હાસ્યદેવો ભવઃ .
સેલિબ્રેશન - ચિંતન બુચ
તમારી પત્ની રૂમમાં પૂરી તેમાં તાળું લગાવી દો. તમારા પાળતુ શ્વાનને હવે બીજા રૂમમાં પૂરીને તાળું લગાવી પૂરી દો. બે-ત્રણ કલાક બાદ બંને રૂમનો દરવાજો ખોલો અને જુઓ કે કોણ તમને જોઇને ખૂશ થાય છે અને કોણ 'ઘૂરકિયા' કરવા લાગે છે. (એક જરૂરી સૂચનાઃજોખમ લેવાની ત્રેવડ હોય તો જ આ પ્રયોગ કરવો, નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ સર્જાઇ શકે છે).
હવે બીજો પ્રયોગ પત્નીઓ માટે. તમારા પતિને રૂમમાં પૂરીને તેમાં તાળું લગાવી દો.હવે બીજા રૂમમાં તમારા પાળતુ શ્વાનને તાળું લગાવી પૂરી દો. બે-ત્રણ કલાક બાદ બંને રૂમ ખોલતા જ જોવા મળશે કે તમારું શ્વાન તમને જોતાં જ ખૂશીથી તમારા પગમાં આળોટવા લાગશે. જ્યારે બીજા રૂમમાં તમને એ જોઇને ગુસ્સો આવશે કે તમારા પતિદેવ કુંભકર્ણને સારો કહેવડાવે તેમ નસકોરાં બોલાવતા હશે....
છગન: મેં એક એવું કમ્પ્યુટર બનાવ્યું છે કે જે અદલ મનુષ્ય જેમ જ વિચારે છે.
મગન: અરે વાહ!...પણ એ કેવી રીતે?
છગન: મારું આ કમ્પ્યુટર ભૂલ કરે એ સાથે જ તેના માટે બીજાને દોષ આપવા લાગે છે...
આ વી ગયુંને ચહેરા પર સ્મિત? આપણા જીવનમાંથી ખોવાયેલું હાસ્ય ફરીથી આવે તેના માટે ૧૦ જાન્યુઆરીની ઉજવણી 'વર્લ્ડ લાફ્ટર ડે' તરીકે કરવામાં આવે છે. કારકિર્દી, સ્પર્ધા, રૂપિયા, ડિટરજન્ટની જાહેરખબર જેમ 'મેરી સાડી-ઉસકી સાડી સે સફેદ કૈસે' જેવી દેખાદેખી, બીજાને કેવી રીતે મા'ત આપવી તેના માટે દિમાગમાં સતત રમાતી ચેસ જેવી રમત, નાની-નાની વાતમાં 'આતા માજી સટકલી' જેમ ફાટી નીકળતો રોષ, રાવણના માથાની જેમ એકને હણો ત્યાં બીજી આવીને ઉભી રહી જાય તેવી ઘરની સમસ્યાઓ...આ બધા વચ્ચે આપણા જીવનમાંથી ખડખડાટ હાસ્ય નામનો શબ્દ આપણા જીવનમાંથી જાણે ડાયનોસોરની જેમ લુપ્ત થઇ ગયો છે.
આજે સ્થિતિ એ સર્જાઇ છે કે આપણે સમય કે સંજોગ જોયા વિના બીજા પર રોષ પ્રકટ કરવા લાગીએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયામાં પોતાના મનગમતા પક્ષ કે નેતા વિશે માત્ર માત્ર અભિપ્રાય વ્યક્ત કરે તેમાં પણ તેનું તો આવી બને. હા, વાત ખડખડાટ હસવાની આવે તો આપણામાંથી મોટાભાગના અત્યારે યોગ્ય સમય નથી એમ વિચારી તેને હૃદયમાં અંદર ક્યાંક ધરબી દઇએ છીએ.
