બીજા વિશ્વયુદ્ધ વખતે ક્રોસવર્ડ પર જ્યારે પ્રતિબંધ લદાયો...!!!
સેલિબ્રેશન - ચિંતન બુચ
21 ડિસેમ્બર: ક્રોસવર્ડ પઝલ ડે
સૌથી વધુ ક્રોસવર્ડ પઝલ તૈયાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બેંગલોરના એ.એન. પ્રહલાદરાવને નામે છે. આ જનાબે ૩૦ હજારથી વધુ ક્રોસવર્ડ પઝલ તૈયાર કરેલી છે
જર્મનીના ન્યૂમબર્ગ શહેરમાં આવેલું ૧૬૧ વર્ષ પુરાણું મ્યુઝિયમ કે જ્યાં રાબેતા મુજબ જ મુલાકાતીઓનો પ્રવાહ શાંતિપૂર્વક રીતે આગળ ધપી રહ્યો હતો. અચાનક જ આ શાંતિનો ભંગ થાય છે અને કોલાહલ મચી ગયો. કારણકે, ૯૧ વર્ષીય દાદીમાએ મ્યુઝિયમમાં મૂકાયેલી ૮૦ હજાર પાઉન્ડ એટલે કે અંદાજે રૂ. ૫૭ લાખની કિંમતના મોર્ડન આર્ટને નુકસાન ભારે નુકસાન પહોંચાડયું હોવાનું માલૂમ પડયું.
આ નુકસાન શા માટે કર્યું તે અંગે ખુલાસો પૂછવામાં આવતા દાદીમાએ રડમસ અવાજે એમ કહ્યું કે 'મને ખ્યાલ જ નહોતો કે આ મોર્ડન આર્ટ છે. આ મોર્ડન આર્ટમાં ક્રોસવર્ડની ડિઝાઇન જોતાં જ હું મારા ક્રોસવર્ડ પૂરવાના શોખને રોકી શકી નહીં. જેના લીધે મેં મારી પેનથી આ ક્રોસવર્ડ પઝલ પૂરી દીધી, મહેરબાની કરી મને માફ કરી દો....' આ વાંચતાની સાથે જ એમ માની રહ્યા હોવ કે આ કોઇ કાલ્પનિક ઘટના છે તો આપ અહીં થાપ ખાઇ રહ્યા છો. પાંચ મહિના અગાઉ જુલાઇમાં આ પ્રકારની વાસ્તવિક ઘટના બની હતી.
'મુન્નાભાઇ એમબીબીએસ' ફિલ્મમાં ડો. રુસ્તમ પાવરીના વયોવૃદ્ધ પિતાને કેરમ અને તેમાંની ક્વિન પાછળ એક પ્રકારનું ગાંડપણ દર્શાવવામાં આવ્યું છે. બસ, આવી જ રીતે મોટાભાગની દરેક વ્યક્તિઓના જીવનમાં કોઇ એક એવો શોખ હોય છે કે જેનો સાથ મળતાં તે ખરા અર્થમાં 'ધ્યાન'ની અવસ્થામાં સરી પડે છે. આપણે ઉપર જેમ કિસ્સો જોયો તેમ અનેક લોકો તે ૯૧ વર્ષના દાદીમા જેમ ક્રોસવર્ડ પૂરવાનો શોખ રાધર એક પ્રકારનું જનૂન ધરાવે છે. બરાબર ૧૦૬ વર્ષ અગાઉ એટલે કે ૨૧ ડિસેમ્બર ૧૯૧૩ના 'સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ' અખબારમાં વિશ્વનું સૌપ્રથમ ક્રોસવર્ડ પ્રકાશિત થયું હતું.
