Magazines

અમેન-રાના અભિશાપિત મમીએ ઊભી કરી મુસીબતો અને મોતની શૃંખલા

By GS TEAM
2 Jun 20266 mins read
અમેન-રાના અભિશાપિત મમીએ ઊભી કરી મુસીબતો અને મોતની શૃંખલા

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- કર્મચારીઓને રાત્રે કોઈ સ્ત્રીના રડવાનો, ઊંહકારા ભરવાનો, વસ્તુઓ અથડાવાનો અને ત્રૂટક ત્રૂટક શબ્દોથી કંઇ કહેતી હોય એવા અવાજો સંભળાવા લાગ્યા

‘The misr-priestess sleeps in silence. but her curse whispers through eternity.

મિસરની પૂજારણ શાંતિમાં સૂતી છે, પણ તેનો શાપ અનંતકાળ સુધી ગણગણે છે.'

  ‘ Arnen-Ra’s curse does not kill swiftly it lets fear consume the soul first.

અમેન-રા નો શાપ તરત મૃત્યુ આપતો નથી, પહેલાં આત્માને ભયથી ખાઈ જાય છે.'

 ‘Break the seal of her tomb and your fate will belong to the desert

તેની કબરની મુદ્રા તોડો અને તમારું ભાગ્ય બરબાદ થઇ જશે.'

‘The mummy sleeps, but her curse remain awake in every shadow of the desert

મમી સૂઈ રહી છે પરંતુ તેનો શાપ રણના દરેક પડછાયામાં જાગતો રહે છે.'

‘Every step towards her coffin is a step away from the world of the living.

તેના કફન તરફનું દરેક પગલું જીવતા લોકોની દુનિયાથી દુર લઇ જનારું છે.'

અમેન-રા (છસીહ-ઇચ) ની અભિશાપિત મમીને દુર્ભાગ્યપૂર્ણ મમી કહેવામાં આવે છે. તે મિસરની રાજકુમારી અને પૂજારણની રહસ્યમય કલાકૃતિ છે. આ કલાકૃતિએ અનેકવિધ વિચિત્ર દુર્ઘટનાઓ, બીમારીઓ અને ત્યાં સુધી કે ટાઈટેનિક જહાજ ડુબાડી દેવાની દુર્ઘટના સર્જી હોવાનું મનાય છે. થોમસ ડગલસ મરે નામના બ્રિટિશરે ૧૮૯૦ના દશકમાં મમીની નકશીદાર લાકડાની પ્રતિમા મિસ્ર/મિસર (ઇજીપ્ત)ના અલ-કોહિરો (કેરો) માંથી ખરીદી હતી. થોમસ ડગલસ મરેએ તે ખરીદીને તેના બાપ-દાદાના ઘરમાં રાખવા મોકલી દીધી હતી તે ખરીદી ત્યારથી તેને વિચિત્ર અનુભૂતિ થવા લાગી હતી.

એક દિવસ તે તેના મિત્રો સાથે નાઇલ નદીમાં નૌકા વિહાર કરી રહ્યો હતો. તેના હાથમાં ભરેલી બંદૂક હતી. અકસ્માતવશ તે તેના હાથમાં ફૂટી ગઈ અને તેનો જમણો હાથ કાપવો પડયો. તે એના જે બે મિત્રોની સાથે સહેલગાહે નીકળ્યો હતો તે બન્ને એકદમ સ્વસ્થ હતા છતાં કોઈ અગમ્ય કારણસર તેમનું મરણ થઇ ગયું. તે લંડન પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે મમીની મૂર્તિ તેના બાપદાદાના ઘેર પહોંચી ગઇ હતી. તેણે તે તાબૂતમાંથી કાઢી તે ડ્રોઈંગરૂમમાં મૂકી. તેને તે ઐતિહાસિક વસ્તુ ખરીદીને ઘરમાં રાખવાની ખુશી થવાને બદલે વિચિત્ર ગ્લાનિનો અનુભવ થવા લાગ્યો.

બીજે દિવસે તેની લેખિકા મિત્ર તેને મળવા આવી. તેણે તેને કહ્યું - જ્યારથી આ મમીની પ્રતિમા મારી પાસે આવી છે ત્યારથી ઉપાધિઓ શરૂ થઇ ગઈ છે. એ ખરીદ્યા પછી મારો હાથ કાપવો પડયો અને એ ખરીદતી વખતે મારી સાથે હતા તે મારા બન્ને મિત્રોના રહસ્યમય રીતે મોત થઇ ગયા. તેની તે મિત્રે તેની વાત માની નહીં. તેણે કહ્યું - 'એ તો યોગાનુયોગ બન્યું હોય. મમીને એ બધી દુર્ઘટનાઓ સાથે કોઈ સંબંધ ના હોય. છતાં તને એવું લાગતું હોય તો આ મમી મને આપી દે. મને આવી બધી પુરાતત્ત્વને લગતી વસ્તુઓ સંગ્રહિત કરવાનો શોખ છે. ડગલસે તે પ્રતિમા તેને આપી દીધી.'

