કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ઉંમર ગમે તેટલી કેમ ન થઇ ગઇ હોય પણ મુશ્કેલીનો પહાડ હોય ત્યારે હૃદયમાં એક અવાજ આવે, ''પપ્પા છે ને!?
- 21 જૂન : ફાધર્સ ડે
ત મે ક્યારેય નાટક જોવા ગયા છો?નાટકમાં મંચ પર રહેલા કલાકારો સૌને દેખાય છે. પણ એમના અભિનયના ઓજસ પાછળ બીજા ઘણા કામ કરતા હોય છે. દિગ્દર્શક, મેકઅપ આર્ટિસ્ટ, મંચ પર સેટ લગાડનાર માણસો, લાઇટ્સ આપનાર, સંગીતકાર વગેરે. આ તમામને મંચ પરના અભિનેતાઓની સરખામણીએ ક્રેડિટ મળતી જ નથી અને આ જ કારણે તેમને અનસંગ હીરો કહેવામાં આવે છે. જીવન જો રંગમંચ હોય તો તેમાં આપણા માટે આવા અનસંગ હીરો એટલે પપ્પા....
મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી. બાળપણમાં પિતાનું કઠોર સ્વરૂપ આપણે જોયું છે.પરંતુ રાત્રે આપણે સુતા પછી કેટલીયે વાર સુધી આપણાં માથે હાથ ફેરવતા એ કોમળ હાથથી આપણે અજાણ રહી જઈએ છીએ. આપણાં સપનાઓને ખરીદવા પપ્પા પોતાની ઊંઘ પણ ભૂલી જાય છે. બાળપણમાં રહેલો પિતાના નામનો ડર જીવનના એક તબક્કે ક્યારે તે આપણી જ હિંમતમાં તબ્દીલ થઇ જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. મહાભારતના યુદ્ધમાં જે રીતે ભગવાન કૃષ્ણને સારથી બનાવીને અર્જુન નિશ્ચિત થઇ ગયા હતા તેમ આપણા જીવનના સારથી એટલે પપ્પા. ઉંમર ગમે તેટલી કેમ ન થઇ ગઇ હોય પણ મુશ્કેલીનો પહાડ હોય ત્યારે હૃદયમાં એક અવાજ આવે, ''પપ્પા છે ને!? થઇ જશે બધું સરખું'' અને પપ્પા હંમેશા બધું સરખું કરી જ દે... એ પણ આપણને ખબર પડે નહીં એ રીતે...જીવનના આકરા તાપમાં વૃક્ષનો છાંયડો એટલે પપ્પા, જે પોતે તાપ સઘરો તાપ ઝીલી લે-જેથી તમને આરામ મળી રહે. જેમ શબ્દે શબ્દે મહાન નવલકથા, ઇંટે ઇંટે મહેલ ચણાય છે તેમ ક્ષણે-ક્ષણે પિતા પોતાના સંતોનામાં પરિપક્વતા-દૂનિયા સામે લડવાનો જોમ ચણતો રહે છે. માતા કરતા પિતા વધુ ઠપકો આપે છે પણ તેમાં એક દૂરંદેશી સમાયેલી હોય છે અને તે ફળનો મધુર સ્વાદ સંતાનને વર્ષો પછી ચાખવા મળે છે. કોઇ પણ વ્યક્તિના સિદ્ધિના ગમે તે શિખરે કેમ ના પહોંચે એના પિતા હયાત હોય ત્યાં સુધી તેની અંદરનો એક બાળક પણ જીવતો રહે છે. પિતાની વિદાય સાથે જ અંદરનો એ બાળક વિદાય લે છે અને તેની અંદરના પાકટ પુરુષનો જન્મ થાય છે. એનીવેઝ માતાના મહિમા વિશે કવિઓએ લખવામાં પાછું વાળીને જોયું નથી પરંતુ પિતા કે પપ્પા માટે કદાચ એટલું નથી લખાયું. આજે એવી ચૂનંદા રચનાઓનો રસાસ્વાદ માણીએ....
છડો હું હતો છોકરો છેક છોટો,પિતા પાળી પોષી મને કીધ મોટો. રૂડી રીતથી રાખતા રાજી રાજી,ભલા કેમ આભાર ભૂલું પિતાજી.ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણીત કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,ભલા કેમ આભાર ભૂલું પિતાજી. મને દેખી અત્યંત આનંદ લેતા, મુખે માગી વસ્તુ મને લાવી દેતા, પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,વડા વાંકમાં આવું તો રાંક જાણી, દીધો દંડ દેતાં દયા દિલ આણીત તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી.
-દલપતરામ
અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા, અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.
- ઉમાશંકર જોશી
જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાપેટી! પીળાં આડાં બરડ સઘળાં પૃ તૂટયાં ખૂણેથી પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં, પૃે પૃે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.
-ભગવતીકુમાર શર્મા
પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું! પપ્પા સહુના જીવતરનો મોંઘેરો કોઈ મોભ, પપ્પાએ કોઈ લાગણીઓનો ક્યાં રાખ્યો છે લોભ? આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું, પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું, ઝળહળ ઝળહળ દીવો થઈને પપ્પા ઘરમાં રહેતા, ભૂલ પડે ત્યાં આંગળી પકડી મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.પપ્પાની એ કરડી આંખે થરથરથર સહુ કાંપે, પણ હેત ભરેલું વાવાઝોડું બેઠું કાયમ ઝાંપે, હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
-હિરેન મહેતા









