મૃતાત્માઓ અનેકવાર પ્રેતરૂપે એમના ભૂતપૂર્વ નિવાસસ્થાનમાં ભટકતા જોવા મળે છે !
ગોચર-અગોચર - દેવેશ મહેતા
જ્યારે પહેલીવાર પારલૌકિક સૃષ્ટિનો અનુભવ થયો ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે તેમણે જેની સાથે વાત કરી તે જીવતી જાગતી આ દુનિયાની વ્યક્તિ નહોતી પણ તે એક પ્રેતાત્મા હતો
'ક્યારેક તમે કોઈ વ્યક્તિને જોતા હો કે એની સાથે વાત કરતા હો તો માની ન લેવું કે તે હાડ-માંસ રક્તથી બનેલું સાચું મનુષ્ય સ્વરૂપ જ છે ! બનવાજોગ છે કે તે પ્રેતાત્માએ ધારણ કરેલું આભાસી રૂપ હોય !! મેં તો આવા આભાસીરૂપો અનેકવાર જોયા છે.' વિખ્યાત બ્રિટિશ ઘોસ્ટ- હન્ટર એલિઓર ઓ'ડોનેલ (Elliott O'Donnell) ના આ વિધાન વિસ્મય પમાડે એવા છે. તેમને જ્યારે પહેલીવાર પારલૌકિક સૃષ્ટિનો અનુભવ થયો ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે તેમણે જેની સાથે વાત કરી તે જીવતી જાગતી આ દુનિયાની વ્યક્તિ નહોતી પણ તે એક પ્રેતાત્મા હતો.
એલિઓટ ઓ'ડોનેલનો જન્મ ૨૭ ફેબુ્રઆરી, ૧૮૭૨માં ઇંગ્લેન્ડના ક્લિફટન ખાતે થયો હતો. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મીમાં કામગીરી કરી હતી. પાછળથી તેમણે શિક્ષણ, નાટયલેખન અને અદાકારી (એક્ટિંગ)ની કામગીરી પણ કરી હતી. જો કે એમાં મજા ન આવતા ગૂઢવિદ્યા અને ભૂતપ્રેતની ઘટનાઓ વિશે સંશોધન શરૂ કર્યું હતું.
આ પ્રવૃત્તિમાં તેમણે લગભગ પચાસેક વર્ષ ગાળ્યા હતા અને એમાં એમને એમની પત્ની એમા ઓ'ડોનેલ (Ama O'Donnell) નો પણ સાથ મળ્યો હતો. ઓ'ડોનેલે તેમની સંસ્થાનું મકાન પણ તેવું જ પસંદ કર્યું હતું જે ભૂત-પ્રેતોના ઉપદ્રવો માટે કુખ્યાત હતું.
આરંભમાં એલિઓટ ઓ'ડોનેલે તે મકાનમાં હાઉસકીપર મિસિસ બોલિથો સાથે એકલા જ રહેતા હતા. તેમણે તે ઘરમાં રહેવાનું શરૂ કર્યું તે સાથે જ તેમને ત્યાં વિચિત્ર અનુભવો થવાના શરૂ થઈ ગયા હતા. ક્યારેક તેમને પ્રેતાત્માઓના અવાજો સંભળાતા, રૂમની બહાર પેસેજમાં દાદરના પગથિયા પર કોઈના ચઢવા- ઉતરવાના, ચાલવાના અવાજો સંભળાતા, રૂમના બારણા આપમેળે ખૂલી જતાં અને બંધ થઈ જતાં. એ ભૂતિયા મકાનમાં એમણે સંશોધન પ્રવૃત્તિ માટે સંસ્થા શરૂ કરી અને બીજા લોકો ત્યાં રહેવા આવ્યા એમને પણ એલિઓટ જેવા જ અનુભવો થયા હતા.
એલિઓટ ઓ'ડોનેલે એક પ્રયોગ દરમિયાન એ પ્રેતના પગલા કેવા છે તે જોવા એક છટકું (ટ્રેપ) ગોઠવ્યું. તેમણે એ રૂમના દરવાજા બહાર લોટ અને રૂ પાથરી આખો પેસેજ ભરી દીધો. રોજની જેમ એ રાત્રે પણ પારલૌકિક આત્માની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. પેસેજમાં કોઈના ચાલવાનો અવાજ સંભળાવા લાગ્યો. બારણા પર ટકોરા વાગવા માંડયા.
