Magazines

ભવિષ્યદ્રષ્ટા, રહસ્યમય સ્કોટિશ સંત કેનેથ મેકેન્ઝી

By GS TEAM
19 May 20266 mins read
ભવિષ્યદ્રષ્ટા, રહસ્યમય સ્કોટિશ સંત કેનેથ મેકેન્ઝી

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તેમની છેલ્લી ભવિષ્યવાણી ગજબનાક હતી:'મને જીવતો સળગાવી દીધા પછી મારી રાખ ઠંડી પડી જશે ત્યારે આકાશમાંથી એક હંસ અને એક કાગડો આવશે. જો હંસ પહેલાં આવીને રાખ પર બેસે તો સમજજો કે હું સ્વર્ગમાં જઈશ

‘To see a World in a Grain of Sand And a Heaven in a Wild Flower Hold Infinity in the Palm of your hand And Eternity in an hour. રેતીના એક કણમાં આખું જગત જોવું અને એક જંગલી ફૂલમાં સ્વર્ગ નિહાળવું અનંતને તમારા હાથની હથેલીમાં સમાવી લેવું અને એક ઘડીમાં અનંત કાળની અનુભૂતિ કરી લેવી.' 

- William Blake 

(વિલિયમ બ્લેક),

 Auguries of Innocence.

 ‘Koinnich Odhar (Kenneth Mackenzie) Saw farther than other men. કોઇનિચ ઓધર (કેનેથ મેકેન્ઝી) બીજા લોકોથી ઘણું વધારે દૂર સુધીનું જોઈ શકતા હતા. 

- Alexander Mackenzie (Historian) એલેકઝાન્ડર મેકેન્ઝી (ઈતિહાસકાર) 

 ‘Many of his predictions have been fulfilled with remarkable minuteness. એમની અનેક ભવિષ્યવાણીઓ આશ્ચર્યજનક ચોકસાઈ સાથે પૂર્ણ થઈ છે.' 

  ‘The Brahan Seer never spoke without meaning.  બ્રેહનના ભવિષ્યદ્રષ્ટા ક્યારેય અર્થ વગર વાત કરતા નહોતા.' 

 ‘The gift of Second Sight is firmly believed in the Highlands of Scotland.  સ્કોટલેન્ડના હાઈલેન્ડસમાં બીજી દ્રષ્ટિ (ભવિષ્ય દર્શનની શક્તિ) પર દ્રઢ વિશ્વાસ રાખવામાં આવે છે.' 

- Sir Walter Scott 

(સર વોલ્ટર સ્કોટ)

બ્રેહનના ભવિષ્યવેત્તા કેનેથ મેકેન્ઝીને 'સ્કીટિશ નોસ્ટ્રાડેમસ' તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સના નોસ્ટ્રાડેમસ કરતાં તેમની વિશેષતા એ હતી કે તે અત્યંત સરળ શબ્દોમાં સ્પષ્ટ રીતે બધાને સમજાય તે રીતે ભવિષ્યવાણી કરતાં હતાં. જ્યારે નોસ્ટ્રાડેમસ સાંકેતિક ભાષામાં કોયડા રૂપે ભવિષ્ય વાણી કરતા હતા એટલે એનું અર્થઘટન જુદી જુદી રીતે થતું. કેનેથ મેકેન્ઝીનું મૂળ નામ કોઈનિચ ઓધર   Ckoinnich Odhar) હતું. સ્કોટલેન્ડના ઉત્તરીય દરિયા કિનારાના ટાપુઓની હારમાળાના હેબ્રાઇડના બહારના ભાગમાં યુ.આઈ.જી. એન્ડ આઇલેન્ડ ઓફ લેવિસ પાસે એમનો જન્મ થયો હતો. તે લોચ ઉસિએ  (Loch Ussie) ખાતે રહેતા હતા જે રોસશાયરમાં ડિગવોલ પાસે આવેલું હતું.

