કરેલા કોઈપણ પાપનું ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરીએ તો શું ભગવાન માફી આપે ખરો?
ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
* પશ્ચાતાપને 'માનવ ધર્મ' માનવો જોઈએ. પાપને ભગવાન માફ કરશે, એવી અપેક્ષા શું કામ કરવી જોઈએ. પશ્ચાતાપ કરવાથી મન અને હૃદયનો ભાર હળવો થાય છે, એ જ સ્વર્ગોપમ અનુભવ છે
* કરેલા કોઈપણ પાપનું ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરીએ તો શું ભગવાન માફી આપે ખરા?
પ્રશ્નકર્તા : અરવિંદભાઈ ચાવડા, ૧૧ જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ-૬
પાપ અને પુણ્યની વ્યાખ્યા સંપૂર્ણપણે આપવાનું મુશ્કેલ છે કારણ કે એમાં મતમતાંતરને ઝાઝો અવકાશ છે પણ સરળ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે પાપ એટલે બૂરું કામ જે અંત:કરણને ખટકે. ધર્મ, નીતિ, માનવતા કે સત્ય વિરુધ્ધનું અશુભ કાર્ય તે પાપ, દુષ્કૃત્ય તે પાપ, અહિતકારક કૃત્ય તે પાપ.
જૈનધર્મમાં અઢાર પ્રકારનાં પાપોનો ઉલ્લેખ મળે છે. જીવહિંસા, જૂઠું બોલવું, ચોરી, વિષયોનું સેવન, પરિગ્રહ, ક્રોધ, અહંકાર, કપટ, લોભ, રાગ, દ્વેષ, કલહ કોઈ પર આળ ચડાવવું, ચાડી, પારકી નિંદા, રતિઅરતિ, માયામોહ, કુગુરૂ, કુદેવ અને કુધર્મની આસ્થારૂપ શલ્ય, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ તે ભાવપાપ. અને તેને નિમિત્તે જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્ય પાપ. કઠોર વાણી, મિથ્યા વચન, સર્વપ્રકારની ચાડી ખાવી, નિષ્પ્રયોજન વાર્તા એ ચાર વાણીનાં પાપ ગણાય છે. ભગવદ્ગોમંડલ એ સંદર્ભે જણાવે છે કે કરવા જેવું કામ ન કરવું તે પાપ છે તેમ નહીં કરવા જોગ કામ કરવું તે પણ પાપ છે. પાપીનો સંસર્ગ કરનાર પણ પાપનો ભાગીદાર અને દુ:ખનો અધિકારી થાય છે. પ્રાયશ્ચિત અને પાપનું ફળ ભોગવવું એ બે ઉપાયોથી પાપની નિવૃત્તિ માનવામાં આવે છે. મનુ સ્મૃતિમાં જણાવ્યું છે કે સમાજ આગળ પોતાનું પાપ પ્રકાશવાથી તથા તેને માટે અનુતાપ કરવાથી તે નાશ પામે છે. ખ્રિસ્તી ધર્મમાં પાપ મુક્તિ માટે 'કન્ફેશન'ની ઉત્તમ વ્યવસ્થા છે.
પ્રસન્નિકા કોશ મુજબ પાપ માણસનું અધ:પતન કરે છે અને તે અશુભ ફળ આપે છે. આ જન્મમાં તે સરભર ન થાય તો પછીના જન્મમાં ભોગવવું પડે છે. પાપના ફળ રૂપે નવો જન્મ ઉતરતી યોનિમાં મળે એવું પણ બને. શાસ્ત્ર વિરુધ્ધનાં કર્મોને પાતક કહેવામાં આવ્યાં છે. આવાં પાતકો આઠ પ્રકારનાં છે તે પૈકી બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી અગમ્યાગમન અને ચાર પાતકોમાં પાપ કરનારાનો સાથ કરનાર એ પાંચને મહાપાતકી કહેવામાં આવ્યાં છે.
