નવી પેઢીની 'શક્તિ' અને જૂની પેઢીનો 'અનુભવ' એ બન્નેને એક કરવા શું કરવું ?
ગુફતેગો - ડો. ચંદ્રકાન્ત મહેતા
આજનું જગત વાસનાઓથી ખદબદી રહ્યું છે, ત્યારે યૌવનને સંયમ અને સમજણની દિશા સૂચવી શકે, એવું વાતાવરણ સમાજમાં નિર્માણ પણ ક્યાંથી થાય ? યૌવન માટે પ્રેરક અને આદર્શરૂપ બની શકે, એવા 'મહાપુરુષો' પણ આંગળીના વેઢે ગણી શકાય, એવા દુર્લભ બની રહ્યા છે
* નવી પેઢીની 'શક્તિ' અને જૂની પેઢીનો અનુભવ - એ બન્નેને એક કરવા શું કરવું ?
* પ્રશ્નકર્તા : રોહિતકુમાર બી. જોશી, ૩૭, આદીનાથ ટેનામેન્ટ, મોટેરા, સાબરમતી, અમદાવવાદ-૫
'નવી પેઢી'ને યૌવનના સંદર્ભમાં સમજીએ તો યૌવનકાળ એ જિંદગીનો સ્વર્ણિમ અવસર છે. યૌવનમાં પ્રચંડ શક્તિનો ધોધ સતત વહ્યા કરે છે. યૌવનની આંખોમાં સ્વપ્નોનો મહાસાગર ગર્જતો રહે છે. કશુંક પામવા માટે મન અધીર હોય છે. 'ભોમિયા વગર ભમવાનાં' અરમાનો હોય છે. સ્વમાન એને પ્રિય હોય છે. સ્વમાનભંગ એને ઉપદ્રવી બનાવી શકે છે. યુવાવસ્થામાં મન ચંચળ હોય છે. અબાધિત ગતિએ મન દોડતું રહે છે. સાહસ માટેની તૃષા હોય છે. વણખેડેલી ભૂમિ ખેડવા મન બેચેન હોય છે 'મારે પાંખ વિના ઉડવાનું, તોય ગગન પડે છે નાનું'ની ખુમારી હોય છે.
સુંવાળાં અને રૂપાળાં આકર્ષણો એને મુગ્ધ કરે છે. પાર્થિવ સુખો માણી લેવાની યૌવનમાં અદમ્ય ઇચ્છા હોય છે. મોહ અને પ્રેમના પ્રવાહો એના મનને ઘેરી વળે છે. એને વશ થઇ યૌવન ગમે તેવું મૂલ્ય ચૂકવવામાં પણ પાછી પાની કરતો નથી. યૌવન પાસે પોતાનાં સ્વપ્નોનો એક મનોકલ્પિત નકશો હોય છે. એમાં કોઈ રોક ટોક કરે તે તેને લેશમાત્ર પસંદ નથી હોતું.
ઉપદેશ કે સલાહ સાંભળવાની એને નિરાંત નથી હોતી. ભૂલ થવાની સંભાવના હોવા છતાં યૌવન ભરેલા ડગથી પાછી પાની કરવા તૈયાર હોતું નથી. દુનિયાને અનુકૂળ થવાને બદલે દુનિયા પોતાને અનુકૂળ થાય, એવું ગણિત યૌવન છોડી શક્તું નથી. નવી પેઢી પાસે મબલખ 'જોશ' છે. એ 'જોશ' પર સંયમનો પહેરો એટલે કે 'હોશ'ની રખેવાળી માટેની 'લપ'માં પડવું તેને ગમતું નથી.
જૂની પેઢી એટલે કે વડીલો પાસે જિંદગીનો લાંબો અનુભવ છે. એમણે પણ યૌવનમાં ઠોકરો ખાધી છે. યૌવન એમનો ભૂતકાળ છે. અનુભવને મોટે ભાગે પોતાનો 'ગુરૂ' માનવાની વડીલોમાં વૃત્તિ હોય છે. તેમણે સ્વીકૃત કરેલી આદર્શો અને સંબંધની વ્યાખ્યા જે એમને મન સર્વસ્વ હોય છે અને પોતાનાં સંતાનો એમના અનુભવજન્ય આદર્શોને સલાહના માધ્યમથી સ્વીકારે એવી એમની તમન્ના હોય છે.