કેનેથ મેકેન્ઝીએ વ્યક્તિઓ, કુટુંબો, રાજવંશો, શહેરો, પ્રદેશો, નદીઓ, શોધખોળો, સમાજની અને રાજ્યની પરિસ્થિતિઓ એ તમામ બાબતો વિશે સચોટ ભવિષ્યવાણીઓ કરી હતી, જે ભવિષ્યમાં સમય આવતાં એકદમ સાચી સાબિત થઈ હતી. તેમનામાં કલેરવોયન્સ (ઈન્દ્રિયાતીત જ્ઞાાનદર્શન) જેવી ચૈતસિક શક્તિઓ પણ હતી. તે ભવિષ્યદ્રષ્ટા બન્યા તેની પાછળ એક રહસ્યમય ઘટના જવાબદાર છે. એવી કિવદંતી છે કે એક રાત્રે કબ્રસ્તાનમાં જ્યારે પ્રેતાત્માઓ કબરમાંથી બહાર નીકળી ભટકતા હતા ત્યારે કેનેથની માતાએ એક ડેનિશ રાજકુમારીનું ભૂત જોયું હતું. તે તેની કબરમાં પાછી જઈ રહી હતી ત્યારે કેનેથની માતા સાથે તેનો ભેટો થઈ ગયો હતો તેણે ગભરાયા વગર તે રાજકુમારીના પ્રેતાત્મા સાથે વાતચીત કરી હતી અને સૌમ્ય-શિષ્ટ વ્યવહારથી તેનું દિલ જીતી લીધું હતું. તે સ્ત્રી પ્રેતાત્માએ કેનેથની માતાને કહ્યું હતું કે તે તેના દીકરાને ભવિષ્યદર્શનની શક્તિ પ્રદાન કરશે. એ રાતે કેનેથને ભૂરા રંગનો, વચ્ચેના ભાગમાં છેદવાળો એક ગોળાકાર પથ્થર એ પ્રેતાત્મા થકી તેને પ્રાપ્ત થયો હતો. એ વખતે તેણે તેને કહ્યું હતું - 'આ દૈવી શક્તિવાળો અલૌક્કિ પથ્થર છે. એની વચ્ચે જે છેદ કે છિદ્ર છે એમાં તું નજર કરીશ એટલે તને ભવિષ્યની ઘટનાઓ દેખાશે.'

એ રહસ્યમય દૈવી પથ્થર પ્રાપ્ત થયા પછી કેનેથે ભવિષ્યકથનને તેનો વ્યવસાય બનાવી દીધો હતો અને એનાથી જ કમાણી કરતા. એમની ભવિષ્યવાણીઓ હમેશાં સાચી પડતી એટલે એમની ખ્યાતિ ચોમેર ફેલાઈ ગઈ હતી. તે વખતથી લોકો તેમને કેનેથ મેકેન્ઝી નામથી નહીં, પણ 'બ્રેહનના ભવિષ્ય દ્રષ્ટા' તરીકે બોલાવવા લાગ્યા હતા, લગભગ ૧૬૭૫માં તેમણે તેમના સુપરવાઇઝરને તેનું ભોજન ખાતા અટકાવી દીધો. તેમણે એવું જોયું કે તે સુપરવાઇઝરની પત્નીએ તેના ખોરાકમાં ઝેર ભેળવેલું છે. તેમણે તેને તે ભોજન ખાતાં અટકાવ્યો તેણે તે ભોજન કૂતરાને નાંખી દીધું અને તે ખાઈને કૂતરો મરી ગયો. આ એમની પ્રસિદ્ધ ભવિષ્યવાણીઓમાંની એક હતી જેણે તેમને અર્લ ઓફ સીફોર્થ માટે કામ કરવાનો અવસર આપ્યો.

