પુત્રનું અવસાન અને ભારતને મળ્યાં 'બ્લડ ડોનેશન લેડી'

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સામાન્ય પુખ્ત વ્યક્તિના શરીરમાં આશરે 4.5 થી 5.5 લિટર રક્ત હોય છે. રક્તદાન દરમિયાન માત્ર 350 થી 450 મિલી રક્ત લેવામાં આવે છે
- 14 જૂન
- બ્લડ ડોનર્સ ડે
ર ક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવેત ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી, મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને, નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને...-ઝવેરચંદ મેઘાણી ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં, કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં, આપણને આદિ કાળથી અકળાવતું હતું લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં, પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો, એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં....-અમૃત ઘાયલ અલગ-અલગ રસ ધરાવતા આ બંને કાવ્યમાં કોઇ સમાન તત્વ હોય તો તે રક્ત છે. વાત એમ છે કે, દર વર્ષે ૧૪ જૂનની ઉજવણી 'બ્લડ ડોનર્સ ડે' તરીકે કરવામાં આવે છે. ''રક્તદાન એ મહાદાન'' - આ વાક્ય આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ ખરેખર વિચારીએ તો માણસ પાસે એવી ઘણી વસ્તુઓ નથી જે પોતે આપ્યા પછી ફરીથી કુદરતી રીતે મળી જાય.
રક્ત એ એવી અમૂલ્ય ભેટ છે જે આપનારને પણ નુકસાન કરતી નથી અને મેળવનારને નવું જીવન આપી શકે છે. અકસ્માત, સર્જરી, પ્રસૂતિ, થેલેસેમિયા, કેન્સર અને અનેક ગંભીર બીમારીઓમાં રક્ત જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે.
આજે બ્લડ બેંક અને રક્તદાન શિબિરો સામાન્ય બાબત લાગે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે રક્ત વિશે માણસને બહુ ઓછી જાણકારી હતી. ૧૭મી સદીમાં વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ વચ્ચે રક્ત ચઢાવવાના પ્રયોગો શરૂ કર્યા હતા. જોકે, તે ઘણીવાર નિષ્ફળ જતા.
૧૯૦૧માં ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડટેનરે એ,બી,ઓ બ્લડ ગુ્રપ સિસ્ટમની શોધ કરી હતી. આ શોધે ચિકિત્સા જગતમાં ક્રાંતિ સર્જી. ત્યારબાદ સમજાયું કે દરેકનું રક્ત એકસરખું નથી અને યોગ્ય બ્લડ ગુ્રપનું રક્ત જ સુરક્ષિત રીતે ચઢાવી શકાય.
વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોને બચાવવા માટે રક્ત સંગ્રહ અને રક્તદાનની વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી. ધીમે ધીમે વિશ્વભરમાં બ્લડ બેંકો સ્થાપિત થઈ અને આજે લાખો લોકોનું જીવન સ્વૈચ્છિક રક્તદાન દ્વારા બચી રહ્યું છે.