એ આપમેળે ખૂલવા અને બંધ થવા લાગ્યા. બીજે દિવસે સવારે તેમણે બારણું ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો કે પ્રેતાત્માના પગના નિશાન લોટ પર પડયા છે કે કેમ તેના ચાલવાથી પેલુ રૂ દબાઈ ગયું છે કે નહીં ? પણ એની તપાસ કરતા એમને અચરજ થયું કે રાત્રે પેસેજમાં કોઈ આંટા મારી રહ્યુ હતું.
તેમ છતાં ત્યાં કોઈના પગલાંના નિશાન પડયા નહોતા અને રૂ પણ જરાય દબાયું નહોતું. આના ઉપરથી ઓ'ડોનલને ખ્યાલ આવ્યો કે તે પ્રેતાત્માએ જમીન પર પગલા પાડયા જ નહીં હોય. તે હવામાં અદ્ધર ચાલીને આવ્યો હશે અથવા વાયુ સ્વરૂપ ધારણ કરી અંદર આવ્યો હશે. જો કે, વિસ્મયકારી વાત એ હતી કે તો પછી બારણાની બહાર પેસેજમાં જમીન પર ચાલવાનો અવાજ કેવી રીતે આવ્યા હશે ? આ રહસ્યને તે ઉકેલી ન શક્યા.
પ્રયોગો બાદ તેમને ખાતરી થઈ ગઈ હતી કે, એ મકાન ભૂતિયું છે જ. સંસ્થાના લોકો પણ પ્રેતાત્માના ઉપદ્રવોથી પરેશાન થતા હતા એટલે એમણે એ મકાન વેચી દીધું હતું અને ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ સંસ્થા શરૂ કરી હતી. આસપાસના લોકોએ પણ ઘણીવાર એ ભૂતિયા મકાનની બહાર કોઈ ઊંચા માણસને ઊભો રહેલો જોયો હતો જેનું માથુ એના શરીરના પ્રમાણમાં નાનું હતું.
તે જમીનમાંથી એકાએક પ્રગટ થતો અને જમીનમાં પાછો સમાઈ જતો હોય એવું પણ એમણે અનેકવાર જોયું હતું. ઓ'ડોનેલ અને એમના સાથીદાર સંશોધકોને પણ આવા માણસની ઝાંખી આકૃતિ મકાનમાં ભટકતી જોવા મળી હતી. કેટલાકે ત્યાં એક સુંદર, યુવાન સ્ત્રીની આકૃતિ જોઈ હતી અને એના ઉંહકારા અને ચિત્કારો સાંભળ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરની હેરફોર્ડ સ્ટ્રીટમાં આવેલા 'ન્યુ કેસલ' નામના મકાનને પણ ભૂતિયું જાહેર કરવામાં આવેલું છે. સિડનીના પોલીસ હેડક્વાર્ટરમાં પણ આ ઘટનાની વિગતો નોંધાયેલી છે. પોલીસ કર્મચારીઓ પોતે આનો ભોગ બન્યા છે. એટલે એને એ પ્રત્યક્ષદર્શી અને સ્વયં અનુભૂતિ ઘટના કહે છે. વિલિયમ ફ્રાંક નામનો વ્યક્તિએ એ ઘરમાં રહેવા આવ્યો. તે નિંદ્રા લઈ રહ્યો હતો ત્યાં અચાનક કોઈએ તેને હચમચાવી દીધો. તે ઊંઘમાંથી જાગી ગયો અને આંખો ખોલીને જોયું કે આવું કોણ કરી રહ્યું છે ? તેણે જોયું તો તેની આગળ અત્યંત ભયંકર લીલી આંખોવાળી આકૃતિ ઊભી છે.