હાસ્ય અંગે પણ હવે ખૂબ જ વિસ્તૃત રીતે અભ્યાસ થવા લાગ્યો છે અને તેના સંશોધકોને જેલોટોજી તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ જેલોજીસ્ટ ડો. વિલિયમ ફ્રેના મતે 'એક વાત નિશ્ચિત છે કે તમે દિવસ દરમિયાન સહેજ પણ હસ્યા હોવ નહીં તો તે દિવસ વેડફ્યા સમાન છે. જે લોકો હસતા નથી તે ખૂબ જ ઝડપથી બિમારીનો ભોગ બનતા હોય છે . હાસ્ય એક એવું વ્યાયામ છે કે જેનાથી શ્વસન ક્રિયા સુધરે, મન પ્રફુલ્લિત બને, લોહીનું પરિભ્રમણ નિયમિત થતું હોય છે.નિખાલસ રીતે હસનારા અને હસાવતા હોય તે લોકો વધારે આયુષ્ય ભોગવતા હોય છે. '
વાત હાસ્યની થઇ રહી છે તો તે આપણી ગુજરાતી ભાષાના દિગ્ગજ હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેના ઉલ્લેખ વિના અધૂરી જ ગણાશે. તત્ક્ષણ જવાબ આપવામાં સ્વ.જ્યોતિન્દ્ર દવેનો જોટો જડવો મુશ્કેલ છે. એકવાર એક પત્રકાર જ્યોતિન્દ્ર દવેનો ઇન્ટરવ્યુ લેવા માટે ગયા ત્યારે તેઓ બીમાર હતા અને પથારીમાં સુતા' તા, શરીરે વધુ કૃશ દેખાતા. પત્રકારને જોઇને તેઓ તુરંત જ કોટ પહેરવા લાગ્યા.
જેના કારણ પત્રકારે સંકોચથી પૂછયું, 'આપ ક્યાંય બહાર જાવ છો?' જ્યોતિન્દ્ર દવેએ જવાબ આપ્યો, 'ના...આ તો તમે મને બરાબર જોઇ શકો એટલે કોટ પહેરી લીધો...'તેઓ ચાના શોખીન હતા અને ખૂબ જ ચા પીએ. કોઇએ તેમને એકવાર ટકોર કરી કે, 'દવે સાહેબ, ચા તો ધીમું ઝેર છે.', જ્યોતિન્દ્રભાઇએ જવાબ આપેલો, 'તે આપણને પણ ક્યાં ઉતાવળ છે.' શરીરે તેઓ ખૂબ જ પાતળા એવા જ્યોતિન્દ્ર દવે એકવાર ક્યાંક બહાર હતા અને વરસાદ આવ્યો, તેમની પાસે છત્રી નહોતી. કોઇએ તેમને કહ્યું કે, 'મારી છત્રી લઇ જાવ' તો કહે...'ના, વાંધો નહીં...હું બે છાંટા વચ્ચેથી નીકળી જઇશ...
રાજકારણી એટલે ૨૪ કલાક કાવા-દાવામાં રચ્યા પચ્યા રહેતા હોય અને તેમનામાં રમૂજવૃત્તિનો છાંટો પણ હોતો નથી તેમ સામાન્ય રીતે માનવામાં આવે છે. પરંતુ કેટલાક રાજકારણી તેમાં અપવાદ છે.પત્રકાર રજત શર્માએ એકવાર કહ્યું કે, 'બીજેપી મેં એક વાજપેયી દલ હૈ, એક અડવાણી કા દલ હૈ...'વાજપેયીજીએ જવાબ આપ્યો, 'મેં કોઇ દલદલ મેં નહીં હું. મેં ઓરો કે દલદલ મેં કમલ ખીલાતા હું...' બોલિવૂડમાં મહાન ગાયક કિશોર કુમાર તેમને કામ કરવા બદલ મળતા વળતર સામે ખૂબ જ ચોક્કસ હતા. એકવાર તેઓ ફિલ્મના સેટ પર ફક્ત અડધા ચહેરામાં મેક અપ સાથે પહોંચી ગયા. પ્રોડયુસરે આ અંગેનું કારણ પૂછયું તો કિશોર દાનો જવાબ હતો, 'આધ પૈસા આધા મેકઅપ' પ્રોડયુસર ઇશારો સમજી ગયા અને તુરંત જ બાકીની રકમ કિશોરકુમારને આપી દીધી.