'મહિલાના પ્રેમના પ્રસ્તાવને ફગાવનારા પુરુષને દંડ ફટકારાશે...'
સેલિબ્રેશન - ચિંતન બુચ
29 ફેબુ્રઆરી: લીપ ડે
જન્મેલી વ્યક્તિ અસાધારણ પ્રતિભા ધરાવતી હોય છે. લીપ ડેના જન્મેલી આવી ખ્યાતનામ હસ્તીઓમાં આપણા દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઇ સામેલ છે
ઉપરોક્ત મથાળું વાંચતાં જ કંઇક રોમેન્ટિક વાંચવા મળશે તેવો વિચાર આવે તે સ્વાભાવિક છે. પરંતુ મહિલાના પ્રેમને પ્રસ્તાવને ફગાવનારા પુરૂષને દંડ ફટકારવાની પ્રથા 'લીપ ડે' સાથે સંકળાયેલી છે. પરંતુ એ પ્રેમપિપાસાંમાં સરી પડતાં પહેલા 'લીપ ડે' અંગેની જ્ઞાાનપિપાસામાં થોડા છબછબીયાં કરી લઇએ. આજથી ચાર દિવસ બાદ ૨૯ ફેબુ્રઆરીના 'લીપ ડે' છે. પૂરા ચાર વર્ષ બાદ ફેબુ્રઆરીમાં આવતા વધારાના આ એક દિવસ પાછળનું વૈજ્ઞાાાનિક કારણ પણ રસપ્રદ છે. આપણું કેલેન્ડર ખોરવાઇ જાય નહીં તે માટે વધારાના આ સમયની યોગ્ય રીતે ગોઠવણ કરવામાં આવી છે.
આપણે જાણીએ છીએ તેમ પૃથ્વી સૂર્ય ફરતે જે ભ્રમણ કરે છે તે ૩૬૫ દિવસમાં પૂર્ણ કરે છે. જો કે વાસ્તવમાં, તે ૩૬૫ દિવસ કરતાં અમુક કલાકો વધારે સમય લેતી હોય છે. પૃથ્વીને સૂર્ય ફરતે ચક્કર પૂરો કરતાં ૩૬૫ દિવસ ઉપરાંત ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે. હવે જો વધારાના આ આશરે ૬ કલાકના સમયની જો યોગ્ય ગોઠવણ કરવામાં આવે નહીં તો તેની અસર કેલેન્ડર પર પડે અને તાળો બેસે નહીં. આથી દર વર્ષના આ છ કલાકને ધ્યાનમાં લઇને કુલ ચાર વર્ષના સરવાળા લેખે ૨૪ કલાક લાગે એટલે કે એક દિવસ થાય. આમ, દર ચાર વર્ષે ફેબુ્રઆરીમાં વધારાના આ દિવસને ઉમેરવામાં આવે છે. આપણું કેલેન્ડર જળવાઇ રહે તેવો તર્ક આ ગોઠવણ પાછળ છુપાયેલો છે.
લીપ યરની પ્રથા ૨૦૦૦ ઈસા વર્ષ પૂર્વે ઇટાલીના રાજા જુલિયર સિઝર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પછી પોપ ગ્રેગરી ૧૩માએ ચાર વર્ષે એક મહિનામાં ૨૯ દિવસ આવે તે વર્ષને લીપ યર નામ આપ્યું હતું. વિવિધ દેશો સાથે લીપ ડેને લઇને ઘણી માન્યતાઓ અને અલગ પ્રથાઓ છે. ક્યાંક 'લીપ ડે' ને પ્રેમનો એકરાર કરવા માટે લકી ડે માનવામાં આવે છે તો ક્યાંક તેને અશુભ માનીને તે દિવસે લગ્ન ટાળવામાં આવે છે. આવી રસપ્રદ અને વિચિત્ર માન્યતાઓ વિશે જાણીએ. સામાન્ય રીતે પુરૂષ પોતાના પ્રેમનો એકરાર મહિલા સમક્ષ કરતો હોય છે.
