Magazines

આદર્શવાદી બનનાર સુખી રહી શકે ખરો ? .

By GS TEAM
2 Jun 20265 mins read
આદર્શવાદી બનનાર સુખી રહી શકે ખરો ?                               .

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- આદર્શવાદી માણસ એટલે માનવતાનાં મહાનમૂલ્યો પ્રત્યે સમર્પિત-કર્તવ્યનિષ્ઠ માણસ આદર્શવાદી માણસ અંદરથી શાંત અને સ્વસ્થ હોય છે એ યાતનાઓથી ગભરાતો નથી

પ્રશ્ન : જીવનમાં આદર્શવાદી બનનાર સુખી રહી શકે ખરો ?

પ્રશ્નકર્તા : રાજેશ પટેલ. મહેસાણા

આ દર્શ શબ્દને આપણે સામાન્ય રીતે નેમ, ધ્યેય, નમૂનારૂપ વર્તન, ઉચ્ચ ભાવના વગેરે અર્થમાં મૂલવીએ છીએ. ઉદાત્ત અને મહાન તથા મંગલમય અને પરોપકારી જીવન જીવનારને સમાજ આદર્શ-પુરુષ ગણે છે.

જીવનમાં શ્રેષ્ઠ બાબતોનું તન-મન-ધનથી પરિપાલન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા અને આગ્રહ એનું નામ આદર્શવાદ.

જિંદગી અનેક પ્રલોભનોથી ભરેલી છે, એવાં પ્રલોભનો પ્રત્યે સમજણપૂર્વકની સંયમ દ્રષ્ટિ કેળવવી એએ પણ એક પ્રકારની જીવન-સાધના છે. આદર્શવાદ એએક સ્વયં સ્વીકૃત વ્રત છે. એ વ્રતના પરિપાલકનો માર્ગ કંટકછાયો જ હોઈ શકે. કારણ કે આદર્શનો માર્ગ અપનાવનારે ઘણું બધું જતું કરવું પડે છે. ઘણા બધાનો ત્યાગ કરવો પડે છે, ઘણું બધું સહેવું પડે છે અને જરૂર જણાતાં સર્વસ્વનું બલિદાન પણ આપવું પડે છે. આદર્શ જીવન એ ઉદાત્ત જીવનદ્રષ્ટિ છે એનો પુરસ્કાર વાહવાહી નહીં પણ આત્મસંતોષ છે. આદર્શ એ આત્મસમ્માનનો વિષય છે, એની લાજ માણસે જાતે જ જાળવવાની છે. આદર્શ એટલે માત્ર માણસમાંથી ઉત્તમ માનવ બનવા માટેના સ્વયંસ્વીકૃત પ્રયોગો. આવી જીવનદ્રષ્ટિ વિષે કાકા સાહેબ કાલેલકર કહે છે : જીવનશુધ્ધિ અને જીવનસમૃધ્ધિ એ જ આપણો આદર્શ છે.

આદર્શને વરેલી વ્યક્તિના જીવનમાં કામચોરી-હરામખોરી-આચાર વિચાર, વ્યવહાર-વાણી અને વર્તન વિષયક અશુધ્ધિ નહીં હોય. એનું જીવન સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, પરોપકારનિષ્ઠ, ત્યાગનિષ્ઠ અને સમર્પણનિષ્ઠ હશે. એવી વ્યક્તિ જીવનશુધ્ધિની આગ્રહી હોઈ કોઈપણ અયોગ્ય, અવાંછનીય અને મલીન વૃત્તિ યુક્ત વાત, કાર્ય તથા વ્યવહારને પોતાના જીવનમાં પ્રવેશવા નહીં દે. આદર્શવાદી મધુકર જેવી હશે, સર્વ ઠેકાણેથી મધુરૂપ ઉત્તમ ગુણો ગ્રહણ કરશે પણ વિષયુક્ત બાબતોને જીવનમાં પ્રવેશવા નહીં દે.

જગત આખું કીચડથી ભરેલું છે. માણસ કોઈપણ ભોગે પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા મથે છે. એવા સંજોગોમાં માણસે પોતાના આદર્શો ટકાવવાનું મુશ્કેલ છે. કદમ કદમ પર આદર્શવાદી માણસના આદર્શો, સિધ્ધાંતો અને તેમની કસોટી થાય છે. આદર્શવાદી બાંધછોડ કરતો નથી. આજના સંજોગોમાં જેને આપણે પ્રેકટીકલ કરીએ છીએ એવી સમાધાનવૃત્તિ સિધ્ધાંતને ભોગે સેવતો-ધરાવતો નથી. એટલે આદર્શવાદી, પરિવાર કે સમાજમાં કે પોતાના મિત્ર-સગાઓમાં અપ્રિય બને એવી પણ શક્યતા રહેલી છે.

જીવનમાં શ્રેષ્ઠ ભાવનાઓના રંગોમાં રંગાવું પડે, ગુણગ્રહણ અને ગુણવિકાસનો સિધ્ધાંત અપનાવવો પડે. ઉદાત્ત ગુણોનું સતત ઉમેરણ કરી જીવનને ભર્યું ભર્યું એટલે કે ગુણસમૃધ્ધ બનાવવું એ આદર્શવાદી વ્યક્તિનું એક માત્ર ધ્યેય હોય છે.