તેની લેખિકા મિત્ર એ લઇને હજુ જ્યાં તેના ઘરમાં પ્રવેશતી હતી ત્યાં જ તેણે ઉત્પાતો સર્જવાના શરૂ કરી દીધા. તે લેખિકા સ્ત્રીની માતા દાદર ઊતરતી હતી તેનો પગ અકારણ લપસી પડયો. તે નીચે પડી ગઇ અને તેના પગમાં ફ્રેકચર થયું. તેને પછી સારું થયું જ નહીં એ છેવટે તેનું મરણ થઇ ગયું. આટલાથી મુસીબતોનો અંત આવ્યો નહીં. તે જે યુવકને પસંદ કરતી હતી અને તેની સાથે તેની સગાઈ પણ થઇ ગઇ હતી તે સંબંધ વણસી ગયો અને સગાઇ તૂટી ગઈ. તેણે ચાર કૂતરાં પાળેલા હતા. તે કૂતરાં એ મમી આવ્યા પછી વિચિત્ર રીતે વર્તવા લાગ્યા. આખો દિવસ તેની આજુબાજુ ફરતા રહીને ભસ્યા કરતા હતા. અચાનક તે ચારેય કૂતરા ગાંડા થઇ ગયા અને ગોળી મારીને તેમને મારી નાંખવામાં આવ્યા.

થોમસ ડગલસની પ્રેયસી પોતે ગંભીર રીતે બીમાર પડી. અનેક ડૉક્ટરો પાસે ઇલાજ કરાવ્યો પણ કોઈ ફરક ના પડયો. એક દિવસ તેણે થોમસને તેની પાસે બોલાવ્યો અને કહ્યું - 'પેલા મમીની પ્રતિમા મારી પાસે આવી ત્યારથી મારા પર જે મુસીબતોની પસ્તાળ પડી છે તે આજ દિન સુધી અટકી નથી. તે વખતે મેં તારી વાત માની નહોતી અને હું કહેતી હતી કે મમીની પ્રતિમાને કારણે કોઈ દુર્ઘટનાઓ ન બની શકે. પણ મારા અનુભવોના આધારે હવે માનવા લાગી છું કે જે કંઇ મારા જીવનમાં એના આવ્યા પછી બન્યું અને અત્યારે બની રહ્યું છે તે એ અભિશાપિત મમીના કારણે જ છે. હું હવે એને એક દિવસ પણ મારા ઘેર રાખવા માંગતી નથી. તું આજે અને અત્યારે જ એને અહીંથી પાછી લઇ જા.' થોમસ એને પાછી લઇ આવ્યો. પણ તે મમીની પ્રતિમાએ તેની મિત્રની માનસિક દશા એટલી ખરાબ કરી નાંખી હતી કે તેણે આત્મહત્યા કરી નાંખી.

આવી દુર્ઘટનાઓ અને મુસીબતોની વણથોભી પરંપરાઓ જોઇને થોમસ ડગલસે પણ તે મમીની પ્રતિમા પોતાના ઘેર નહીં રાખવાનો નિર્ણય કરી લીધો. તેણે તેના એક પુરાતત્ત્વવેત્તા મિત્રની સલાહ લીધી. તેણે થોમસને તે બ્રિટિશ મ્યુઝિયમમાં આપી દેવાનું જણાવ્યું. પેરાનોર્મલ બાબતોના જાણકારોએ પણ તે પ્રતિમા વહેલી તકે ઘરમાંથી બહાર કાઢી નાંખવાની સલાહ આપી. થોમસ ડગલસ પણ તે મૂર્તિના ભયંકર ઓથારમાંથી છૂટવા ઇચ્છતો હતો. એટલે તેણે એ પ્રતિમા બ્રિટિશ મ્યુઝિયમને આપી દીધી.

