અવતારી પુરુષો અને સંતોના સંબંધમાં આવનારી વસ્તુઓ દૈવી પ્રભાવશાળી બની ચમત્કારો સર્જે છે!
ગોચર અગોચર - દેવેશ મહેતા
ચમત્કારો તર્કબુદ્ધિથી સમજાતા નથી પણ એની પાછળ કોઇ અગમ્ય, અગોચર દૈવી શક્તિ કામ કરતી હશે એમ માનવું પડે છે
દિવ્ય વિભૂતિઓના સંબંધમાં આવનાર વસ્તુઓ પણ દૈવી પ્રભાવશાળી બની જતી હોય છે. દિવ્ય ચેતના એનો પ્રભાવ જડ-ચેતન બધા પર પાડે છે. એટલે જ અવતારી પુરુષો, યોગીઓ, સંતો, મહાત્માઓ, પાદરી મહાશયો, ધર્મગુરુઓની આસપાસના ચમત્કારો તર્કબુદ્ધિથી સમજાતા નથી પણ એની પાછળ કોઇ અગમ્ય, અગોચર દૈવી શક્તિ કામ કરતી હશે એમ માનવું પડે છે.
યુરોપના ઈતિહાસમાં 'ધ સ્પિઅર ઑફ ડેસ્ટિની'(The Spear of Destiny)' તરીકે ઓળખાતો પવિત્ર ભાલો પણ ચમત્કારો સર્જતો જોવામાં આવ્યો છે. એને 'ધ લેન્સ ઑફ લોન્જિલસ' પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ગેઇઅસ કેસ્સિઅલ લોન્જિનસ નામના રોમન સૈનિકે એ ભાલો ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર લટકાવવામાં આવ્યા ત્યારે શરીર પર ફેંક્યો હતો અને તેનાથી તેમના શરીર પર ઘા પડયા હતા અને તેમાંથી લોહી વહ્યું હતું.
ભગવાન ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તથી ભીંજાયેલો એ ભાલો પવિત્ર બની ગયો હતો. જાણકારોનું કહેવું છે કે આવા ચાર અસલ ભાલાઓ છે જેમને પવિત્ર માનવામાં આવે છે. આમાંનો એક ભાલો તેરમી સદીમાં પેલેસ્ટાઇન ક્રુઝેડથી પાછા ફરતી વખતે સેન્ટ લૂઇ પેરિસ લઇ ગયા હતા. બીજો ભાલો ઓટ્ટોમાન સુલતાન - બીજાએ ઈ.સ. ૧૪૯૨માં પોપ ઈનોસન્ટ - આઠમાને મોકલ્યો હતો અને તેને સેન્ટ પીટરના બ્રાઝિલકાના ગુંબજને ટેકો આપતા મોબ સાથે મૂકવામાં આવ્યો હતો. ત્રીજો ભાલો પોલેન્ડના ક્રેકાઉ ખાતે રાખવામાં આવ્યો હતો.
ચોથો પવિત્ર ભાલો ત્રીજાની પ્રતિકૃતિ જેવો છે. તેનો ઈતિહાસ થોડો જટિલતાભર્યો છે. કેટલાક સંશોધકો એવું દર્શાવે છે કે તે એન્ટિઓચ ખાતે પ્રથમ 'ક્રુઝેડ' વખતે ઈ.સ. ૧૦૯૮માં મળી આવ્યો હતો. 'આર્થરિયન રોમાન્સ'માં એવો ઉલ્લેખ છે કે ઈસુના વધ બાદ તે જોસેફ ઑફ એરિમેથિયા દ્વારા 'હેલી ગ્રેઇલ' સાથે બ્રિટન લાવવામાં આવ્યો હતો અને ગેઇલ કેસલ ખાતે પાર્સિવલે તેમાંથી પવિત્ર રક્ત ટપકતું જોયું હતું. કેટલાક લોકો એવું માને છે કે ચાર્લિમેગ્નીએ નવમી સદીમાં અનેક લડાઇઓ દરમિયાન તે ભાલો ઉપયોગમાં લીધો હતો. તે પછી તે ભાલે સેક્ષન સામંતો પાસે આવ્યો હતો.
