જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે, તમે ગયા છો, તમારાથી ક્યાં જવાયું છે ?

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સતત સંગાથ રહે તો પ્રેમનો અપચો થઇ જાય. પ્રેમના સમિકરણમાં વિરહનો રંગ પણ એટલો જ મહત્ત્વનો છે
- 14 ફેબ્રુઆરી
- વેલેન્ટાઈન ડે
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછયું : લે બોલ, હવે તું.
પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછયું : લે બોલ, હવે તું.
ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવારથ એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછયું : લે બોલ, હવે તું.
સ્વ. રમેશ પારેખના આ કાવ્યમાં વિરહીણી નારીની મનોવ્યથાને પ્રશ્નોના રૂપમાં રજૂ કરવામાં આવી છે. એક મશહૂર ક્વોટ છે કે, 'લવ ઈઝ ટેમ્પરરી મેડનેસ, ક્યોર્ડ બાય મેરેજ.' અથાત્, પ્રેમ એ કામચલાઉન પાગલપન છે, જેમાં લગ્ન પછી જ સાજા થવાય છે. માણસ પ્રેમ કરે, એટલે સતત સંગાથની ભૂખ જાગે. સતત સંગાથ રહે તો પ્રેમનો અપચો થઇ જાય. પ્રેમના સમિકરણમાં વિરહનો રંગ પણ એટલો જ મહત્ત્વનો છે. આ વિરહમાંથી જ કેટલીક ઐતિહાસિક વિરાસતો પણ મળેલી છે. જેમાં તાજ મહલ, પૂણેના મસ્તાની મહલ, હુમાયુના મકબરા, મધ્ય પ્રદેશના રૂપમતિ મહેલ, રાજસ્થાનના પદ્મિની મહેલ અને ગુજરાતના પાટણમાંથી રાણકી વાવનો સમાવેશ થાય છે. પાટણની ઐતિહાસિક રાણકી વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે. જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકાર દ્વારા ૧૦૦ની ચલણી નોટ પર ફોટો મૂકી ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે. અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે. તેને તળપદી ભાષામાં 'રોણીની વાવ' કહે છે.
ઇતિહાસના પાને નોંધાયેલી હકીકત અનુસાર નવસો-હજાર વર્ષ જૂની આ વાવ સોલંકી (મૂળ નામ ચૌલુક્ય) કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદયામતીએ બંધાવી હતી. યુરોપમાં જ્યારે અંધકાર યુગ હતો ત્યારે ગુજરાતના એ ખૂણે અંધારા ઉલેચીને શિલ્પ-સ્થાપત્ય-કળા-સૌંદર્યના ઉત્તમોત્તમ નમૂના જેવી વાવ તૈયાર બની હતી. 'પ્રબંધચિંતામણી'માં નોંધાયેલા ઈતિહાસ પ્રમાણે ૮૦૦થી વધારે શિલ્પો ધરાવતી વાવનું બાંધકામ ૧૦૨૨થી ૧૦૬૩ વચ્ચે થયુ હતું. શિલ્પશાસ્ત્ર મુજબ નંદા પ્રકારની આ વાવની પહોળાઈ ૬૫ ફીટ, લંબાઈ ૨૧૩ ફીટ અને ઊંડાઈ ૯૨ ફીટ જેટલી છે. રાણીની વાવ પૂર્વ-પશ્વિમ ૬પ મીટર લાંબી, ઉત્તર દક્ષિણ ૨૦ મીટર પહોળી અને ૧૩ મીટરની ઊંડાઈ ધરાવે છે. વાવમાં કુલ પ૦૦ મૂર્તિઓ છે. જમીનની સપાટીથી શરૂ થતા પગથિયાં શીતળ હવામાં થઈને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ પણ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જોવા મળે છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે. વાવ તો ધૂળમાં મળી હતી, સદીઓ સુધી દટાયેલી રહી હતી. ૧૯૬૮માં પુરાતત્ત્વખાતાએ ઉત્ખનન કર્યું ત્યારે પાતાળ ચીરીને જાણે બહાર નીકળી હતી. ઉત્ખનન વખતે વાવમાંથી રાણી ઉદયામતીની મૂર્તિ પણ મળી આવી હતી. એવું કહેવાય છે કે, આ વાવમાં પાણી ટકતું નથી. તેનું વૈજ્ઞાાાનિક કારણ જે હોય એ પણ તેની પાછળ એક માન્યતા છે. એ મુજબ ઓડ જાતિની એક યુવતી જસમા પર રાજા સિદ્ધરાજ મોહી પડયા હતા. પણ જસમા સિદ્ધરાજ સાથે જવા તૈયાર ન થઈ એટલે રાજાએ તેના પર અત્યાચાર શરૂ કર્યો. એ વખતે તળાવનું પુન:બાંધકામ થઈ રહ્યુ હતું. જસમાએ સિદ્ધરાજને શ્રાપ આપ્યો હતો કે તું જે ઉદ્દેશ (એટલે પાણી સંગ્રહ) માટે તળાવ બંધાવે છે એમાં અને આસપાસ આવેલા અન્ય જળાશયો (જેમા આ વાવ આવી જાય))માં ક્યારેય પાણી ટકશે જ નહીં.