વીર ભગતસિંહ અને તેમના ક્રાન્તિકારી સર્વ સાથીઓનું એક જ ધ્યેય હતું જાન જાયે તો જાયે, પર હિન્દ આઝાદ હો જાયે એ રાષ્ટ્રપ્રેમને કારણે તેઓએ અંગ્રેજો પાસે ધ્યાની ભીખ માગવાને બદલે ફાંસીને માંચડે લટકી મોત મીઠું કરવાનું બહેતર ગણ્યું. આવા જ આદર્શવાદને વરેલા ગાંધીમાર્ગના અહિંસક અતુયાયીઓએ નોકરી-ધંધો છોડયા, જીવનની સુખ સાહયબી છોડી, પરિવાર છોડયાં અને અંગ્રેજોની લાઠી ગોળીના શિકાર બનવાની યાતનાઓ, કાળાપાણીની સજા, મૃત્યુદંડની પણ પરવા ન કરી. ઈનસીનની જેલમાંથી ગોપાલ લાલા સન્યાલને લખેલા એક પત્રમાં સુભાષચંદ્ર બોઝે લખ્યું છે : ''જગતમાં બધુ જ ક્ષણભંગુર છે. કેવળ એક જ વસ્તુ નષ્ટ નથી થતી અને તે વસ્તુ છે ભાવના કે આદર્શ આપણા આદર્શો જ આપણા સમાજની આશા છે. આદર્શપ્રાપ્તિ સમર્પણની પૂર્ણતા પર અવલંબે છે.''

ક્રાન્તિવીર બાબા પૃથ્વીસિંહ આઝાદ, માણસમાં આદર્શની ભાવનાની જાગૃતિ માટે આદર્શમય વાતાવરણ પર ભાર મૂકે છે. માણસમાં મુસીબતોનો સામનો કરવાની અપાર ક્ષમતા છે. આ ક્ષમતા ત્યારે જ ઉજાગર થાય છે, જ્યારે તે માટે આવશ્યક મહાન આદર્શોન્મુખી વાતાવરણ પ્રાપ્ત થાય. માણસના અંત:કરણમાં આદર્શવાદી ભાવના આવા વાતાવરણને કારણે જ નિર્મિત થાય છે.

હવે રહી સુખની વાત. આદર્શવાદી બનનાર જીવનમાં સુખી રહી શકે ખરો ? અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે સુખ વિષેનો દરેકનો ઈષ્ટકોણ અલગ હોય છે. સંસારી રાગને સુખ માને છે, સંન્યાસી ત્યાગને, ધનાર્થી ધનસંચયમાં સુખ શોધે છે. અને જ્ઞાનાર્થી જ્ઞાનસંચયમાં વેરી વેરવૃત્તિની તૃપ્તિને સુખ માને છે અને સંત વેરને બદલે પ્રેમ અને સહિષ્ણુતાને, સેવકને મન સેવામાં જ સાચું સુખ સમાયેલું હશે અને પ્રેમીને મન પ્રેમમાં.

આદર્શવાદીને મન પોતાના આદર્શના માર્ગે શુધ્ધ રીતે ચાલવામાં અને તેને ખાતર જે કંઈ વેઠવું પડે તે વેઠવામાં જ સુખની અનુભૂતિ સમાયેલી હોય છે. એવા આદર્શવાદીઓ શુળને ફૂલ અને પીડાને પુરસ્કાર માનતા હોય છે. એટલે તો લાલા હરદપાલ જેવા આદર્શવાદીઓ મસ્તમૌલાઓ ગર્વભેર કહેતા હોય છે કે 'હું પોતાના આદર્શોથી ચલિત થઈને જીવવા કરતાં આદર્શની નજીક રહીને મરવાનું વધુ પસંદ કરીશ.'

આદર્શવાદીને મન આદર્શ જીવન એ જ સાચુ સુખ છે અને એ માટે કરવા પડતા ગમે તેવા મહાન સમર્પણ, કુરબાની, બલિદાન પણ તેનું મન સદાય પ્રસન્ન રહેતું હોય છે.

વાલ્મીકિએ રામાયણમાં એક જ લીટીમાં રામનો કેવો સરસ પરિચય આપી દીધો છે. રામો દ્ધિર્નાભિભાષતે અર્થાત રામ બે પ્રકારની વાતો ક્યારેય કરતા નથી. બે પ્રકારની વાતો ન કરે તે આદર્શવાદી. એવા આદર્શવાદીને પ્રાણ જાય પર વચન ન જાઈ માંજ સુખ લાગતું હોય છે.

આદર્શવાદી માણસ એટલે માનવતાનાં મહાનમૂલ્યો પ્રત્યે સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ માણસ આવો માણસ અંદરથી શાંત અને સ્વસ્થ હોય છે. યાતનાઓથી એ ગભરાતો નથી. પ્રશંસત્યે એ ફુલાતો નથી કે કડવી ટીકાથી એ વિચલિત થતો નથી.

પરંતુ ગણતરીબાજ દુનિયા એને શોષણ, સિતમ અને અન્યાયનો વિષય બનાવવાનું ચૂકતી નથી. કારણ કે એની ભલમનસાઈને સ્વાર્થસિદ્ધિની અણમોલ તક માની બેસે છે. આદર્શવાર્દો વ્યક્તિ શુધ્ધ ધ્યેય અને શુધ્ધ સાધનામાં વિશ્વાસ રાખે છે એટલે અશુધ્ધ સાધનો પ્રયોજનાર લોકો તેના માર્ગમાં કાંટા બિછાવવામાં સફળ થાય છે. પરંતુ આદર્શવાદી વ્યક્તિ વિપત્તિઓને જીવનની સહજ કસોટી માને છે. લોકોની આવી બાહ્ય પીડાઓ જોઈ તેને દુ:ખ માની બેસે છે, પણ અંદરથી આગવી મસ્તી અનુભવતો આવો માનવી અવિચળ હોય છે. સાચા થવાને બનવાનો કે રહેવાનો આગ્રહ એટલે પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી જ પડે. ગાંધી બનવા માટે આંધી અને ઉપાધિ સહેવાનું ફરજિયાત છે.