પાપથી ઉલ્ટું, ધર્મકાર્ય, સત્યકાર્ય તે પુણ્ય. નીતિ, સદાચારનું કાર્ય, લોકકલ્યાણની ભાવનાથી કરવામાં આવેલું કાર્ય તે પુણ્યકાર્ય છે, જેના સારાં ફળ મળે છે અને સ્વર્ગપ્રાપ્તિનો માર્ગ મોકળો બને છે. જૈન ધર્મ મુજબ જીવનને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર તે કાર્ય તે પુણ્ય વેદાંત મુજબ ધર્મનું કામ, ધાર્મિક વૃત્તિનું કામ, પરોપકારનું કામ, પવિત્ર કામ, સત્કર્મ એ બધાનો પુણ્યમાં સમાવેશ થાય છે.
મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે મિત્રદ્રોહી, કૃતઘ્ન, સ્ત્રી હત્યારા અને ગુરૂ પર ઘાત કરનાર - આ પ્રકારનાં પાપીઓનું પ્રાયશ્ચિત સાંભળવામાં આવ્યું નથી. ચોરી-છૂપીથી કરવામાં આવેલું પાપ માણસને જીવનભર સાલે છે. દીધ નિકાય (પાલી ભાષામાં)માં એવો ઉલ્લેખ મળે છે કે મનુષ્ય રાગવશ પણ પાપ કરે છે અને દ્વેષને વશ થઈને પણ પાપકર્મ કરે છે. મોહને કારણે પણ પાપ કરે છે અને ભયને વશ થઈને પણ પાપ કરે છે. માણસે પોતે પાપ ન કરવું જોઈએ, એટલું જ નહીં બીજા પાસે પણ પાપ ન કરાવવું જોઈએ. પાપવૃક્ષનાં ફળ કયાં? એ વિશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નીચ કોટિના મિત્રો કે કુમિત્રોનો સાથ, પ્રિય વ્યક્તિના વિયોગનું દુ:ખ, દરિદ્રતા અને લોકો દ્વારા પરાજય - એ ચાર પાપવૃક્ષનાં ફળ છે. મહાત્મા ગાંધીના મતાનુસાર એક માણસ ચોરી કરે છે, બીજો માણસ તેને ચોરીમાં મદદ કરે છે અને ત્રીજો માણસ ચોરીનો ઈરાદો રાખે છે, આ ત્રણેય પ્રકારના માણસો ચોર છે. માણસ પાપ કરવા કેમ પ્રેરાય છે? એનો ઉત્તર આપતાં 'ગુલિસ્તાં'માં શેખ સાદી કહે છે - ''આ બે વસ્તુઓએ મને પાપ કરવા પ્રેર્યો છે. પ્રતિકૂળ ભાગ્ય અને સંપૂર્ણ કે અપરિપકવ બુધ્ધિ. પાપ એ પાપ છે. અમુક પાપ એ નાનું અને બીજા પ્રકારનું પાપ એ મોટું એવો ભેદ સમજી વર્તવું એ પણ અયોગ્ય છે.
'કુરુક્ષેત્ર'માં રામધારી સિંહ દિનકરે એક મહત્વનો પ્રશ્ન આપણી સમક્ષ રજૂ કર્યો છે. પાપી કોણ?
''પાપી કૌન? મનુજ સે ઉસકા
ન્યાય ચુરાને વાલા?
યાકિ ન્યાય ખોજતે વિઘ્નકા
સીસ ઉડાનેવાલા?''