થોડીક પેઢીઓ સુધી તેમની પાસે રહ્યા પછી તે ફ્રેડરિક બાર્બારોસાના હાથમાં આવ્યો હતો. ફ્રેડરિકે બારમી સદીના ઈટાલી પર વિજય પ્રાપ્ત કર્યો તે પછી તે ભાલો હેમ્સબર્ગ કુળના વંશજો પાસે આવ્યો હતો અને તેને ૧૯૩૮ સુધી વિયેનાના હોફબર્ગ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. તે જ વર્ષે ઓસ્ટ્રિયાને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર વડે જીતી લેવામાં આવ્યું હતું. 'ધ સ્પિઅર ઑફ ડેસ્ટિની' પુસ્તકમાં ટ્રેવર રેવનસ્ક્રોફ દર્શાવે છે કે હિટલર સ્વયં આ ભાલાની ચમત્કારિક શક્તિથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેણે હોફબર્ગ મ્યુઝિયમમાંથી તે ભાલાને ઊઠાવીને ન્યૂરેમ્બર્ગના એક ખાસ વોલ્ટમાં પોતાના માટે મૂકાવી દેવડાવ્યો હતો. હિટલર આ ભાલાની દૈવી, ચમત્કારિક શક્તિઓ વિશે જાણતો હતો તેથી તેણે તે પોતાના લાભાર્થે પોતાના કબજામાં રાખ્યો હતો.
ઐતિહાસિક ઘટનાઓની તવારીખ એવું સ્પષ્ટ કરે છે કે એ ભાલો જેની પાસે રહ્યો તે ગમે તેવી લડાઇમાં પણ વિજેતા બનતો. જ્યાં સુધી ચાર્લિમેગ્નીના હાથમાં તે રહ્યો ત્યાં સુધી તે હમેશાં વિજય મેળવતો રહ્યો પણ તેના હાથમાંથી જે વખતે તે પડી ગયો તે પછી તરત તેનું મરણ થઇ ગયું હતું ! ફ્રેડરિક બાર્બારોસાની બાબતમાં પણ તેવું જ બન્યું. તે ભાલાની અનુપસ્થિતિમાં જ તેનું મરણ નીપજ્યું હતું. હિટલરના વિષયમાં પણ આ જ હકીકતનું પુનરાવર્તન થયું.
૩૦ એપ્રિલ ૧૯૪૫ના રોજ જ્યારે વિજેતા અમેરિકન દળોએ ન્યૂરેમ્બબર્ગના અન્ડરગ્રાઉન્ડ વોલ્ટમાંથી તે પવિત્ર ભાલો પોતાને હસ્તક કર્યો તે જ દિવસે બર્લિનના બન્કરમાં જાતે જ છૂપાઇ બેઠેલા હિટલરે આત્મહત્યા કરી નાંખી હતી. 'ધ હોલી સ્પિઅરે' માત્ર યુધ્ધ જીતાડવાના ચમત્કાર કર્યા છે એવું નથી. એનામાં રોગનિવારણની શક્તિ પણ જોવામાં આવી છે. એનો સ્પર્શ કરવાથી અનેક ઘવાયેલા લોકોના ઘા તત્કાળ રૂઝી ગયા હતા. તે સિવાય બીજી પણ બીમારીઓ તેના સ્પર્શથી દૂર થઇ ગઇ હતી એવી ઘટનાઓ બની હતી.
