For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'શબ્દોની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું...'

સેલિબ્રેશન - ચિંતન બુચ

Updated: Mar 17th, 2020

Article Content Image

બોલાવવા આવેલા એક ઉચ્ચ અધિકારીએ કહેલું, 'તમે સરકારી નોકર છો એનો વિચાર કરો. હું મુખ્યમંત્રીનું નિમંત્રણ લઇને આવ્યો છું.' ઘાયલ સાહેબે તુરંત જ રોકડું પરખાવ્યું કે,  'અમૃતલાલ લાલજી ભટ્ટ સરકારનો નોકર છે, અમૃત ઘાયલ નહીં.'

૨૧ માર્ચ : વિશ્વ કવિતા દિવસ

'રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઇ આ જીવન પૂરું કરી જવાના, બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું ખાલી હાથે મરી જવાના?દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઇ દીથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે. હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વંય પ્રકાશ છીએ! દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે, ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે? આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.'

જી વનની આ સફરમાં અડચણો-વિકટ સમય આવે ત્યારે તેની સામે લડીને ફરી એકવાર પ્રચંડ તાકાતથી બેઠા થવા માટે નવો જોમ-જુસ્સો વધારતી આ રચના અમૃત 'ઘાયલ'ની છે. 'અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.' પોતાના શબ્દો થકી આવા પાળિયાને બેઠા કરી શકનારા અને આપણા ગુજરાતી ગઝલના ગઢ-રાજવી કવિ એવા અમૃત 'ઘાયલ' ની વાત આજે એટલા માટે કેમકે  ૨૧ માર્ચની ઉજવણી 'વિશ્વ કવિતા દિવસ' તરીકે કરવામાં આવે છે. ગુજરાતી કાવ્યના ઈતિહાસનું આલેખન કેટલાક કવિઓના ઉલ્લેખ વિના અપૂર્ણ ગણાય છે અને તેમાં અમૃત 'ઘાયલ' નો સમાવેશ થાય છે. સાહિત્ય-કલા અને સંસ્કૃતિના પરમ ઉપાસક તેમજ પ્રખર વ્યક્તિત્વ અને ખુમારી ભરેલા મિજાજ જેવા શબ્દો જેમણે આપ્યા તેવા અમૃતલાલ ભટ્ટનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૧૫ના રાજકોટ જિલ્લામાં આવેલા સરધારમાં થયો હતો. એમનું પૂરું નામ અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ. પણ ગુજરાતી ચાહકો તેમને 'ઘાયલ' તખલ્લુસથી વધુ જાણે છે. એમની સવસ બૂક મુજબની જન્મ તારીખ ૧૯ ઓગસ્ટ ૧૯૧૬. ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ સરાધારમાં જ્યારે રાજકોટની કરણસિંહજી મિડલ સ્કૂલમાં અંગ્રેજી ધોરણ-૪માં અને રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં નોન મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. આ સમયગાળામાં તેઓ ક્રિકેટ, વોલિબોલ, હોકી, કુસ્તી જેવી રમતોમાં પણ નામના મેળતા. તેઓ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનુ માંકડ સાથે પણ રમ્યાના તેમના સંસ્મરણો રહેલા  છે. બાળપણમાં સરધારમાં એક નાની લાયબ્રેરીમાં તેઓ વિસનજી ઠક્કરની નવલકથા, 'કલાપીનો કેકારવ', 'મેઘાણીના કાવ્યો' વાંચતા. 'ગોપીવશ ભગવાન' શિર્ષક હેઠળ પોતાની અંગત વિગત આપતા કવિ લખે છે કે,  'મારા પિતા લાખાજીરાજના એક ખાસ રસોઇયા પૈકીના એક હતા. રાત્રે વાળુ બાદ પિતાની સેવા એટલે પગચંપી કરતો ત્યારે સલાહ આપેલી કે પ્રમાણિક્તાથી નોકરી કરજે. પિતાની સલાહ સાથે એ જ વખતે પ્રતિજ્ઞાાા લીધી કે જીવનમાં  ભૂખે મરીશ, કવિતા વેચીશ પણ કોઇપણ વિષયમાં અપ્રમાણિક હરગીજ નહીં બનું.'  એક દિવસ કવિ કલાપીની સમાધી પર નમન કરતી વખતે  એક આશ્ચર્યજનક-અલૌકિક અનુભવથી તેમણે પોતાનામાં કંઇક પ્રવેશ્યાનું અનુભવ્યું હતું. તે વખતે માછલીઘરને જોઇ એક કાવ્યની પંક્તિ રચી જે ઘાયલ સાહેબની સૌપ્રથમ રચના કહી શકાય.  'સામુ પડેલ નવું કાચનું મેજ -ખોખું. તમે માછલા કાચમાં કેદ, અમે માણસો અંગ્રેજની હુકૂમતના ગુલામ, તમે કેદમાં ક્રીડા કરો છો, અમે માણસ આપસમાં લડી હિંસાનો આશ્રય લઇએ છીએ.'તેમના આ કાવ્ય પર કવિ જન્મશંકર બૂચના આશિર્વાદ મળેલા. તેમની એક શાયર તરીકે ખૂબ જ ખુમારી હતી. સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર હતા. એ વખતે પૂર્વસંમતિ વિના તેમને કાવ્યપાઠ માટે બોલવવામાં આવ્યા. પણ ઘાયલ સાહેબે હાજર રહેવાથી ધરાર ઇન્કાર કર્યો હતો. તેમને બોલાવવા આવેલા એક ઉચ્ચ અધિકારીએ કહેલું, 'તમે સરકારી નોકર છો એનો વિચાર કરો. હું મુખ્યમંત્રીનું નિમંત્રણ લઇને આવ્યો છું. '  ઘાયલ સાહેબે તુરંત જ રોકડું પરખાવ્યું કે,  'અમૃતલાલ લાલજી ભટ્ટ સરકારનો નોકર છે, અમૃત ઘાયલ નહીં. '