ઘરના બારી- બારણા તો બંધ હતા તો આ વ્યક્તિ અંદર કેવી રીતે આવી તેનું તેને આશ્ચર્ય થયું. તે વ્યક્તિ અદ્રશ્ય થઈ ગઈ. વિલિયમ ફરી નિદ્રાધીન થઈ ગયો અડધી રાતે ફરીથી કોઈએ તેને ઢંઢોળ્યો. તેણે સફાળા બેઠા થઈને જોયું તો સામે એ જ બિહામણો માણસ ઉભો હતો. ડીમલાઇટના આછા અંધકારમાં તેની લીલી આંખો બિલાડીની જેમ ચમકતી હતી. વિલિયમે વધારે પ્રકાશવાળી મોટી લાઇટની સ્વીચ ઑન કરી એ પ્રકાશ થતા જ પેલી આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ. સવાર પડતા જ વિલિયમે તે ઘર છોડી દીધું અને બીજે રહેવા જતો રહ્યો.
થોડા સમય પછી માઇકલ કૂક એમના કુટુંબ સાથે ત્યાં રહેવા આવ્યા. પહેલા જ દિવસે પડોશીઓએ તેમને ચેતવ્યા- આ મકાનમાં રહેવા જેવું નથી. અહીં પહેલા જે લોકો રહેવા આવ્યા તે બધા જ ઘર છોડીને જતા રહ્યા છે. વર્ષો પૂર્વે અહીં અત્યંત મેદસ્વી, કાળો અને લીલી આંખોવાળો, બિહામણા દેખાવવાળો માણસ રહેતો હતો. તેનું ભૂત અહીં અવારનવાર દેખાય છે. તેને ચા પીવાનો ખૂબ જ શોખ હતો. આ મકાનમાં રહેનારા અનેકે તેને અહીં પુષ્કળ ચા પીતા જોયો છે. માઇકલે એમનેકહ્યું - 'હું ભૂત-પ્રેતમાં જરાય માનતો નથી. આ તો માત્ર અંધશ્રદ્ધાળુ લોકોના મનનો વહેમ છે.'
થોડા દિવસ બાદ માઇકલ કુકની દીકરી એના બેડ પર સૂતી હતી એને પણ એ પ્રેતાત્માએ ઢંઢોળીને જગાડી દીધી હતી. તેણે પેલા પ્રેતાત્માની બિહામણી આકૃતિ જોતાં જ ભયંકર ચીસ પાડી. પ્રેતાત્માની આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ પણ આ ઘટનાથી તે એવી ગભરાઈ ગઈ કે થોડા દિવસ સુધી તેણે તેની માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી. આ ઘટના બની એના બીજા જ દિવસે માઇકલને પણ એનો પરચો થયો. એક દિવસ તો તે પ્રેતાત્માએ માઇકલ કુકના પલંગને હચમચાવી દીધો અને તેના પર પાથરેલી પથારી ઉંચકીને નીચે ફેંકી દીધી. બીજે દિવસે વળી તેમને એક અન્ય અનુભવ થયો.
તે સવારે થોડીવાર માટે ઘરની બહાર ગયા બાદ આવ્યા ત્યારે જુએ છે તો ટેબલ પર નોકરે મૂકેલી ચાની ભરેલી કીટલી ઉઠાવીને પેલો લીલી આંખોવાળો બિહામણો માણસ એમાંથી ચા પી રહ્યો છે. માઇકલને જોતાં તે અદ્રશ્ય થઈ ગયો. માઇકલે નોકર પાસે ફરી ચા બનાવડાવી તે કીટલીમાં ભરીને ફરીથી ટેબલ પર મૂકી ગયો એ વખતે માઇકલ ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા તે નીચે મૂકી તેમણેે કીટલી લેવા હાથલંબાવ્યો તો ટેબલ પરથી કીટલી ગાયબ થઈ ગઈ હતી.
જોયું તો પેલો પ્રેતાત્મા એક ખૂણામાં ઉભો રહી તે કીટલીમાંથી ચા ગટગટાવી રહ્યો હતો ! માઇકલ કૂક પણ એ પ્રેતાત્માના ઉપદ્રવથી તે ઘર છોડીને જતા રહ્યા. એમણે કરેલી ફરિયાદને પગલે પોલીસે પણ ત્યાં તપાસ કરી. પોલીસ કર્મચારીઓને પણ પહેલાના ભાડુઆતો જેવો જ અનુભવ થયો !