જીવનનું રહસ્ય કાર્યરતતા કે વિશ્રાન્તિ? .

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- જીવનમેં વિશ્રામ કહાં ? ચલના હમારા કામ હૈ! જીવન એટલે કર્મ. જે વ્યકિત કર્મ નથી કરતો તેનું અસ્તિત્વ તો હોય છે, પણ તે જીવિત નથી ગણાતો. વ્યર્થ જીવન એટલે મૃત્યુ
પ્રશ્ન : જીવનનું રહસ્ય શું ? કાર્યરતતા કે વિશ્રાન્તિ ?
પ્રશ્નકર્તા : કિશોર જાડેજા, વેજલપુર, અમદાવાદ.
જી વનને આપણે એક નાટક માનીએ, તોપણ એના અંકો અને દ્રશ્યો એકબીજાસાથે સૂત્રબધ્ધ સંકળાયેલા રહે એ શક્ય નથી. પ્રત્યેક અંકમાં નોખું દ્રશ્ય, નોખું રૂપ. નાનકડું આ જીવન મનુષ્યને અતિવિશાળ અપેક્ષાઓ અને વ્યાખ્યાઓ બાંધીને જીવનને મૂલવવાની મનાઈ ફરમાવે છે. કારણ કે માણસ વર્ષોમાં જીવિત રહેતો નથી, કર્મોમાં જીવિત રહે છે. શ્વાસોચ્છવાસની ક્રિયામાં જીવિત રહેતો નથી, ઉન્નત વિચારોમાં જીવિત રહે છે. માણસ કલાકો, દિવસો-મહિનાઓ કે વર્ષોમાં જીવિત રહેતો નથી, હૈયાની ભીનાશમાં જીવતો રહે છે. સાચા અર્થમાં એ જ માણસ જીવિત છે જે વિચારશીલ છે, ઉત્તમ ભાવનાશીલ અને સર્વોત્તમ કાર્યો પ્રત્યે સમર્પણશીલ છે.
એટલે જીવનમાં મહત્વ છે વિશુધ્ધ દ્રષ્ટિકોણનું. જીવન એ કર્મનું બીજું નામ છે. એટલે મનુષ્ય કર્મ વિના જીવી શકે નહીં. કર્મબધ્ધતા એ જીવન છે. કાર્યશીલતા એ જીવન અને કાર્યશૂન્યતા એ મરણ. જીવનની એ જ સચ્ચાઈ છે, વિશ્રાન્તિ નહીં. ઘણા લોકો મરણને ચિરશાન્તિ- વિશ્રાન્તિનો વિષય માને છે. પ્રત્યેક સવારની હોય છે એક સાંજ, એક રાત. અને પ્રત્યેક રાત્રિને હોય છે એક અરુણોદય, એક પ્રભાત. પ્રભાત અને રાત્રિનો ક્રમ જેટલો સાચો છે, જીવની ગતિ પણ એટલી જ સાચી છે. પાર્થિવ જીવનનો અંત એ પટાક્ષેપ છે, નાટકનો અંત નથી. મૃત્યુ પછી પણ કોઇક સ્વરૂપે જીવન ચાલતું જ હશે. જિંદગીનો નિરંતર ક્રમ એ જ 'મહાજીવન' છે, વ્યાખ્યાથી પર એવું મહાજીવન.