સત્તરમી સદીમાં ૧૬૭૯માં મરણ પામેલા સેન્ટ જ્હોન કેમ્બ્લેના કેનોનાઈઝ કરેલા મૃત શરીરના પંજાએ પણ ચમત્કારીક રીતે રોગ નિવારણ કર્યાની ઘટનાઓ નોંધાઇ છે. ૧૫ જુલાઇ ૧૯૯૫ના રોજ ફ્રાયર ક્રિસ્ટોફર જેનકિન્સ જે હેરફોર્ડના સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના ચર્ચ ખાતે પાદરી હતા તેમને મગજમાં લોહી પૂરું ન પડવાને લીધે 'સ્ટ્રોક' આવી ગયો અને કોમામાં જતા રહ્યા. ડૉક્ટરોએ મેડિકલ ચેકઅપ કર્યા પછી જણાવ્યું કે તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે અને તે છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે. આ વખતે ફાધર એન્થની ટુમેલ્ટીએ સેન્ટ જ્હોન કેમ્બ્લેનો મૃત પંજો ફાધર જેનકિન્સની બન્ને ભ્રમર વચ્ચે અડકાડયો. થોડીવારમાં તો ચમત્કાર થયો અને ફાધર જેનકિન્સ કોમામાંથી બહાર આવી ગયા. તેમની સ્થિતિ સુધારવા લાગી. સ્ટ્રોકથી આવેલ પેરેલિસિસની અસર દૂર થઇ ગઇ અને તે એકદમ સ્વસ્થ થઇ ગયા હતા.
પવિત્ર અને દિવ્ય જીવન જીવતા લોકોના સંદર્ભમાં 'પવિત્રતાની સુગંધ (્રી ર્ંર્ગેિ ર્ક જીચહબૌાઅ)'ને લગતી વિસ્મયજનક ઘટનાઓ જોવા મળી છે. કેટલાક યુરોપિયન સંતો અને પવિત્ર વ્યક્તિઓના શરીરમાંથી અત્તર જેવી મીઠી સુગંધ પ્રસરતી હતી. સત્તરમી સદીની સિસ્ટર જીઓવાન્ના મારિયા ડેલા ક્રોસે દૈવી લગ્ન કરવાની માનસિક ભાવના કરી આંગળી પર વીંટી પહેરી. ઈ.સ. ૧૬૨૫ની આસપાસ ઈટાલીના રોવેરેટો ખાતે તેમણે અંતિમ પ્રતિજ્ઞાા લઇ વીંટી પહેરી ત્યારે તેમાંથી અત્તર જેવું દિવ્ય પ્રવાહી નીકળતું. તે જે વસ્તુને સ્પર્શ કરતી તે અનેક દિવસો સુધી સુગંધિત રહેતી.
સિસ્ટર જીઓવાન્ના મારિયા ડેલા ક્રોસની વીંટી, વસ્ત્રો અને શરીરમાંથી અત્તર જેવું સુગંધિત દ્રવ્ય સતત નીકળતા રહેવાની ઘટના અનેક વર્ષો સુધી ચાલુ રહી હતી. એવું માનવામાં આવે છે કે તેના શરીરમાંથી નીકળતા અલૌકિક દૈવી પ્રવાહીને શરીર પર લગાડવાથી બીમાર વ્યક્તિઓના રોગોનું પણ નિવારણ થઇ જતું હતું. અનેક લોકોની મનોકામનાઓ પણ પૂરી થઇ ગઇ હતી. હજારો લોકોએ એ વીંટીનો ચમત્કાર નજરે નિહાળ્યો હતો ! અઢારમી સદીમાં ઈટાલીમાં જન્મેલી પવિત્ર નન મારિયા ડેગ્લી એન્જેલીના શરીરમાંથી પણ તીવ્ર દિવ્ય સુગંધ નીકળતી હતી.
આને લીદે નન કોન્વેન્ટમાં ક્યાં મળશે તે કોઇને પૂછવાની જરૂર રહેતી નહોતી કેમ કે તેના શરીરમાંથી નીકળતી સુગંધ જ તે કઇ જગ્યાએ છે તે દૂરથી પણ દર્શાવી દેતી હતી ! એ સુગંધને બંધ કરવા કે ઓછી કરવા તેણે પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા મળી નહોતી. નન મારિયા ડેગ્લી એન્જેલીના શરીરની દૈવી સુગંધ પણ રોગોપચારક શક્તિ ધરાવતી હતી. તેના કારણે અનેક બીમાર લોકોના અસાધ્ય રોગો દૂર થયા હતા એવી ઘટનાઓ નોંધાયેલી છે.