વર્ષ ૧૯૯૨માં એક ઇન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, આપને ગુજરાતના ગાલિબનું બિરુદ અપાય છે તો આપના વિચારો  જણાવશો....' એ વખતે વિનમ્રભાવે ઘાયલ સાહેબે એટલું 

જ કહેલું કે, 'હું નકલ કરવામાં માનતો નથી.' આ જ અંગે એમનો એક શેર પણ છે કે, 'અનાદિ છું મતલબ અદલમાં અદલ છું. નથી હું નકલ દર અસલ હું અસલ છું. નથી કોઇ સમ્રાટ અથવા ષી હું, ખરું જો કહું તો શહીદે ગઝલ છું. ' ઘાયલ સાહેબની અન્ય એક વિશિષ્ટતા હતી એમની ગઝલની રજૂઆત. જનમેદનીને મોડી રાત સુધી 

પોતાના ગઝલના ધોધમાર પ્રવાહમાં તરબોળ કરી દેવાની ત્રેવડ તેમની રજૂઆતમાં હતી. સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાજકોટ આવેલા અને તેમાં કવિઓની બેઠક યોજાઇ હતી. આયોજકોનો આશય જવાહરલાલ નહેરુને ઉર્દુ કાવ્યો સંભળાવવાનો હતો. કાવ્યપાઠનો વારો આવ્યો ત્યારે ઘાયલસાહેબે જવાહરલાલ નહેરુને કહેલું , 'હજૂર હમ તો અપની માદરી જબાન ગુજરાતી મેં કલામ કહેતે હૈ. શાયદ હજૂર સમજ ન પાયેં તો ખતા માફ કીજિયેગા.'  નહેરુએ તુરંત જ ઉલ્લાસપૂર્વક કહ્યું, 'અરે હમ તો બાપુ કે સાથ બરસો રહે હૈ. ઉનકી જબાન સિર્ફ સમજતા નહીં હું, બોલ ભી શકતા હું. ' એ વખતે ઘાયલ સાહેબે એક મુક્તક સંભળાવ્યો કે, 'જૂનું પણ મકાન તો આપો. ધૂળ જેવુંય ધાન તો આપો. સાવ જૂઠું શું કામ બોલો છો? કોક સાચી જબાન તો આપો.' આ સાંભળતા જ નહેરુજી બોલી ઉઠયા, 'ક્યું ઐસા કહેતે હો?' ઘાયલ સાહેબે જવાબ આપ્યો કે, 'કવિ જનતા કા મુખ હૈ, ઉસે જનતા કા દુ:ખ બયાન કરના ચાહીએ.' નહેરુજીએ કહ્યું ,'ઝરૂર શાયર કા ફર્ઝ હૈ. લેકિન મુલ્કને તરક્કી નહીં કી?' ઘાયલ સાહેબથી તુરંત જ બોલાઇ ગયું કે, 'આઝાદીના ૨૦ વર્ષ થવા આવ્યા હોવા છતાં મારી શેરીની ગટર હજુ બની નથી. 'જાન્યુઆરી ૧૯૭૩માં ભૂજમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં કચ્છના મહારાવ , કેટલાક પ્રધાનો, કેટલાક રાજકારણીઓ સમારંભ મંચ પર આગલી હરોળમાં જ્યારે સાહિત્યસર્જકો પાછળ બેસે તેવી વ્યવસ્થા જોઇ ઘાયલ સાહેબે તેનો વિરોધ કર્યો હતો. અને એમની રજૂઆત માન્ય પણ રખાઇ હતી. 

આ કાવ્ય પંક્તિ ઘાયલ સાહેબના જીવન અને તેમના મિજાજની આછેરી ઝલક આપે છે, 'શબ્દોની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. મંદ ક્યારેય ન થઇ મારી ગતિ, આમ બસ મારમાર જીવ્યો છું.  હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં, હુંય બહુ ધોધમાર જીવ્યો છું. આમ ઘાયલ છું અદનો શાયર પણ સર્વથા શાનદાર જીવ્યો છું.'

Gujarat