ચેતનાની વિશિષ્ટ સ્થિતિમાં 'લેવિટેશન'ની શક્તિ ઉત્પન્ન કરી હવામાં ઉડનારા યોગીપુરુષો અને સંતો !
ગોચર-અગોચર - દેવેશ મહેતા
જ્યાં સુધી પ્રાર્થના ચાલતી ત્યાં સુધી ચર્ચની અંદર લાઇટો બંધ હોવા છતાં દિવ્ય પ્રકાશ પથરાઈ જતો બહારથી દરવાજો ખોલીને જોવામાં આવે ત્યારે દેખાતું કે બિશપ લેવિટેશનની સ્થિતિમાં એમના આસન પરથી થોડા ફૂટ અદ્ધર થઈ ગયેલા દેખાતા
માનવેતર પ્રાણીઓ મહદઅંશે શારીરિક સ્તર પર જીવે છે. માનવ માનસિક સ્તર પર જીવે છે. દેવો, સંતો અને આધ્યાત્મિક વ્યક્તિઓ આત્મિક સ્તર પર જીવે છે. માનવી વિશુદ્ધ અંત:કરણ કરે ત્યારે એ દેવી સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. ખ્રિસ્તી ધર્મગ્રંથ 'ફ્લેગમેન્ટસ ઓફ એ કન્ફેક્શન'માં સેન્ટ પોલ કહે છે - 'ઇશ્વરનું શ્રેષ્ઠ વરદાન મનુષ્ય છે.
એને પ્રાપ્ત કરનારે વિવેકબુદ્ધિ અને સમજપૂર્વક એનો મહત્તમ વિકાસ કરવો જોઈએ. એનો ઉપાય છે પ્રેમની વ્યાપકતા અને સેવામાં આનંદની અનુભૂતિ રાખનારને વિકસિત અંત:કરણની દિવ્ય શક્તિઓનો લાભ મળે છે. ચેતનાની ઉચ્ચ દશા જગતના સામાન્ય નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ એક પ્રકારથી ઇન્દ્રિયોની શક્તિનું અતિક્રમણ કરી આત્મશક્તિ ઉદ્બદ્ધતા પ્રગટ કરે છે. આત્મશક્તિ પ્રગટ થાય એટલે અતીન્દ્રિય શક્તિઓ પણ ઉત્પન્ન થાય છે !'
સેન્ટ ઓગસ્ટિન ઓફ હિપ્પોના માતા સેન્ટ મોનિકા ઓફ હિપ્પો વિશુદ્ધ હૃદયે પ્રાર્થના કરતા એટલે એમનામાં દૈવી શક્તિઓ પ્રગટ થઈ હતી. તે પ્રાર્થના કરતા ત્યારે તેમનો આત્મા ચેતનાની એ સ્થિતિએ પહોંચી જતો જેનાથી તેમનું શરીર જમીનથી લગભગ ત્રણ ફૂટ જેટલું ઉપર ઉઠી જતું. ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ સ્થિતિમાં તે હવામાં થોડી મિનિટો સુધી અદ્ધર પદ્ધર તોળાઈ રહેતું પછી તે ધીમે ધીમે નીચે આવતું અને જમીન પર બિછાવેલા આસન પર સ્થિર થઈ જતું ! આ ઘટના જોનારાને એમ લાગતું કે જાણે એમનું શરીર હવામાં તરતું ન હોય !
સેન્ટ ફ્રાન્સિસ ઑફ પાઓલા (Saint Francis of Paola) ઇટાલિયન મેન્ડિક્ટન ફ્રાયર હતા. તેમનામાં ભવિષ્યકથન કરવાની દૈવી શક્તિ પણ હતી. રાત્રિના સમયે તે પ્રાર્થના કરતા કરતા અદ્ધર ઉઠી જતાં અને એ સ્થિતિમાં તોળાઈ રહેતા. એકવાર નેપલ્સના રાજાએ એમને નિમંત્રિત કર્યા એમને જે કક્ષમાં રાખવામાં આવ્યા હતા તેના દરવાજામાં એક છિદ્ર બંધ હતું.
રાત્રે નગરચર્યા કરીને આવ્યા બાદ રાજાએ એ છેદમાંથી જોયું તો સેન્ટ ફ્રાન્સિસ પ્રાર્થના કરી રહ્યા છે. એક વિશાળ પ્રકાશપુંજ એમની ચારે તરફ ફેલાયેલો છે એમનો દેહ ટેબલ પરથી હવામાં અદ્ધર પદ્ધર લટકી રહ્યો છે ક્યાંક સુધી તે દેહ ટેબલ ખુરશી પરથી હવામાં અદ્ધર પદ્ધર લટકી રહ્યો પછી ધીમે ધીમે નીચે ઉતરી આવ્યો.
પાંચમી સદીમાં થયેલા સેન્ટ ટેરેસાની બાબતમાં પણ આવું અવારનવાર બનતું ઇતિહાસમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે તે પણ પ્રાર્થના કરતા કરતા એમની જેમ હવામાં અદ્ધર થઈ જતા. એકવાર સ્થાનિક બિશપ ડન આલ્પેરેસ ડે મોનડોસા સેન્ટ ટેરેસાને મળવા ગયા તે વખતે સેન્ટ ટેરેસા પ્રાર્થના જ કરી રહ્યા હતા. બિશપ તે વખતનું દ્રશ્ય જોઈને વિસ્મય પામી ગયા. સેન્ટ ટેરેસાનું શરીર જમીનથી અદ્ધર થઈ ગયું હતું. કોઈ પણ આધાર વિના તે હવામાં તોળાઈ રહ્યું હતું. પોતાની જ આંખોથી જોયેલી આ ઘટનાને માન્યા સિવાય કોઈ છૂટકો નહોતો !