પરંતુ યુરોપના કેટલાક દેશોમાં ૨૯મી ફેબુ્રઆરીના રોજ મહિલાઓ પોતાના પ્રેમનો એકરાર કરે તેવી પ્રથા જોડાયેલી છે. આ પ્રથા પાછળનો ઈતિહાસ રોચક છે. ઇ.સ. ૧૨૮૮માં સ્કોટલેન્ડની પાંચ વર્ષીય ક્વીન માર્ગારેટને અજીબ વિચાર આવ્યો કે ૨૯ ેફેબુ્રઆરીના દિવસે મહિલાઓ જેની સાથે પોતાનું જીવન પસાર કરવા માગતી હોય તેની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર ખુલ્લા મન સાથે કરે. એટલું જ નહીં, આ સાથે શરત પણ મૂકવામાં આવી કે જે મહિલાના પ્રેમને પુરૂષ સ્વીકારે નહીં તેને દંડ આપવામાં આવશે. આ દંડ પેટે જે મહિલાનો પ્રસ્તાવ ફગાવ્યો છે તેને ચૂંબન, હાથમોજાની ૧૨ જોડી, સિલ્કનો ડ્રેસ અને એક પાઉન્ડ ફરજિયાત ચૂકવવાના રહેશે. આજે પણ સ્વીડન, ડેન્માર્ક, સ્કોટલેન્ડ જેવા દેશોમાં આ પ્રથા યથાવત્ છે.
બીજી તરફ રશિયા, ઇટાલી અને ગ્રીસમાં 'લીપ ડે'ને અશુભ માનવામાં આવે છે. એ તો ઠીક પણ ગ્રીસમાં તો આ દિવસે કોઇપણ યુગલ લગ્ન કરવાનું ટાળે છે. ઈટાલીમાં એવી માન્યતા છે કે જો 'લીપ ડે' પર લગ્ન કરવામાં આવે તો તે દામ્પત્ય જીવનમાં પ્રેમ ઓછો અને કંકાસ વધુ થાય છે. કેટલાક દેશોમાં ૨૯મી ફેબુ્રઆરીએ જન્મતારીખ ધરાવતા લોકોને સત્તાવાર માન્યતા આપવામાં આવતી નથી. લીપ યર આવતું હોય તેવા વર્ષમાં કોઇ બાળક ૨૯ ફેબુ્રઆરીએ જન્મે તો હોંગકોંગમાં ૧ માર્ચ, ન્યૂઝીલેન્ડમાં ૨૮ ફેબુ્રઆરી સત્તાવાર જન્મતારીખ ગણવામાં આવે છે. ૨૯ ફેબુ્રઆરીએ જન્મેલા લોકો 'લીપર' એને 'લીપલિંગ્સ' તરીકે ઓળખાય છે તે અંગે બહુ ઓછા લોકો જાણતા હશે.
લીપ ડેને લઇને જો વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો કેરિન હેનરિક્સ નામના વ્યક્તિએ ઇ.સ. ૧૯૬૦થી લઇને ૧૯૬૮ના આઠ વર્ષના ગાળામાં પોતાના ત્રણ સંતાનોને ૨૯ ફેબુ્રઆરીના રોજ જન્મ આપ્યો છે. ૨૯ ફેબુ્રઆરીના દિવસે જન્મનારા લોકોનેે દર ચાર વર્ષે આવતા જન્મદિવસને લઇને અફસોસ થાવો સ્વાભાવિક છે પરંતુ તેમના માટે હરખાવવાની વાત એ છે કે જ્યોતિષીઓના મતે લીપ યરના
જન્મેલી વ્યક્તિ અસાધારણ પ્રતિભા ધરાવતી હોય છે. લીપ ડેના જન્મેલી આવી ખ્યાતનામ હસ્તીઓમાં આપણા દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઇ સામેલ છે. તેમનો જન્મ ૨૯ ફેબુ્રઆરી ૧૮૯૬ના વલસાડ જિલ્લાના ભડેલી ગામમાં થયો હતો. આ સિવાય જાણીતા મોટિવેશ્નલ સ્પિકર ટોની રોબ્બિન્સ, પોપ પોલ ત્રીજા, અમેરિકાના સંગીતકાર જીમી ડોરસે, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સીન એબોટ્ટ, સ્પેનના ફૂટબોલર ફેરાન ટોરેસનો સમાવેશ થાય છે.