળાયેલો રહે છે છતાં તેમાં ઝેર વ્યાપતું નથી. યુવાન હોવાની એ પણ શરત છે કે તેણે સારું નરસું પારખવાની દ્રષ્ટિ વિકસિત કરવી જ જોઈએ.

બાકી દુર્ગુણો તો મારીચની જેમ મોહક અને આકર્ષક હોય છે એટલે તેની મોહજાળમાં માણસ સહેલાઈથી ફસાઈ જાય છે. દુર્ગુણોના ભક્ત બનવા માટે માણસે માત્ર એના તરફ વળવું પડે છે. બાકીની બધી જવાબદારી દુર્ગુણો પોતે જ સંભાળી લે છે... એટલે ઉત્કર્ષ કરતાં પતનને માર્ગે સરી જવાનું માણસ માટે સરળ બની જાય છે.

ક્ષુલ્લક વાસનાના ઉપાસક બનવા માણસ લલચાય છે કારણ કે તેનું સુખ તરત જ અથવા અલ્પ સમયમાં તે મેળવી શકે છે. કાચાં સુખો સસ્તાં અને સુલભ્ય હોય છે. પાકાં (સાત્વિક) સુખો મોંઘા અને કષ્ટસાધ્ય ! એટલે કોઈનીયે પત્ની પ્રત્યે વાસનાભાવ કોઈપણ રાવણ દાખવી શકે, પરંતુ પરસ્ત્રીને માતા સમાન ગણવાની પવિત્રતા તો કોઈ વૈષ્ણવજન જ આચરી શકે. રામ બનવા માટે ત્યાગનો માર્ગ અપનાવવો પડે, રાવણ બનવા માટે માત્ર ભોગનું શરણું શોધવું પડે છે. ભોગ સરળ છે, ત્યાગ કસોટી માગે છે. આ બધું કાચા-પોચા માણસથી થઈ શકે એવું નથી. એટલે જ મોટાભાગના લોકો પર બૂરાઈનો પ્રભાવ જલ્દી પડે છે.

સારા અનુકરણ માટે કોઈ કષ્ટો સહેવાં માટે તૈયાર થતું નથી. લોકો કાંટાળી કેડીએ ચાલવાને બદલે બાહ્ય-સુખોની શીતળ છાયા માટે લલચાવા તત્પર બને છે.

આપણી યુવાન પેઢીના ઘડતરમાં આપણે કાચા પુરવાર થયા છીએ. એટલે તેમની પાસે વડીલ પેઢીના જવાબદાર નાગરિક તરીકે અનુકરણીય આદર્શો આપણે પ્રસ્તુત કરી શક્યા નથી. સસ્તા મનોરંજનની આપણી દોટે યુવાનોને પણ તે જ માર્ગે સરી જવાનું નિમંત્રણ પાઠવ્યું છે. મહાન ગણાતા મહાપુરુષો જેવા કે ગાંધીજી, વિવેકાનંદજી, રવિશંકર મહારાજ વગેરે પોતે કષ્ટ વેઠીને આગળ આવ્યા તેઓએ કોઈનું અનુકરણ કર્યું નથી. આપણે તેમની રહેણી-કરણીને બિરદાવી છે અને મહાન શબ્દથી નવાજયા છે. પણ તેમના આદર્શો આપણા જીવનમાં ઊતારવાની કોશિશ આપણે કરતાં નથી.

આજનો માણસ રામાયણ સિરિયલને જોવાની વસ્તુ માને છે. શ્રીરામજીના જીવનમાંથી કશું શીખવા તૈયાર નથી. કારણ કે એણે જોયું છે કે રામ બનનાર આ સમાજમાં હે રામ કહીને ગોળીએ વિંધવાની દશામાં જ મુકાય છે.

માણસ ત્યાગીને બદલે ભોગી જ રહેવામાં જીવનની સાર્થકતા માનવા લાગ્યો છે.  ત્યારથી તેના પાર્થિવ જીવનની ઈજ્જત અને લિજ્જતમાં ઓટ શરૂ થઈ છે. માણસે પવિત્રતાને બદલે સુખને જ જીવનનું લક્ષ્ય બનાવ્યું પછી જીવનમૂલ્યો ક્યાંથી સલામત રહે. સારાનું અનુકરણ કરવા માટે માણસમાં સાહસ, સંકલ્પબધ્ધતા અને એ માટેની સારી દાનત જોઈએ. એના અભાવે જ એ વિના પરિશ્રમે આકર્ષક અને મોહક લાગતી વસ્તુઓની પ્રાપ્તિ માટે અન્યનું અનુકરણ કરવા લલચાય છે.

વાસ્તવમાં અનુકરણ એટલે પોતાની મૌલિકતાનું મરણ અનુકરણ કરવાથી વ્યક્તિનો માનસિક વિકાસ, નવું કરવાની ઈચ્છા, સાહસ, બધું જ અટકી જાય છે.

અનુકરણ સારી વસ્તુનું કરો. કોઈનું અંધ અનુકરણ કરશો તો ક્યારેક પસ્તાવાનો વારો આવશે. અનુકરણ કરવાની વૃત્તિ એ આપણા પોતાના વ્યક્તિત્વનું અપમાન છે. અનુકરણ કરવા જતાં ક્યારેક પકડાઈ જવાનો ડર સતાવે છે. અને પ્રતિષ્ઠાને પણ હાનિ થાય છે. માટે તમે પોતે એવા કાર્યો કરો જેનાથી પ્રભાવિત થઈને બીજા લોકો તમારું અનુકરણ કરે.