Magazines

વેદ-ઉપનિષદના સિદ્ધાંતોને અર્વાચીન ભૌતિક વિજ્ઞાનીઓનું સમર્થન

By GS TEAM
29 Jul 20256 mins read
વેદ-ઉપનિષદના સિદ્ધાંતોને અર્વાચીન ભૌતિક વિજ્ઞાનીઓનું સમર્થન

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્ને એક જ સરખી વાત કરે છે ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે જેને જોઈએ છીએ તે ખરેખર છે? જે છે તેને આપણે જેવું છે તેવું જ જોઈએ છીએ?

'ચ રાચરં તત્ સર્વ પ્રતિભાસ માત્રં, વિચારેણ પ્રતિભાસોપમં માયા સ્વપ્નસદ્રશમ્ । જગતના સ્થાવર- જંગમ બધા પદાર્થો કેવળ આભાસ છે. વિચારથી ઉત્પન્ન થયેલા આભાસ માયાજન્ય ભ્રમ જેવો અને સ્વપ્ન જેવી વાસ્તવિકતા સમાન છે.' કેવલાદ્વૈત સિદ્ધાંતના પુરસ્કર્તા આદિ શંકરાચાર્યજીએ બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર આપી જગતને માયામય, મિથ્યા, સ્વપ્નવત્ દર્શાવ્યું છે. યથા સ્થાનિધર્માણાં રજ્જુસર્પમૃગતૃષ્ણિકાદીનામસત્યં તથા સ્વપ્નદ્રશ્યાનામપિ સ્થાનિધર્મત્વમેવેતિ અસત્યમ્ । વેદાંત રજ્જુ અને સર્પ, મૃગજળનું ઉદાહરણ આપીને દર્શાવે છે કે આપણે જે કંઈ જોઈએ છીએ તે વાસ્તવિક નથી. વેદાંતના સિદ્ધાંતનું હવે પરમાણુવિજ્ઞાન અને ક્વૉન્ટમ ફિઝિકસ પણ સમર્થન કરે છે.

પરમાણુ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ જગત પરમાણુ રજના ઝંઝાવાતી તોફાનનું પરિણામ માત્ર છે. આ પરમાણુ ઝંઝાવાત જ આપણને ભૌતિક પદાર્થરૂપે દેખાય અને અનુભવાય છે. એની ભીતર પારમાણ્વિક હલચલોના તોફાન ચાલતાં જ રહે છે જે એના સાચા સ્વરૂપને પ્રતિપળ બદલતાં રહે છે. એની અંદરની સાચી સ્થિતિ આપણી આંખ સુધી પહોંચે એ પહેલાં તો બદલાઈ ગઈ હોય છે. આપણું દ્રષ્ટાપણું પણ અંદરની વાસ્તવિકતાને બદલી કાઢે છે. કર્વાન્ટમ ફિઝિક્સનો આ 'ધ ઓબ્ઝર્વર ઈફેક્ટ' પાયાનો સિદ્ધાંત છે.

ઈ.સ. ૧૯૦૦માં બર્લિન એકેડેમી ઓફ સાયન્સ સમક્ષ ભૌતિકવિજ્ઞાની મેક્ષ પ્લાન્કે કર્વાન્ટમ થિયરી રજૂ કરી તેમાં તેમણે જણાવ્યું કે દ્રવ્યના પરમાણુ દ્વારા વિકિરણ શક્તિનું ઉત્સર્જન કર્વાન્ટાના રૂપમાં અસતત રીતે થાય છે. વિદ્યુતચુંબકીય સિદ્ધાંતો અનુસાર તરંગ સાથે જોડાયેલી શક્તિ તરંગ માટે જરૂરી એવા આંદોલકોની અવધિ ઉપર આધાર રાખે છે. જો આંદોલકોની શક્તિ અસતત રીતે બદલાતી જાય તો તેની અવધિ પણ અસતત રીતે બદલાવી જોઈએ પણ આ વાત સાચી હોય તો વિદ્યુતચુંબકીય સિદ્ધાંતો સાથે મેળ ન પડે. ૧૯૦૫માં ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પ્રકાશ શક્તિ નાના નાના કણોના રૂપમાં સંકેન્દ્રિત થાય છે. આવા પ્રકાશ કણોને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. મેક્ષ પ્લાન્કે દર્શાવ્યું કે જ્યારે વિકિરણનું ઉત્સર્જન થાય છે ત્યારે તે ફોટોના સ્વરૂપમાં હોય છે આઈન્સ્ટાઈને એનાથી આગળ વધીને કહ્યું કે પ્રકાશ પદાર્થ પર આયાત થાય છે ત્યારે પણ ફોટોનના સ્વરૂપમાં જ હોય છે. ૧૯૨૦ના દશકમાં નીલ્સ બોહર, ઈરવિન શ્રોડિન્જર, વર્નર હાઈઝેનબર્ગ, મેકસ બોર્ન, પોલ ડિરાક જેવા ભૌતિક વિજ્ઞાનીઓએ ક્વૉન્ટમ ફિઝિકસના પૂર્ણ વિકાસ માટે યોગદાન આપ્યું. આધુનિક સિદ્ધાંતને વિભિન્ન વિશેષ રૂપથી વિકસિત ગાણિતિક ફોર્માલિઝમમાં તૈયાર કરાઈ છે. એમાંથી એક તરંગ ફંકશન (Wave Function) નામની ગણિતીય ઈકાઈ સંભાવ્યતા આયામોના રૂપમાં એક કહાની ઊર્જા, ગતિ અને અન્ય ભૌતિક ગુણોના પ્રમાપન માટે જાણકારી આપે છે.

