Magazines

'હિપ્નોટિક રિગ્રેસન' દરમિયાન પૂર્વજન્મની સ્મૃતિથી પ્રગટ થયેલો આઇરીશ યુવતી બ્રાઇડી મર્ફીનો અદ્ભુત કિસ્સો!

By GS Team
7 Jan 20205 mins read
This article was originally published on 7 Jan 2020
'હિપ્નોટિક રિગ્રેસન' દરમિયાન પૂર્વજન્મની સ્મૃતિથી પ્રગટ થયેલો આઇરીશ યુવતી બ્રાઇડી મર્ફીનો અદ્ભુત કિસ્સો!

મનોવિજ્ઞાાની જ્યારે એ વ્યક્તિને રીગ્રેસનથી આ જન્મની પહેલાના સમયમાં લઈ જાય છે ત્યારે એ એના પૂર્વજન્મના સંસ્મરણોને પ્રગટ કરવાની સાથે એ જન્મનું વ્યક્તિત્વ અને એ વખતે એ જે ભાષા બોલતી હોય તે પણ પ્રગટ થાય છે

મનોવિજ્ઞાાને પ્રસ્થાપિત કર્યું છે કે, માનવીના અવચેતન મન (Sub- Conscious mind) માં કેવળ આ જન્મની જ નહીં, પણ પહેલાના અનેક જન્મોની સ્મૃતિઓ પણ પડેલી હોય છે. 'હિપ્નોટિક રિગ્રેસન'ની પ્રક્રિયાથી એ 

સ્મૃતિઓને પુન:પ્રગટ કરી શકાય છે. મનોવિજ્ઞાાની જ્યારે એ વ્યક્તિને રીગ્રેસનથી આ જન્મની પહેલાના સમયમાં લઈ જાય છે ત્યારે એ એના પૂર્વજન્મના સંસ્મરણોને પ્રગટ કરવાની સાથે એ જન્મનું વ્યક્તિત્વ અને એ વખતે એ જે ભાષા બોલતી હોય તે પણ પ્રગટ થાય છે.

વીસમી સદીના ઉત્તરાર્ધના આરંભમાં ૧૯૫૨માં અમેરિકામાં બ્રાઇડી મર્ફીનો કિસ્સો અત્યંત ચર્ચાસ્પદ બની રહ્યો હતો. અમેરિકાના કોલોરાડોના મોરેય બર્નસ્ટિન (Morey Bernstein) નામના હિપ્નોટિસ્ટે કોલારાડો, પ્યુએબ્લો (Pueblo) ની ગૃહિણી વર્જિનિયા ટીધે પર એક પાર્ટી દરમિયાન મિત્રોને હિપ્નોટીક રીગ્રેસનની પ્રક્રિયા દર્શાવવા રીગ્રેસન કર્યું હતું.

શરૂઆતમાં તો વર્જિનિયા ટીધેના એ જ જન્મની ભૂતકાળની સ્મૃતિઓ પ્રગટ થઈ હતી પણ સમયના અંતરાલમાં વધારે પાછળ ને પાછળ જતા તેના પૂર્વજન્મની સ્મૃતિઓ બહાર આવવા લાગી હતી. તે વર્જિનિયા ટીધે નહી પણ ઓગણીસમી સદીમાં જીવતી કોર્ક શહેરના મીડોઝમાં રહેતી બ્રાઇડી મર્ફી બની જતી અને તત્કાલીન સ્વરભાર (એક્સેન્ટ)વાળી આઇરીશ ભાષામાં વાતો કરવા લાગતી. તેની વાતોનું રેકોર્ડિંગ પણ કરી લેવાતું.

હિપ્નોટિક રીગ્રેસનની વધારે બેઠકો ગોઠવાઈ તેમ તેમ તેના થકી વધારે વિગતો પ્રગટ થતી હતી. તેણે જણાવ્યું કે બ્રાઇડી નામથી તે ઓળખાતી થઈ એ પૂર્વે જન્મ પછી બાળપણમાં તેનું નામ બ્રિજેટ મર્ફી હતું. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં તેનો જન્મ થયો હતો. તે બેરિસ્ટર ડંકન મર્ફી અને કેથેલીનની પુત્રી હતી. તે પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળતી હતી. તેના ભાઈના લગ્ન મિસિસ સ્ટ્રેઇનની પુત્રી એઇમી સાથે થયા હતા. બ્રાઇડી મર્ફી પંદર વર્ષની વયની હતી ત્યારે જે શાળામાં ભણતી હતી ત્યાં મિસિસ સ્ટ્રેઇને મિસ્ટ્રેસ તરીકે કામ કરતા હતા.