બ્રિટિશ મ્યુઝિયમમાં પહોંચ્યા પછી પણ તેણે તેનો અશુભ પ્રભાવ ચાલુ જ રાખ્યો. ત્યાંના ચિત્રકારોએ એનો સ્કેચ બનાવવાની ઇચ્છા કરી પણ તે બનાવી ના શક્યા. એક ચિત્રકારે મહામુસીબતે તેનો સ્કેચ બનાવ્યો, પણ જ્યારે તે સ્કેચ લઇને જઇ રહ્યો હતો ત્યારે તે રસ્તામાં એક ઘોડાગાડી સાથે અથડાઈ ગયો. તે પડી ગયો અને સ્કેચ પણ નષ્ટ થઇ ગયો. થોમસ ડગલસના જે પુરાતત્ત્વવિદ મિત્રોએ એ મમીની પ્રતિમા બ્રિટિશ મ્યુઝિયમમાં પહોંચાડી હતી તે બધા એક દિવસ તેમની પથારીમાં મરણ પામેલી સ્થિતિમાં મળી આવ્યા. એમના મૃત્યુનું રહસ્ય હજુ સુધી ઉકલ્યું નથી. બ્રિટિશ મ્યુઝિયમમાં પણ આ મમી આવ્યા બાદ અજબગજબની ઘટનાઓ બનવા માંડી. ત્યાંના કર્મચારીઓને રાત્રે કોઈ સ્ત્રીના રડવાનો, ઊંહકારા ભરવાનો, વસ્તુઓ અથડાવાનો અને ત્રૂટક ત્રૂટક શબ્દોથી કંઇ કહેતી હોય એવા અવાજો સંભળાવા લાગ્યા. એ મમીના ફોટા પાડવાના પણ કેટલાક ફોટોગ્રાફરોએ પ્રયાસ કર્યા પણ એમાં વિચિત્ર બાબત બની. ફોટા મમીના પાડયા હતા છતાં તેમાં કોઈ યુવતીનો ભયાનક ચહેરો દેખાતો હતો.

એવું કહેવાય છે કે બ્રિટિશ સંગ્રહાલયે એ અભિશાપિત મમી એક અમેરિકન સંગ્રાહકને વેચી દેવાનું નક્કી કર્યું હતું. તે તેને ખરીદીને તેનું પેકિંગ કરાવીને ટાઈટેનિકમાં જ અમેરિકા જઇ રહ્યો હતો. ૧૫ એપ્રિલ ૧૯૧૨ની સવારે સાઉથેમ્પટનથી ન્યૂયોર્ક જવા નીકળેલા તે આલીશાન લાઈનરને અકસ્માત નડયો હતો. તે એક હિમખંડને અથડાઈને ડૂબી ગયું હતું. ટાઈટેનિકના ડૂબી જવા પાછળ એ અભિશાપિત મમીનો જ હાથ હતો એવું ઘણા લોકોનું માનવું છે.

એક એવી પણ માન્યતા છે કે મમીને લઇ જતા અમેરિકન ધનિક સંગ્રહકર્તાએ જીવનરક્ષક નૌકાઓમાંથી એકમાં સુરક્ષિત સ્થાન મેળવી લીધું હતું. રાત્રે લહેરો પર તરતું 'અમેન-રા' મમી બચી ગયેલા યાત્રીઓ સાથે 'કાર્પેથિયા' નામના જહાજ દ્વારા લઇ લેવાયું અને તેણે ન્યૂયોર્કની યાત્રા પૂરી કરી. પણ આ દુર્ભાગ્યપૂર્ણ મમીએ અમેરિકન માલિકના ઘરમાં પણ તબાહી મચાવી દીધી એટલે તેણે એને બ્રિટન પાછું મોકલવાનું નક્કી કર્યું. કોઈ કારણવશાત્ આ યાત્રા કેનેડાના રસ્તે 'એમ્પ્રેસ ઓફ આયર્લેન્ડ' નામના જહાજ પર કરવામાં આવી. ક્યૂબેક સિટીથી રવાના થયા બાદ ૨૯ મે ૧૯૧૪ના રોજ સેન્ટ લોરેન્સ નદીમાં એમ્પ્રેસ એક નોર્વેજિયન જહાજ સાથે ટકરાઈ ગયું. એમાં ૮૪૦ લોકો જહાજ સાથે ડૂબી ગયા. તે પછી તે મમી લુસિટાનિયા નામના બીજા જહાજ પર આવ્યું. એક વર્ષ પછી ૭મે ૧૯૧૫ના રોજ આયરલેન્ડના ઓલ્ડ હેડ ઑફ કિંસલે પાસે લુસિટાનિયાને એક જર્મન સબમરીને ટોરપીડોથી નિશાન બનાવી તેમાં 'અમેન-રા' મમી તે જહાજ સાથે ડૂબી ગયું હતું એમ મનાય છે.