રેલવે, રોપવે અને સબમરીનની શોધો થઈ એના સેંકડો વર્ષો પહેલાં તેમણે એની ભવિષ્યવાણી કરી દીધી હતી. એકબીજા સાથે જોડાયેલા ડબ્બાની હાર લોખંડના પાટા પરથી જશે.  The time will come when iron horses will run on roads and the Highlands will be crossed in a single day -એક સમય આવશે જ્યારે લોખંડના ઘોડા રસ્તા પર દોડશે અને આખા હાઈલેન્ડસને એક જ દિવસમાં પાર કરી દેવાશે. આ લોખંડના ઘોડાનો અર્થ ટ્રેન સમજવામાં આવે છે. બ્રેહનના ભવિષ્યદ્રષ્ટાએ કહ્યું હતું કે સ્કોટલેન્ડની પોતાની સંસદ ત્યારે બનશે જ્યારે લોકો ઈંગ્લેન્ડથી ફ્રાંસ સુધી પાણીથી પલળ્યા વિનાના કોરા ચંપલો સાથે પગપાળા ચાલી શકશે. તે વખતે લોકોએ વિચાર્યું હતું કે તે એક એવી ભવિષ્યવાણી હતી જે ક્યારેય સાચી પડી ના શકે. જોકે ક્રાંતિકારી ચેનલ ટનલ ૧૯૯૪માં ખૂલી અને લોકો સૈદ્ધાન્તિક રૂપે બન્ને દેશોની વચ્ચે ચંપલ પલળ્યા વિના પગપાળા ચાલી શકતા હતા. તેના પાંચ વર્ષ પછી ૧૨ મે ૧૯૯૯માં સ્કોટિશ સંસદે ૧૭૦૭ પછી પોતાની પહેલી બેઠક ભરી. એકવાર તેમણે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું - થોડા સમય બાદ નેસ નદી ઉપરનો પુલ ત્યારે તૂટી જશે જ્યારે એના પર લોકો ચાલી રહ્યા હશે. એ વખતે સફેદ ઘોડા પર સવાર થયેલ એક વ્યક્તિ તેના પરથી પસાર થતો હશે તેનું નામ મેથ્યુ હશે. એ રીતે એક ગર્ભવતી યુવતી પણ ત્યાંથી પસાર થતી હશે. એ બન્નેના જીવ બચી જશે કેમ કે તે પુલના છેડે પહોંચી ગયા હશે. ખરેખર તેવું જ થયું હતું. કુલોડેનની લડાઈ (Battle of culloden) ના સ્થળ પર ઊભા રહીને તેમણે ભવિષ્યવાણી કરી હતી - હે ડ્રમોસી, તારું ઉજ્જડ મેદાન થોડી પેઢીઓ વીતે એ પહેલાં હાઈલેન્ડસના લોહીથી રંજિત થશે. કોઈપણ પક્ષ તરફથી દયા દાખવામાં નહીં આવે અને કોઈને હુમલાથી છોડવામાં નહીં આવે. કુલોડનની લડાઈએ જેકોબાઇટ વિદ્રોહનો અંત આણી દીધો અને આ લડાઈમાં માત્ર એક કલાકમાં ૨૦૦૦ સૈનિકોનું મરણ થઈ ગયું હતું. 