બ્રિજેટ ઉર્ફે બ્રાઇડીના લગ્ન કેથોલિક ધર્મ પાળતા બેરિસ્ટર સીન બ્રિયાન મેક્કાર્થી સાથે ૧૭ વર્ષની વયે થયા હતા. સીન મેક્કાર્થી બેલફાસ્ટની ક્વીન યુનિવર્સિટીમાં અધ્યાપન કરતો હતો. બ્રાઇડીએ એના પોતાના કુટુંબીઓના જ નહીં, મેક્કાર્થીના કુટુંબીઓના નામ પણ આપ્યા હતા. લગ્ન બાદ તે બંને ફાધર જ્હોન ગોરમનના સેન્ટ થેરેસાના ચર્ચમાં પ્રાર્થના કરી હતી. ત્યાંથી તેઓ 'કેરિગન' અને 'ફાર' નામના સ્ટોરમાં ગયા હતા અને થોડીઘણી વસ્તુઓની ખરીદી કરી હતી. તે વખતે ચલણમાં જે સિક્કા હતા તેની પણ માહિતી તેણે આપી હતી.

વર્જિનિયા ટીધેની બાબતમાં વિસ્મયકારક બાબત એ હતી કે તેને આઇરિશ ભાષા આવડતી જ નહોતી. માની લો કે તેણે કોઈની પાસેથી પાંચ- પચીસ શબ્દો જાણી લીધા હોય તો ય કંઈ આઇરીશ લોકો બોલે એટલું કડકડાટ આઇરીશ બોલવું શક્ય નથી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે આઇરીશ બોલતી હતી તે અઢારમી સદીના કે ઓગણીસમી સદીના આરંભમાં બોલાતી હતી એવી લઢણવાળી આઇરીશ હતી જે વીસમી સદીમાં કોઈ બોલી શકે એવી શક્યતા નહીવત હતી.

હિપ્નોસિસમાંથી બહાર આવ્યા બાદ વર્જિનિયાને આઇરીશ ભાષાનો એક શબ્દ પણ આવડતો નહીં ! રીગ્રેસન દરમિયાન જ્યારે વર્જિનિયા બ્રાઇડી બની જતી ત્યારે તેના સમયે જ વપરાતા કેટલાક ખાસ શભ્દનો ખ્યાલ આપ્યો હતો. તેણે 'સ્લિપ' શબ્દનો પ્રયોગ બાળકોના 'પીનાફોર' માટે કર્યો તે તદ્દન સાચો પ્રયોગ હતો. વર્તમાન સદીમાં તો દુનિયાભરમાં 'સ્લિપ' શબ્દનો ઉપયોગ સ્ત્રીઓના પેટીકોટ માટે થાય છે, તે સિવાય બીજી ઘણી બાબતો તેણે 'રીગ્રેસન' દરમિયાન કહી જે કોલોરાડોમાં રહેતી અમેરિકન યુવતી કહી જ ના શકે.

બ્રાઇડી મર્ફીના કિસ્સાએ સારું એવું કુતૂહલ પેદા કર્યું. અમેરિકન મેગેઝિન એમ્પાયર (Empire) દ્વારા આની બારીક તપાસ કરવાનો પ્રોજેક્ટ મુકાયો અને તે માટે સંનિષ્ઠ પત્રકાર વિલિયમ બાર્કરની નિમણૂક કરવામાં આવી. તેને બ્રાઇડીએ કહેલી તમામ વિગતોવાળી ડાયરી સુપરત કરવામાં આવી. આઇરીશ ભાષામાં કહેલી તમામ બાબતોનું અંગ્રેજીમાં ભાષાંતર કરાવીને તેને આપવામાં આવ્યું. બાર્કરે આયર્લેન્ડમાં ત્રણ અઠવાડિયા સુધી રહીને એ તમામ બાબતોની તપાસ કરી.