પાંડવો સાથે દુર્યોધને આચરેલા પાપોના સંદર્ભમાં આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે. પાપી વિશે ફારસીમાં સનાઈના શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે. જો તારું અંત:કરણ અપવિત્ર છે, આધ્યાત્મિક વિકાસ વગરનું છે, તારી બાહ્ય શક્તિઓ પણ હલકટ છે તો તું પોલા ઢોલ જેવો છે, જે ચોટ ખાઈને વાગવા સિવાય બીજું કશું જ કરતો નથી. જેમ નૌકામાં પડેલું એક કાણું આખી નૌકાને ડૂબવાનું નિમિત્ત બને છે, તેમ એક પાપ પાપીને બરબાદ કરી નાખે છે. માણસ ઘણીવાર એવું માને છે કે પાપ કર્યા પછી થોડોક કર્મકાંડ કરાવવાથી પાપમાંથી નિવૃત્ત થવાય છે તો એ ભ્રમ છે. કોઈ પણ માણસ બીજા માણસને પવિત્ર કરી શકતો નથી. માણસની એ વિચિત્રતા છે કે પોતે પાપી હોવા છતાં બીજાનાં પાપોની ગણતરીમાં રસ ધરાવે છે.
પશ્ચાતાપ અથવા પસ્તાવો એટલે કોઈ અયોગ્ય કામ કરવાથી અથવા યોગ્ય કામ નહીં કરવાથી થતું માનસિક, દુ:ખ, ચિંતા, અફસોસ, દિલગીરી કે બળાપો. 'હરિજન બંધુ'ના એક લેખમાં મહાત્મા ગાંધીજીએ નોંધ્યું છે કે અંગ્રેજીમાં એક વાત કહેવામાં આવી છે કે માણસ પોતાના ઉદ્ધારનો દ્રઢ સંકલ્પ કરે તો ચાહે તેટલી અધોગતિએ પહોંચ્યો હોય પણ માણસ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આપણને એવો કોલ આપવામાં આવ્યો છે કે પાપીએ ગમે તેટલાં પાપ કેમ ન કર્યા હોય, તે ગમે તેટલા પાપના ઊંડાણમાં ભલે ખૂંપી ગયો હોય પણ અંતની ઘડીએ પણ પોતાના પાપનો એકરાર કરી જો તે પશ્ચાતાપ કરે તો ઈશ્વર તેને જરૂર માફ કરે. હું મરણ પછીના જીવનને અને અનેક જન્મોના ફેરામાં માનનારો માણસ છું. આપણે અહીં જે વાવીએ, તે બીજે લણવાનું રહે છે. આ નિયમમાંથી કોઈનેય મુક્તિનો ઉગારો નથી. પરંતુ પોતાની અંતઘડીએ માણસ પશ્ચાતાપ કરે તો તે પશ્ચાતાપના તાપમાં તેનાં કર્મો ખાખ થઈ જાય છે. અને ભાવિ જન્મ પર તેની કોઈ અસર રહેતી નથી.
કહેવામાં આવ્યું છે કે 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.'
આવો પશ્ચાતાપ ખરા દિલથી થવો જોઈએ. ખોટું કર્યાની વેદના શરીરના રોમેરોમમાં પ્રગટવી જોઈએ અને ફરી પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ મનમાં પ્રગટવો જોઈએ. પશ્ચાતાપ એ હોઠનો વિષય નહીં પણ હૈયાનો વિષય છે.
પણ આ સાથે બીજી એક મહત્ત્વની વાત. પશ્ચાતાપને માનવધર્મ માનવો જોઈએ. પાપને ભગવાન માફ કરશે, એવી અપેક્ષા શું કામ રાખવી? પશ્ચાતાપ કરવાથી મન અને હૃદયનો ભાર હળવો થાય છે, એ જ સ્વર્ગોપમ અનુભવ છે, કારણ કે એ થકી માનસિક શાન્તિ અનુભવાય છે. માણસ તરીકે ઈશ્વરને ન ગમે તેવું કૃત્ય કરવાનો આપણને અધિકાર નથી. એટલે પાપ કે દુષ્ટ કર્મ પછી પુણ્યશાળી ગણવાની કે ઈશ્વર માફ કરે, એવી આસક્તિ રાખવી એ પણ એક પ્રકારનો માનસિક અપરાધ જ છે.