જૂની પેઢી પાસે ખાટા-મીઠા-કડવા તુરા અનુભવોનું ભાથું હોય છે. જીવનમાં અનુભવવી પડેલી નિરાશાઓ અને નિષ્ફળતાઓ નવી પેઢીને અનુભવવી ન પડે એ માટે તેઓ નવી પેઢીના મનોઘડતરમાં મહત્ત્વનો ફાળો પ્રદાન કરવા આતુર હોય છે. એવી આતુરતાને કારણે પોતાના વિચારો સંતાનો પર 'લાદવાની' કોશિશ પણ તેઓ કરી શકે છે. જિંદગીએ તેમને વિવેકશૂન્યતા અને સંયમ ઉપેક્ષાના પાઠો પાકી રીતે ભણાવ્યા હોય છે એટલે યુવા સંતાનોનું મનસ્વી વર્તન તેમને મંજૂર નથી હોતું.
જૂની પેઢીનું મન આળુ હોય છે એટલે તેમનાં સંતાનો જો આજ્ઞાાંકિત ન રહે તો તેઓ ભારે આઘાત અનુભવે છે. જૂની પેઢીના મનમાં જાણે-અજાણે પણ 'શ્રવણ'ની માતૃ-પિતૃ ભક્તિના સંસ્કારો કામ કરતા હોય છે એટલે પોતાનું સંતાન મનસ્વી ન બને, જિંદગીના બધા નિર્ણયો પોતાને પૂછીને લે અને એમની વાત યથાતથ્ય સ્વીકારી લે એવી તેમની બળવત્તર ભાવના હોય છે.
એમના જૂનવાણી દ્રષ્ટિકોણ સાથે નવી પેઢીને એટલા માટે મેળ નથી ખાતો કે જૂની પેઢીમાં 'નકારાત્મકતા' હોય છે. યૌવનને એવી નકારાત્મકતા પસંદ હોતી નથી. એટલે બે પેઢી વચ્ચે 'સંવાદ'ને બદલે 'વિવાદ' જન્મે છે. જૂની પેઢીમાં સંતાનો પ્રત્યે 'અધિકારની ભાવના' હોય છે. અને એવી અધિકારપ્રિયતા મા-બાપો છોડી શક્તાં નથી. ખાન-પાન, રીતભાત, વેશભૂષા, કેશભૂષા અને વર્તણૂક વિશે નવી પેઢી સમકાલીન જીવન પ્રવાહોથી પ્રભાવિત રહે છે. નવી પેઢીને 'ફેશન ગમે છે અને એવી 'ફેશન'ને પોતાના જીવનમાં બેધડક અપનાવે છે.
વડીલોનું પરંપરાગત માનસ કદાચ એવી 'ફેશન ભક્તિ'ને દૂષણની યાદીમાં ધકેલી દે છે. જો કે આજકાલનાં 'મમ્મી-પપ્પા' સંતાનોની સ્વતંત્રતાને ઉદારપૂર્વક સ્વીકારી તેમના પર વડીલત્વનો ભાર ઝીંકવાને બદલે તેમની સાથે મૈત્રીભર્યો નિખાલસ સંબંધ આવકાર્ય માને છે.
'બે પેઢી' વચ્ચેનું અંતર નિકટતા અને આત્મીયતાભર્યા 'સંવાદ'થી ઘટાડી શકાય. વડીલોનું વર્તન જ એવું ઉદાત્ત હોય કે સંતાનો તેમાંથી સહજ પ્રેરણા લઇ શકે. પોતાના જીવનમાંથી સંતાનો અનુકરણીય આદર્શો સ્વીકારી શકે, એ માટે વડીલોની 'કથની અને કરણી'માં એકરૂપતા હોવી જરૂરી છે.
વડીલોના સ્વભાવમાં એક પ્રકારનું મમત્વ હોય છે, એમાંથી જિદ કે હઠ જન્મે છે. પરિણામે તેઓ પોતાની વાત કે દ્રષ્ટિકોણ સહેલાઇથી છોડવા તૈયાર હોતાં નથી. જૂની પેઢીએ પોતાનો આવો અહંકાર છોડી થોડાક વધારે સહિષ્ણુ બની નવી પેઢીના વિચારોને અપનાવવાનું વલણ દાખવવું જોઇએ. આવું ન થાય તો એક પ્રકારનો ખાલીપો બન્ને પક્ષે સર્જાય છે. કવિ હરીન્દ્રભાઈ દવે એ માર્મિક શબ્દોમાં તેનું વર્ણન કર્યું છે -
'બેચેન છે વસંત
ને ઉદાસ પાનખર
ડાળીનો ફૂલ પરથી
ભરોસો ઉઠી ગયો.'