કોર્ક શહેરના વિવિધ સ્થળો, બેલફાસ્ટની મુસાફરી દરમિયાન મર્ફી યુગલે જે સ્થળોની મુલાકાત લીધી હતી તે અને કેરિગન તથા ફર (Farr) નામના સ્ટોર અંગે માહિતી એકત્ર કરી અત્યારે એ સ્ટોરના નામ તો બદલાઈ ગયા છે પણ ઇ.સ. ૧૮૧૮ની આસપાસના ગાળામાં એક સ્ટોરનું નામ 'કેરિગન' અને બીજા એક સ્ટોરનું નામ 'ફર' હતું એ માહિતી પ્રાપ્ત થઈ હતી. ઘણી બધી જહેમત બાદ બાર્કરને એ સ્ટોરના જૂના નામની જાણકારી પ્રાપ્ત થઈ શકી હતી. તેને પણ અચરજ થયું હતું કે આ બાબત વર્જિનિયાને કોલોરાડામાં કેવી રીતે ખબર પડી શકે જે કદી આયર્લેન્ડ ગઈ જ નથી ! તે આના પહેલાના જન્મમાં આયર્લેન્ડમાં રહેનારી બ્રાઇડી મર્ફી હોય તો જ એ જાણી શકે. તેણે કોર્ક નગરનું જે ઝીણવટભર્યું વર્ણન કર્યું હતું  તે બાબતો જૂના નકશામાંથી મળી આવી હતી.

રીગ્રેસન દરમિયાન વર્જિનિયાએ એકવાર જણાવ્યું હતું કે તે પહેલાના જન્મમાં બ્રાઇડી મર્ફી તરીકે જીવન જીવતી હતી ત્યારે કોઈનું મરણ થાય તે વખતે કરવામાં આવતી દફનવિધિ દરમિયાન ઉઈલિયન પાઇપ્સ (Uillean pipe) વગાડવામાં આવતી હતી. વિલિયમ બાર્કરે એ વિશે પણ તપાસ કરી. તપાસને અંતે એ વાત પણ સાચી પુરવાર થઈ હતી. હિપ્નોટિક રીગ્રેસન દરમિયાન વર્જિનિયામાં બ્રાઇડી મર્ફીના જન્મ અને જીવનની સ્મૃતિઓનો આવિર્ભાવ થયો ત્યારે તેણે અનેકવાર કહ્યું હતું તેના સમયમાં બ્લેમેય પથ્થરો (Blamey Stones) ને ચૂમવાની એક પ્રથા ચાલતી હતી.

પાળીના નીચેના ભાગમાં આવેલા આ પથ્થરો સુધી પહોંચાડવા, નીચેથી ઉપર તરફ જતી કોઈ સીડી નહોતી તેથી તે પથ્થર સુધી પહોંચવા વ્યક્તિએ તેના શરીરને પાળીથી નીચેની તરફ લંબાવી બન્ને હાથે દીવાલ પર લગાવેલા સળિયાને પકડી રાખતી. હાથ છૂટી જાય તો નીચે પડી ન જવાય એ માટે પાળી પાસે ઊભા રહેલા તે વ્યક્તિના સગા કે સંબંધી તેના પગ પકડી રાખતા. પછી પોતાના શરીરને પાળી પરથી નીચેની તરફ લંબાવીને તે વ્યક્તિ એ પથ્થરોને ચુમતી. બાર્કરની તપાસમાં આ વિગત પણ સાચી છે તે પુરવાર થઈ હતી. બાર્કરે ૧૯,૦૦૦ શબ્દોનો રિપોર્ટ તૈયાર કરી એના તંત્રીને સુપરત કર્યો હતો. જેમાં વર્જિનિયા બ્રાઇડીએ કહેલી મોટા ભાગની બાબતો સાચી છે તેવા અહેવાલ અપાયેલા હતા.

બ્રાઇડીએ એ પણ જણાવ્યું હતું કે ઉપરથી નીચે પડવાના લીધે તેનું મરણ થયું હતું. મરણ બાદ પણ તેના સૂક્ષ્મ શરીરથી તે તેના મૃત શરીરની દફનવિધિ જોઈ શકતી હતી. મરણોત્તર જીવન કેવું હોય છે તેની વિગતો પણ તેણે આપી હતી. તે વખતે જીવાત્માને હર્ષ- શોક, સુખ-દુ:ખ એવા દ્વન્દ્વોની કોઈ અનુભૂતિ થતી નથી. તેના મરણના ૫૯ વર્ષ પછી તેણે વર્જિનિયા રૂપે જન્મ લીધો હતો. પેરેમાઉન્ટ પિક્ચર્સે 'ધ સર્ચ ફોર બ્રાઇડી મર્ફી' નામનું મૂવી પણ બનાવ્યું છે જેમાં ટેરેસા રાઇટ, લુઇસ  હેવાર્ડ અને નોબેલ લેન્ગલીએ અભિનય આપ્યો છે.