પદ, પૈસો કે પ્રતિષ્ઠા ભાગ્યે જ કોઈ પચાવી શકે, આવું કેમ?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- માણસ 'અંદરથી' ખાલી હોય તો તેના 'બહાર'ના વર્તનમાં ખાનદાની હોતી નથી. પદ, પૈસો કે પ્રતિષ્ઠા પચાવવા માટે મનને સંસ્કારી બનાવવું પડે
પદ, પૈસો અને પ્રતિષ્ઠા ભાગ્યે જ કોઈ પચાવી શકે, આવું કેમ ?
પ્રશ્નકર્તા : ચાવડા અરવિંદભાઈ, ૧૧, જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ-૬ (સૌરાષ્ટ્ર)
'પ દ' શબ્દનો સીધો અર્થ છે દરજ્જો કે હોદ્દો. કવિતાની એક કડી એ અર્થમાં પણ પદ શબ્દ વપરાય છે. શ્લોકનું એક ચરણ એવો અર્થ પણ ધ્વનિત થાય છે. વાક્યમાં જેના એક કે વધારે અર્થ થતા હોય તેવો શબ્દ પણ પદ કહેવાય છે. વાસ્ક મુનિના મતાનુસાર પદના ચાર પ્રકાર છે. નામ, આખ્યાન, ઉપસર્ગ અને અવ્યય. પદનો અર્થ ચિહ્ન કે નિશાન પણ થાય છે. ભજન, કીર્તિન અને ઇશ્વર ભક્તિ સંબંધી ગીત પણ પદ કહેવાય છે. પદ શબ્દ વ્યવસાય માટે પણ વપરાય છે. ચંદ્રકના અર્થમાં પણ પદ શબ્દ પ્રયુક્ત થાય છે. વેદપાઠના એક પ્રકારને પણ પદ કહેવામાં આવે છે. પદ, ક્રમ, જટા અને ઘન એ તેના ચાર વિભાગો છે.
કેટલાંક પદો સામાજિક, લોહીના સંબંધો અને કાનૂની રીતે પણ ઉદભવે છે. માતા, પિતા, ભાઈ, બહેન, દાદા-દાદી વગેરે પદો સામાજિક રીતે પ્રાપ્ત થાય છે. લોહીના સંબંધો પણ સામાજિક-દરજ્જો પૂરો પાડે છે. લગ્નને કારણે પણ પતિ, પત્ની અને તેના સાથે સંકળાએલા સંબંધો જન્માવે છે.
દરેક માણસને પદની પ્રતીક્ષા હોય છે. નાની-મોટી ચૂંટણીઓમાં પદ પ્રાપ્તિની ઝંખના જ કામ કરતી હોય છે. ધર્મમાં પણ ગુરૂ, ધર્મોપદેશક, કથાવાચક, ધર્માચાર્ય જેવાં પદ પ્રચલિત છે. લંબાઈના એક માપ તરીકે પણ પદ શબ્દ પ્રયુક્ત થાય છે. શિક્ષણમાં પણ શિક્ષક, આચાર્ય, નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણમંત્રી જેવા હોદ્દા પ્રચલિત છે.
એક ઓફિસનો પટાવાળો જોરજોરથી રડતો હતો. બધા ભેગા થઈ ગયા અને તેને પૂછવું કે તું શા માટે રડે છે ? એણે કહ્યું : ''મારા બધા 'સાહેબો' અને હું કોઈનો 'સાહેબ' નહીં એમ વિચારી મને જાત તરફ નફરત થાય છે.'' મોક્ષ અને નિર્વાણના અર્થમાં પદ શબ્દનો પ્રયોગ થાય છે.
'પદ' પછી આકર્ષણનો બીજો વિષય પૈસો છે. પૈસા માટે ધન, વસુ જેવા શબ્દો પણ વપરાય છે. પ્રાચીન ચલણી નાણામાં એક આનાના ચોથા ભાગને પૈસો કહેવામાં આવતો. પૈસો એટલે સમૃદ્ધિ, દોલત, લક્ષ્મી પાંચ પૈસા હોય એટલે સંપત્તિ હોવી. પૈસો કમાવવો એટલે નાણાં રળવાં પૈસા સાથે અનેક કહેવતો અને રૂઢિપ્રયોગો જોડાયેલા છે. પૈસો કોઈનો રહ્યો નથી અને રહેવાનો પણ નથી એટલે સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. દાન, ભોગ અને નાશ. જે દાનમાં પૈસો આપતો નથી, મનની કંજૂસાઈને કારણે પૈસાનો ઉપભોગ નથી કરતો એના ધનની તૃતીય ગતિ એટલે નાશ થાય છે.