જીવન એક જરબદસ્ત પ્રવાહ હોવાને કારણે માણસે ટકવું હોય તોપણ ટકી શકતો નથી. એક પ્રવાહ બાહ્ય જગતનો અને બીજો પ્રવાહ આંતરિક જગતનો. અંદર વિચારો, ભાવનાઓ, તર્કો અને દ્વંદ્વોનું તોફાન અને બહાર જીવનની વાસ્તવિકતાઓનો ઝંઝાવાત. સુખ કહે છે રોકાઓ અને કર્મ કહે છે આગળ વધો. આનંદ કહે છે જીવનને માણો અને જીવન કહે છે મને બરાબર રીતે જાણો-પિછાણો. જીવનમાં કશું લીલુંછમ હોય તો તે છે જીવન જીવનની ભાવના. સત્ય સાંઇ બાબા જીવનમાં આસક્તિ નહીં રાખવાનો સંદેશ આપતા કહે છે કે પરિવર્તનશીલ રૂપી સમુદ્ર પર જીવન એક પુલ જેવું છે. એની ઉપર મકાન ન બંધાય. જીવનને જે લોકો ભાગ્યાધીન માને છે એમને અવશ્ય એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે જીવનમાં રોકવાનું, અટકી જવાનું શ્રેયસ્કર બની શક્યું છે ખરું ? શ્વાસ રોકાયો એટલે જિંદગીની સમાપ્તિ. નાડીગતિની સમાપ્તિ એટલે મોત. જીવન એટલે જ ચાલવું, ચાલતા રહેવું, અટક્યા તો મર્યા, મોત તાકીને જ બેઠું છે.
માણસ વિશ્રાન્તિ કે આરામ ક્યારે ઝંખે છે ? થાકે ત્યારે. ચાલવાના કે દોડવાના પણ નિયમો હોય છે. એ નિયમો ચૂકે કે તેની ઉપેક્ષાકરે, તો માણસ હાંફે, થાકે ને હારે. એવી જ રીતે આપણે ઉતાવળે-ઉતાવળે જીવી લેવાની ટેવને કારણે ધાર્યા કરતાં જલદી હાંફી જઈએ છીએ. કલાન્ત-શ્રાન્ત બની જઈએ છીએ અને જીવવાનો આનંદ ગુમાવીને વિશ્રાન્તિના ઉપાસક બનવાના ઉધામા કરીએ છીએ. આપણી મૂર્ખતા પર જીવન હસે છે, જીવનપંથ હસે છે, કદાચ જીવન દેનારો પરમાત્મા પણ હસતો હશે. માણસને જીવવાનો થાક લાગતો નથી, પણ ખોટી રીતે જીવવાનો થાક લાગે છે. અમર્યાદ આકાંક્ષાઓ - મહત્વાકાંક્ષાઓ, અમર્યાદ સુખો અને અતિ આનંદ પામવાની ઘેલછાઓ, મોટાં પદો અને અહં પરિતુષ્ટ કરનારાં સન્માનો ઝોળીમાં એકઠાં કરી લેવાના અભરખા... આવી અનેકવિધ એષણાઓને લીધે માણસ બહાવરો બનીને દોડયા જ કરે છે, દોડયા જ કરે છે અને થાકે છે ત્યારે તેને એકાએક સચ્ચાનું ભાન થાય છે કે આ દોડદોડ કરતાં ગઈ જિંદગાની !
માણસ થાકે ત્યારે વિશ્રાન્તિની મનોકામના સેવે છે. પણ વિશ્રાન્તિ મફતમાં નથી મળતી. જે સાચો કર્મનિષ્ઠ હોય એને જ વિશ્રાન્તિનો અધિકાર છે. એટલે આયોજનપૂર્વકનું કામ એ જ સહજ રીતે આપણે ભાગે આવતો વિશ્રામ છે. માણસ રાગ-દ્વેષની ગલીઓમાં અથડાયા - અટવાયા જ કરે છે. રાગ-દ્વેષની માત્રા જેટલી પ્રબળ, મનોવેદનાની શક્યતા તેટલી જ પ્રબળ. મોટાં સ્વપ્નોની નિષ્ફળતા પચાવવાનું કામ પ્રત્યેક માટે સરળ નથી હોતું. એટલે સમજણ અને સંયમપૂર્ણ જીવનશૈલી જ માણસ માટે સુખપ્રદાયક હોઇ શકે.