૧૯૧૬માં આઈન્સ્ટાઈને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી રજૂ કરી સિદ્ધ કર્યું કે આકાશ વળાંકવાળુ (Curved) છે. અવકાશ ત્રિ-આયામી નથી અને સમય જુદી સત્તા નથી. સમય અને આકાશ એક જ વસ્તુના બે રૂપો છે. સમય વ્યક્તિની સ્થિતિ અને ગતિ અનુસાર સાપેક્ષ રહે છે. તે પછી ભૌતિકવિજ્ઞાની જ્હોન વ્હીલરે એમના પુસ્તક સુપર સ્પેસ એન્ડ ધ નેચર ઓફ કર્વાન્ટમ જિયોમેટ્રોડાયનેમિક્સમાં જણાવ્યું છે કે આ જગતમાં ખાલી વાંકા અવકાશ (Curved Space) સિવાય બીજું કંઈ જ નથી ! પદાર્થ, બળ, વિદ્યુત ચુંબકીય શક્તિ અને બીજા ક્ષેત્રો અવકાશના વળાંકના જ પરિણામો છે. અવકાશ-સમયના તાંતણા બુદબુદોના વિશાળ સમુદ્રમાંથી બનેલા છે. આ પરપોટા ખાલી આકાશના વળાંક (Warp) અને વાણા (Waft) જ છે. જે તેમનામાં કર્વાન્ટમ ફોમ (Foam) ધરાવે છે.

અમેરિકન સૈદ્ધાન્તિક ભૌતિકવિજ્ઞાની (theoretical physicist) જેક સરફાટ્ટી (Jack Sarfatti) દર્શાવે છે કે આ કર્વાન્ટમ ફોમ (ફીણ) ચક્રાકારે ફરતા અતિ સૂક્ષ્મ બ્લેકહોલ અને વ્હાઈટહોલથી બનેલા ખળભળતા સાગર જેવું છે. વિવિધ વિચુંબકીય શક્તિ અને ગુરુત્વાકર્ષણ બળ આ કર્વાન્ટમ ફોમ પર અસર કરે છે અને તેના તરંગોથી સબ-ન્યૂકિલયર કણો દેખાય છે. કેટલાક પ્રોર્ટીન, તો કેટલાક ન્યૂટ્રોન તરીકે કામ કરે છે. 

બહુ જ ઊંડાણથી જોઈએ તો નાના પરમાણુથી માંડીને મોટા બ્રહ્માંડો એ સર્વે શૂન્યના સ્પંદનો જ છે. પ્રાચીન અધ્યાત્મ શાસ્ત્રોની જેમ અર્વાચીન ભૌતિકવિજ્ઞાન પણ દર્શાવે છે. કે પદાર્થ અને શૂન્ય એ બન્ને સમય અને આકાશની જેમ એક જ વસ્તુ છે. પૂર્ણ અને શૂન્યમાં કોઈ તફાવત નથી. જ્હોન વ્હીલર કહે છે કે ક્વૉન્ટમ ફોમના પરપોટા વોર્મહોલ્સ (Wormholes) છે જેનો આકાર ચાના કંપની કડી (tea cup handle) જેવો છે. જેમ ચાના કંપની કડી બે જુદા જુદા સ્થાન પર હોવા છતાં એક સ્થાને જોડાઈ જતી હોય છે તેમ આ વોર્મહોલ્સ આકાશના જુદા જુદા ભાગોને સળંગ જોડયા કરે છે. તે એવી કર્વાન્ટમ સંયુક્તતા (Cnnectedness) સર્જે છે જેથી આકાશનું એક બિંદુ તેના બીજા બધા જ બિંદુઓથી જોડાયેલું રહે છે.

