પ્રભુ પ્રત્યે આસ્થાની અભિવ્યક્તિ કેવી રીતે વ્યક્ત થઈ શકે?
ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
પ્રભુ પ્રત્યેની આસ્થાની અભિવ્યક્તિ એક સત્યનિષ્ઠ ઈન્સાન બનીને જ થઈ શકે. જીવન એ ઈશ્વરની અસીમ કરુણાનો ઉપહાર છે, એવી શ્રદ્ધાભીની ભાવના ઈશ્વર સાથેનો ભાવસેતુ જોડવાનું માધ્યમ છે. પ્રાણીમાત્રમાં ઈશ્વરનું દર્શન એ જ ઈશ્વરની અનુભૂતિનું દર્શનશાસ્ત્ર છે
* પ્રભુ પ્રત્યે આસ્થાની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે?
પ્રશ્નકર્તા : હરેશ બી. લાલવાણી, ૩૧, તુલસી બંગલોઝ, સોલા ગામ, અમદાવાદ-૩૮૦૦૬૦
એક શાળાનાં બાળકોને શિક્ષક પ્રાર્થના કરાવી રહ્યા હતા. પ્રાર્થનાની એક પંક્તિ કાને પડી :
''હું તો રાતે નિરાંતે પ્રભુ
ઊંઘતો રે,
મારું ખાધું પચાવે અન્ન
કેમ ભૂલાય નામ ભગવાનનું રે!''
બાળકો તો યંત્રવત્ પ્રાર્થના બોલી ગયાં પણ એમની એ પ્રાર્થનામાં ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના ૧૪મા શ્લોકનો ધ્વનિ વણી લેવાયો છે, એ વાતની એમને ક્યાંથી ખબર હોય!
''અહં વૈશ્વાનરો ભૂત્વા,
પ્રાણિનાં દેહમાશ્રિત,
પ્રાણપાન સંયુક્ત
પંચામ્યન્નં ચતુર્વિધમ્''
અર્થાત્ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે સર્વ પ્રાણીઓમાં રહેલો હું (પરમાત્મા) જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલી વૈશ્વાનર અગ્નિસ્વરૂપ થઈને ચાર પ્રકારનાં અન્નને પચાવું છું. ચાર પ્રકારનાં અન્ન એટલે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. જેને ચાવીને ખાવું પડે તે ભક્ષ્ય મતલબ કે રોટલી-રોટલો, બ્રેડ વગેરે. જેને પીવું કે ગળવું પડે તે ભોજ્ય જેમ કે દૂધ, સૂપ વગેરે. જેને ચાટીને ખાવું પડે તે લેહ્ય, જેમકે ચટણી, અને જેને ચૂસવું પડે તે ચોષ્ય દા.ત. શેરડી.
માણસ ભોજન કરે છે. પચાવનારાં અંગો વેકેશન પાડયા વગર પાચનક્રિયાનું કામ કરે છે. આપણું હૃદય થાક્યા વગર ચોવીસ કલાક ધબકતું રહે છે. આપણી જુદી જુદી ઈન્દ્રિયો કોઈ અગમ્ય વ્યવસ્થા મુજબ પોતપોતાનું કામ કરતી રહે છે. ખોરાકમાંથી રક્ત બને છે અને તે આપણને શક્તિ પૂરી પાડે છે. સૂરજ અને ચંદ્ર અનવરતપણે પોતાની ફરજો બજાવતા રહે છે.
વાયુ વહેતો રહી તાજગી આપે છે, ફૂલો ખુશબો આપે છે. વરસાદ વરસી અન્નને પાકવાની અનુકૂળતા કરી આપે છે. સમગ્ર સૃષ્ટિનું ચક્ર નિવચિત રીતે ચાલતું જ રહે છે. આ બધી ઈશ્વર કે પ્રભુ પ્રત્યેની આસ્થાને સુદ્રઢ કરવાનાં સાધનો, કાર્યો અને પરિબળો છે.