આમ, ૨૧ ડિસેમ્બરની ઉજવણી 'નેશનલ ક્રોસવર્ડ પઝલ ડે' તરીકે કરવામાં આવે છે. ક્રોસવર્ડ પઝલ કેવી રીતે શરૂ થઇ તેનો કિસ્સો પણ કોયડાના ઉકેલ જેટલો જ રસપ્રદ છે. હુઆ યું કી....પત્રકારત્વના પિતામહ એવા જોસેફ પુલિત્ઝર 'સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ'ના તંત્રી હતા ત્યાં સુધી આ અખબાર લોકપ્રિયતાની ચરમે પહોંચી ગયું હતું. ૧૯૧૧ના વર્ષમાં જોસેફ પુલિત્ઝરનું અવસાન થયું અને તેની સાથે જ અખબારના સર્કયુલેશનનો ગ્રાફ સતત નીચે ઊતરવા લાગ્યો. સર્કયુલેશનને ફરી પાટા પર લાવવા માટે જે નવી ટીમ તૈયાર કરવામાં આવી તેમાં પત્રકાર આર્થર વૈનને પણ સમાવેશ થતો હતો. આર્થર વૈન નોકરીમાં જોડાયા તેના થોડા જ દિવસોમાં તેમને બોસ દ્વારા આદેશ અપાયો કે, 'એવું કંઇક તૈયાર કરો કે વાંચકોને દિમાગ કસવું પડે'. આર્થર વૈન બીજા જ દિવસે શબ્દોના તાણાવાણા સમાન પઝલ તૈયાર કરીને આવ્યા અને તેને 'વર્ડ ક્રોસ' નામ આપવામાં આવ્યું.
આ પઝલે તો ત્યારબાદ લોકપ્રિયતાની તમામ સરહદ વટાવવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન બન્યું એમ કે એકવાર આર્થર વૈને પઝલ તૈયાર કરીને આપી દીધી પણ ટાઇપ સેટરે ઉતાવળમાં 'વર્ડ ક્રોસ' સ્થાને તેને 'ક્રોસવર્ડ' નામ આપી દીધું. આમ, અત્યારે જે ક્રોસવર્ડ નામ પ્રચલિત બન્યું તેનો જન્મ આકસ્મિક રીતે જ થયો છે. બીજા વિશ્વવયુદ્ધ વખતે તો બ્રિટન, ફ્રાન્સમાં ક્રોસવર્ડ ઉપર જ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. કેમકે, સરકારને એવી આશંકા હતી કે ક્રોસવર્ડથી દુશ્મનોને ગુપ્ત સંદેશો મોકલી શકાય છે. ક્રોસવર્ડના કોયડાનો ઉકેલ શું છે તે જણાવશો તો જ અમને આજે રાત્રે ઉંઘ આવશે તેવા 'સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ'માં મોડી રાત્રે આવતા વાચકોના ફોનથી જ ક્રોસવર્ડની લોકપ્રિયતાનો અંદાજ બાંધી શકાય છે.
૧૯૩૦ના દાયકામાં ક્રોસવર્ડના સિદ્ધાંતોને આધારે આલ્ફર્ડ મોશેર નામના આકટેક્ટે એક રમત તૈયાર કરી જેને આપણે આજે 'સ્ક્રેબલ' તરીકે ઓળખીએ છીએ. અમેરિકામાં છેલ્લા ૪૦ વર્ષથી ક્રોસવર્ડ પઝલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. ક્રોસવર્ડની શોધ ભલે અમેરિકાએ કરી હોય પણ સૌથી વધુ ક્રોસવર્ડ પઝલ તૈયાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બેંગલોરના એ.એન. પ્રહલાદરાવને નામે છે. આ જનાબે ૩૦ હજારથી વધુ ક્રોસવર્ડ પઝલ તૈયાર કરેલી છે.કુલ ૬૬,૬૬૬ ક્લુ સાથે સૌથી વિશાળ ક્રોસવર્ડ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ જાપાનને નામે છે. આ ક્રોસવર્ડને કુલ ૨૦ લોકોએ સાથે મળીને તૈયાર કરી હતી.
આજે આપણા દેશમાં અનેક લોકો ઘર, ઓફિસ, બસ, બીઆરટીએસ, ટ્રેન, લોકલમાં ક્રોસવર્ડ પઝલ પૂરતા જોવા મળે છે. એક સાંધ્ય અખબારે તો એવો નિયમ બનાવી દીધો હતો કે ક્રોસવર્ડ પઝલ કાયમ માટે સરળ બનાવવામાં આવે. કેમકે, દિવસ દરમિયાન બોસ-કસ્ટમરની ફટકાર સાંભળ્યા બાદ તે વ્યક્તિ ઘરે પરત ફરતી હોય ત્યારે ક્રોસવર્ડ આસાનીથી પૂરતી વખતે તેને એવી અનૂભૂતિ થવી જોઇએ કે આજે દિવસ દરમિયાન એ ક્યાંક તો જીત્યો!!