આ રીતે મનનો એક ઘટક જગતના બીજા બધા ઘટકો સાથે સંકળાયેલો છે. મન અને જગત વચ્ચે સર્વવ્યાપક જોડાણ સદૈવ પ્રવર્તમાન રહે છે. એક ઉદાહરણ પરથી આપણે આ સમજીએ. માનો કે તમે એક સ્વપ્ન જોઈ રહ્યા છો. તેમાં તમે તમારા મિત્રો સાથે વાતો કરતાં, હસી-ખુશી-મોજ-મજાક-મસ્તી કરતાં બગીચામાં ફરી રહ્યા છો. તેમાં તમને જે વ્યક્તિઓ કે વસ્તુઓ દેખાય છે તે તમારા અનુભવની બહાર વાસ્તવિક રીતે ત્યાં છે ખરા ? તમારી ચેતના અને મન તે સર્જે છે. બગીચો, વૃક્ષો, તળાવ, મિત્રો, બીજા લોકો, તેમની વાતો, મોજ-મજા-મસ્તી એમાનું કશું સ્વપ્નની બહાર તો અસ્તિત્વ ધરાવતું જ નથી. બધા સ્થળો, વસ્તુઓ, હયાતિઓ અને અનુભૂતિઓ તમારા સ્વપ્નમાં જ છે. ઘા સપનામાં, પીડા સાચી. જાગતાં બન્ને ખોટા ઠરે. સ્વપ્નમાં ઘા પડે ત્યારે એની પીડાનો અનુભવ થાય છે. પણ ક્યાં સુધી ? સ્વપ્ન ચાલે છે ત્યાં સુધી. જાગી જઈએ ત્યારે ઘા પડયો હતો તે અને તેનાથી ઉપજેલી પીડા બન્ને ખોટા સાબિત થાય છે. શરીર પર કોઈ ઘા હોતો નથી અને પીડા પણ સદંતર છૂમંતર થઈ જતી હોય છે. વેદ-ઉપનિષદ કહે છે કે પ્રપંચ સૃષ્ટિ સાથે સતત સંપર્કમાં રહેતા મનથી જે અનુભવાય છે તે રજ્જુસર્પવત્ - દોરડામાં સાપ દેખાય તેવી, મૃગમરીચિકા જેવી અર્થાત્ રણમાં મૃગ જળ દેખાય તેવી અધ્યારોપિત ભ્રાંતિ જ છે. કર્વાન્ટમ ફોમના વળાંકો અને વાણાઓથી ભૌતિક જગત પણ એ જ પ્રકારની ભ્રાંતિ છે. વર્ચ્યુઅલ ફોટોન આભાસી કણો છે. પરમાણુ કણોની ક્ષણિક-આભાસી દશા કંઈ નથી (Nothing) માંથી ઉત્પન્ન થઈ, કંઈ છે (Some thing) રૂપે દેખાઈ, વળી પાછી તરત કંઈ નથી (Nothing) માં સરી જાય છે. એને આધારે કંઈ હતું, કંઈ છે અને કંઈ રહેશેનું સાતત્ય આપણને લાગ્યા કરે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા વેદાંતના જ્ઞાનને સરળ અને સરસ રીતે રજૂ કરતાં કહે છે - 'જાગીને જોઉં તો જગત દીસે નહીં,. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.' તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્ને એક જ સરખી વાત કરે છે ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે જેને જોઈએ છીએ તે ખરેખર છે ? જે છે તેને આપણે જેવું છે તેવું જ જોઈએ છીએ ?

ભૌતિકવિજ્ઞાની ફીનમેન કહે છે કે ફોટોનની સાચી દશા અને આભાસી દશા વચ્ચેનો તફાવત કેવળ આપણા માનસિક-પરિપ્રેક્ષ્ય કે દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. 'ચિત્તમેવ હિ સંસાર : તત્પ્રયત્નેન શોધયેત્ ।' આપણને દેખાતું, અનુભવાતું જગત આ રીતે માયામય અને સ્વપ્નવત્ હોવાથી તત્ત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બન્નેની દ્રષ્ટિએ સાચું નથી.