'ડાળીનો ફૂલ પરથી ભરોસો ઉઠી ગયો' એ સ્થિતિ પારિવારિક અને સામાજિક દ્રષ્ટિએ અનેક રીતે ચિંતાજનક છે. વડીલ પેઢીમાં જેટલી ત્યાગભાવના વધુ, જેટલું બિનશરતી 'વાત્સલ્ય દાન' કરવાનો ઉમળકો તેટલી જ આત્મીયતા અને નિકટતા હેમખેમ રહેવાની શક્યતા. સંતાનો ભૂલો કરે તો પણ ક્ષમાવૃત્તિ અને ઉપેક્ષા કરે તો પણ વાકસંયમ રાખી ઠપકો કે ઝઘડો ટાળી, જતું કરવાની વૃત્તિ કેળવવી એ જ લાભદાયક હોઈ શકે.
સદવાચન નવી પેઢીના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે, ધાર્મિક અને મનોવૈજ્ઞાાનિક પ્રવચનો પણ પ્રેરક બની શકે, પણ આજના યૌવનનો ધારાવાહિકો, ફિલ્મો, ઇન્ટરનેટ, મોબાઈલ વગેરેએ એવો ભરડો લીધો છે કે યૌવન તેના આનંદ અને વળગણથી મુક્ત રહી શક્તું નથી.
વ્યવસાય-નોકરી-ધંધો વગેરેની વ્યસ્તતાઓને લીધે મા-બાપ પણ પોતાના સંતાન પર વાત્સલ્ય-અભિવ્યક્તિ માટે સમય ફાળવી શક્તાં નથી. એટલે સંતાનો આંતરિક એકલતા અનુભવે છે. ભૌતિક સુખોની પ્રબળ લાલચે જનજીવનમાંથી સંતોષના પ્રભાવની સદંતર બાદબાકી કરી નાખી છે. રાજકારણીઓ માટે યુવાનો 'કાચો માલ' છે. એમને આકર્ષીને તેનો સાધન તરીકે ઉપયોગ કરવા તેમને જાતજાતનાં પ્રલોભનાત્મક સપનાં દેખાડે છે. શિક્ષણમાં પણ 'ગુરૂ-શિષ્ય'ના સંબંધો નિષ્પ્રાણ બની ગયા છે.
શિક્ષકોને વિદ્યાર્થીઓના જીવન ઘડતર અને તેમના પ્રશ્નો સમજવાની ફૂરસદ નથી. એટલે નવી અને જૂની પેઢી વચ્ચે 'સેતુરૂપ' ભૂમિકા રચાવાની શક્યતા ધુંધળી બની રહી છે. આજનું જગત વાસનાઓથી ખદબદી રહ્યું છે ત્યારે યૌવનને સંયમ અને સમજણની દિશા સૂચવી શકે એવું વાતાવરણ સમાજમાં નિર્માણ પણ ક્યાંથી થાય ? યૌવન માટે પ્રેરક અને આદર્શરૂપ બની શકે એવા 'મહાપુરુષો' પણ આંગળીના વેઢે ગણી શકાય એવા દુર્લભ બની રહ્યાં છે. જૂની પેઢી અને નવી પેઢીની નિકટતા કેળવાય એ માટે ઘરનું વાતાવરણ જ મહત્ત્વની ભૂમિકા સર્જી શકે.
સંતાનનું ગૌરવ સાચવી, એની સાથે મૈત્રીભાવભર્યો સંબંધ દાખવી, સંતાનને પોતાની વાત કહેવાની અનુકૂળતા રહે, અને વડીલોનો પારાવાર પ્રેમ સંતાનનું મન જીતી લેવા સમર્થ બને તો જ બન્ને વચ્ચે 'ગોઠડી' સર્જાય. મા-બાપ અને સંતાનનું હૃદય સમુદ્ર જેવું ગંભીર અને આકાશ જેવું ઉન્નત હોવું જોઇએ. સ્વામી વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે જ્યારે હૃદય પરોપકાર કરવાની ઇચ્છા કરે ત્યારે બુધ્ધિ તમને કહેશે કે એવુ ંકરવું તમારા હિતમાં નથી પરંતુ તમે હૃદયની વાત સાંભળજો, બુધ્ધિની નહીં. એનાથી તમને ખ્યાલ આવશે કે બુધ્ધિની વાત સાંભળી તમે ભૂલો કરતા હતા, તેનાથી ઓછી ભૂલો તમે કરશો.