બિશપ સેન્ટ આરની બાબતમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે, ચર્ચ બંધ થઈ ગયા પછી પણ તે બહાર પહેરેગીર ઉભો હોવા છતાં ય તેમાં દાખલ થઈ જતા અને આખી રાત પ્રાર્થના કરતા રહેતા. જ્યાં સુધી પ્રાર્થના ચાલતી ત્યાં સુધી ચર્ચની અંદર લાઇટો બંધ હોવા છતાં દિવ્ય પ્રકાશ પથરાઈ જતો બહારથી દરવાજો ખોલીને જોવામાં આવે ત્યારે દેખાતું કે બિશપ લેવિટેશનની સ્થિતિમાં એમના આસન પરથી થોડા ફૂટ અદ્ધર થઈ ગયેલા દેખાતા.
શેખ અબ્દલ કાદિર એકવાર હજારો શ્રોતાઓની સન્મુખ વ્યાખ્યાન આપી રહ્યા હતા. બધાએ એક સાથે જોયું કે તેમનું શરીર જમીન પરથી અદ્ધર થઈ રહ્યું છે અને થોડી ક્ષણોમાં તે દેખાતું બંધ થઈ ગયું ! હવામાં અલોપ થઈ ગયા બાદ તે ફરીથી જમીન પર દ્રશ્યમાન થયું તે પહેલાની જેમ વ્યાખ્યાન આપવા માંડયા. પછી આ આકસ્મિક ઘટનાનું સ્પષ્ટીકરણ કરતા તેમણે કહ્યું -'મને અચાનક દેખાયું કે સંત ખિદર મસ્જિદ પાસેથી જઈ રહ્યા છે. આકાશ માર્ગેથી જઈને મેં એમનું અભિવાદન કર્યું અને વ્યાખ્યાન સાંભળવા માટે નિમંત્રિત કર્યા.'
આ બધામાં લેવિટેશનની અસાધારણ સિદ્ધિ ધરાવનારા હતા ઇટાલીના ફ્રાયર જોસેફ ઓફ કોપરટિનો ખ્રિસ્તિ રોમન કેથોલિક પંથના કેટલાક મઠવાસી ભિક્ષુક સંઘ પૈકીના સાધુ કે ભિક્ષુને ફ્રાયર તરીકે ઓળખવામાં આવે છે. તેમનામાં ગૂઢ શક્તિઓ હતી. કેટલાક પાદરીઓને એમની ગૂઢ શક્તિ પસંદ નહોતી. તે જોસેફને સમૂહ પ્રાર્થનામાં પોતાની સાથે સામેલ થવા દેતા નહોતા.
એકવાર જોસેફ પ્રાર્થનાખંડના એક દૂર ખૂણામાં એકલા પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં એકાએક એમનું શરીર ઘૂંટણ વાળેલા હોય તેવી સ્થિતિમાં જ જમીન ઉપરથી ઉપર ઉઠયું અને હવામાં અદ્ધર થઈ આમથી તેમ ગોળગોળ ફરવા લાગ્યું થોડીવાર પછી પહેલા જ્યાં હતુંત્યાં આવીને અદ્ધર લટકી રહ્યું પછી ધીમે ધમીમે નીચે જમીન પર ઉતરી આવ્યું.
સેન્ટ જોસેફ કોપરટિનો અને ગ્રીટેલાની વચ્ચે આવેલી એક ટેકરી પર વિશાલ કદના ત્રણ ક્રોસ રોપવા માંગતા હતા. આમાંનો એક ક્રોસ તો ખૂબ જ ઊંચો અને ભારે વજનનો હતો એને ટેકરી પર જડવા માટે દસ કારીગરો કામે લાગેલા હતા. ચોક્કસ જગ્યાએ એને ગોઠવવામાં એમની મહેનત નિષ્ફળ જતી હતી. જોસેફે હવામાં ઉડીને તેમની પાસે પહોંચીને તેમને મદદ રકરી હતી. તેમાંથી ક્રોસ ખોડાઈ શક્યો હતો. જોસેફના હવામાં પક્ષીની જેમ ઉડવાના અનેક પ્રસંગો નોંધાયેલા છે.
અર્વાચીન ભૌતિક વિજ્ઞાાન કહે છે કે આપણા પર ગુરુત્વાકર્ષણની અસર કરનારા કણો છે તેને 'ગ્રેવિટોન' કહેવામાં આવે છે. આ સાથે ગુરુત્વાકર્ષણની અસરથી મુક્ત રાખે તેવા કણોનું પણ અસ્તિત્વ હોઈ શકે છે. આવા કણોને 'લેવિટોન' કહેવામાં આવે છે. ધ્યાન, સમાધિ, પ્રાર્થના, પ્રેમ, ભક્તિ જેવી, ચેતનાની વિશિષ્ટ સ્થિતિમાં આ 'લેવિટોન' કણોનું પ્રમાણ વધી જાય છે. આ સંજોગોમાં ભક્તિની 'લેવિટોન'ની સ્થિતિ પેદા થાય છે અને તે હવામાં અદ્ધર પદ્ધર રહી શકે છે ! કેટલાક સંજોગોમાં તે હવામાં પણ ઉડી શકે છે !