પ્રેમનું આવું જ એક પ્રતિક એટલે રૂપમતિ મહેલ. મધ્યપ્રદેશનાં માંડુમાં આવેલો રાણી રૂપમતિનો મહેલ પ્રેમનું પ્રતીક છે. પ્રેમીયુગલો આ મહેલ જોવા માટે માંડુનો પ્રવાસ કરે છે. ૧૧૯૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ મહેલનું થોડા વર્ષો પહેલાં સમારકામ કરાયું હતું. કથા પ્રમાણે માળવાના સુલતાન બાજબહાદુરે રાણી રૂપમતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ ઊંચાઈએ આ મહેલ બંધાવ્યો હતો. એવું પણ કહેવાય છે કે રાણી રૂપમતિને સવારે ઉઠીને નર્મદાના દર્શન કરવાનું વ્રત હતું. મા નર્મદાના દર્શન કર્યા પછી જ રાણી અન્ન-જળ ગ્રહણ કરતાં હતાં. રાણી તુરંત નર્મદાદર્શન કરી શકે એ માટે પણ ઊંચાઈએ મહેલ બાંધવામાં આવ્યો હતો. રૂપમતિ ખૂબ જ સુંદર અને
બુદ્ધિમાન હતાં. ૧૫૫૫થી ૧૫૬૨ દરમિયાન માળવાના સુલતાન રહેલા બાઝબહાદુર તેમના સૌંદર્ય અને બુદ્ધિમત્તાથી આકર્ષાયા હતા. રાણી ઉર્મિકાવ્યોનું સર્જન પણ કરતાં હતાં. રૂપમતિના કાવ્ય-ગાયનથી આકર્ષાઈને બાઝબહાદુરે તેમની સાથે લગ્ન કર્યા હતા. કથા તો એવી પણ છે કે અકબરની સેનાએ આદમ ખાનની આગેવાનીમાં માળવા પર આક્રમણ કર્યું હતું. આદમ ખાન રાણીના સૌંદર્યથી આકર્ષાયો હતો અને તેણે રાણીને મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પોતાની જાતને આદમ ખાનથી બચાવવા માટે રાણીએ જીવની આહૂતિ આપી દીધી હતી. લોકકથાઓ પ્રમાણે આદમ ખાનથી હારી ગયેલો બાઝબહાદુર થોડાંક વર્ષો પછી અકબરના દરબારમાં દરબારી બની ગયો હતો. જ્યારે તેનો અંતિમ સમય આવ્યો ત્યારે તેણે રૂપમતિની નજીક દફનાવવાની વિનંતી કરી હતી. સારંગપુર નજીક બંનેની કબર હોવાનું મનાય છે. રાણી રૂપમતિની મજાર પર શહીદે વફા અને બાઝબહાદુરની મજાર પર આશિકે સાદિક લખવામાં આવ્યું હતું.
રાજસ્થાનના ચિત્તોડગઢની બરાબર વચ્ચે સૂર્યકુંડની પાસે રાણી પદ્માવતી માટે બાંધવાનો આવેલો મહેલ છે. એ મહેલ આજે પદ્મિની મહેલના નામથી ઓળખાય છે. મહેલ ૧૩મી સદીના અંતમાં બંધાયો હોવાનું કહેવાય છે. 'પદ્મિની મહેલ' આજેય જર્જરિત હાલતમાં ચિત્તોડગઢમાં સાબૂત છે. રાજા રતનસિંહે પદ્માવતી સાથે લગ્ન કર્યા પછી ખાસ તેમના માટે અલગ અલગ ઋતુ પ્રમાણે રહેવાની વ્યવસ્થા કરીને ત્રણ મહેલો બંધાવ્યા હતા. એક મહેલ તળાવને કાંઠે છે. જેના એક ખંડમાં આજેય ત્રણ દર્પણ રાખવામાં આવ્યા છે. ખંડમાં ત્રણ મોટી બારી છે. દર્પણમાં જોનારનું પ્રતિબિંબ બારીમાંથી તળાવમાં પડે છે. એક કથા એવી છે કે આ ખંડમાંથી જ રાણી પદ્મિનીએ તળાવમાં પોતાના સુંદર મુખનું પ્રતિબિંબ પાડયું હતું.ચિત્તોડમાં જ્યાં કીર્તિસ્તંભ છે તેની ડાબી તરફના તળાવના કાંઠે બે નાનકડી ગુફા છે. એક ગુફામાં શિવલિંગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. તો બીજી ગુફામાં રાણી પદ્મિનીની ભીંતમાં કોતરેલી મૂર્તિ છે. દર્પણમાં ચહેરો જોતી હોય એવી પદ્મિનીની મૂર્તિના દર્શન ચિત્તોડ અને આસપાસના યુવાનો સારી પત્ની મળે તે માટે કરે છે.
(શિર્ષક પંક્તિ : રમેશ પારેખ)