કોઈકે સાચું જ કહ્યું છે કે 'ભગવાને માણસને જીવનનું વરદાન આપીને એના હાથમાં પકડાવી દીધાં છે કોદાળી અને પાવડો. માણસે એ બન્નેની મદદથી રસ્તો બનાવી, સરખો કરીને એને ચાલવા યોગ્ય બનાવવાી જવાબદારી અદા કરવા માટે તૈયાર રહેવું પડે છે. આમ પડકારો માટે હંમેશા તૈયાર રહેવું - એ જ જીવનનું રહસ્ય છે.
સુખ માટે તૈયાર રહેવું, સંઘર્ષ માટે તૈયાર રહેવું, જીત માટે તૈયાર રહેવું અને હારને પચાવવા માટે તૈયાર રહેવું, એ જ જીવન જીવવાની કળા છે. માણસનું નિર્માણ જ કર્મ માટે થયેલું છે, કર્મ પલાયન માટે નહીં. વિશ્રાન્તિનો અર્થ અકર્મણ્યતા કરવો એ ભૂલ છે. જીવનને રણ માની એના નીરસ મુસાફર બનવું એ જીવનનું અપમાન છે. જીવનને માણવું, પણ જીવનની લાલસાઓ જ આપણી ભાગ્યવિધાતા બની આપણને ભોગવી જઈ નિરર્થકતાના અંધકારમાં હડસેલી દે તેટલી હદ સુધી સુખી- અજાગ્રત રહેવું એ નાદાની છે.
જાગૃતિનો અર્થ જ છે કર્મક્ષેત્રમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રસ્થાન. એ પ્રસ્થાનમાં સંઘર્ષની શક્યતાઓ ભરપૂર છે, પણ શૂરવીર સંઘર્ષને જ શિરતાજ ગણતો હોય છે અને એ સંઘર્ષમાં જ વિશ્રાન્તિ શોધતો હોય છે.
એટલે જીવન અને વિશ્રાન્તિ એ પરસ્પર વિરોધી શબ્દો નથી પણ એકબીજાના પૂરક શબ્દો છે. વિશ્રાન્તિનો અધિકાર કર્મપૂર્વક જીવન જીવનારને જ છે, પ્રમાદી, આળસુ કે પલાયનવાદીને નહીં. સમજણ અને સંયમપૂર્વકનું ઉદાત્ત કર્મ એ જ મનોવિશ્રાન્તિ, એ જ સંતોષ અને એજ સાર્થક આનંદ.
જીવનની સીધીસાદી પરિભાષા આપવી હોય તો એમ કહી શકાય કે જીવન એટલે કર્મ. જે વ્યકિત કર્મ નથી કરતો તેનું અસ્તિત્વ તો હોય છે, પણ તે જીવિત નથી ગણાતો. વ્યર્થ જીવન એટલે મૃત્યુ. કર્મ એ જ જિંદગીનો મર્મ. કર્મ એ જ માનવીનો ધર્મ. સત્કર્મ એ જ દુનિયાનું સૌથી મોટું તીર્થધામ છે. એટલે જ આપણે સત્કર્મની પરબ બાંધવી જોઈએ. સત્કાર્ય એટલે 'સ્વ'ને બદલે 'પર' ને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું ઉદાત્ત કાર્ય. અન્યને ઠારે તે જ પોતાનાં પાપને પ્રજાળે.
જીવન છે એક વિરામહિન યાત્રા. જીવન તો છે એક ગતિશીલ ઝરણા જેવું, કર્મયોગનું ઝરણું,... અને આપણે છીએ માનવ.. સર્જકની સર્જન કલાનું સર્વોત્તમ સર્જન. એક નાનકડા ઝરણાને પતનનો ડર ન હોય તો અપરાજેય બાહુબળ અને અદ્ભુત મનની અપ્રતિમ તાકાત લઇને જન્મેલા આપણને વળી પડવાનો ડર કેવો ! 'ચલના હમારા કામ હૈ, રુકના નહીં, ચલના હમારા કામ હૈ.'