માણસને ઈશ્વરે મનન કરવાની શક્તિ માટે 'મન' આપ્યું છે. મનને સદ્વિચાર તરફ વાળવા માટે જીવનમાં પવિત્રતા અપનાવો, પ્રામાણિકતા અને કર્તવ્ય પરાયણતાનો માર્ગ સ્વીકારો એટલે તમને માનસિક શાન્તિ મળે છે. નાના બાળકના નિર્દોષ હાસ્ય અને કિલકારીમાં તમને ઈશ્વરની હાજરીનું દર્શન થશે. તમને માનવજીવનનું વરદાન આપનાર તમારા માતા પિતાના ઉપકારમાં ઈશ્વરકૃપાની અનુભૂતિ થશે.
અવતારી પુરુષો, ઋષિઓ, સંતો, ધાર્મિક ઉપદેશકો અને ધર્મગ્રંથો દ્વારા અપાયેલા ઉચ્ચ જીવન સાધક વિચારોમાં જીવનનું મહત્વ સમજવાની દ્રષ્ટિ કેળવાશે. જે મહાપુરુષોએ સ્વપરિશ્રમથી મહત્તા અને ઉપયોગીતા પ્રાપ્ત કરી હોય અને ઉત્તમ નીવડયા હોય, એવા મહાપુરુષોનાં જીવન ચરિત્રો પણ માણસને આસ્થાવાદી દ્રષ્ટિકોણ ખિલવવામાં મદદરૂપ થઈ શકે. શુદ્ધ પ્રેમ, નિસ્વાર્થ સેવાભાવના અને ત્યાગમાં ઈશ્વરીય તત્વ જ બિરાજમાન હોય છે.
પ્રભુ પ્રત્યેની આસ્થાની અભિવ્યક્તિ જ્ઞાાનસાધના અને ભક્તિ તથા નિર્મળ જીવન દ્વારા થઈ શકે. કેવળ દેવાલયમાં મૂર્તિનાં દર્શનથી જ નહીં પણ મૂર્તિમાંથી પ્રેરણા લઈ પરમાત્માને ગમે તેવું ઉત્તમ જીવન જીવીને પરમાત્મા પ્રત્યેનો અનુગ્રહ વ્યક્ત કરી શકાય.
મહાભારતના 'શાન્તિપર્વ'માં વેદવ્યાસ કહે છે તેમ આપણે ધ્યાન દ્વારા શુદ્ધ અને સૂક્ષ્મ મન થકી પરમાત્માના સ્વરૂપની અનુભૂતિ કરી શકીએ, પરંતુ વાણી દ્વારા તેનું વર્ણન કરવાનું શક્ય નથી, કારણ કે મન દ્વારા જ માનસિક વિષયોને ગ્રહણ કરી શકાય છે અને જ્ઞાાન દ્વારા જ શ્રેય એટલે કે જાણવા યોગ્ય પરમાત્માને સમજી શકાય છે. ઈન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુધ્ધિ શ્રેષ્ઠ છે, બુદ્ધિ કરતાં જ્ઞાાન શ્રેષ્ઠ છે અને જ્ઞાાન કરતાં પરમાત્મા શ્રેષ્ઠ છે.
દૈવજ્ઞા પંડિત સૂર્ય ભગવાન કે પ્રભુ અથવા ઈશ્વર વિશે કહે છે : ''એ અસીમ વૈભવસંપન્ન પરમાત્મા સર્વત્ર સદાય વિરાજમાન છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, દિશા, આકાશ, તથા પૃથ્વી લોકની અંદર, સૂર્ય, ચંદ્રમા, નાગ લોક, ચેતન-અચેતન, બહાર તથા અંદર ભાવ તથા અભાવ વગેરે બધાં જ સ્થાનોમાં રમમાણ છે.
વધુ શું કહું, એ તમારામાં અને મારામાં વિદ્યામાન અને વ્યાપ્ત છે. એક સુભાષિત મુજબ આવો પરમાત્મા માણસનો રક્ષક છે, ભક્ષક પણ છે, વિસ્તાર કરે છે, પાલન કરે છે, શોભિત થાય છે, સર્જન કરે છે, સંહાર કરે છે, મૌન રહે છે, આપે છે, રમે છે, ડૂબે છે, તારે છે અને પ્રસન્ન રહે છે.
ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય છે. એને તર્ક કે દલીલોથી સાબિત ન કરી શકાય. એટલે જ કહેવામાં આવ્યું કે દેવ, તીર્થ, દ્વિજ, મંત્ર, જ્યોતિષ, વૈદ્ય અને ગુરૂ - આ બધામાં જેવી ભાવના તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
મહાત્મા ગાંધીએ ઈશ્વર વિશેનું ચિંતન પોતાની રીતે સરળ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. તેઓ કહે છે : મારો ઈશ્વર તો મારું સત્ય અને પ્રેમ છે. નીતિ અને સદાચાર છે. ઈશ્વર જીવન અને પ્રકાશનું મૂળ છે. તેમ છતાં તે એ બધા પદાર્થોથી દૂર છે. ઈશ્વર અંતરાત્મા જ છે. એ તો નાસ્તિકોની નાસ્તિકતામાં પણ સમાએલો છે. ઈશ્વર નથી ઉપર સ્વર્ગમાં કે નથી નીચે કોઈ પાતાળમાં, એ તો છે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વિરાજમાન. ઈશ્વર એક અનિર્વચનીય શક્તિ છે, જે સર્વત્ર વ્યાપ્ત છે, જો કે હું તેને જોઈ શકતો નથી. ઈશ્વર નથી કાબામાં કે નથી કાશીમાં, એ તો પ્રત્યેક દિલમાં હાજરાહજૂર છે.
પ્રભુ દ્વારા આસ્થાની અભિવ્યક્તિ કરવી હોય તો સૌથી પહેલાં મનને ભગવદ્ સ્વરૂપ બનાવવું પડે. મનુષ્ય માત્રમાં એ પરમેશ્વરની હાજરી મહેસૂસ કરીને દીન-દુ:ખીઓની સેવા કરવી પડે. રળેલા રૂપીઆમાંથી યથાશક્તિ દાન કરવું પડે, નિરાહંકારી અને નમ્ર બનવું પડે. કબીરે કહ્યું છે તેમ પ્રત્યેક દેહમાં ભગવાન વિરાજમાન છે, એમ માની વાણીની કટુતા દૂર કરવી પડે.
વેરવૃત્તિ, છળકપટ અને નફરતને તિલાંજલિ આપવી પડે. ઘરનાં તમામ સદસ્યો અને પાસ-પડોશના લોકોને નિસ્વાર્થભાવે ચાહવાં પડે. બૂરું કરનારનું પણ ભલુ વાંછવું પડે. ક્ષમાભાવ અપનાવવો પડે. સહિષ્ણુતા કેળવવી પડે. સંયમની સાધના કરવી પડે, હૃદયમાં કરુણાશીલતા ધારણ કરવી પડે. કામ-ક્રોધ-મદ-મોહ લોભ, મત્સર જેવા આંતરિક છ દુશ્મનોને નાથવા પડે. પરસેવાની કમાણીથી સંતુષ્ટ રહી ભ્રષ્ટાચાર અને શોષણથી મુક્ત રહેવું પડે.
ઈશ્વરની કૃપા તો હરક્ષણે વરસતી જ હોય છે પણ આપણે તેનો તાગ પામી શકતા નથી, માટે અપ્રસન્ન રહીએ છીએ. ઈશ્વરને ચાહનાર અને ઈશ્વર પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવનાર જીવનમાં પ્રાપ્ત થનાર સુખોથી છકી નહીં જાય કે દુ:ખોથી અનુદ્વિગ્ન નહીં બને. અને સુખ-દુ:ખ બન્નેને ઈશ્વર પ્રસાદ માની આવકારશે. રૂપ ગોસ્વામી કહે છે તેમ જ્યાં સુધી ભોગ અને મોક્ષની વાસનારૂપી ડાકણ હૃદયમાં વસેલી હશે ત્યાં સુધી મનમાં ભક્તિરસનો આવિર્ભાવ નહીં થાય.
ભગવાનને શોધવાની જરૂર નથી. એની અનુભૂતિ અંત:કરણ દ્વારા થઈ શકે. પ્રત્યેક શ્વાસ ઈશ્વરનો પુરસ્કાર છે, હૃદયને પ્રત્યેક ધબકાર ઈશ્વરની હાજરીની પ્રતીતિ કરાવે છે એવી શ્રદ્ધા જ ભગવાનની અભિવ્યક્તિ વિશેની સાચી સમજ કેળવાવી શકે. સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના જ માણસને સાચો ભક્ત બનાવી શકે. ત્યાગ વગર ઈશ્વરનું નામ લેવું એ અંધકારમાં બાથોડિયા મારવા સમાન છે.