કબીર કહે છે નૌકામાં પાણી ભરાય અને ઘરમાં ધન વધે તો ઉલેચતા રહેવું જોઈએ. ડાહ્યા માણસનું એ જ લક્ષણ છે. પૈસો એ એક પ્રબળ સાધન છે તેના થકી માણસ ધારે તે કરી શકે પૈસો પૈસાને ખેંચી લાવે છે એટલે કે નાણું નાણાંને ખેંચી લાવે છે. એક ઉક્તિ મુજબ 'પૈસો ટકો લો અને 'શેઠ' મને કહો.' પૈસે ટકે સુખી એટલે ધનવાન.
પૈસો બચાવવો એ પૈસો રળ્યા બરાબર છે. એક પંક્તિ મુજબ ''પૈસો મારો પરમેશ્વર પત્ની મારો ગુરૂ, છૈયાં-છોકરાં શાલિગ્રામ તો સેવા કોની કરું ? જે એકનિષ્ઠ ભાવે ભગવાન કે પોતાના આરાધ્યનું ચિંતન કરે છે, એનો યોગક્ષેમ ભગવાન ચલાવે છે. સાચા ભક્તને મન પૈસાનું આકર્ષણ નથી હોતું પણ પ્રભુભક્તિ એ જ તેને મન પૈસો હોય છે.''
દેહધારી છીએ એટલે આપણે કર્મો તો કરવાં જ પડશે. પણ કામો જેટલાં ચોખ્ખાં, ધરતી તેટલી ચોખ્ખી, વાતાવરણ તેટલું નિર્મળ, ઉદાત્ત બનીને બીજાની ઉદાત્તતા જગાવવી એ પૈસાનું પવિત્ર કામ છે. સિંચન કરે વૈતરું અને શોષણ કરે તે શહેનશાહ એવી સ્થિતિ પૈસાએ પેદા કરી છે, ભગવાને નહીં.
'પ્રતિષ્ઠા' વિશે રાજ કવિ કાલિદાસે કહ્યું છે તેમ પ્રતિષ્ઠા પ્રાપ્તિ કેવલ ઉત્સુકતા સમાપ્ત કરી દે છે. પરંતુ પ્રાપ્ત કરેલાનું રક્ષણ કરવું અત્યંત કષ્ટદાયક છે. પ્રતિષ્ઠા એ ચારિત્ર્ય છે અને તે બેદાગ રહે તેની માણસ સતત કાળજી રાખવી જોઈએ. એક દોહા મુજબ
''નામ રહંતા ઠક્કરો,
નાણાં નવ રહંત
કીર્તિ કેરાં કોટડાં
પાડયાં નવ પડંત''
અર્થાત્ હે ઠાકુરો,
નામ એટલે કે પ્રતિષ્ઠા કાયમ રહે છે નાણાં નહીં, પ્રતિષ્ઠાના કોટડાં કોઈ પાડી શકતું નથી.
માણસ સાચા અર્થમાં પ્રતિષ્ઠા માટે પ્રતીક્ષા કરી સાધના કરતો રહે તો વહેલો મોડો એ પંચમાં પૂછાય છે. ધન ગએલું મેળવી શકાય, પણ ગુમાવેલી પ્રતિષ્ઠા પુન: આસાનીથી પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રતિષ્ઠા પવિત્ર ચહેરાનો રૂઆબ છે.
માણસ પૈસો, પ્રતિષ્ઠા કે પદ કેમ પચાવી શકતો નથી ? કારણ કે માણસનું મન તૃષ્ણાભૂખ્યું છે એને થોડાથી સંતોષ થતો નથી. માણસ 'હું' પદ એટલે અહંકારને વશ થાય ત્યારે એની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જાય. ઝાડને ફળ આવે ત્યારે એ નીચું નમે છે પરંતુ અભિમાની માણસ જેમ-જેમ ફળ મળે તેમ વધુને વધુ પામવાની ઝંખનામાં અટવાયેલો રહે છે. એવા 'ખોટા' 'મોટા' લોકોની કશી જ કિંમત નથી એટલે જ કહેવામાં આવ્યું છે કે
''બડે હુએ તો ક્યા હુઆ ?
જૈસે પેડ ખજૂર
પંથી કો છાયા નહીં
ફૂલ લગે અતિદૂર''
પદ, પૈસો કે પ્રતિષ્ઠા પચાવવા માટે મનને સંસ્કારી બનાવવું પડે. તપ્યા અને ખપ્યા સિવાય કશું મળતું નથી માણસ અંદરથી ખાલી હોય તો બહારના તેના વર્તનમાં ખાનદાની હોતી નથી. એટલે માણસ ઉન્મત્ત બને છે અને પોતાના પવિત્ર કર્તવ્યમાં વિસ્મરણ કરી બેસે છે.