સામાન્ય પુખ્ત વ્યક્તિના શરીરમાં આશરે ૪.૫ થી ૫.૫ લિટર રક્ત હોય છે. રક્તદાન દરમિયાન માત્ર ૩૫૦ થી ૪૫૦ મિલી રક્ત લેવામાં આવે છે, જે શરીરના કુલ રક્તનો નાનો ભાગ છે. શરીર થોડા દિવસોમાં પ્લાઝમા અને થોડા અઠવાડિયામાં લાલ રક્તકણોની ભરપાઈ કરી દે છે.લાલ રક્તકણોની ભરપાઈ થવામાં સામાન્ય રીતે ૪ થી ૮ અઠવાડિયા લાગે છે. તેથી જ પુરુષોને સામાન્ય રીતે દર ૩ મહિને અને મહિલાઓને દર ૪ મહિને રક્તદાન કરવાની સલાહ આપવામાં આવે છે. હવે આપણા દેશની વાત કરવામાં આવે તો, ભારતમાં રક્તદાનનો ઇતિહાસ લગભગ ૮૦ વર્ષથી વધુ જૂનો છે. તેની શરૂઆત માનવતાના કાર્ય તરીકે નહીં, પરંતુ યુદ્ધકાળની તાત્કાલિક જરૂરિયાત તરીકે થઈ હતી.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (૧૯૩૯-૪૫) મોટી સંખ્યામાં ઘાયલ સૈનિકોને રક્તની જરૂર પડતી હતી. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતમાં પ્રથમ બ્લડ બેંકની સ્થાપના માર્ચ ૧૯૩૯ કોલકાતા ખાતે કરવામાં આવી હતી. તેનું સંચાલન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું હતું. એ વખતે મોટાભાગના દાતાઓ સરકારી કર્મચારીઓ અને એંગ્લો-ઇન્ડિયન સમુદાયના લોકો હતા, જે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરતા હતા. અલબત્ત, વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સ્વૈચ્છિક દાતાઓની સંખ્યા ઘટી ગઈ. લોકો માનતા કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જશે, ગંભીર બીમારી થઈ શકે છે અથવા આયુષ્ય ઘટી જશે. ઘણા લોકો તો પોતાના પરિવારજનો માટે પણ રક્ત આપવા તૈયાર થતા નહોતા. તે સમયગાળામાં હોસ્પિટલો ઘણીવાર ''રિપ્લેસમેન્ટ ડોનર'' અથવા ચૂકવણી કરીને રક્ત આપતા લોકો પર નિર્ભર રહેતી હતી. પરિણામે સુરક્ષિત અને સમયસર રક્ત મળવું મુશ્કેલ બનતું.
અહીંથી એન્ટ્રી થઇ ભારતનાં બ્લડ ડોનેશન લેડી લીલા મુલગાંવકરની. તેમણે ઓછા રક્તદાનને માત્ર સમસ્યા તરીકે નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે જોઈ.તેમના પતિ સુમંત મુલગાંવકર ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને ટેલ્કોના ચેરમેન હતા.ઘણી વખત અંગત જીવનમાં સર્જાતી કરૂણ ઘટના ક્રાંતિનું પ્રતિક બની જાય છે. લીલા મુલગાંવકરના પુત્રને એક અકસ્માત બાદ તાત્કાલિક રક્તની જરૂર પડી હતી. તે સમયે યોગ્ય દાતા શોધવામાં ભારે મુશ્કેલી પડી. આ ઘટનાએ તેમને ઊંડે સુધી સ્પર્શી. તેમણે વિચાર્યું કે જો એક પ્રતિતિ પરિવારને આ
મુશ્કેલી પડે છે, તો સામાન્ય માણસની સ્થિતિ કેટલી કઠિન હશે? આ પ્રશ્નનો જવાબ શોધતાં શોધતાં તેમણે પોતાનું જીવન જ રક્તદાન જાગૃતિ માટે સમર્પિત કરી દીધું.૧૯૫૪માં તેમણે મુંબઈમાં સ્વૈચ્છિક રક્તદાન અભિયાન શરૂ કર્યું. શરૂઆતમાં તેમને લોકોનો વિશ્વાસ જીતવો પડયો.તેઓ ક્લબો, શાળાઓ, કોલેજો, ફેક્ટરીઓ અને સામાજિક સંસ્થાઓમાં જઈને સમજાવતા : ''રક્તદાન કરવાથી રક્ત ઘટતું નથી, જીવન વધે છે....રક્ત માનવ શરીરની સંપત્તિ છે, બજારમાં વેચાતી વસ્તુ નથી.'' તેમના અભિયાનોના કારણે સ્વૈચ્છિક અને નિ:શુલ્ક રક્તદાનનો વિચાર મજબૂત બન્યો, જે બાદમાં ભારતની રાષ્ટ્રીય નીતિનો મહત્વપૂર્ણ ભાગ બન્યો.૧૯૬૩માં ભારત સરકારે તેમને દેશના પ્રતિતિ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજ્યા હતા. પરંતુ તેમના માટે સૌથી મોટો પુરસ્કાર એ હતો કે દરરોજ કોઈ દર્દીને સમયસર રક્ત મળી રહે, તેમની વારસો આજે પણ જીવંત છે. સૃષ્ટિ અને સમાજે આપણને ઘણું આપ્યું છે તો વર્ષગાંઠ, એનિવર્સરી જેવા મહત્ત્વના દિવસે વૃક્ષારોપણ સાથે રક્તદાન કરી આપણું ણ ઉતારવા પ્રયાસ કરીએ તો કેવું રહેશે...?