બ્રેહનના ભવિષ્યદ્રષ્ટાની ભવિષ્યવાણી જ એમના મૃત્યુનું કારણ બની. સીફોર્થના અર્લ (Earl of Seaforth)  પેરિસના પ્રવાસે ગયા હતા. નિયત સમયે તે પાછા ફર્યા નહીં એટલે ચિંતિત પત્ની ઇસાબેલાએ બ્રેહનના ભવિષ્યદ્રષ્ટાને બોલાવ્યા અને તેમને પોતાના પતિ અત્યારે શું કરી રહ્યા છે તે જણાવવા કહ્યું. કેનેથ મેકેન્ઝીએ પોતાનાં પથ્થરમાં જોયું. તેમાં સ્પષ્ટ વિઝન આવ્યું તેને આધારે તેમણે તેને કહ્યું - 'તમારા પતિ અત્યારે પેરિસમાં એક સુંદર સ્ત્રી સાથે મોજ-મજા-મસ્તી કરી રહ્યા છે. તે તેને પ્રેમ કરે છે અને તે સ્ત્રી સાથે તેમના જાતીય શારીરિક સંબંધો પણ છે.' આ સાંભળી કદરૂપી ઇસાબેલા છંછેડાઈ ગઈ અને ખૂબ ગભરાઈ પણ ગઈ કે ક્યાંક આ ભવિષ્યવેત્તા એના પોતાના આડા સંબંધની વાત એના પતિને ના કરી દે ! એટલે તેણે એમને મારી નાંખવાની યોજના કરી. તેમને ચાનોનરી પોઈંટ પર ઘસડીને લઈ જવામાં આવ્યા, એ જગ્યા જ્યાં ડાકણોને ફાંસી પર લટકાવી દેવામાં આવતી હતી.

ઈ.સ. ૧૬૩૫માં જન્મેલા આ પ્રસિદ્ધ ભવિષ્યદ્રષ્ટાને ડિસેમ્બર ૧૬૭૮ના રોજ અત્યંત ક્રૂર રીતે મારી નાંખવામાં આવ્યા હતા. ચાનોનરી પોઈન્ટ પર તારકોલના પીપડામાં નાંખી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મરણ પૂર્વે તેમણે બે ભવિષ્યવાણીઓ કરી હતી. સીફોર્થ કુટુંબનો અંતિમ વારસદાર બહેરો-મૂંગો હશે. તેને ચાર પુત્રો થશે, પણ તે તેની આંખો સામે જ એ ચારેયને દફન થતાં જોશે તે તડપીને મરણ પામશે. તેના પછી તેનો આખો વંશ ખલાસ થઈ જશે. ભવિષ્યે બતાવ્યું કે એ મહાન ભવિષ્યદ્રષ્ટાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. ૧૭૮૩માં ફ્રાંલિસ હમ્બરસ્ટન મેકેન્ઝીને સીફોર્થની ગાદી મળી જે બાળપણથી બીમારીને કારણે બહેરો-મૂંગો થઈ ગયો હતો. તેને ચાર પુત્રો જ હતા અને તે બધાનું તેના જીવનકાળ દરમિયાન જ મરણ થઈ ગયું હતું.

તેમની છેલ્લી ભવિષ્યવાણી પણ અકલ્પ્ય, ગજબનાક હતી - 'મને જીવતો સળગાવી દીધા પછી જ્યારે મારી રાખ ઠંડી પડી જશે ત્યારે દૂર આકાશમાંથી એક હંસ અને એક કાગડો અહીં આવશે. જો હંસ પહેલાં આવીને મારી રાખ પર બેસશે તો સમજજો કે હું સ્વર્ગમાં જઈશ. જો કાગડો પહેલા એના પર આવીને બેસશે તો હું નરકમાં જઈશ.' કેનેથ મેકેન્ઝીને જીવતો બાળી નાખવામાં આવ્યો તે પછી તેની રાખ ડ્રમમાંથી બહાર ફેંકી દેવામાં આવી તેના થોડા સમય બાદ આકાશમાંથી એક હંસ ઊંડીને આવ્યો હતો અને એ રાખ પર થોડી વાર બેસી પાછો ત્યાંથી ઊંડી ગયો હતો. તે પછી તરત આકાશમાંથી એક કાગડો ઊંડીને ત્યાં આવ્યો હતો પણ તે રાખ પર બેઠા વગર, ઉપરથી ચક્કર મારીને જતો રહ્યો હતો. આમ, મેકેન્ઝીની આ ભવિષ્યવાણી પણ સાચી પડી હતી.